૨૦૫૦ સુધીમાં ભારતમાં હવાનાં પ્રદૂષણને કારણે થતાં મૃત્યુનો આંકડો વર્ષે ૩.૬ મિલિયન સુધી પહોંચશે
તાજેતરમાં લંડનની યુનિવર્સિટી કૉલેજમાં થયેલા એક અભ્યાસ અનુસાર જે વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર બહુ વધારે હોય ત્યાં રહેનારાઓને ગ્લુકોમાની તકલીફ થવાની શક્યતાઓ વધી જાય છે. આ સમાચાર વાંચીને મોટે ભાગે તો આપણા પેટનું પાણી પણ નથી હાલવાનું કારણ કે આપણે આપણા સલામત ઘરમાં છાપું પકડીને બેઠા છીએ અને રવિવારની સવાર માણી રહ્યાં છીએ. દિલ્હીમાં હવાનાં પ્રદૂષણનાં હાલ વિષે જેને ખબર હોય એને આમ નહિવત્ કહી શકાય તેવો વિચાર ફરકી જાય કદાચ કે, ‘માળું દિલ્હીવાળાને હવે આ ય નડવાનું’ પણ બસ ત્યાં આ વિચાર અને વાત અટકી જવાના. અહીં જ આપણે થાપ ખાઇએ છીએ.
આ કિસ્સામાં આપણે ‘દિલ્હી અભી દૂર હૈ’માંથી આપણે ‘અભી’ શબ્દ કાઢીને નિરાંતનો ‘ચોખ્ખો’ શ્વાસ લઇએ છીએ કે આપણને આમાંનું કશું ય લાગતું વળગતું નથી. આ અભિગમ એ બહુ મોટી ભૂલની હરણફાળ છીએ. આપણાં દેશની ઉત્તર દિશા ધૂંધળી, મેલી અને પ્રદૂષણથી ખદબદી રહી છે પણ એ રાજકારણને કારણે નહીં, હવાની સતત બગડી રહેલી ગુણવત્તાને કારણે. દુનિયાનાં સૌથી વધુ પ્રદૂષિત દેશોની યાદીમાં આપણે ત્રીજા નંબરે છીએ અને આપણી રાજધાની દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત રાજધાનીઓની યાદીમાં મોખરે છે. દિલ્હીમાં હવાનાં પ્રદૂષણને પગલે ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરાઇ છે તો શાળા બંધ રાખવાની ફરજ પણ પડી ચૂકી છે. સરકારી અધિકારીઓ અને વડાપ્રધાનની કચેરીમાં ૨૦૧૭ સુધીમાં જાહેર જનતાનાં નાણાંથી એર પ્યુરિફાયર્સની ખરીદી પણ થઇ ચૂકી હતી, પણ આમ જનતાને આ જોખમમાંથી કોઇ રાહત નથી મળી રહી. આ પરિસ્થિતિ હવા પ્રદૂષણનાં ઉકેલ માટે જરૂરી ગંભીરતા પૂરી પાડે છે પણ છતાં ય આ સમસ્યાનાં ઉકેલની દિશામાં બહુ મોટા પાયે કંઇ થતું હોવાનું હજી નજરે નથી ચઢ્યું.
આજકાલ અખબારોમાં અને અન્ય પ્રસાર માધ્યમોમાં એર પ્યુરિફાયરની જાહેરાતો અને તે અંગે લખાણો આવવાં માંડ્યાં છે અને તે પૂરતી સાબિતી છે કે આપણે પ્રદૂષણનાં સંકજામમાં કઇ હદે સપડાઇ ચૂક્યાં છીએ. તમારા અને મારા ઘરમાં પ્રદૂષણની હેરાનગતિ નથી એટલે આપણે તેનાંથી બચ્યાં છીએ કે બચેલાં રહેશું એવું માની લેવાની ગુસ્તાખી ન કરીએ તો વધારે સારું. શહેરી વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ મોટે ભાગે ટ્રાફિક, અશ્મિગત ઇંધણ, પાવર પ્લાન્ટ્સ, ખેતી અને વેસ્ટ મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન અને ઉદ્યોગોને કારણે ફેલાતું હોય છે. દિલ્હીની આસપાસ કોલસાથી ચાલતાં પ્લાન્ટ્સ ઘણાં છે તો પંજાબમાં ખેડૂતો નકામી કુશકી અને ધાનનો કચરો બાળે છે તે પણ હવાનાં પ્રદૂષણમાં મોટો વધારે કરે છે.
