Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્યાગ્રહીનું સાધના સ્થળ – કારાવાસ

મહાદેવ દેસાઈ|Gandhiana|21 June 2019

૧૯૨૧માં મોતીલાલ નેહરુના इन्डिपेन्डन्ट અખબારના તંત્રી પદનો કાર્યભાર મહાદેવ દેસાઈએ સંભાળ્યો હતો. આ દરમિયાન અખબારમાં પ્રકાશિત થયેલાં લખાણો માટે તેઓને ગિરફ્તાર કરવામાં આવ્યા અને નૈની જેલમાં લઈ જવામાં આવ્યા હતા. નૈની જેલમાંથી તેમણે ગાંધીજીને લખેલાં પત્રોમાંના એક પત્રનો સંપાદિત ભાગ અહીં મૂક્યો છે.

મારા પરમ પ્રિય અને અતિ આદરણીય બાપુજી,

… હું અહીં મજામાં છું. હું ખરેખર એમ માનું છું કે મારું જેલ જવાનું વખતસર જ આવ્યું છે. આપ તો જાણો છો કે મને કેટલી દોડાદોડ હતી અને મને આરામની ખાસ આવશ્યકતા હતી. આરામ મને અહીં પુષ્કળ પ્રમાણમાં મળે છે. અહીં હરવાફરવા માટે પણ ખૂબ જગ્યા છે — કાંઈ નહીં તો એક છેડેથી બીજે છેડે જઈ મારા રોજના દસ માઈલ પૂરા કરવા જેટલી જગ્યા તો છે જ. ચોપડીઓ પણ પુષ્કળ છે; પણ તે ફક્ત ધાર્મિક જ. (રાજકારણ તો અલબત્ત, નિષિદ્ધ છે, પણ સુપરિન્ટેન્ડેન્ટને મારા રસ-વૈવિધ્યની ખબર નથી.) અહીં પુષ્કળ ખાવાનું અને ચોખ્ખી હવા મળે છે અને કોઈ લમણાફોડ નથી એટલે ઊંઘ પણ પુષ્કળ મળે છે. આમ એકધાર્યો સમય જતો હતો તેની મજામાં અણગમતા અનુભવોનો વિક્ષેપ નહોતો એમ નહીં, પણ હવે એ બધા વેઠી લેવા જેટલી તાકાત મારામાં આવી છે.

પણ અહીંના જીવનનો ખ્યાલ હું આપને આપી શકું નહીં. તેનાં ઘણાં કારણો છે. એક તો, સાચા ખયાલને સેન્સર કરવામાં આવે, વળી ગુજરાતીમાં હું જેટલું લખ્યે રાખું તેટલું એક પરદેશી ભાષામાં ન કરી શકું. મશ્કરો થવાના પ્રલોભનને હું ભાગ્યે જ રોકી શકું અને કોઈને ય સપાટામાં લીધા વિના અગર કોઈને ખોટું લગાડ્યા વિના મશ્કરી કરવાની કળા મેં હજી સિદ્ધ કરી નથી. અને દેવદાસ [ગાંધીજીના પુત્ર] મને ત્રણ વખત મળી ગયા છે એટલે હું ધારું છું કે એમણે આપને મારા વિશે ઘણું લખ્યું હશે. એક અઠવાડિયા સુધી હું એક સામાન્ય કેદી હતો; કેદીના સામાન્ય વેશમાં હતો — મને ખાતરી છે દેવદાસે આપને એનું વર્ણન કર્યું હશે. પણ મારે માથે કેદીનું કાંઈ કામ નહોતું. ભારે કે હળવું કાંઈ કામ મારા ઉપર નાખવામાં આવ્યું નહોતું. બીજા અઠવાડિયે રાજકીય કેદીઓના વૉર્ડમાં મારી બદલી કરવામાં આવી અને મને મારી ચોપડીઓ, પથારી અને કપડાં આપવામાં આવ્યાં. અલબત્ત, એક અપવાદ હતો — ‘ગાંધીટોપી’નો. એ પહેરવા સામે સુપરિન્ટેન્ડેન્ટે વાંધો લીધો, કારણ કે ‘ગાંધીટોપી’ એટલે શું એની એની પાસે કોઈ વ્યાખ્યા નહોતી.

