પાંચ રાજ્યની હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં એકંદરે ભા.જ.પ. બહુમતીથી ચૂંટાઈ આવ્યો. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સૌથી સારો દેખાવ કર્યો, અને તે જ રાજ્ય ભા.જ.પ. માટે મહત્ત્વનું હતું. ભા.જ.પ.ની જીત માટે ઘણા સમાચારપત્રો અને વિવેચકોએ આઘાત-પ્રત્યાઘાત રજૂ કર્યા છે. ઘણા વિવેચકો અને નિરીક્ષકોનું માનવું હતું કે ભા.જ..પ ઉત્તર પ્રદેશમાં માર ખાશે અને બહુમતી ઘટી જશે.
આ ચૂંટણીમાં ભા.જ.પ. જીતી ગયું તે કરતાં બીજાં મહત્ત્વનાં પાસાંઓ પણ વિચારવા જેવાં છે.
સૌ પ્રથમ દુર્ભાગ્યની વાત એ છે કે વિરોધપક્ષોએ સંગઠનની ભાવના રાખી હોત તો ચૂંટણીનું પરિણામ કંઈક જુદું હોત. કાઁગ્રેસ જેવો રાષ્ટ્રીય પક્ષ એ મજબૂત ગઠબંધન દ્વારા ભા.જ.પ.ને ટક્કર આપી શકત. આ વાત બતાવે છે કે આ દેશના રાજકીય પાસાંઓમાં સમજૂતી અને સંપ લાવવો મુશ્કેલ છે. કાઁગ્રેસ, સમાજવાદી પક્ષ અને માયાવતીનો બહુજન સમાજ પક્ષ ભેગાં થઈ ગયાં હોત તો એક મજબૂત ગઠબંધન જરૂરથી બનત. સૌથી દુઃખની વાત એ છે કે આપણા દેશમાં એવી વ્યક્તિનો અભાવ છે કે કે બધાને તાંતણે બાંધવા મધ્યસ્થી કરી લાવી શકે. પશ્ચિમના દેશોમાં આવી વ્યક્તિઓ મળી રહેશે. મધ્યમ માર્ગ કાઢી પ્રજાનું અને દેશનું હિત થાય એવા નેતાઓ જરૂરથી મળી આવશે.
બીજું, આ ચૂંટણીમાં ‘આપ’ રાજકીય પક્ષ તરીકે પંજાબમાં બહુમતીથી જીતી આવ્યો તેથી એક આશા બંધાય છે કે ભારતીય લોકશાહીમાં વિરોધ પક્ષ તરીકે બીજા પક્ષો આવી રહ્યા છે. તૃણમૂલ કાઁગ્રેસ પણ પશ્ચિમ બંગાળમાં જીતી હોવાથી આશા છે કે રાષ્ટ્રીય કાઁગ્રેસ ભલે નબળો પડ્યો પરંતુ બીજા પક્ષોમાંથી કોઈક પક્ષ જરૂરથી આવશે. એક મજબૂત વિરોધપક્ષની બહુ જરૂર છે. જરૂર છે જૂજ નેતાની અને વિવેચકોની કે જેઓે થોડા પણ મહત્ત્વના સિદ્ધાંતો અને કેન્દ્રીય મુખ્ય વિચાર રજૂ કરે અને તેના વડે બીજા બધાને દોરે.
ભા.જ.પ. કે નરેન્દ્ર મોદીને હરાવીને પછાડવાની ભાવના રાખવી નહીં જોઈએ. જરૂરથી નરેન્દ્ર મોદીની રાહબરી નીચે કામ કરતી ભા.જ.પ.ની સરકાર અમુક અંશે લોકોને લાભદાયક બની છે; પરંતુ તેઓની નીતિ, આર્થિક બાબત અને લોકોમાં પરિવર્તનને લગતી બાબતો દીર્ઘદૃષ્ટિ અને ઉચ્ચ ભાવનાથી દૂર છે.
આપણે હવે આને સ્પષ્ટ કરતી બાબતોને અને હકારાત્મક વિચારોને સ્થાન આપવું જોઈએ.
દાખલા તરીકે ઇતિહાસકાર અને સામાજિક કર્મશીલ રામચન્દ્ર ગુહાએ બહુ સરસ વાત કરી : “ભા.જ.પ. શા માટે બોઝની જયંતી ઉજવે છે? એક, ભા.જ.પ. પાસે સ્વતંત્રતાની લડાઈના કોઈ મોટા નેતા નથી. બીજું, એ નેહરુ નથી અને ત્રીજું, શૂરવીરતા બતાવવામાં એ ભા.જ.પ.ની નજીક છે. આવા માનસ ધરાવતું ભા.જ.પ. ભવિષ્યમાં એવું પણ બને કે ૧૫મી ઑગસ્ટે અરવિદં ઘોષનો જન્મ દિન ઉજવે. વળી ગુહાએ બીજી વાત એમ પણ કહી કે ભા.જ.પે. કાઁગ્રેસના બે મહાન નેતાઓ સરદાર પટેલ અને બોઝનો તેમના હિરો તરીકે કબજો કરી લીધો છે. કાઁગ્રેસે જ ભા.જ.પ.ને આ બે નેતાઓને ધરી દીધા છે.”
નકારાત્મક ટીકા અને પ્રત્યાઘાત ભા.જ.પ. સામે નહીં કરતા આ પ્રકારની બાબતો વિષયને સ્પષ્ટ કરે છે. પ્રજાને સાચી દિશામાં અને સારાં પગલાં માટે ઘડી શકાશે. તેમ જ તેઓ ટૂંકી દૃષ્ટિથી દૂર રહેશે.
૧૫, ઉપહાર, ચિરંજીલાલ માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૬
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 04