ગયા અઠવાડિયે લેખ પૂરો કરતાં લખ્યું હતું કે ચાર પ્રશ્ને અંગ્રેજોએ નિર્ણય લેવાનો હતો. એક. ધર્મ. બે. ભાષા કે ભાષાઓ. ત્રણ. સામાજિક રીતિરિવાજો અને ચાર. ન્યાય. અંગ્રેજો આની ઉપેક્ષા કરી શકે એમ નહોતા, કારણ કે તેઓ વિદેશી હતા અને ઉપરથી તેમનું રાજ્ય પરંપરાગત સત્તાકેન્દ્રી સામ્રાજ્યવાદી નહોતું, પણ સાંસ્થાનિક શોષણ કરનારું સામ્રાજ્યવાદી હતું. અંગ્રેજીમાં આને કલોનિયાલિઝમ કહે છે. યુરોપમાં પુનર્જાગરણ થયું એ પછી વિકસેલાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પણછે આવો નવા પ્રકારનો સામ્રાજ્યવાદ પેદા થયો હતો જેમાં જીતેલા પ્રદેશને વતન બનાવ્યા વિના પરદેશી બની રહીને લૂંટી શકાય અને લૂંટેલુ ધન પોતાને દેશ મોકલી શકાય. આ પણ પાછું સાંસ્થાનિક સ્વરૂપ આપીને સદીઓ સુધી. યુરોપિયનોમાં બહાર જોવાની દૃષ્ટિ અને સાહસ તો હતાં જ.
તો પહેલો પ્રશ્ન હતો ધર્મનું શું કરવું, પણ એ પહેલાં યુરોપિયનો અને ભારતના સંદર્ભમાં અંગ્રેજો એકંદરે કેવું વલણ અપનાવતા હતા અને તેમના વલણમાં કઈ રીતના અભિગમ-ભેદ હતા એ સમજી લેવા જોઈએ. તેઓ ઉપરના ચાર પ્રશ્ને ભારતમાં કયો અભિગમ અપનાવવો એ નક્કી નહોતા કરી શકતા. તેમની વચ્ચે માત્ર મતભેદ નહોતા, સ્વાર્થભેદ પણ હતા.
જેમ કે ભારત પર સીધો કબજો ધરાવનારી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને માત્ર ધંધો કરવામાં અને ભારતનું અને ભારતની પ્રજાનું શોષણ કરીને ધન ઘરભેગું કરવામાં જ રસ હતો. ઘરભેગું કરવામાં આવેલું ધન ઘરે જઈને વહેંચવું ન પડે, બ્રિટિશ સરકારને ઓછામાં ઓછું આપવું પડે અને સરકારની તવાઈ ન આવે તેમ જ ભારતમાં વેપાર કરવાની કંપનીની ઈજારાશાહી જતી ન રહે એ માટે કંપની દરેક પ્રકારના ગોરખધંધા કરતી હતી. કંપનીએ તેના ભારત ખાતેના હાકેમોને બેશરમ નિર્દયી બનતા શીખવ્યું હતું અને લંડન ખાતેના સંચાલકોને ગમે તેને ગમે તે ભાવે ખરીદી લેતા શીખવ્યું હતું. જ્યાં આવી સંસ્કૃતિ હોય ત્યાં અનીતિ અને ભ્રષ્ટાચારનો તો પાર જ ન હોય અને સ્થિતિ પણ એવી જ હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની એટલે; શોષણ, નિર્દયતા, છેતરપીંડી, વિશ્વાસઘાત, અનીતિ, ભ્રષ્ટાચાર બધું જ.