મને રોજના ૫૦૦ પરબીડિયાં બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. કામ ખૂબ હળવું હતું. જો કે ગમે એવું જરા ય નહોતું. પણ આ પણ લાંબો વખત ન ચાલ્યું. જ્યાં મને ખબર પડી કે એમ કરવાથી મને થોડોક વધુ ખોરાક મળશે ત્યાં તો મેં એ કંટાળાભરેલું કામ છોડી દીધું. વધુ ખોરાક મારા માટે વધુ પડતો હતો, કારણ, નક્કી કરેલા પ્રમાણમાં મને જે ખોરાક મળે છે તે મારા માટે પૂરતો છે. પણ બદલામાં, કાંતવા દેવાની મેં પરવાનગી માગી. જે દિવસે મને અહીં લાવવામાં આવ્યો તે જ દિવસે મેં એની માગણી કરી હતી પણ ‘એમાંથી પૂરતી કમાણી ન થઈ શકે’ એમ કહી એ નકારવામાં આવી. દરેક કેદી પાસે દસ રૂપિયા પેદા થાય એટલું કામ કરાવવાની અપેક્ષા હોય છે, કારણ, કેદી દીઠ જેલને એટલું ખરચ આવે છે. હું તો રાજદ્વારી કેદી રહ્યો એટલે ‘ઊંચા પ્રકારનું મોભાદાર’ કામ મને સોંપવામાં આવ્યું હતું. મેં મારી માગણી ફરીથી રજૂ કરી. આ વખતે કાંઈક સમજી શકાય એવા કારણે તે નામંજૂર કરવામાં આવી. કહે, ‘ચરખાનું રાજકીય મહત્ત્વ છે એ તો તમે જાણો જ છો.’

એટલે બધા દિવસો મારે કાંઈ કામ નહોતું. મને લાગે છે કે મેં એનો ઠીક ઠીક સદુપયોગ કર્યો છે. મેં ખૂબ વાંચ્યું છે, મેં ગ્લેવોરનું जिसस ऑफ हिस्टरी વાંચ્યું છે. એમાં મને ખૂબ રસ પડ્યો; અને એની દૃષ્ટિએ બાઇબલ પણ પૂરતા પ્રમાણમાં વાંચ્યું છે. તુલસીકૃત રામાયણ પણ મેં ગંભીરતાપૂર્વક વાંચવું શરૂ કર્યું છે અને મારા સવારસાંજના ફરવા ટાણે, કબીરનાં ભજનો અને ભગવદ્ગીતાના શ્લોકો ગોખવાથી મારી યાદશક્તિને કસવાનું શક્ય બને છે. આપ કલ્પના કરી શકશો કે હું નિયમિત પ્રાર્થના કરું છું. આપે નિશ્ચિત કરેલા સમયે સૂઈ જાઉં છું અને નાનક કહે છે તેવા ‘જ્યારે સ્વર્ગમાંથી અમૃત વરસે છે’ તેવા પવિત્ર સમયે હું ઊઠું છું. મને તદ્દન મનગમતું જીવન મળ્યું છે — નિયમસરનું પથ્ય, ખાનપાનનું, ધાર્મિક અધ્યયનનું અને ધ્યાનનું, અને છતાં અહીંના જીવનમાં, મારો ખોરાક મેળવવા માટે કરવો પડે એવો શારીરિક શ્રમ નથી — સિવાય કે હું મારાં કપડાં ધોઉં છું અને વાસણ માંજું છું. હાથે રાંધવા દેવાની મને છૂટ આપવામાં આવી નથી. મહાત્મા ગાંધી જેવા મહાન માણસ પાસેથી પણ રાંધણકળા માટે મને એક વખત પ્રમાણપત્ર મળ્યું હતું એટલે હું કેવો પાવરધો રસોઇયો છું એ સુપરિન્ટેન્ડેન્ટ જાણતા હોત તો કેવું સારું? અહીંના બધા જ રાજદ્વારી કેદીઓનો ખોરાક પકવવા માટે હું તદ્દન તૈયાર હતો. પણ ‘આગ ચાંપનારાઓને’ (incendiaries) અગ્નિ કેવી રીતે સોંપાય! જો કે ગોવિંદ અને કૃષ્ણકાંત જેઓ પેલે દિવસે આવ્યા તેમને જાતે રાંધી લેવાની છૂટ આપવામાં આવી છે. પણ એ તો એઓ રૂઢિચુસ્ત હિંદુઓ છે માટે. એટલે મારે તો મોજ છે અને કામ કાંઈ નથી. અને આને માટે કોઈને દોષ દેવા જેવું નથી. અમારે, ખાસ કરીને દુનિયાના બીજા બધામાં કેદીઓએ તો, કાલની શું ફિકર કરવી? અને મને ચરખો ન આપ્યો તે માટે મારે ફરિયાદ ન કરવી જોઈએ. જેલ અધિકારીઓને ખબર હતી કે હું બાઇબલ વાંચું છું અને હું ધારું છું, એ લોકો એવી આશા રાખતા હશે કે મારે તો ‘વગડાના પોયણાને નિહાળવાં, તે કેવાં ખીલે છે! નથી મહેનત કરતાં કે નથી એ કાંતતાં’ હું જરૂર એવી આશા રાખું છું કે એ સુખી ફૂલોની માફક હું પણ વિકાસ પામું છું.

