courtesy : Satish Acharya, 24 December 2109
courtesy : Satish Acharya, 24 December 2109
જીવનમૂલ્યશ્રેણી : ૭ :
પહેલી વાર ‘પૃથક્કરણ’ શબ્દ સાંભળ્યો ત્યારે લખતી વખતે ‘પૃથ્થકરણ’ લખેલું. માધ્યમિકમાં અમારા સંસ્કૃતના સાહેબ ‘પ્રિયવંદા’ બોલતા. પછી તો લોકોને મેં ‘શંકુતલા’ ને ‘કુનંદિકા’ બોલતા પણ સાંભળેલા … શું કરવાનું?
પણ આ ‘પૃથક્કરણ’ આજે મને વળગ્યો છે, થાય છે એનું જ બસ પૃથક્કરણ કરી લઉં. પૃથક્ એટલે છૂટું જુદું અલગ. છૂટું કે જુદું કે અલગ કરીએ તેને પૃથક્કરણ કર્યું કહેવાય. વાત એમ છે કે દિવસમાં કેટલીયે વાર પૃથક્કરણની જરૂર પડે છે. થઈ જાય એટલે જીવને સારું લાગે છે. પૃથક્કરણ એક જીવનમૂલ્ય છે. એને 'વિશ્લેષણ' પણ કહીએ છીએ. અંગ્રેજીમાં એને 'ઍનાલિસિસ' કહે છે.
ટ્રમ્પસાહેબના ઇમ્પીચમૅન્ટની તલાશ ઘણા વખતથી ચાલતી’તી. પૃથક્કરણ-ખચિત હતી. ખૂબ ગૂંચવાઈ ગયેલી. પણ કાલે નીવેડો આવી ગયો – ટ્રમ્પ ઇઝ ઇમ્પીચ્ડ્ ! સંખ્યાબંધ અમેરિકનો ખુશ થયા, કેટલાક નારાજ થયા.
ઉતરાણ વખતે પતંગના દોરાની ગૂંચ પડી જતી. મારો સમય તો એ ઉકેલવામાં જ વપરાઈ જતો. પણ મારી સાથીને એની ચિન્તા નહીં, એ તો દાંતથી ‘કચ્ચ’ દઈને ગૂંચનું ગૂંચડું કાપી ફગાવી દેતી. આમ ‘સાથી’ લખીએ કે બોલીએ એટલે આપણું હિત તાકીને બેઠેલું સ્વજન – ભાઈ કે બાઈ – તરત પૂછે – કોણ હતી એ તમારી સાઆથીઇઇ? સાથી-નો ‘આ’ અને ‘ઇ’ અમુક અર્થમાં લંબાવે તે હું સમજી જતો. પણ કશું કહેતો નહીં. એ સ્વજન મળે એટલી વખતે પૂછે, હજી પણ અવારનવાર મળે છે, પૂછે છે – કોણ હતી એ સાઆથીઇઇ? હું કહેતો નથી ને એ પૂછ્યા કરે છે. ગૂંચ છે કેમ કે કહેવા બેસું તો એ સાથી ‘સાથી’ શી રીતે થયાથી માંડીને આખી લઘુનવલ કે નવલ કહી બતાવવી પડે …
પણ એ પ્રકારે અમારી વચ્ચે હળવી તો હળવી પણ પૃથક્કરણકરવાજોગી ગૂંચ પડી ગયેલી છે. હું ઉકેલતો નથી કેમ કે આ ગૂંચ રમ્ય છે. એવી કે અડે કે તરત માણસને ગલગલિયાં થતાં હોય છે. અંદર મજા આવતી હોય છે. પૂછનારને પણ કંઈક એવું જ થતું હશે …
પણ કેટલીક ગૂંચોથી માણસોને જરા પણ સારું નથી લાગતું. માથાનો દુખાવો બની બેસે છે. મનુષ્યપ્રાણીને એ અંદર બહાર બધે દમે છે, કાપે છે. પંપાળ્યા કરીએ એવો ચચરાટ પેદા થાય છે. પૃથક્કરણથી ગૂંચને ઉકેલી નાખીએ એટલે માથાનો એ દુખાવો મટી જાય ખરો.
