Opinion Magazine
Number of visits: 9446984
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|8 March 2019

ઘણી બધી સ્ત્રીઓને લાગુ પડી શકે એવાં આ ગીતમાં લગ્નના આનંદના માહૌલમાં પીડાની બારીક ટશરો ફૂટે છે, જે ભાવકના હ્રદયને ભીંજવી જાય છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પૂર્વ સંધ્યાએ, નારી સંવેદનાનું એક નાજુક-નમણું ગીત યાદ આવે છે. નવયૌવનાના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આંગણે ઢોલ-નગારાં બજી રહ્યાં છે. મહેંદી, પીઠી, ગ્રહશાંતિ જેવા પ્રસંગો ઉકેલવામાં પરિવારજનો વ્યસ્ત છે. કન્યાને શણગારવા સરખી સાહેલીઓ ભેગી થઈ છે. પણ જેના લગ્ન થવાનાં છે એનું મન તો બીજે જ ક્યાંક સ્વપ્નવિહાર કરી રહ્યું છે. લગ્ન એ સ્ત્રીના જીવનનો એકમાત્ર એવો પ્રસંગ છે જેમાં કેટકેટલાં સપનાં, અઢળક આશાઓ, અજબ-ગજબનાં અરમાન, ઉમંગ, ઉલ્લાસ અને અપાર થનગનાટ સમાયેલાં છે! મેંદીથી મધુરજની સુધીનું પરફેક્ટ પ્લાનિંગ!

પરંતુ, જે કન્યાના નામનો માંડવડો રોપાયો છે એના મનની વાત કોઈ જાણે છે? “એમાં વળી એને શું પૂછવાનું? વર તો સો ટચના સોના જેવો છે.” કો’ક ‘શુભચિંતક’ વદે‌ છે.‌ અહીં જ આપણે થાપ ખાઈએ છીએ. સ્ત્રીની મનોભાવના વ્યક્ત થતાં સદીઓ વીતી ગઈ છે. આવતીકાલે નારીદિનના નારા લગાવાશે, મહિલાઓને ‘મૂર્તિ’ બનાવીને પૂજવામાં આવશે. પરંતુ, મહાનગરોના એક નાના વર્ગને બાદ કરતાં ‘સ્ત્રી સ્વાતંત્ર્ય’ એ કાગનો વાઘ છે. આમ જુઓ તો એ એક અદ્દભુત ‘કલ્પના’ છે. આજના આધુનિક યુગમાં ય સ્ત્રી મા-બાપને મનની વાત કહેતાં અચકાય છે.‌આજના આ ગીતમાં એવી જ એક કોડીલી કન્યાની વિટંબણા વ્યક્ત થઈ છે.‌ હ્રદયના છાને ખૂણે તો મનનો માણીગર કો’ક બીજો જ છે, અને મા-બાપે લગ્ન ક્યાંક બીજે ગોઠવી દીધાં છે. મનની વ્યથા કોને કહેવી એવી મૂંઝવણ અનુભવતી કન્યા છેવટે દૂંદાળા દેવ સામે બેસીને એમને જ પૂછે છે કે, હે દેવ, તમે જ કહો, મીંઢળ બાંધું કે નહીં! મા-બાપ માનવાનાં નથી, સમાજ સાંભળવાનો નથી. ઈજ્જત અને મુહબ્બત વચ્ચેની ખેંચતાણમાં ઈજ્જત, આબરૂ અને સમાજનો જ વિજય થતો હોય છે.‌ કન્યાનું ભાવિ તો નક્કી થઇ જ ગયું છે છતાં ભગવાનને પૂછીને એ એક ચાન્સ લઇ લેવા માંગે છે. ઈશ્વરની સાક્ષીએ કબૂલાત કરી લેવા ઈચ્છે છે.

પરણવાની તૈયારી કરતી મુગ્ધ કન્યાની મનોદશા વર્ણવતું આ ખૂબ સુંદર ગીત છે. ભીંતે ચીતરેલા વિઘ્નહર્તા ગણપતિને કન્યા પૂછે છે કે તમારી પરવાનગી હોય તો જ આ મીંઢળ હું બાંધું.‌ આ કલ્પના જ કેટલી રોચક છે. લગ્ન એની મરજીથી નથી થઇ રહ્યાં. ‌મીંઢળ જાણે કે એને બેડી લાગે છે. કંચવા(કંચૂકી-બ્લાઉઝ)ને પારકી ગાંઠથી બાંધવાનો વિચાર તેને વિહ્વળ બનાવે છે. ચોરીના ચાર ફેરા ફરું તો મનથી ભવભવના ફેરા જેની સાથે ફર્યા હતા તેનું શું થશે ? એ વિચાર મૂંઝવી રહ્યો છે. જીવન લગ્નસંબંધ તરફ આગળ વધી રહ્યું છે છતાં ભૂતકાળ પીછો છોડતો નથી. ગમતી વ્યક્તિનો પડછાયો જ સામે આવી ઊભો રહે છે. પરોક્ષ રીતે એ કન્યા મા-બાપને એમ પણ કહે છે કે, તમે કહો છો તો હું કાંડે મીંઢળ તો બાંધું પણ, મારાં હૈયાને તમે કેમ કરીને બાંધશો? પારકા પુરુષના નામનું પાનેતર ઓઢીને બેસી તો જઇશ સૌના કહેવાથી, પણ મારું મનડું તો બીજે જ રમતું હશે.‌”