પણ એમ લાગે છે કે આ આરામની રાહત અને શાંતિ મને વધુ ન મળે એવું કોઈ કાવતરું મારા નસીબે ઘડ્યું છે. મને અહીં ગોઠતું જતું હતું; મારી અને જેલ અધિકારીઓ વચ્ચે હું પૂરી સમજૂતી સાધી શક્યો હતો, એમ પણ કહેવાની હિંમત કરી શકું કે એમના તરફથી સહાનુભૂતિ અને આદર મેળવવાની શરૂઆત થઈ હતી. મારું દૃષ્ટિબિન્દુ અને મારા જીવનનો ક્રમ એમને સમજાવવાનો અને એની કદર કરાવવાનો પ્રયત્ન હું કરી રહ્યો હતો, પણ ત્યાં તો એકદમ વાદળમાંથી વજ્ર પડે છે! સુપરિન્ટેન્ડેન્ટે આજે સવારે અમને કહ્યું કે આવતી કાલે બધા જ રાજદ્વારી કેદીઓને — જેમાં મારો અને કૃષ્ણકાંત તથા ગોવિંદનો પણ સમાવેશ થાય છે તેમને — આગ્રાની જેલમાં મોકલી દેવાના છે, (અહીં કહી દઉં કે કૃષ્ણકાંત અને ગોવિંદની સજા ઘટાડીને છ માસની કરીને સરકારે એમને શરમિંદા બનાવ્યા છે.) મેં આને ‘વજ્રનો ધડાકો’ કહ્યું છે. ત્યાં, અમારે માટે કેવું જીવન હશે એની મને ખબર નથી. મને કહેવામાં આવ્યું હતું કે બધા જ રાજદ્વારી કેદીઓને એક જ સ્થળે ભેગા કરવામાં આવે છે. મને લાગે છે એ હેતુ હશે કે અમને જેટલાં કાવતરાં રચવાં હોય તેટલાં પેટ ભરીને રચવા દેવાં, પણ આમ એમને છૂટા પાડીને, સામાન્ય કેદીઓને એઓ ન બગાડે એટલા દૂર તો રાખવા જ. સંસ્થાનોમાં, આપણને છૂટા પાડવામાં થતી આપણી માનહાનિ અને શિક્ષા કરતાં આ છૂટા પાડવામાં મને એ [માનહાનિ અને શિક્ષા] જરા ય ઓછી લાગતી નથી. આ કિસ્સાની, આ એક બાજુ છે, અને એ વધુ ઉચ્ચ કક્ષાની છે, ઐહિક બાજુ એ છે કે એ મારી અંગત સુખસગવડને સ્પર્શે છે. અહીં મારો બધો સમય મારા માટે ફાજલ હતો; એ, ત્યાં મળશે એવી આશા હું રાખતો નથી. અહીં દુર્ગા [મહાદેવ દેસાઈનાં પત્ની] અને દેવદાસ મને અવારનવાર મળવા આવી શકતાં હતાં, હવે એ લોકો એમ કરી શકશે નહીં. દુર્ગાને એટલું આશ્વાસન હતું કે હું મળી શકું એટલા અંતરે છું, પણ હવે એટલો નજીક નહીં હોઉં.

