ભૂતકાળમાં યુ.એન. દ્વારા હાઇફઝ સઇદ, લશ્કર-એ-તોયબાના અબ્દુર રહેમાન, ઝાકી ઉર રહેમાન લખવી અને દાઉદ ઇબ્રાહિમને પણ આતંકવાદી જાહેર કરાયા છે પણ કંઇ ફેર પડ્યો નથી.
૧૯૯૪ની શરૂઆતમાં ખોટી ઓળખાણ સાથે ભારતમાં ઘુસેલા મસૂદને આતંકી પ્રવૃત્તિઓ બદલ જેલભેગો કરાયો. ૧૯૯૯ની સાલમાં જ્યારે ફ્લાઇટ 814નું અપહરણ કરીને કંધાર, અફઘાનિસ્તાન લઇ જવાઇ, ત્યારે આતંકીઓએ જાપ્તામાં રાખેલા માણસોને છોડવા માટે જે માંગણીઓ મૂકી હતી તેમાંની એક હતી મસૂદ અઝહરની મુક્તિ. ભારત સરકારે ત્યારે આતંકીઓનાં સંકજામાં સપડાયેલાઓનો જાન બચાવવા મસૂદ અઝહર સહિત ત્રણ આતંકીઓને છોડ્યા, ત્યારે આપણાં અખબારોમાં મસૂદ અઝહરનું નામ મથાળામાં ઝળક્યું હતું. આ અઠવાડિયે મસૂદ અઝહર ફરી એકવાર સમાચારોનો મુખ્ય વિષય બન્યો. યુનાઇટેડ નેશન્સે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહંમદના વડા મસૂદ અઝહરને બુધવારની સાંજે વૈશ્વિક આતંકવાદી ઘોષિત કર્યો એ સાથે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જે ચર્ચાઓ છેડાવી જોઇએ એ તો છેડાઇ, પણ આપણે ત્યાં ભક્તિનો ઘોંઘાટ બમણો થઇ ગયો. ભારત માટે મસૂદનું યુ.એન. દ્વારા બ્લેક લિસ્ટીંગ બહુ મોટો ‘ડિપ્લોમેટિક વિન’ ગણાય છે. પરંતુ આ આખી ય ઘટના પાછળ એક માત્ર આપણા વડાપ્રધાન કારણભૂત છે, એમ માની લેવું એ તદ્દન ખોટું છે. યુ.એન.નાં આ નિર્ણય પાછળનાં તમામ કારણોને વિસ્તારથી સમજીને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં તેને જોવો જરૂરી છે.
જૈશ-એ-મોહંમદનાં કારનામાં
સૌથી પહેલાં તો આ જૈશ-એ-મોહંમદે કરેલા નોંધપાત્ર આતંકી હુમલા પર એક નજર નાખીએ. લશ્કર-એ-તોયબા સાથે મળીને ૨૦૦૧માં આ જૂથે આપણી સંસદ પર હુમલો કર્યો હતો. ડેનિયલ પર્લ નામના અમેરિકી પત્રકારની હત્યામાં પણ આ જૂથનો હાથ હોવાની શક્યતા છે. તેમણે રાજકીય મહત્તા ધરાવનારા ભારતીયનું અપહરણ કરીને ૪૨ આતંકીઓને છોડાવવાની નિષ્ફળ યોજના કરી હતી (કોનું અપહરણ કરવાનું વિચાર્યું હતું એ નથી કહેવું નહીંતર ભક્તોને જલસા પડશે.). ૨૦૦૩માં પાકિસ્તાની પ્રેસિડન્ટ પરવેઝ મુશર્રફની હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ પણ અઝહરનાં નેતૃત્વ હેઠળ કરાયો હતો. ૨૦૦૮માં મુંબઇમાં થયેલા બોમ્બબ્લાસ્ટ માટે પણ આ જૂથ જવાબદાર હોવાનો દાવો ભારત સરકારે કર્યો હતો. ૨૦૦૯માં ન્યુ યૉર્કનાં સિનેગૉગમાં તથા મિલિટરી એરક્રાફ્રટ પર મિસાઇલ્સથી હુમલો કરવા માગતા ચાર જણ જ્યારે ઝડપાયા, ત્યારે તેમાંના એકે પોતે જૈશ-એ-મોહંમદમાં જોડાવા માગે છે તેવું કબુલ્યું હતું. ૨૦૧૬નાં પઠાણકોટમાં થયેલા આતંકી હુમલામાં આ જ સંગઠનનો હાથ હતો તો સપ્ટેમ્બર ૨૦૧૬માં ઊરી આર્મી કેમ્પ પર થયેલો હુમલો પણ આ જૂથે કર્યો હતો. કાશ્મીરમાં પુલવામા સી.આર.પી.એફ.નાં ચાળીસ જવાનોનો જીવ લેનાર હુમલો પણ આ જ સંગઠને કર્યો હતો.