પ્રેમ જ્યાં નથી હોતો ત્યાં ગૂંચ પડે જ છે. બે પ્રેમી કહેવાતાં વચ્ચે એક જ વાત ચાલ્યા કરે છે – મૅરેજ ક્યારે કરાશે? – એની જોડે બ્રેકઅપ કરીશ, ક્યારે? – તારા પપ્પા ના પાડે છે તો, છૂટાં પડવું છે? વગેરે. ઝટ ઉત્તર ન મળે, મળે તો જૂઠો હોય, શંકા પડે, ગૂંચ પડે. પતિપત્ની વચ્ચે તો ગૂંચો હોય જ છે. એનું એક કારણ તો સુખ્યાત છે, ‘વો’ ! ’પતિપત્ની ઑર વો’ ફિલમ બની છે પણ એવી ફિલ્મો અનેક વાર બની છે. કાવ્ય-સાહિત્યમાં, વાર્તા કે નવલકથામાં, એ ‘ત્રિકોણ’ પાસેથી લેખકો ખસતા નથી. YA (Young Audults) કહેવાતી ફિક્શન આમ તો કિશોરો માટેની પણ એમાં પ્રેમલાપ્રેમલીની વાતો લખનારા તો ઘણા મળે અને ઘણા માલેતુજાર થઈ ગયેલાય મળે. જો કે YA -ને ઍડલ્ટ્સ વાચકો જ વધારે વાંચે છે !
સંસ્કૃતિ એટલે દમ્ભ, જૂઠાણાં. કલાકારોને જૂઠાણાં પર ગમ્ભીરતાથી કામ કરવું હોય છે. ઍરિસ્ટોટલ કહે છે એવી 'સીરિયસનેસ'-થી. પણ એ લોકો જ ઘણીવાર જૂઠાણાં સરજે છે. સભ્યતામાં એટલે જ સમીક્ષા મૂલ્યવાન ગણાય છે. સમીક્ષાનો પ્રાણ છે, આ મિસ્ટર પૃથક્કરણ ! સાહિત્ય કલાઓ ધર્મ રાજ્ય સમાજ કેળવણી રીતિરિવાજો હંમેશાં પૃથક્કરણ માગે છે. મારા વહાલા ફિલસૂફ દેરિદા એને 'ડીકન્સ્ટ્રક્શન' કહે છે. છેદ વાઢ કાપ સાટકા ઝાટકા કે ચાબુક વિના માણસપ્રાણીને સરખું ચાલતાં આવડતું નથી કે ફાવતું નથી.
તમે જાણી રાખો કે પૃથક્કરણથી માણસો સીધાદોર થઈ જાય છે. સમીક્ષાનો એકાદ શૉટ સો-કૉલ્ડ ચૉમ્સ્કીવાળા બૌદ્ધિકની ટોપી ઉતારી ફૅંકે છે. જૂઠી વિદ્વત્તાને પૃથક્કરણસત્તા ભૂમિસાત્ કરી દે છે. કહેવાનો સાર, વિશ્લેષણ એક સમુપકારક સાધન છે. એથી વાદવિવાદ પણ હટે છે, સંવાદ સ્થપાય છે. વિષમતા પણ નષ્ટ થાય છે, સમતા વિકસે છે, નવાં સમીકરણો પ્રગટે છે.
પૃથક્કરણ માટે મચી પડો, કમ્પ્યૂટર પર. સાથે રાખો, ગૂગલમા’રાજને. મેં ‘ઍનાલિસિસ’ શબ્દ પણ એટલે જ આપ્યો હતો કે એથી 'સિન્થેસિસ' પ્રગટે છે. સિન્થેસિસ એટલે સંશ્લેષણ. વિશ્લેષણનો શત્રુ ગણો કે ભાઈબંધ.