સ્વાભાવિકપણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને તેના હિતોની વિરુદ્ધ જાય એવા અંગ્રેજો/યુરોપિયનો ગમતા નહોતા; પછી તે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનારા મિશનરીઝ હોય, પાશ્ચાત્ય સભ્યતાની સર્વોપરિતાના આગ્રહી હોય, બ્રિટિશ સામ્રાજ્યને ઈશ્વરી અને કલ્યાણકારી માનનારા સામ્રાજ્યવાદી હોય, કાયદાના રાજમાં માનનારા લોકશાહીવાદી હોય કે ઉદારમતવાદી-માનવતાવાદી હોય. આ એવા લોકો હતા જે ચોક્કસ પ્રકારનું વળગણ અને વલણ ધરાવતા હતા જેને કંપની ખરીદી શકતી નહોતી. કંપની અને આ પ્રકારના લોકો વચ્ચેના ઘર્ષણનો લાંબો ઇતિહાસ છે. આ બાજુ આ લોકો પણ પોતાની વાત છોડે એવા નહોતા, કારણ કે તેમને એમ લાગતું હતું કે તેઓ જે વાતનો આગ્રહ રાખી રહ્યા છે તેમાં સમગ્ર માનવજાતનું કલ્યાણ છે.
પહેલા મિશનરીઓની વાત લઈએ. મિશનરીઓને એમ લાગતું હતું કે માત્ર ભારતીય પ્રજા નહીં, સકળ જગતની પ્રજાનો ઉદ્ધાર ઈશુનો સંદેશ જ કરી શકે એમ છે. તેમની આવી પ્રામાણિક માન્યતા હતી. જગતનો સંપૂર્ણ ધર્મ ખ્રિસ્તી ધર્મ છે, જગતનો સાચો ધર્મ ખ્રિસ્તી ધર્મ છે, જગતમાં એક માત્ર ખ્રિસ્તી ધર્મ જ મુક્તિ અપાવી શકે એમ છે, એટલે પરમ કરુણા સાથે મિશનરીઓ જગત આખામાં ફરીને અને કષ્ટ વેઠીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા. ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓએ ખ્રિસ્તી ધર્મનો જે રીતે પ્રચાર કર્યો છે તેનો લાંબો ઇતિહાસ છે. તેમણે એવાં કષ્ટો વેઠ્યાં છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તેમણે એવા લોકોની સેવા કરી છે જેના તરફ આપણે જોઈએ પણ નહીં અને તેમણે એવી એવી લબાડી કરી છે જેની આપણે કલ્પના પણ કરી શકીએ. તેમનાં કષ્ટો, સેવા અને લબાડી એમ ત્રણેય કરુણાપ્રેરિત હતાં. તેમની નજરે માનવમુક્તિ માટેનાં હતાં.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ડર હતો કે ભારતમાં લોકોની ધાર્મિક શ્રદ્ધા સાથે મિશનરીઓ ઘોંચપરોણો કરે છે એને કારણે ક્યાંક વિદ્રોહ ન થઈ જાય અને સોનાના ઇંડા આપનારી મુર્ઘીને છોડીને ભાગવું ન પડે. તેઓ મિશનરીઓને રોકવાના અને જો રોકી શકાય એમ ન હોય તો ભારતના છેવાડાના અને આદિવાસીઓના અમુક જ પ્રદેશોમાં તેમને સીમિત રાખવાના અથાક પ્રયત્નો કરતા હતા; પણ મિશનરીઓ પણ ક્યાં ગાંજ્યા જાય એમ હતા. એક વાર તો તેમણે સીધો બ્રાહ્મણો ઉપર હાથ નાખ્યો હતો. મિશનરીઓને એમ લાગ્યું હતું કે ભારતીય સમાજ નિસરણી જેવો છે જેમાં જે માણસ નીચે પગથિયે હોય એ ઉપર ચડવા માટે અને ઉપરવાળાનું અનુકરણ કરીને તેના જેવો થવા મથે છે. મહારાષ્ટ્રની પાઠારે પ્રભુ જ્ઞાતિનો વિધવાવિવાહ વિશેનો ઠરાવ આનું ઉદાહરણ છે. પાઠારે પ્રભુ જ્ઞાતિમાં વિધવાવિવાહ પર પ્રતિબંધ નહોતો, પરંતુ તેમણે બ્રાહ્મણ જેવા ઉચ્ચકુલીન ગણાવવા માટે વિધવાવિવાહ પર પ્રતિબંધ મૂકવા જેવો ઊંધો ઠરાવ કર્યો હતો.