પણ આવા વિચારો મનમાં આણીને હું પાપમાં પડું છું. આપણે અહીં લહેર કરવા આવ્યા નથી. આપણે સઘળાં દુ:ખો સહન કરવાનું માથે લીધું છે અને અહીં તો કાંઈ દુ:ખ નથી. (કેટલાક નસીબવંતાઓને એનો લાભ અહીં મળ્યો હતો અને તેથી એમનો ત્યાગ એટલા ઊંચા પ્રકારનો અને શુદ્ધ હતો.) મારા મનમાં એમ થઈ આવે છે કે લડતમાં હજી પણ વધુ સાચા અને ઉમદા ત્યાગની જરૂર છે. મારો ત્યાગ તો — જો એને ‘ત્યાગ’નું મોટું નામ આપી શકાય તો — બહુ સહેલો હતો. આ અંગે હું આપને કહી દઉં કે મારી ધરપકડ પછી આપને કરેલા તારમાં મેં પેલું વાક્ય બેદરકારીથી લખી કાઢ્યું તેનાથી મને બહુ દુ:ખ થયું છે અને મેં ઉજાગરા વેઠ્યા છે, ‘હું આશા રાખું છું, હવે હું આપને લાયક ઠર્યો’ એ શેખીખોર વાક્ય મારી છાતીમાં હજી સાલ્યા કરે છે. મને એમ નથી થતું કે આપે એ માફ કર્યું હોય. એ વાક્યમાં જ મારી બિનલાયકાતનો પુરાવો છે. તાર મેં ફરીથી વાંચ્યો હોત તો મને લાગે છે કે વધુમાં વધુ હું એટલું જ લખત કે, ‘માનું છું કે આપને લાયક બનવા તરફ હું ઠીક ઠીક વધ્યો છું.’ એ બાલિશ શેખીની યાદ કેમ કરીને ભૂંસાય? પણ મને ખબર છે કે એ ન બની શકે. ઉમર ખયામે કહ્યું છે કે, ‘હાથની આંગળી લખે છે, અને એક વખત લખ્યા પછી એ લખતી જ રહે છે. તારી બધી ધાર્મિકતામાં, ઇચ્છામાં અને તારાં બધાં અશ્રુમાં એમાંની એક લીટીને રદ કરવાની કે એક શબ્દ ભૂંસવાની શક્તિ નથી.’ આપને લાયક થવા માટે મારે ઘણા જન્મો નહીં તો છેવટે ઘણાં વર્ષો વિતાવવાં પડશે. તોયે હું એટલો તો આશાવાદી છું કે મને લાગે છે કે હું ઠીક ઠીક આગળ વધું છું. એની ક્રિયા શરૂ થઈ ગઈ છે. મેલું સાફ કરવાની જે શરૂઆત આપે કરી હતી તે મેં ચાલુ રાખી છે. રોજ મને એવું લાગે છે તે હું પ્રગતિ — ભલે થોડી પણ — કરી રહ્યો છું. પ્રેમભાવની મારી શક્તિમાં હું રોજ કાંઈક ઉમેરો કરી રહ્યો છું. મને આશા છે કે મારા ધાર્મિક શિક્ષણમાં રહેલી ક્ષતિઓ(નું ભાન) જે ચાલુ રહેશે તો વિકાસની આ પ્રક્રિયામાં એનાથી ઘણી મદદ થશે.