ચીનની ‘ના’ કેમ હતી?
આવા આતંકી હુમલાઓનાં માસ્ટરમાઇન્ડ તરીકે કુખ્યાત મસૂદને વૈશ્વિક આતંકવાદીનું લેબલ મળે તેમાં પાકિસ્તાનને બહુ મોટું નુકસાન હતું. પાકિસ્તાનમાં ‘વૈશ્વિક આતંકવાદી’ કહેવાયો હોય એ માણસ છૂટથી ફરે તો તેમની રહીસહ્યી વૈશ્વિક ‘છાપ’ પણ ખરડાઇ જાય. એમાં ય પાછું બેઇજિંગ અને પાકિસ્તાન વચ્ચે આર્થિક વ્યૂહાત્મક સંબંધો ગાઢ છે. ચીન દ્વારા પાકિસ્તાનમાં કરોડો ડૉલર્સનું રોકાણ થઇ રહ્યું છે, કારણ કે ચીન ‘ઇકોનોમિક કૉરીડોર’ બનાવવા માગે છે. પાકિસ્તાનની છાપ કથળે એ સાથે ચીનની છાપ પણ ધૂળ ભેગી થાય કારણ કે એનાથી સિદ્ધ થાય કે તેઓ એવા રાષ્ટ્ર સાથે ‘દોસ્તી’ રાખે છે જ્યાં આંતકવાદીઓને આશરો મળે છે. ચીન માટે ભારત બહુ મોટો સ્પર્ધક છે અને મસૂદના મામલે કાંકરીચાળો ચાલુ રહે તો ભારત એ ભાંજગડમાં વ્યસ્ત રહે અને ચીનને તગડી સ્પર્ધા આપવા સિવાયનાં કામોમાં પરોવાયેલો રહે. આ કારણોસર મસૂદને ‘વૈશ્વિક આતંકવાદી’નું લેબલ મળે એ માટે ચાલતા ભારતના દસ વર્ષથી પ્રયાસ ચાલુ હોવા છતાં પણ ચીન મચક નહોતું આપતું. આ ઉપરાંત ભારત અને અમેરિકાનાં સંબંધો મજબૂત બને એ પણ ચીન માટે મોટો પડકાર બની શકે છે. ૨૦૦૮માં થયેલી ન્યુક ડિલ પુરાવો છે કે ચીનનાં જડબાતોડ જવાબ તરીકે અમેરિકા ભારતને તૈયાર કરવા માટે તત્પર છે. ભારત મજબૂત ન થાય એ માટે ચીનના બધા પ્રયત્નો ચાલુ હતા. આટલું ઓછું હોય એમ દલાઇ લામા અને તિબેટને ભારતનો ટેકો ચીનને જરા ય માફક નથી આવતો. ભારતને ગમતું ન કરવું એ ચીને નક્કી કર્યું હતું.