એટલે મિશનરીઓએ જોયું કે જો સામાજિક રીતે સર્વોચ્ચ સ્થાને બિરાજમાન બ્રાહ્મણોને, મુસલમાનોમાં શેખ અને સૈયદોને અને પારસીઓને નિશાન બનાવવામાં આવે અને વટલાવામાં આવે તો બાકીનો પરચૂરણ સમાજ આપોઆપ ખ્રિસ્તી ધર્મ અપનાવી લેશે. ખ્રિસ્તી મિશનરીઓએ અપનાવેલા આવા જુદા જુદા ઉપાયોનો રસપ્રદ ઇતિહાસ છે, પણ એનું અહીં કોઈ કામ નથી; મુદ્દો એ છે કે કંપનીને મિશનરીઓ ગમતા નહોતા અને મિશનરીઓ કંપનીને ગણકારતા પણ નહોતા. ક્વચિત તેમની વચ્ચે સ્વાર્થની ભાગીદારી પણ જોવા મળતી હતી, પરંતુ ક્વચિત. અહીં ખાસ નોંધવા જેવી હકીકત એ છે કે મિશનરીઓએ ભારતીય સમાજનું સ્વરૂપ બદલવામાં અત્યંત મહત્ત્વનો ફાળો આપ્યો છે. મિશનરીઓએ ભારતીય માનસમાં સ્વ-ધર્મ અને વિ-ધર્મને જોવાની બાબતે નવી દૃષ્ટિ પેદા કરી હતી. આવું આ પહેલાં અને આટલાં મોટા પ્રમાણમાં અને આટલા નિર્ણાયક સ્વરૂપમાં ક્યારે ય જોવા નહોતું મળ્યું.
બીજા એવા લોકો હતા જેઓ પાશ્ચાત્ય સભ્યતાની સર્વોપરિતામાં અથવા બ્રિટિશ સામ્રાજ્યને ઈશ્વરી અને કલ્યાણકારી માનતા હતા. તેમને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ધંધાકીય હિતો સાથે લેવાદેવા નહોતી. આવડો મોટો ભારત દેશ અને માત્ર ભારત નહીં, લગભગ આખું એશિયા અને આફ્રિકા યુરોપના કબજામાં આવ્યાં છે તો તેના બે જ અર્થ હોઈ શકે. પાશ્ચાત્ય સભ્યતાની સર્વોપરિતામાં માનનારા લોકોને એમ હતું કે લાગતું હતું કે પૌર્વાત્ય સભ્યતામાં કોઈ સત્ત્વ નથી એટલે તેને તોડી પાડીને પાશ્ચાત્ય સભ્યતા લાગુ પાડવી જોઈએ. માત્ર ઈસાઈ ધર્મ નહીં, પણ બધું જ. ભાષા, રીતિરિવાજ, ન્યાય, શાસનપદ્ધતિ વગેરે બધું જ. ભારતીય પ્રજાનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ જ બદલી નાખવો જોઈએ. આવો જ મત બ્રિટિશ સામ્રાજ્યને ઈશ્વરી માનનારાઓ પણ ધરાવતા હતા. ફરક માત્ર એટલો હતો કે પહેલા વર્ગના લોકો પાશ્ચાત્યવાદી હતા અને બીજા પ્રકારના લોકો સામ્રાજ્યવાદી હતા. લૉર્ડ મૅકોલેએ કરેલાં પરિવર્તનોની વાત હવે પછી આવશે, પરંતુ અહીં તેનું એક કથન ટાંકવું જોઈએ. મૅકોલેએ કહ્યું હતું કે “તમામ પૌર્વાત્ય સાહિત્ય જો એક જગ્યાએ એકઠું કરવામાં આવે તો એક કબાટ પણ ન ભરાય.” તેમની પાસે કાંઈ સત્ત્વ જ નથી, એટલે બોરડીને ઝટકારો અને સૂકાં પડી ગયેલાં બોર ખરી જાય એમ એશિયા અને આફ્રિકાના દેશો ખરી પડ્યા છે. જો સત્ત્વ હોત તો આમ ન બનત.
