મધ્યમ વર્ગનાં બેવડા ધોરણ લૉક ડાઉનમાં પણ ઊડીને આંખે વળગે છે.
સોશિયલ મીડિયામાં કૂદી કૂદીને વડાપ્રધાનના લૉક ડાઉનનો બચાવ કરનારા, તેમના ઘણા મધ્યમ વર્ગીય પ્રેમીઓ, પોતાની સોસાઇટીમાં અમલી લૉક ડાઉનનો એવો જ વિરોધ કરતા જોવા મળે છે. બહારથી આવનાર કોઈ પણ સર્વિસ પ્રોવાઇડરને રોકવામાં આવે ત્યારે તેની સામે કકળાટ મચાવતાં તેમને જરા ય ખચકાટ થતો નથી. તેમને પોતે બહાર નથી નીકળવું, પણ સોસાઇટીના સફાઈ કામદારોએ તો "રોજ આવવું જ પડે ને, નહીં તો રોગચાળો ફેલાય". એમના ઘરકામ, રસોઈ, નર્સિંગ સંભાળતાં "કામવાળાંઓને તો આવવા દો. અમે અમારું બધું સેનિટાઈઝેશન જાળવીશું.” (કામવાળાંઓનું જે થવું હોય તે થાય.) ગેસ ખલાસ થાય, ટી.વી./વૉટર ફિલ્ટર/કમ્પ્યૂટર બગડી જાય તો "આ લોકડાઉનમાં તો આ બધું ઇસેન્શિયલ છે, રિપેર કરનારને તો બોલાવવા જ પડે ને!" પાછા વાત એવી કરે કે ગરીબો, કામદારો, સર્વિસિસ ક્લાસને તો કમાવું જરૂરી છે, "નહીં તો બિચારાં ભૂખે મરી જશે.” (કારણ કે અમે એ લોકોને જો કામ નહીં કરે તો પગારો પણ નથી આપવાના! પણ અમારા પગારો માટે સરકાર/કંપનીઓ જવાબદાર છે).
સ્વાર્થી સંવેદનહીનતા જે મોદી સરકારના લગભગ દરેક પગલાંમાં દેખાય છે, એ જ આ મધ્યમ વર્ગના મોદીસમર્થકોમાં પણ દેખાય છે. મોદીના લૉકડાઉનને ઉછળી ઉછળીને ટેકો, પણ પોતાની સોસાયટીના લૉક ડાઉનનો જોરદાર વિરોધ. આ છે તેમની પ્રતિબદ્ધતા.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 ઍપ્રિલ 2020
![]()


પહેલાં નાણા મંત્રીએ અને પછી ગૃહ મંત્રીએ વધામણી આપી છે કે અત્યારે દેશમાં વડાપ્રધાનની લોકપ્રિયતા સાતમા આસમાને છે. મોદી મંત્રીમંડળના આ બે વરિષ્ઠ મંત્રીઓની આ દિવસોમાં ઉપસ્થિતિ આ રીતે દેખાય તે પણ વડાપ્રધાનની સિદ્ધિ ગણાવી જોઈએ! માનવજાત જ્યારે તેના અસ્તિત્વની લડાઈ લડતી હોય ત્યારે પણ, કાયમ ઈલેકશન મોડમાં રહેતા પ્રધાનસેવક અને તેમના દરબારીઓને લોકપ્રિયતાના ગાણાં ગાવાના સૂઝે તેનાથી આશ્ચર્ય ન થવું જોઈએ. કોરોનાકાળના પૂર્વ દિવસોમાં દિલ્હીના દંગાઓમાં માર્યા ગયેલા લોકોને ભરી લોકસભામાં દેશના ગૃહમંત્રી કેવી માસૂમિયતથી હિંદુ કે મુસ્લિમ નહીં, પણ ભારતીયો ગણાવતા હતા. અને આજે કોવિડ-૧૯ની મહામારીમાં કેટલા જમાતીઓ છે અને કેટલા ભારતીયો છે એવાં વિભાજનો ખુદ સરકાર કરે છે અને સત્તાવાર રીતે એવા આંકડા જાહેર કરે છે. વડાપ્રધાનની લોકપ્રિયતાનું રહસ્ય આ હશે?
ચીનની વિવાદિત લેબ ‘વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી’નાં વાઇરોલોજીસ્ટ શિ ઝેન્ગલી (Shi Zhengli) એકાએક પ્રકાશમાં આવેલું નામ છે. શિ ઝેન્ગલી ‘બેટ વુમન’ના નામથી ઓળખાય છે. વુહાનમાં કોરોના પ્રસર્યો ત્યારે શિ ઝેન્ગલીને સૌથી પહેલાં પૂછવામાં આવ્યું હતું કે, આ વાઇરસના મૂળ ક્યાં છે તે શોધી કાઢો. ચીનના વાઇરોલોજી સમૂહમાં સૌ કોઈ જાણતા હતા કે કોરોના વિશે આધારભૂત માહિતી માત્ર શિ ઝેન્ગલી આપી શકે છે! શિ ઝેન્ગલી છેલ્લાં સોળ વર્ષથી બેટ(ચામડચીડિયા)માંથી આવનારાં વાઇરસ વિશે કામ કરી રહ્યાં છે. 2002-03માં જ્યારે ચીનમાં ‘સાર્સ’ની બીમારી પ્રસરી ત્યાર પછી શિ ઝેન્ગલીએ ‘સાર્સ’ના મૂળિયાં ક્યાં છે તે વિશે ગહન અભ્યાસ શરૂ કર્યો. આ માટે શિ અને તેની ટીમ ચીનનાં અંતરિયાળ જગ્યાઓ ખૂંદી વળ્યાં. અહીંયાથી તેમણે ચામડચીડિયાનાં લોહી અને લાળના નમૂના લીધા. ચામડચીડિયાનાં મોટાં ભાગનાં આ રહેઠાણો દૂરસુદૂર ગુફામાં આવ્યાં હતાં. તેમાં વાઇરસ સાથે સંપર્કમાં આવવાનું તો જોખમ હતું, સાથે ત્યાં પહોંચવાના પડકાર હતા. આ રીતે વાઇરસનાં મૂળિયાં શોધવાની પ્રક્રિયા સોળ વર્ષથી ચાલી રહી છે અને હજુ ચાલુ છે.