સિક્યોરિટી કાઉન્સિલે ચીનનું નાક દબાવ્યું
આ આખી ઘટનામાં ચીન, પાકિસ્તાન, ભારતની સ્થિતિ સમજી લીધા પછી યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલનો રોલ સમજવો જરૂરી છે. યુ.એન.ની સિક્યુરિટી કાઉન્સિલ ૧૫ સભ્યોની એક એવી સમિતિ છે જેનું કામ છે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સલામતિ જાળવવાનું. ચીન સહિત અન્ય સભ્યો જે તે પ્રસ્તાવને વોટ આપે તે આધારે સમિતિ પોતાનાં નિર્ણય જાહેર કરે. વળી ચીન પાસે સિક્યુરિટી કાઉન્સિલનો વીટો પાવર પણ છે. ભારત આ સમિતિનો હિસ્સો નથી પણ એક રાષ્ટ્ર તરીકે તે પોતાની વાત રજૂ કરી જ શકે. યુ.કે., યુ.એસ. અને ફ્રાંસ એ સિક્યુરિટી કાઉન્સિલનાં P3 એટલે કે ગ્રુપ ઑફ થ્રી પરમિનેન્ટ મેમ્બર્સ છે. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટેની ભારતની રજૂઆતને યુ.એસ.એ., યુ.કે. અને ફ્રાંસનો ટેકો મળ્યો અને અંતે ચીનને નમતું જોખવું પડ્યું. ખાસ કરીને પુલવામાનાં હુમલા પછી જ્યારે મોદી સરકારે યુ.એન. સમક્ષ પ્રસ્તાવ મૂક્યો પછી બાકીનાં ત્રણ રાષ્ટ્રોએ પણ એ માંગ સ્વીકારવા માટે ચીનને દબાણ કર્યું. માત્ર દબાણ જ નહીં પણ એમ કહ્યું કે સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં ચીનનાં ‘નન્ના’ને ‘પબ્લિક વૉટિંગ’ દ્વારા દુનિયા સમક્ષ મૂકી દેવામાં આવશે. જો કે ચીનને ઇચ્છા હતી કે આ મુદ્દો ૧૨૬૭ કમિટીમાં ચર્ચાવો જોઇએ કારણ કે તેની પ્રક્રિયાઓ જાહેર નથી કરાતી. બાકીનાં ત્રણ રાષ્ટ્રોએ ચીનને દબાણ કર્યું એ પાછળ ભારત પ્રેમ નહીં પરંતુ આર્થિક કારણો જવાબદાર છે.
બ્લેકલિસ્ટીંગથી કોનું, શું થશે?
બ્લેકલિસ્ટ થવાથી મસૂદ હવે આતંકી હુમલા નહીં કરે એવું માનવાની કોઇ જરૂર નથી. તેના જૂથને કે તેને વ્યક્તિગત રીતે ટેકો આપતા તમામ આર્થિક એસેટ્સ ફ્રિઝ કરાશે, તે મુસાફરી નહીં કરી શકે અને તેને મળતા અને વેચાતા હથિયારો પર બંધી મુકાશે. પાકિસ્તાન માટે આ બહુ મોટો ફટકો છે કારણ કે ઇમરાન ખાને પુલવામા હુમલામાં જૈઇશનો રોલ હોવા અંગે પુરાવા માગ્યા હતા અને હવે તે કંઇ બોલી શકે તેમ નથી. ભા.જ.પા.ને ચૂંટણીનાં ખેલની વચ્ચોવચ આ ‘લાભ’ મળ્યો છે જેનો ઉપયોગ કરીને મતદારો સમક્ષ તેઓ પોતાનું ‘શક્તિ પ્રદર્શન’ કરવાની એકેય તક જતી નહીં કરે.
