હવે દેખાઈ ભીંત ઘરની
પોપડી ઊખડેલી ભીંત પરની
અડતો ટેકતો બરડો ખણતો
ટેરવાં લૂછતો, ક્યારેક અમસ્તું કંઈક લખતો
યાદ આવ્યું આજ સઘળું
સઘળું જોયું ભીંત પરનું.
ભીંત પરની જોઈ છત
છત નીચેનું તળિયું પણ
ભીંત અમસ્તી હોતી નથી
સૌંદર્યની ધરી ખરી
પાયાની એ પ્રેમદુલારી
પિલ્લરની એ પ્રાણપ્યારી.
ભીંત વચ્ચે ગણગણ કલકલ
ક્યારેક-ક્યારેક કલબલ-કલબલ
ન આવે જાણમાં ભીંત બહારનું
શાંત છતાં ભેંકાર ભોરીંગતું
વિચાર આવતા ફફડી જવાય
ઘનઘોર જંગલમાં જાણે ભટકી પડાય
ફફડાટ રહ્યો છોને આજનો
ભટકાવમાં ભલે ભય-ધ્રાસકો
છતાં કંઈક ઊપસ્યા કરે
ભાત-ભાતની ભીંતથી ઘનઘોર જંગલ ડર્યા કરે.
e.mail : umlomjs@gmail.com