હવાનાં પ્રદૂષણનું સ્તર મોટે ભાગે તેમાં રહેલા હાનિકારક કણોનાં પ્રમાણને આધારે માપવામાં આવે છે. આપણો ગ્રહ અત્યારે હૉલીવૂડની ફિલ્મોમાં જે વિનાશ નોતરાતો દેખાડાય છે સ્થિતિ તરફ ધસતો હોવાની શરૂઆત થવા માંડી છે અને આ માટે એક માત્ર જવાબદાર માણસજાત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનનાં મતે દુનિયા આખીમાં હવાનું સ્તર કથળી રહ્યું છે અને તેને કારણે થતાં અપમૃત્યુનો આંકડો સાત મિલિયને પહોંચ્યો છે. હવાનાં પ્રદૂષણને પગલે વિશ્વ આખાનાં અર્થતંત્ર, ખાદ્ય સલામતી અને ક્લાઇમેટ પર જોખમ તોળાઇ રહ્યું છે. પાણીમાં પ્રદૂષણ થાય ત્યારે એ આંખોમાં કણાની જેમ ખૂંચે છે કારણ કે એ નરી આંખે જોઇ શકાય છે. હવાનાં મામલે આમ નથી થતું એટલે હવા પ્રદૂષણની ગંભીરતા સમજવામાં આપણે પાછા પડીએ છીએ. એમેઝોનનાં જંગલોની આગ હોય કે પછી કેલિફોર્નિયા કે પછી ઇન્ડોનેશિયામાં આ ઉનાળે લેન્ડ ક્લિયરન્સની આગ હોય આ બધાંને પગલે આકાશનો દેખાવ કેવો થયો હતો તેનાં દ્રશ્યો ભુલાય એમ નથી. તમને ફરી એમ થશે કે બૉસ, આપણાં જંગલોમાં ક્યાં આવું થયું છે તે આપણે ચિંતા કરીએ. ચિંતાની વાત તો જરૂર છે કારણ કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ૨૦૫૦ સુધીમાં ભારતમાં હવાનાં પ્રદૂષણને કારણે થતાં મૃત્યુનો આંકડો વર્ષે ૩.૬ મિલિયન સુધી પહોંચશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર દસમાંથી નવ જણ હવાનાં પ્રદૂષણનાં જોખમી સ્તરનાં પ્રભાવમાં આવે છે, પછી ભલેને તમે દુનિયાનાં કોઇ પણ ખૂણે કેમ ન રહેતા હો.
નેશલન ક્લિન એયર પ્રોગ્રામ અનુસાર ભારતમાં ૧૨૯ શહેરો છે જેની હવામાં હાઇ પાર્ટીક્યુલેટ કોન્સટ્રેશન એટલે કે હાનિ પહોંચાડે તેવા કણોની હાજરી છે. પ્રદૂષણ માત્ર ઉત્તર ભારત પૂરતું નથી પણ ચેન્નઇમાં પણ હવા પ્રદૂષણને કારણે લોકોને શ્વાચ્છોશ્વાસમાં તકલીફ થઇ હોવાનાં સમાચાર આવ્યા છે. આ પ્રદૂષણ સામે પગલાં લેવા માટે આપણી વર્તમાન નીતિ પાછી પડે એમ છે. સરકારે હવા પ્રદૂષણ સામે લડવા માટે કેન્દ્રિય નીતિ બનાવીને તેનું અમલીકરણ પ્રદૂષણથી હેરાન થઇ રહેલાં બધાં જ રાજ્યોમાં થાય તેની તકેદારી રાખવી પડશે. કેન્દ્ર સરકાર આ મામલે દોષનો ટોપલો રાજ્ય સરકાર પર ઢોળી દેશે તો સમસ્યાનો ઉકેલ તો નથી જ આવવાનો. ફેફસાં કે હ્રદયની બિમારીથી થતાં એક તૃતિયાંશ મૃત્યુ હવાનાં પ્રદૂષણને કારણે થયાં હોય છે. પાકિસ્તાનની હવાની હાલત પણ કથળેલી છે. તાજેતરમાં સુપ્રિમ કોર્ટે હવાનાં પ્રદૂષણ સામે કડક પગલાં ન લેવાતા હોવાની વાતે રાજ્ય અને સ્થાનિક સત્તાધીશો તથા સરકારને આકરી ભાષામાં ઝાટક્યાં છે. એ જજે તો ત્યાં સુધી કહ્યું કે કોથળામાં દારૂગોળો ભરીને બધાંને એક સાથે જ મારી નાખો, શા માટે આવી રીતે લોકોએ વેઠવું જોઇએ.
વિકાસશીલ દેશ હોવાને નાતે આપણે ગામડાંઓમાં બાળવામાં આવતા કચરા, રાંધવામાં બાયોમાસ અને અશ્મિગત ઇંધણનાં ઉપયોગ, કેરોસિનનો ઉપયોગ વગેરે ટાળી શકાય તે દિશામાં કામ કરવું રહ્યું. સૌર ઉર્જાનો વધુમાં વધુ વપરાશ તો શહેરોમાં ઇલેક્ટ્રીક વાહનોનાં ઉપયોગ પર ભાર મૂકવા જેવાં પરિવર્તનો પરિસ્થિતિને બદલશે. આ પરિવર્તન ધીમું ચોક્કસ હોઇ શકે છે પણ સરકાર આ મુદ્દાને વધારે ગંભીરતાથી લે તો તેનું પરિણામ ચોક્કસ મળશે. હાઇબ્રિડ કાર્સની કિંમતો અને કરવેરામાં હળવાશ લોકોને એ દિશામાં વિચારતાં કરશે.