ક્યારેક વાતને સંશ્લેષણ તરફ પણ વિકસાવીશ …
બાકી, જુઓ, જીવન પોતે જ એક ગૂંચ છે. ઉકેલ્યે જ છૂટકો છે. આમ લખી નાખવાથી ન ઉકલે. મથવું પડે. હા પણ, ‘સાઆથીઇઇ’-વાળી અમારી ગૂંચના જેવી જો હોય તમારી, તો એ સુખે જીવી જવાશે …સારું લાગશે … શોધી કાઢો, સાઆથીઇઇ …
= = =
(19 Dec 2019 : USA )
https://www.facebook.com/suman.shah.94/posts/2943333155697578
ગયા સપ્તાહના લેખમાં ચાર પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યા હતા.
૧. સામાજિક સમાનતામાં માનનારા અને બ્રાહ્મણોનું પેટ ભરનારા યાચનાપરક કર્મકાંડોનો નિષેધ કરનારા શ્રમણ ધર્મના ઉપદેશો છતાં કેમ સનાતન ધર્મ પર તેની કોઈ અસર નહોતી થઈ? ત્યાં સુધીમાં ઇસ્લામ પણ ભારતમાં આવી ગયો હતો અને તેની સામાજિક સમાનતા તેમ જ ઇસ્લામિક બંધુત્વથી પણ સનાતન ધર્મ અક્ષુણ રહ્યો હતો એવું કેમ બન્યું? શંકરના લિંગનું પ્રક્ષાલન કરો અને જે રીતે પાણી ખાસ સ્પર્શ કર્યા વિના થાળામાં ઢોળાઈ જાય એવું કેમ બન્યું? હિંદુનો અને હિંદુસમાજનો પીંડ કેનો બનેલો છે?
૨. હિંદુ-મુસ્લિમ એકતા માટે જેટલા પ્રયાસ મુસલમાનોએ કર્યા હતા એટલા હિંદુઓએ નહોતા કર્યા. આમીર ખુસરો, બીજા સૂફીઓ, કબીર, અકબર, દારા શિકોહ અને બીજા અનેક લોકોએ હિંદુ-મુસ્લિમ એકતા માટે પ્રયાસ કર્યા છે. આની સામે ગાંધીજીના થવા સુધી હિંદુ પ્રતિસાદ નહીં જેવો હતો. આનું શું કારણ?
૩. મધ્યકાલીન હિંદુ સંતો રાંકની સાથે માનવતાથી વર્તવાની, માણસાઈની શીખ આપતા હતા; પરંતુ એની પાછળની પ્રેરણા અનુકંપા હતી, સામાજિક સમાનતા નહોતી. પ્રસ્થાપિત હિંદુ સમાજના સ્વરૂપ વિષે અને કુલ મળીને ભારતીય સમાજના સ્વરૂપ વિષે જે વિચારમંથન થવું જોઈએ તેનો સદંતર અભાવ હતો.
એવું નહોતું કે ત્યારે વિદ્વાનો નહોતા પાક્યા, પણ હિંદુ વિદ્વાનો વેદાંતની શાખા-ઉપશાખાઓની ચર્ચા કરવામાં મશગૂલ હતા. દ્વૈતીને અદ્વૈતીને પછાડવામાં કે અદ્વેતીને દ્વૈતીને પછાડવામાં જેટલો આનંદ આવતો હતો એટલો ગામની બહાર છેવાડે રહેતા દલિતની યાતના સાંભળવામાં કે પોતાના ઘરમાં રસોડામાં આંસુ સારતી સ્ત્રીની યાતના સાંભળવામાં કોઈ રસ નહોતો. એમ તો કાવ્યશાસ્ત્રમાં અને સૌંદર્યશાસ્ત્રમાં પણ એ યુગમાં ઘણું મૌલિક કામ થયું છે. એટલે વિદ્વતાનો અભાવ હતો એવું નહોતું. અને છતાં ય વરવી અને શરમજનક વાસ્તવિકતાઓ તેમને નજરે જ નહોતી પડતી. એવું કેમ? ઉદાસીનતા? અને જો ઉદાસીનતા હતી તો આવી? વરવી વાસ્તવિકતા હિંદુઓને નિર્બળ બનાવી રહી છે તેનું પણ તેમને ભાન નહોતું? અને જો ભાન હતું તો કોઈ ચિંતા જ નહોતી?