કૃપા કરીને આપ સરલાદેવીને કહેશો કે હવે, હું એમનો ભાઈ થાઉં એવો ભાવ એટલો બધો અનુભવું છું કે, એમની સમક્ષ હું એક વિનંતી કરી શકું — બ્રાઉનિંગની કૃતિઓનો એમની પાસે જે સરસ સેટ છે તે જો એમને કાંઈ મુશ્કેલી ન હોય તો થોડા વખત માટે આગ્રાની ડિસ્ટ્રિક્ટ જેલના સુપરિન્ટેન્ડેન્ટના સરનામે મોકલે. આપને પણ વિનંતી કરું છું કે फ्रॉम एन अननॉन डिसाइपल નામનું પુસ્તક જે આપ આપની પાસે રાખો છો તે, અને પ્રોફેસર મેકેન્ઝીએ लाइफ ऑफ सेंट फ्रांसिस નામનું જે પુસ્તક આપને ભેટ આપ્યું હતું તે, મને મોકલી આપો. હું આશા રાખું છું કે આગ્રામાં પણ મને ચોપડીઓ વધુ પ્રમાણમાં રાખવા દેવામાં આવશે. આજકાલ તો મારા દિવસો ભક્તચરિત્રો વાંચવામાં જાય છે અને બની શકે એટલા પ્રમાણમાં બાઇબલ, ભક્તો (અલબત્ત, ખિસ્તી ભક્તો સુધ્ધાં) રામાયણ અને મહાભારત (અલબત્ત, ભગવદ્ગીતા સુધ્ધાં) વિશેનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું મને ગમશે. મારી પાસે કેટલુંક ધર્મેતર સાહિત્ય તો છે જ પણ સાચું પૂછો તો એનું સ્થાન ગૌણ છે. ભજનો અને શ્લોકો મોઢે કરવા એ એક મહાન બાબત છે જ. એથી એ મહાન યુગોનું સમરણ થાય છે કે જેમાં આપણાં સ્ત્રીપુરુષો જીવતાં હતાં અને (ખરાં) સ્ત્રીપુરુષો તરીકે જીવન ગાળતાં હતાં અને તેમની સ્મૃતિઓના અભેદ્ય દુર્ગોમાં ધાર્મિક અને તાત્ત્વિક જ્ઞાનના ખજાના ધારણ કરતાં હતાં. આ વખતે વિનોબા અને એમના જુવાનિયાનું જૂથ મને યાદ આવે છે, અને મને થાય છે કે મને પણ એવા વાતાવરણમાં ઊછરવાનો અને મોટા થવાનો લાભ મળ્યો હોત તો કેવું સારું? આવા આવા યાદ કરેલા ખજાના જો અમને એકાંતવાસમાં ગોંધવામાં આવે તો કેટલા મદદગાર થઈ પડે એ આપને કહેવાની જરૂર નથી.

પણ મારે હવે આ બંધ કરવું જોઈએ. આવી ઢંગધડા વિનાની વાતો વાંચવામાંથી સુપરિન્ટેન્ડેન્ટને મારે બચાવવા જોઈએ. અત્યારે પણ એ માને છે કે અમે એકલા નહીં, બધા જ રાજદ્વારી કેદીઓ, એમને બહુ પજવીએ છીએ, અને અમારી જેલ-બદલીના સમાચારથી એમને કેટલો આનંદ થયો હશે એનો ખ્યાલ હું કરી શકું છું. એના પરિણામે એમના માથેથી મોટો બોજો જરૂર ઊતરશે. અને એ આનંદદાયક બનાવથી રાજી રાજી થઈને એમણે મને એકીસાથે બે કાગળો લખવાની પરવાનગી આપવાનું ઔદાર્ય દાખવ્યું છે. શિસ્તમાં છૂટ મૂકવાનું પહેલી અને છેલ્લી વખતનું પગલું લેતાં એમને વાંધો નહીં લાગે.