આતંકવાદી જૂથનું શું થશે એમ વાત કરીએ તો, હાફિઝ સઇદ અને તેનાં સંગઠને આવા લિસ્ટીંગ પછી પાકિસ્તાનમાં પોતાનાં રજિસ્ટર્ડ નામો બદલી નાખવામાં જરા ય વાર નહોતી કરી. વળી ભૂતકાળમાં યુ.એન. દ્વારા લશ્કર-એ-તોયબાનાં અબ્દુર રહેમાન, ઝાકી ઉર રહેમાન લખવી અને દાઉદ ઇબ્રાહિમને પણ આતંકવાદી જાહેર કરાયા છે, પણ કંઇ ફેર પડ્યો નથી. પાકિસ્તાન ખરેખર આતંકીઓની વિરુદ્ધમાં કંઇ પગલાં લે એવું જરૂરી નથી. જે આટલાં વર્ષોમાં નથી થયું એ હવે થાય એવું માનવામાં કોઇ સાર નથી. પાકિસ્તાન માટે મસૂદ એક સ્રોત છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા આવતા મહિનાની મિટીંગમાં ઇસ્લામાબાદનું બ્લેકલિસ્ટીંગ થઇ જાય એના ડરમાં પાકિસ્તાને બાલાકોટ પછી માંડ એક વાર આતંકીજૂથ સામે ‘કહેવા પૂરતાં’ પગલાં લીધા છે અને આ જ કારણે મસૂદનાં બ્લેકલિસ્ટીંગ સામે પણ તે વાંધો નહીં ઊઠાવે. જો કે એવું કહેવાય છે કે પાકિસ્તાન કદાચ મસૂદને અટકમાં લે પણ જેમ હાફિઝ સઇદની ધરપકડ ‘લિપ સર્વિસ’થી વધારે કંઇ નહોતી તેવું જ આ કિસ્સામાં પણ થઇ શકે છે.
મુત્સદ્દીગીરીનો ખેલ
થોડા સમય પહેલાં ઇમરાન ખાને ચીનની મુલાકાત લીધી હતી, સ્વાભાવિક છે કે ત્યારે બન્ને રાષ્ટ્રના વડા વચ્ચે ‘મસૂદનું શું કરવું છે?’ પ્રકારની ચર્ચા થઇ હશે. મસૂદનાં સંગઠન જૈશ-એ-મોહંમદને ૨૦૧૧માં જ યુ.એન. દ્વારા આતંકી સંગઠન જાહેર કરી દેવાયું હતું માત્ર તેના લિડરનું નામ બ્લેક લિસ્ટ કરવાનું બાકી હતું. પાકિસ્તાન સરકારના દાવા અનુસાર મસૂદ બહુ જ બિમાર છે. બિમાર આતંકીનો હવે પાકિસ્તાનને કોઇ ઉપયોગ નથી. વળી ચીનનું માર્કેટ ભારતમાં બહુ મોટું છે જે ગુમાવવામાં ચીનને રસ ન હોય. ભારતને યુ.કે., યુ.એસ. અને ફ્રાંસનો ટેકો મળ્યો તેની પાછળનાં કારણોમાં પણ સ્વાર્થ છે. યુ.એસ.એ. દ્વારા ચીન અને ભારતને કહેવાયું હતું કે તેઓ ઇરાન પાસેથી ક્રુડ ઓઇલ ન ખરીદે. ચીને તો અમેરિકાની વાત ન સાંભળી પણ ભારતે નુકસાન વેઠીને પણ ઇરાન પાસેથી આ ખરીદી બંધ કરી દીધી કારણ કે ભારતને મસૂદને મામલે અમેરિકાની મદદ જોઇતી હતી. વળી ફ્રાંસ અને યુ.કે. બન્ને પાસેથી ભારત મોટી સંખ્યામાં શસ્ત્રો ખરીદે છે. ભારતને ટેકો ન આપે તો એ ‘ઘરાકી’માં વાંધા પડે એમ હતું. પાકિસ્તાનને ગળે છછુંદર અટક્યો છે કારણ કે એ ચીનના આ નિર્ણય અંગે કોઇ પણ પ્રકારનો વિરોધ કરી શકે તેવી સ્થિતિમાં નથી કારણ કે ચીનની રહેમ નજર વિના પાકિસ્તાનનું કશું ય ભલું નથી થવાનું. આમે ય, અત્યાર સુધી યુ.