વાત, વાત ને વાત.
આખો દિવસ વાત.
પણ
આંખોને જે દેખાય છે તેની વાત કોણ કરશે ?
કાનને જે સંભળાય છે તેની વાત કોણ કરશે ?
હ્રદયના ધબકારા
ક્યારેક વધે છે
ને
ક્યારેક ચૂકાય છે,
તેની વાત કોણ કરશે ?
ડરના ડુંગર હેઠળ દબાયેલી
ખાલીખમ અન્નનળીઓ ને હોજરીઓની
વાત કોણ કરશે?
જીવવાની સલામતીને નામે
મરણતોલ ડંડા ને માર ખાતા,
ડૂસકાંઓથી ભીના થયેલા
હકડેઠઠ,
ગીચોગીચ,
શ્વાસ-ઉચ્છવાસની વાત કોણ કરશે?
રાજાશાહીથી ચાલી આવતી,
રોજેરોજ આ અપૂર્ણ વિરામ ને પૂર્ણવિરામની
વાત વચ્ચે
પ્રશ્નોના વિરામ વગરના
પ્રશ્નવિરામની વાત કોણ કરશે ?
અરેરે !
ઉદ્દગાર ચિહ્નની વાત કોણ કરશે?
ક્યારે કરશે?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 ઍપ્રિલ 2020