ભારતમાં રાજકીય પક્ષો રોજગારી સર્જવામાં નિષ્ફળ ગયા છે. એના વિકલ્પે સરકારમાં સર્જાતી રોજગારી વહેંચી આપવાની નીતિ એમણે અપનાવી છે. શરૂઆતમાં એસ.સી. અને એસ.ટી., એમ બે વર્ગો માટે અનામત હતી. એમાં સમય જતાં અન્ય પછાત વર્ગો (ઓ.બી.સી.) માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. ૩૧ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ ભારત સરકારે એક પરિપત્ર બહાર પાડીને સરકારમાં ૧૦ ટકા જગ્યાઓ, આર્થિક રીતે પછાત વર્ગો માટે અનામત જાહેર કરી. આ અનામત એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. સિવાયના વર્ગોને લાગુ પડે છે. એમની વ્યાખ્યા આ રીતે કરવામાં આવી છેઃ કુટુંબની આવક બધાં ક્ષેત્રોમાંથી ૮ લાખથી વધારે ન હોવી જોઈએ. કુટુંબ પાસે કોઈ સંપત્તિ હોય, દા.ત. ૫ એકર જમીન ખેતી માટે હોય અથવા સો ચોરસ વારનો રેસિડેન્શિયલ પ્લૉટ હોય. (જાહેર કરવામાં આવેલી મ્યુનિસિપાલિટીઓના વિસ્તારમાં અથવા અન્ય મ્યુનિસિપાલિટીઓમાં ૨૦૦ ચોરસ વારનો પ્લૉટ હોય તો આવકની ગણતરી કર્યા વિના આર્થિક રીતે પછાત વર્ગોમાંથી તે કુટુંબને બાદ કરવામાં આવશે. કુટુંબમાં પતિ-પત્ની, મા-બાપ એમનાં ૧૮ વર્ષથી નીચેનાં સંતાનોનો સમાવેશ થાય છે.
આ વ્યાખ્યા અત્યંત મનસ્વી (arbitary) છે. રૂ. ૮ લાખની વાર્ષિક આવક ઘણી ઊંચી સપાટી ઉપર છે. એનો અર્થ એ થાય માસિક આવક રૂ. ૬૬,૬૬૬ થાય. આ આવક દેશમાં બહુ ઓછાં કુટુંબોને મળે છે. એ કુટુંબ આર્થિક રીતે પછાત ના જ ગણાય.
બે અર્થશાસ્ત્રીઓએ ભારત સરકાર દ્વારા ૨૦૧૮ જુલાઈથી ૨૦૧૯ના જૂન સુધી જે મોજણી કરવામાં આવી હતી તેના આંકડાનો ઉપયોગ કરીને આવકની કસોટીએ કેટલાં કુટુંબો આર્થિક રીતે પછાત વર્ગનાં આવી શકે એનો અંદાજ મૂક્યો હતો. ગ્રામીણ વિસ્તારમાં ૯૯ ટકા કુટુંબો અને શહેરી વિસ્તારમાં ૯૫ ટકા કુટુંબોની આવક વાર્ષિક ધોરણે રૂ. ૮ લાખથી ઓછી હતી. બીજા ધોરણે એક સરેરાશ આવકનો ઉપયોગ કરીને તેમણે ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં કેટલાંક કુટુંબો આર્થિક રીતે પછાત વર્ગમાં આવી શકે તેની ગણતરી કરી હતી. ગ્રામીણ વિસ્તારમાં મધ્યસ્થ આવક દર મહિને રૂ. ૯ હજાર હતી અને શહેરી વિસ્તારોના એ આવક રૂ. ૧૫ હજાર હતી. આ કુટુંબોને બાદ કરવામાં આવે તો પણ ગ્રામીણ વિસ્તારમાં ૯૯ ટકા કુટુંબો અને શહેરી વિસ્તારમાં ૯૪ ટકા કુટુંબોની આવક ૮ લાખથી ઓછી હતી. ટૂંકમાં, મોટા ભાગનાં કુટુંબો આવકની કસોટીએ આર્થિક રીતે પછાત વર્ગમાં આવી શકે.
બીજી કસોટીમાં સંપત્તિનું મૂલ્ય જોવામાં આવ્યું નથી. મ્યુનિસિપલ વિસ્તારોમાં ૧૦૦૦નો પ્લોટ કે ૨૦૦નો પ્લૉટ એના મૂલ્ય વગર ધ્યાનમાં રહીને કુટુંબને આર્થિક રીતે પછાત વર્ગમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. આમાં, ગ્રામવિસ્તારોમાં ૫ એકર જમીન ધરાવતા કુટુંબને બાકાત રાખવામાં આવ્યું છે. દેશના બધા વિસ્તારોમાં ૫ એકરની જમીન ધરાવતો ખેડૂત ૮ લાખની આવક મેળવી શકતો નથી. વળી, જેની પાસે સંપત્તિનાં અન્ય સાધનો હોય જેમ કે સોનું તેને; આ વ્યાખ્યા નડતરરૂપ નહીં થાય. આનો કેસ સર્વોચ્ચ અદાલત સમક્ષ ચાલી રહ્યો છે. એનો ચુકાદો જે આવશે તે આ દૃષ્ટિએ રસપ્રદ હશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 05