અતીત પાસે અવસર બનતાં રહી ગયેલી કેટલીયે ક્ષણો ધરબાયેલી હોય છે. આ ક્ષણો પાસે બોલકી ભાષા નથી હોતી. એને સાંભળવા કાન અને ધ્યાન બંને સરવા કરવા પડે. સામાજિક કારણોસર છૂટા પડવાનું આવે એવા સંબંધમાં પીડા બન્ને પક્ષે હોય છે.

કન્યાએ રેશમી સપનાં જોયાં છે, તેની લીલીછમ યાદો હજુ પાંપણમાં પોઢેલી અક્બંધ છે, હવે તેનું શું થશે? પ્રિયતમની યાદ સાતમે પાતાળ સુધી વિસ્તરેલી છે અને સપનામાં હેળવેલાં હોઠનો રાતો રંગ પણ હજુ ગયો નથી !

કવિએ સૂક્ષ્મ રીતે આ મનોવ્યથા ગીતમાં વ્યક્ત કરી છે. અમદાવાદ પાસેના અડાલજ ગામની શાળામાં આચાર્ય રહી ચૂકેલા ગીતના કવિ-નાટ્યકાર શુકદેવ પંડ્યાને આ ગીત કઈ રીતે સ્ફૂર્યુ એ કથા રસપ્રદ છે.‌

“વાત મારા બાળપણની છે. અમદાવાદ જિલ્લામાં કૌકા નામે અમારુ ગામ. એમાં રજપૂત-ગરાસિયાની વસ્તી ઘણી મોટી. એ લોકો ગામની દીકરિયું દૂર દેશાવરમાં વળાવે. એમનો એક રિવાજ એવો કે જાનમાં વર ના આવે, પહેલા ખાંડુ (તલવાર) આવે. કન્યા પહેલા બે ફેરા ખાંડા સાથે ફરે અને બીજા બે ફેરા સાસરે જઈ ફરે.‌ હવે વહેલી સવારે દીકરીને વળાવે ત્યારે ઘરની સ્ત્રીઓ જે આક્રંદ કરે એ મારા કૂમળા મનમાં ઘુસી ગયું, વિદાયરૂદન હૈયામાં ઘર કરી ગયું. બીજું, ગામના ગોર લગ્નવાળા ઘરે જઈને ભીંત ઉપર ગણપતિ ચિતરે.‌ એ હું જોયાં કરું. આ બંને બાબતો ભેગી થઈ અને ગીતનું બીજ રોપાયું. ૧૯૮૬માં મેં આ ગીતની પ્રથમ પંક્તિ લખી : ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ, તમે બોલો આ મીંઢળ હું બાંધું? અલબત્ત, એ વખતે ફક્ત બે અંતરા જ લખ્યા હતા. પરંતુ, નયનેશે જે લાજવાબ સ્વરાંકન કર્યું ત્યારે મને થયું કે ગીતમાં કંઈક ખૂટે છે. તેથી પીઠી અને ચૉરીના બે અંતરા પછીથી ઉમેર્યા.‌ આ ગીતની ખૂબી એ છે કે દરેક અંતરાનું પોતાનું અલગ મીટર છે અને નૈનેશે ત્રણેય અંતરા એવી સરસ રીતે સ્વરબદ્ધ કર્યાં છે કે ગીત પરફેક્ટ બની ગયું. લગ્નનો માહોલ આબેહૂબ તાદ્રશ્ય થાય એવા સંગીત સંયોજન દ્વારા નયનેશે ગીતને જીવંત અને લોકપ્રિય બનાવ્યું તથા નિશાએ અત્યંત ભાવવાહી રીતે રજૂ કરીને એને ઓર નિખાર્યુ.‌ છેલ્લા અંતરાની રેન્જ તો એટલી ઊંચી છે કે દરેક ગાયિકા એ ગાઈ શકે નહીં.‌”

કવિની વાતને યથાર્થ ઠેરવે એ રીતે નિશા કાપડિયાએ આ ગીતને બખૂબી નિભાવ્યું છે. નિશાની ગાયકીથી સુગમ સંગીતપ્રેમીઓ પરિચિત છે જ. ફિલ્મ સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત ઉપરાંત તાજેતરમાં મરાઠી ફિલ્મ ‘સવિતા દામોદર પરાંજપે’માં મરાઠી ગીત ગાઈને એમણે પોતાના ગાયનની ક્ષિતિજો વિસ્તારી છે.‌ એ મરાઠી ગીત મિર્ચી મ્યુઝિક એવોર્ડ માટે નોમિનેટ પણ થયું છે એ ગૌરવ લેવા જેવી વાત છે. સંગીત ક્ષેત્રે સોલી-નિશાની જોડી કેટલાંક અન્ય સંગીત યુગલોની જેમ ઉચ્ચ સ્થાને બિરાજમાન છે.‌