૪. શા માટે એકાદબે અપવાદ છોડીને દરેક વખતે વિદેશીઓની સામે હિંદુઓનો પરાજય થયો હતો? આ સવાલ જરૂર હિંદુ મસ્તિષ્કમાં પાછળના ભાગમાં કોઈક જગ્યાએ દબાયેલો પડ્યો હશે, પણ એનો મુક્ત સ્વીકાર અને ખુલ્લી ચર્ચા એ યુગમાં થઈ હોય એવું જોવા મળતું નથી. કોઈ બીમાર માણસ પોતાની બીમારીના કારણો વિષે પણ ન વિચારે? કે પછી બીમાર હોવાની વાસ્તવિકતાનો જ સ્વીકાર કરવામાં નહોતો આવતો? શું હિંદુ આ-લોકની વરવી અને શરમજનક વાસ્તવિકતાથી બચવા માટે, તેનાથી ભાગવા માટે પરલોક પ્રશ્નોમાં રસ લેતો હતો? શું મધ્યકાલીન હિંદુ દાર્શનિક મીમાંસા ભાગેડુ હતી?
અસ્તિત્વને વ્યાખ્યાયિત કરનારા નિર્ણાયક સવાલો હતા જે હિંદુઓને કવરાવવા જોઈતા હતા, પણ હિંદુ તેની સામે નજર પણ નહોતો નાખતો. આની વચ્ચે યુરોપિયનો આવ્યા હતા અને યુરોપિયનોને હિંદુઓનું આવું વલણ વિચિત્ર લાગ્યું હતું. તેમણે આવી કોઈ પ્રજા જગતમાં જોઈ નહોતી.
એવું નહોતું કે ઈ.સ.ની ૧૫મી સદીમાં યુરોપનો ભારત સાથે કે ભારતનો યુરોપ સાથે પહેલો પરિચય થયો હતો. પ્રાચીન યુગમાં સિકંદર અને બીજા યવનો ભારત આવ્યા હતા. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં; ‘વિદેશી’, ‘શત્રુ’, ‘અન્ય’, ‘શંકાસ્પદ’ મુખ્યત્વે યવન છે. એમ કહી શકાય કે પ્રાચીન ભારતીય રાષ્ટ્રવાદ આખે આખો યવનોને નજરમાં રાખીને લખાયો છે. પરંતુ એ પછીનાં વર્ષોમાં ભારતનો યુરોપ સાથેનો સંબંધ કપાઈ ગયો હતો. એનું કારણ ઇસ્લામનો પ્રાદુર્ભાવ હતું. વચ્ચે પશ્ચિમ એશિયાના ઇસ્લામિક દેશો આવી ગયા હતા જેણે યુરોપ અને ભારત વચ્ચેના સંબંધોને બે દિશામાં પ્રભાવિત કર્યા હતા. એક તો મુસલમાનોનાં આક્રમણો પૂર્વ યુરોપ પર થઈ રહ્યાં હતા અને યુરોપ તેનો સામનો કરવામાં રોકાયેલું હતું. આ સિવાય ઈસાઈઓ અને મુસલમાનો વચ્ચે ક્રુઝેડ અને જીહાદ ચાલતી હતી. બીજું, એ યુગમાં ઇસ્લામ જગતનો સૌથી યુવાન, સર્વ માટે ઉપલબ્ધ, આજની પરિભાષામાં કહીએ તો સમાજવાદી અને હણહણતી ચેતના દ્વારા ધબકતો ધર્મ હતો.