એન.માં પાકિસ્તાનને ચીન સિવાય કોઇનો ય ટેકો નથી મળ્યો. આઇ.એસ.આઇ.એસ.ની ચિંતા વધી એ ચોક્કસ. ચીનનાં આ પગલાં પાછળનો બીજો સ્વાર્થ છે દિલ્હી સરકાર સાથે સંબંધ સુધારવા! યુ.એસ.એ.ની આંખમાં કણાની જેમ ખૂંચતા ચીન અને રશિયા સાથે ભારતનાં સંબધ સુધરે તો ભારત અમેરિકાના નેતૃત્વ હેઠળની ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી તરફ ન વળતા યુરેશિયાને વધુ મહત્ત્વ આપે. ચીનના આ હકારની કિંમત ભારતે કોઇને કોઇ રીતે ચુકવવી જ પડશે. રાજકારણમાં પણ ‘નો લંચ ઇઝ ફ્રી લંચ’નો નિયમ લાગુ પડે જ છે. આ એક નિર્ણયની કોણ કેટલી કિંમત ચુકવશે એ તો વખત આવ્યે જ ખબર પડશે.
બાય ધી વેઃ
જે દિવસે મસૂદ અઝહરનાં બ્લેક લિસ્ટ થવાના સમાચાર આવ્યા ત્યારે જયપુરનાં ભાષણમાં સાહેબે ‘ટીમ’ને મહત્ત્વ આપતા નેતાની માફક આ ‘ડિપ્લોમેટિક વિન’ને ૧૩૦ કરોડ લોકોની સફળતામાં ગણાવી. પરંતુ ભક્તોનો ઘોંઘાટ જે રીતે વધ્યો એ જોતાં તે એવું લાગતું થતું હતું કે સાહેબે જાતે યુ.એન.માં જઇને મસૂદને ધરી દીધો હોય. આ આખી વાત પાછળ કોઇ એક વ્યક્તિ કે એક રાષ્ટ્રની વાત નથી. મોદીની વાક્ છટા અંગે કોઇ બે-મત નથી એટલે મસૂદનો મામલો ચૂંટણીનાં બાકીનાં ફેઝીસમાં કેટલો વપરાશે એ જોવું રહ્યું. જે લોકોને રાજકારણનાં પેચીદા ઊંડા ખેલનો ખ્યાલ નથી, એ બધો જ જશ એક માણસના પ્રયત્નને આપવા તત્પર જ હોય. બાકી સૈનિકોને નામે વોટની માંગણી આમ પણ થઇ ચૂકી છે. જો કે બ્લેકલિસ્ટીંગ અંગે જાહેર થયેલા સ્ટેટમેન્ટમાં પુલવામા હુમલાનો ઉલ્લેખ સુદ્ધાં નથી કારણ કે આ નિર્ણય તાજેતરમાં થયેલા આતંકી હુમલાને પગલે નહીં પણ અગાઉનાં કારનામાંનાં પુરાવાને આધારે લેવાયો છે. કોઇ એક રાષ્ટ્ર માટે આવા નિર્ણયો ન લેવાય. જો કે એમ પણ કહેવાય છે કે મસૂદનાં બ્લેકલિસ્ટીંગ માટે ભારતે આટલું ‘સમાધાન’ કરવું પડ્યું હતું. સાહેબ આંતરરાષ્ટ્રીય સ્તરે ‘સમાધાન’ ભલે કરે પણ એનાથી રાષ્ટ્રીય સ્તરે તેમને ‘ધનાધન’ પ્રચાર-પ્રચાર રમતા કોઇ નહીં રોકી શકે. પણ માળું એક પ્રશ્ન થવાનો, ‘એક આતંકી મુસલમાને જીતાડી દીધા, એમ?’
સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 05 મે 2019