આ ગીતમાં નિશાએ નારીની આંતરવ્યથાને આબેહૂબ વાચા આપી છે. મહદ્અંશે રાગ કિરવાણીમાં રચાયેલા આ ગીતના સ્વરકાર નયનેશ જાની ગીતના સ્વરાંકન વિશે કહે છે, “૧૯૯૬માં અમદાવાદમાં સુગમ સંગીતના કાર્યક્રમ ‘એની સુગંધનો દરિયો’નું આયોજન થયું હતું, જેમાં ફક્ત મારાં નવાં સ્વરાંકનો રજૂ થવાનાં હતાં. આ ગીત કમ્પોઝ કરી મેં નિશાને મોકલ્યું. શબ્દો અને સ્વરાંકન બન્ને એમને સ્પર્શી ગયાં. પહેલીવાર એ ગીત સ્ટેજ પરથી રજૂ થયું અને વન્સમોર મેળવી ગયું. ગીતના શબ્દો કમાલના છે. એક બાજુ મા-બાપનાં સંસ્કાર છે, બીજી બાજુ દીકરીના મનમાં જુદો જ માળો રચાઈ ગયો છે. આ દુવિધા સુપેરે વ્યક્ત થઈ છે. કવિએ પીઠી અને ચૉરીના બે અંતરા પછીથી ઉમેર્યા એ મારે માટે ચેલેન્જ હતી. એ બે અંતરા પછીથી સ્વરબદ્ધ કર્યાં‌ અને થાગડથીગડ ન લાગે એ રીતે ગીતમાં સમાવી દીધા. કારુણ્યની પરાકાષ્ઠા દર્શાવવા છેલ્લા અંતરાની બે પંક્તિઓ મેં રાગ શિવરંજનીમાં કમ્પોઝ કરી છે. કિરવાણી અને શિવરંજની બન્ને કાફી થાટના હોવાની એકબીજા સાથે આસાનીથી ભળી શક્યા છે. પરંતુ માનું છું કે વધુ પડતી રાગદારી દ્વારા શબ્દ પર સંગીતનું ભારણ ન લાગવું જોઈએ. આ ગીત રાગ આધારિત હોવા છતાં એમાં રાગ હાવી નથી થતો. ગાવામાં અને સાંભળવામાં સુગમ હોય એ જ સુગમ સંગીત છે મારી દ્રષ્ટિએ.”

શબ્દો અને સંગીતની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ એવું આ ગીત આમ તો સંગીતપ્રેમીઓથી અજાણ્યું નથી જ, છતાં ન સાંભળ્યું હોય તો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે જ. નારી સંવેદનાને સ્પર્શતું આ ગીત તમને જરૂર ગમશે.

******

ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ
તમે બોલો આ મીંઢળ હું બાંધું?

આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

લચી પડે છે હજુ લીલીછમ યાદો
ને પાંપણમાં પોઢી છે રાતો
હળુહળુ હેતમાં હેળવેલાં હોઠનો
જો ને અલી છે ને રંગ રાતો
અંતરમાં ઉમટેલા વ્હાલના વંટોળને
હું નાડાછડીથી કાં બાંધુ?

આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

પીઠી તું ચોળ પછી, પહેલા તું બોલ
આ રાતા તે રંગમાં શું ભરવું
સાતમે પાતાળ સાવ રેશમમાં વીતેલા
સપનાનું મારે શું કરવું?

પાનેતર પારકું તો ઓઢીને બેસું પણ
મનની ચોપાટ કેમ માંડું?

આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

ચોરીના ચાર ફેરા ફરું તો કેમ?
પડે ભવભવના ફેરા નક્કામા
આગળના રસ્તાને ભાળે શું આંખ
મળે વીત્યાના પડછાયા સામા
કાડું તો બાંધું દેવ તમારા કહેવાથી
હૈયાને કેમ કરી બાંધું?

આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

સ્વર : • નિશા ઉપાધ્યાય-કાપડિયા • કવિ : શુકદેવ પંડ્યા • સંગીતકાર : નયનેશ જાની

http://tahuko.com/?p=1524

07 માર્ચ 2019

https://nandini103.wordpress.com/2019/03/07/ભીંતે-ચિતરેલ-રૂડા-ગરવા-ગણ/?fbclid=IwAR3TDT1jpcy4z6NkdcW4sequdkuhBnt4cVootw_8t5GtgWhBx81jktVMjfg

Loading

8 March 2019 admin
← રાજકીય વંશવાદનો લોકશાહી પર પડછાયો
ફિલ્મ ‘ગ્રીન બુક’ અને અમેરિકન ‘વ્હાઈટ સેવિયર નેરેટિવ’ ટૂલની સામે ‘ધ હેટ યુ ગિવ’નો આક્રોશ →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved