ખાનગી કે સરકારી કોઈપણ તંત્ર ગમે તેટલું અગત્યનું કે પવિત્ર કેમ ન હોય, છેવટે તે સમાજમાંથી આવતા માણસો દ્વારા ચાલે છે અને સમાજનાં વ્યાપક મૂલ્યોનું જ પ્રતિબિંબ પાડે છે. ઉચ્ચ હોદ્દેદારો વીણીચૂંટીને, ટકોરા મારીને પસંદ કરવામાં આવે છે. તેથી તેમની પાસે સમાજની સરેરાશ વ્યક્તિ કરતાં ઊંચી અપેક્ષા હોય છે. તેમનામાંથી કેટલાંક મૂલ્યો સમાજમાં ઉતરે એવું અપેક્ષિત હોય છે અને એ શક્ય છે. સાથોસાથ, સમાજનાં ઘણાંબધાં મૂલ્યો (કે તેનો અભાવ) ઉચ્ચ હોદ્દેદારોમાં દેખાય છે ને એવું વધારે જોવા મળતું હોય છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સામેની ફરિયાદની જે દશા થઈ, એ તેનો તાજો અને સૌથી શરમજનક દાખલો છે.
અમેરિકા હોય કે ભારત, ન્યાયાધીશો સામે જાતીય સતામણીની ફરિયાદ કરવાનું અઘરું હોય છે. ન્યાયાધીશોની વિશેષ સત્તા અને તેમની કામગીરીને મળેલું ગુપ્તતાનું સંરક્ષણ પારદર્શકતાનું વિરોધી હોય છે. નિષ્પક્ષ ન્યાય માટે એ ઘણી હદે જરૂરી છે. છતાં, કોઈક વખત ખુદ ન્યાયાધીશ સામે ન્યાય મેળવવાની વાત આવે, ત્યારે એ નડતરરૂપ બને છે. અમેરિકામાં ન્યાયાધીશો અને અદાલતના બીજા અફ્સરો સામે ‘લો ક્લાર્ક’ કહેવાતાં સહાયકોની કઠણાઈ કાનૂની વર્તુળોમાં જાણીતી છે. જેમ બધા ન્યાયાધીશો – અફ્સરો ખરાબ નથી હોતા, તેમ બધા એકસરખા પણ ન જ હોય. ૨૦૧૭માં અમેરિકાના એક ન્યાયાધીશ એલેક્સ કોઝિન્સ્કી સામે ફરિયાદ થઈ. આરોપ એ હતો કે તે સહાયકો માટે અભદ્ર કહેવાય એવી ભાષામાં ટિપ્પણીઓ કરે છે અને તેમને અશિષ્ટ તસવીરો બતાવે છે.
આરોપોના પગલે જાગેલાં વમળો પછી આ વર્ષના માર્ચમાં, ન્યાયતંત્રના ૨૬ સભ્યોની બનેલી અમેરિકાની જ્યુડિશ્યલ કોનફરન્સે સુધારાત્મક પગલાંની જાહેરાત કરી. ન્યાયતંત્રની સીડીના સૌથી નીચલાં પગથિયે આવતાં, કાયદાના વિદ્યાર્થી તરીકે માંડ વર્ષ-બે વર્ષ માટે ‘લો ક્લાર્ક’ બનતા લોકો માટે ફરિયાદની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. લો ક્લાર્ક ઇચ્છે તો સત્તાવાર ફરિયાદ કર્યા વિના પણ આરોપો અંગે સત્તાધીશોનું ધ્યાન દોરી શકે, એવી જોગવાઈ કરવામાં આવી. ન્યાયાધીશો માટે કયું વર્તન અયોગ્ય કહેવાય તે ફોડ પાડીને નક્કી કરવામાં આવ્યું અને કોઈપણ પ્રકારના ફરિયાદી કે અદાલતના તંત્રના કોઈપણ સભ્ય સાથે કેવું વર્તન ન કરી શકાય, તેની સ્પષ્ટતા કરવામાં આવી. આ નિયમો ન્યાયાધીશો ઉપરાંત અદાલતના બીજા અધિકારીઓને પણ લાગુ પડશે.
અમેરિકામાં અત્યાર સુધી એવો કાયદો હતો કે ન્યાયાધીશની ચેમ્બરમાં શું થયું તે જાહેર કરી શકાય નહીં. ચેમ્બરમાં જાતીય સતામણીની કે દુર્વ્યવહારની ફરિયાદ હોય તો પણ, ફરિયાદ કરવા જતાં કાયદાના ભંગ બદલ ગુનેગાર બનવાની સ્થિતિમાં મુકાવું પડે. તેમાં પણ ચોક્કસ શરતોને આધીન છૂટછાટ આપવામાં આવી. આવા કિસ્સા વેળાસર ઓળખીને તેની સામે કેવી રીતે અવાજ ઉઠાવવો તેની તાલીમ લો ક્લાર્ક સહિતના સ્ટાફ્ને આપવાનું પણ નક્કી થયું છે. ઘણા લોકોને આટલાં પગલાં અપૂરતાં લાગ્યાં છે. બધો આળીયોગાળીયો ફરિયાદીને તૈયાર કરવા ને તાલીમ આપવા પર નખાયો હોય એવું પણ કેટલાકને લાગે છે. છતાં, રાષ્ટ્રીય સ્તરે ન્યાયતંત્રમાં જાતીય દુર્વ્યવહારની સંભાવનાનો સ્વીકાર અને તેના ઉકેલની દિશામાં કંઈક પ્રગતિ થઈ છે.