ત્રીજો વર્ગ વિવેકીઓનો, જવાબદાર લોકોનો, ઉદારમતવાદીઓનો અને માનવતાવાદીઓનો હતો. તેમાંના કેટલાક લોકો એમ માનતા હતા કે જો ભારત સૂકાઈ ગયેલા બોર જેવું અથવા નિષ્પ્રાણ થઈ ગયેલી સભ્યતા હોય તો તેનો અર્થ એવો નથી કે તેને તોડી પાડવામાં આવે. તેની અંદર પ્રાણ પૂરવામાં આવે અને એક શાસક તરીકે અંગ્રેજોનો એ ધર્મ છે. જો ભારતીય સભ્યતા ત્રણ-ચાર હજાર વરસથી ટકી રહી છે તો તેમાં જરૂર કોઈ જીવનસિંચન કરનારું તત્ત્વ છે. એ જીવનરસને ભરવો જોઈએ. તેમાંના કેટલાકે ભારત અને પૂર્વનો અભ્યાસ કરવા માંડ્યો હતો જેમાંથી પૌર્વાત્યશાસ્ત્ર વિકસ્યું હતું. બીજા કેટલાક લોકો માનતા હતા કે માનવતાનો તકાદો એમ કહે છે કે શાસનના જે ધારાધોરણો બ્રિટનમાં ઘરઆંગણે છે તે જ સંસ્થાનોમાં હોવાં જોઈએ. આપણા માટે એક માપદંડ અને ગુલામો માટે બીજો માપદંડ ન ચાલે.
તો વાતનો સાર એ કે મિશનરીઓને એમ લાગતું હતું કે ભારતનું કલ્યાણ ભારતીય પ્રજાને ખ્રિસ્તી બનાવવામાં છે. પાશ્ચાત્યવાદીઓ અને સામ્રાજ્યવાદીઓને એમ લાગતું હતું કે ભારતનું હિત પૌર્વાત્ય ભારતના અસ્તમાં છે. એવું ભારત બનાવવામાં આવે જે ચામડીના રંગને છોડીને દરેક અર્થમાં પાશ્ચાત્ય કે બ્રિટિશ હોય. વિવેકીઓ, જવાબદાર લોકો, ઉદારમતવાદીઓ અને માનવતાવાદીઓને એમ લાગતું હતું કે ભારત પરત્વેનો અભિગમ ન્યાયી, સહાનુભૂતિવાળો અને એકંદરે માણસાઈવાળો હોવો જોઈએ.
આની વચ્ચે પહેલાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અને ૧૮૫૭ પછી બ્રિટિશ સરકારે રાજ કરવાનું હતું. વળી ઉપર જણાવ્યા એવા અભિગમ ધરાવનારાઓ એકલદોકલ નહોતા. તેમની મોટી શક્તિ હતી અને તેઓ જાહેરજીવનમાં પણ સક્રિય હતા. બ્રિટનની સંસદમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કારનામાં અનેક વખત ચર્ચાનો વિષય બન્યાં છે. આની વચ્ચે; ધર્મ, સામાજિક રીતિરિવાજ, શિક્ષણ અને ન્યાયની બાબતે કેવા અભિગમ અપનાવવા એ શાસકોએ નક્કી કરવાનું હતું. જો પરિવર્તન કરવામાં આવે તો ભારતીય પ્રજા ઊહાપોહ કરવાની હશે ત્યારે કરશે, પહેલો ઊહાપોહ બ્રિટનમાં બ્રિટિશ પ્રજા કરશે.
ખૂબ લાંબુ વિચારીને અને સંભાળીને ચાલવાનું હતું.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 02 ફેબ્રુઆરી 2020