જે રીતે ૨૦૧૩માં ચીને પ્રદૂષણની સમસ્યાને નિયંત્રણમાં લાવવા માટે તત્કાલ પગલાં ભર્યા હતાં તેવું જ ભારત સરકારે પણ કરવું પડશે. ૨૦૧૩ની શરૂઆતમાં ચીનની સરકારને પ્રદૂષણનાં જોખમની ગંભીરતા સમજાતાં તરત જ સરકારે ૨૭૭ બિલિયન ડૉલર્સ(ભારતનાં વર્તમાન અર્થતંત્રનો દસમો હિસ્સો)ની યોજના જાહેર કરી જે ૨૦૧૭ સુધીમાં આખા દેશ પર લાગુ કરવાની હતી. કોલસાથી ચાલતાં નવાં શરૂ થયેલાં બોઇલર પ્લાન્ટ્સ પર પ્રતિબંધ મુકાયો તો જૂનાં પર કાર્બન એમિશન ઘટાડવાની હુકમ ફરમાવાયો. આયર્ન અને સ્ટીલનાં પ્લાન્ટ્સને ઉત્પાદન ઘટાડવાનું કહેવાયું તથા મોટાં શહેરોમાં હાઇ-એમિશન વાહનો પર પ્રતિબંધ મુકાયો. ૨૦૧૭માં ચીનનાં વિવિધ વિસ્તારોમાં હવાનાં પ્રદૂષણમાં ૩૬ ટકાથી મમાંડીને ૪૧ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. યુ.એસ.એ.ને સિત્તેરનાં દાયકામાં લાગુ કરાયેલા ક્લિન એયર એક્ટ પછી સંજોગોને કાબૂમાં લાવતા લગભગ એક દાયકા જેટલો સમય લાગ્યો હતો. યુનાઇટેડ કિંગ્ડમમાં આ ધારો ૧૯૫૬માં લાગુ કરાયો કારણ કે ૧૯૫૨માં તેમણે લંડનમાં ગ્રેટ સ્મોગની સ્થિતિ વેઠવી પડી હતી. આપણે ત્યાં આ ધારો ૧૯૮૧થી છે પણ તેનાથી આપણે અત્યારની પરિસ્થિતિથી બચી નથી શક્યાં. હવાનું પ્રદૂષણ સિઝનલ સમસ્યા ભલે વર્તાતી હોય પણ તેની અસર લાંબો સમય રહે અને લોકોનાં સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. હવા પ્રદૂષણનાં ઘણાં કારણો ગ્લોબલ વૉર્મિંગનાં કારણ પણ છે એટલે જો આ પ્રશ્ન ઉકેલાય તો ક્લાઇમેટની કટોકટીમાં પરિવર્તન લાવવામાં પણ આપણું યોગદાન હોઇ શકે છે.
બાય ધી વેઃ
દિલ્હીની સરખામણી ગેસ ચેમ્બર્સ સાથે થઇ ચૂકી છે અને દુનિયા આખી માટે ભારતનું ‘સ્મોગ’ ઠેકડી ઉડાડવાનો મુદ્દો બની ચૂક્યું છે તેમ પણ સુપ્રિમ કોર્ટે કહ્યું છે. આમ તો ભારતે આ વર્ષે ધી ક્લાઇમેટ એન્ડ ક્લિન એયર કોએલિશનનો હિસ્સો બનીને આ સમસ્યાનાં ઉકેલ તરફ પ્રયાણ ચોક્કસ ભર્યું છે પણ છતાં ય કેન્દ્ર સરકારે લાંબા ગાળાનો અને સસ્ટેનેબલ ઉકેલ શોધવો રહ્યો. માત્ર કોઇ યોજનાનો હિસ્સો બનવાથી સમસ્યાઓ નથી ઉકેલાઇ જતી. ભારત રાતોરાત ચીનની માફક બધું બદલી નહીં શકે પણ હવા પ્રદૂષણ નામનાં આ ન વર્તાતા હત્યારા સામેની લડતનો નિર્ણય વધુ મક્કમ કરવાની જરૂર છે. ચેતવણીમાંથી જોખમનાં સ્તરે તો આપણે આવી પહોંચ્યા છે હજી કેટલાં ફેફસાં અને હ્રદય નબળા પડવા દઇશું?
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ડિસેમ્બર 2019