આ બંને કારણે મુસ્લિમ દેશો અને મુસલમાન ભારત અને યુરોપ વચ્ચે એક જ સમયે બેવડી ભૂમિકા ભજવતા હતા. પૂર્વ યુરોપ પરનાં મુસ્લિમ આક્રમણો અને ક્રુઝેડ અને જીહાદને કારણે ભારત અને યુરોપ વચ્ચે અંતરાલ પડ્યો હતો. હવે યુરોપિયનો માટે ભારત આવવું મુશ્કેલ બની ગયું હતું. વચ્ચે મુસ્લિમ વિશ્વ હતું. બીજી બાજુ ભારતીય જ્ઞાન મુસ્લીલ દેશો દ્વારા યુરોપ પહોંચતું હતું એટલે પશ્ચિમ એશિયાના મુસ્લિમ દેશો એક જ સમયે સેતુનું તેમ જ પૂર્વ-પશ્ચિમ વચ્ચે સુવર્ણ મધ્યનું કામ કરતા હતા. વ્યાપારની વાત કરીએ તો ભારતની ચીજવસ્તુઓ પણ આરબ વેપારીઓ ભારતથી આયાત કરીને યુરોપ નિકાસ કરતા હતા. ઉપર કહ્યાં એવાં પરિબળોને કારણે ભારતના વેપારીઓને ક્યારે ય સૂઝ્યું જ નહોતું કે આપણે આપણી ચીજવસ્તુઓની નિકાસ સીધી યુરોપમાં કરીને વધારે પૈસા કમાઈ શકીએ.
આ સમય ઝાઝો ટક્યો નહોતો. ઇસ્લામ એક રાજકીય ધર્મ છે એટલે ખલીફાઓની સત્તાના રાજકારણનો શિકાર બનવા લાગ્યો. ધર્મના નામે સત્તાનું રાજકારણ ખેલાતું હતું. ઇસ્લામ એનો ધબકાર ખોવા લાગ્યો. મુસલમાનોમાં બૌદ્ધિક વ્યાપાર, વિચાર-વિવેક હાંસિયામાં ધકેલાવા લાગ્યા અને તેની જગ્યા ધર્મચુસ્ત ઈસ્લામે લેવા માંડી. આ બાજુ યુરોપમાં પુનર્જાગરણનો યુગ શરૂ થયો જેણે યુરોપની પ્રજાની વિચારવાની રીત જ બદલી નાખી. આને કારણે શંકા કરવાનું, પ્રશ્નો કરવાનું, ચોકસાઈ કરવાનું, ખાતરી કરવાનું, નક્કર ખાતરી ન થઈ શકે તેવા કહેવાતા પ્રમાણોને નકારવાનું વલણ વધતું ગયું.
સાહસવૃત્તિ આનું સ્વભાવિક પરિણામ હતું કારણ કે હવે બાયબલનાં, ચર્ચાનાં અને પાદરીઓનાં કે પોપનાં ગૃહિતોને નકારવામાં આવ્યાં હતાં. પોસ્ટ ડેટેડ ચેક જેવા પરલોકનું સુખ કમાવાની જગ્યાએ ઈહલોકમાં સુખ કમાવાનું અને આ જનમમાં જ ભોગવવાનું વલણ પેદા થયું હતું. હવે યુરોપિયનો આખા જગતમાં ફરી વળ્યા હતા અને તેમાં મુસ્લિમ દેશો અવરોધ પણ પેદા કરી શકે તેમ નહોતા અને તેની સેતુની ભૂમિકાની પણ જરૂર નહોતી. બીજું હવે મુસલમ દેશો અવરોધ, સેતુ કે સુવર્ણ મધ્ય એમ ત્રણમાંથી કોઈ ભૂમિકા ભજવી શકે એમ નહોતા. ટૂંકમાં યુરોપનું જાગરણ થયું હતું અને મુસ્લિમ વિશ્વની ધબકતી ચેતનાનો અંત આવવા લાગ્યો હતો.
ભારતમાં હિંદુઓ આગળ કહ્યું એવી કોશેટા-અવસ્થામાં મસ્ત હતા!
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 29 ડિસેમ્બર 2019