ન્યાયતંત્રના કોઈ સભ્ય, ખાસ કરીને ન્યાયાધીશ સામે ફરિયાદની મુશ્કેલી એ છે કે તેમાં વ્યક્તિ અને તંત્રને સગવડપૂર્વક એકરૂપ કરી નાખવામાં આવે છે. એટલે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સામે થયેલી ગંભીર ફરિયાદની વાત કરવામાં ‘ન્યાયતંત્ર ખતરે મેં’ અથવા ‘મુખ્ય ન્યાયાધીશની કચેરી સામે કાવતરાં’ જેવી ભાષા વપરાવા લાગે છે. ખુદ મુખ્ય ન્યાયાધીશે પણ ફરિયાદની કશી તપાસ વિના, પોતે જ પોતાની સામેની ફરિયાદમાં કાજી બનીને જાહેર કરી દીધું કે આ તેમની સામેનું કાવતરું છે અને ન્યાયતંત્રની નિષ્પક્ષતા પરનો પ્રહાર છે.
જાતીય દુર્વ્યવહારના આરોપ દરેક કિસ્સામાં સાચા નથી હોતા. પરંતુ એટલા માત્રથી અને જેમની સામે આરોપ કરવામાં આવ્યા છે તે દેશના ન્યાયતંત્રનો સર્વોચ્ચ હોદ્દેદાર હોવાથી, ફરિયાદને તપાસ્યા વિના કચરાટોપલી ભેગી કરી દેવાનું સદંતર અયોગ્ય છે. કુદરતી ન્યાયના પ્રાથમિક નિયમનો તેમાં ભંગ થાય છે. કોઈ પણ ચીલાચાલુ નેતાની જેમ મુખ્ય ન્યાયાધીશ આરોપના જવાબમાં ‘આ તો મારા વિરુદ્ધનું કાવતરું છે’ એવું પોતાના હોદ્દે ચાલુ રહીને કહે, ત્યારે તે વધારે આઘાતજનક લાગે છે.
મુખ્ય ન્યાયાધીશ સામેની ફરિયાદમાં મહિલાએ એકાંતમાં થયેલા અને સંદેહાસ્પદ લાગતા દુર્વ્યવહારના અદ્ધરતાલ આરોપ ઉછાળી મૂક્યા હોય એવું નથી. ૨૮ પાનાંના સોગંદનામામાં આખો ઘટનાક્રમ વિગતે આલેખવામાં આવ્યો છે. ફરિયાદી મહિલાના સોગંદનામાની વિગતો વાંચીને મગજ બહેર મારી જાય એમ છે. ‘દોષી પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ’ એવા સિદ્ધાંત પ્રમાણે મુખ્ય ન્યાયાધીશને નિર્દોષ માનવાનો વાંધો નથી. પરંતુ તે મુખ્ય ન્યાયાધીશ છે એટલા ખાતર તેમને નિર્દોષ માની લેવામાં ન્યાયના મૂળભૂત સિદ્ધાંતનો ભંગ થાય છે. કેમ કે, સિદ્ધાંત પ્રમાણે ન્યાયની સામે સૌ સરખા છે. સોગંદનામા પર કરાયેલી ફરિયાદ પછી એફ.આઇ.આર.થી માંડીને તપાસ અને કેસ સુધીના તબક્કા હોય છે, જે આ કિસ્સામાં જોવા મળતા નથી. સોગંદનામામાં એવી ઘણી વિગતો છે, જેમાં બીજા લોકો સંકળાયેલા હોય અને જેની ખરાઈ સહેલાઈથી ચકાસી શકાય એમ હોય. પરંતુ આ લખાય છે ત્યારે મુખ્ય ન્યાયાધીશ મહોદયને તપાસસમિતિ દ્વારા ક્લીન ચીટ આપી દેવામાં આવી છે – અને તે પણ ફરિયાદની ગેરહાજરીમાં એકપક્ષીય કાર્યવાહી ચલાવીને. તપાસસમિતિમાં સર્વોચ્ચ અદાલતના ત્રણ-ત્રણ ન્યાયાધીશો સામે રજૂઆત કરવાની હોય અને તેના માટે ફરિયાદીને એક વકીલ કે સાથીની મદદ પણ આપવામાં ન આવે, ઉપરથી એવું કહેવામાં આવે કે સમિતિ સમક્ષ જે વાત કરી હોય તે બહાર કોઈને, તમારા વકીલને પણ, નહીં કહેવાની અને અમારી આખી કાર્યવાહીમાં તમે શું જુબાની આપી, તેનો કોઈ અહેવાલ તમને નહીં મળે … દેશના સર્વોચ્ચ ન્યાયસ્થાને રચેલી સમિતિ માટે આવી વર્તણૂક શરમજનક અને સર્વોચ્ચ અદાલતની ગરિમા હણનારી છે. અગાઉ સ્વતંત્રકુમાર અને અશોક ગાંગુલી જેવા નિવૃત્ત ન્યાયાધીશોના કિસ્સામાં આવા આરોપો પછી ભીનું સંકેલાઈ ગયું હતું, આ વખતે હમણાં સુધીનો ઘટનાક્રમ એ જ દિશા સૂચવે છે. પરંતુ આ કિસ્સો તેના ર્તાિકક, ન્યાયી અંત સુધી નહીં પહોંચે તો તે દેશના ન્યાયતંત્ર માટે કાયમી કલંકરૂપ બની રહેશે અને તેની જવાબદારી પ્રસાર માધ્યમોની કે ફરિયાદી મહિલાની નહીં, ન્યાયના મંદિરમાં બેસીને ન્યાયના રસ્તે નહીં ચાલનાર સત્તાધીશોની હશે.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 મે 2019