અને હું તો ઇચ્છું છું કે એકલા જેલ અધિકારીઓના જ નહીં પણ ગજા ઉપરાંતનું કામ કરનાર આખી સરકારના માથેથી ચિંતાનો બોજો આપણે ઘટાડીએ. અહીંના કલેક્ટર મિ. નોક્સ, જેઓ મને ઓળખે છે તેઓ, પેલે દિવસ મુલાકાતે આવ્યા હતા ત્યારે એમણે આશા દર્શાવી, અને મેં પણ એમ જ પ્રત્યુત્તર વાળ્યો કે અમે ટૂંક સમયમાં મિત્રો તરીકે મળશું. મેં જ્યારે એવી આશાનો પ્રત્યુત્તર વાળ્યો ત્યારે એમણે કહ્યું, ‘એ બધું તમારા ઉપર આધાર રાખે છે.’ મેં કહ્યું, ‘હું તો એક કેદી છું. એનો મારા ઉપર આધાર હોઈ શકે નહીં.’ એમણે હસતાં હસતાં કહ્યું, ‘વારુ, એનો મિ. ગાંધી ઉપર આધાર રાખે છે.’ અને એનો હું જે જવાબ આપત તે સાંભળવા ઊભા ન રહ્યા. (હું કહેત) ‘ગાંધી કહે છે કે બધું સરકારના ઉપર આધાર રાખે છે, સરકાર કહે છે કે બધું ગાંધી ઉપર આધાર રાખે છે. આનો નિવેડો કોણ લાવે?’

પણ હું વળી પાછો વાતે ચડ્યો. આગ્રામાં શું સ્થિતિ હશે એનો મને ખ્યાલ નથી પણ હું આશા રાખું છું કે એ ઠીક ઠીક પ્રમાણમાં ગમે તેવી હશે. મારું જીવન સમગ્રપણે ઠીક ઠીક પ્રમાણમાં આનંદમાં ગયું છે. રાજદ્વારી કેદીઓ માટે તાજમહાલને જેલમાં ન ફેરવી શકાય? પણ વધુ, હવે હું આપને લખું ત્યારે. હાલ તો:

આપના મહાદેવના ઊંડા ભાવભર્યા પ્રણામ

[અંગ્રેજીમાં લખેલો પત્ર અહીં પૂરો થાય છે.]

હવે તો લાગે છે કે હું તો જેટલું ગુજરાતીમાં લખવું હોય તેટલું લખી શકું એમ છું — કારણ, આ કાગળ નાખનાર આદમી મળી ગયો છે. ઉપરના કાગળની નકલ તો એટલા માટે રાખેલી કે તમને મારો કાગળ જેલમાંથી ન મોકલવામાં આવે તો નકલ ક્યાંકથી બીડી દેવી. અને આપ કહી શકો કે આવો કાગળ પણ ન મોકલવો. અહીંના સુપરિન્ટેન્ડેન્ટ તો અસહકારીઓ એટલે તેમના દુશ્મન એટલું સમજે છે. કેવળ વિનોદથી એને ઠીક કર્યો છે અને હવે તો એનું વર્તન મારા તરફ તો બહુ જ સરસ કહેવાય. જો મને ગાડીમાંથી લખવાની તક મળે તો એક સુંદર કાગળ ગુજરાતીમાં લખીને મોકલીશ. અહીં તો એક અક્ષર વધારે લખવાનો વખત નથી રહ્યો.

આપનો એક કાગળ તો જોઈએ. પંદર દિવસ થયા આપનો એક કાગળ જોવાનો નથી મળ્યો.

લિ. સેવક,
મહાદેવના સાષ્ટાંગ દંડવત્ પ્રણામ.

[‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’માંથી]

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 161-166

Loading

21 June 2019 admin
← રામુ – બમ્બઈ કા બાબુ
ઓતરાતી દીવાલો-૧ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved