"એક પરિક્રમાવાસીએ મને કહ્યું કે જો કોઈને ડૉક્ટર બનવું હોય તો એના માટે મેડિકલ કોલેજ છે, એન્જિનિયર બનવું હોય તો એન્જિનિયરિંગ કોલેજ છે, પણ જો કોઈને સારા માણસ બનવું હોય તો એના માટે કોઈ કૉલેજ ખરી? નર્મદા-પરિક્રમા સારા માણસ બનાવવાની કોલેજ છે. 3 વર્ષ 3 મહિના અને 13 દિવસ સુધી એક જ નદીનું ધ્યાન કરતાં ચાલવું, ભીક્ષા માગીને ખાવું, અપરિગ્રહનું પાલન કરવું – આ કંઈ નાનું તપ નથી. એક વૃદ્ધે મને કહેલું, ‘પરિક્રમા દરમિયાન ધારો કે તમે કોઈક પાસે કશું માગ્યું ને એણે ના પાડી. કદાચ અપમાન પણ કરી બેસે. તો એને પણ પ્રેમથી લેજો. આમ કરવાથી અહંકાર નષ્ટ થાય છે. પરિક્રમા અહંનો નાશ કરવા માટે જ તો છે !’
"નર્મદા-પરિક્રમાએ મારામાં શ્રદ્ધા અને વિનમ્રતાના ભાવ ભર્યા. મને ભીતરથી સમૃદ્ધ કર્યો. ત્યાંના લોકો પાસેથી હું શીખ્યો કે જીવન સાદું અને સરળ હોવું જોઈએ. નર્મદા પદયાત્રાઓ થકી મને પ્રકૃતિ સાથે ધાર્મિક પ્રેમ થયો. મને લાગ્યું છે કે નદીકાંઠે બેસવું કે હરિયાળાં મેદાનોને નિહાળવાં એ ઉત્તમ કોટિનો સત્સંગ છે. વળી પ્રકૃતિપ્રેમ દેશપ્રેમનું પહેલું પગથિયું છે. જ્યાં સુધી આ વિશાળ દેશને આપણે એની સમસ્ત ખૂબીઓ સાથે નજરે નહીં જોઈએ, ત્યાં સુધી એના પ્રત્યેનો આપણો પ્રેમ શાબ્દિક જ રહેવાનો. આપણે માત્ર જડ નથી. ચેતન પણ છીએ. આ ચેતનને એનો ખોરાક નિસર્ગ પાસેથી જ મળશે. નર્મદા પદયાત્રાઓનો આરંભ મેં 1977માં કરેલો અને 1999માં પૂરી પરિક્રમા કરી લીધી."
ઉપરના આ શબ્દો નર્મદાના પદયાત્રી અમૃતલાલ વેગડના છે. મુંબઈમાં કોફીમેટ્સ, વિકલ્પ અને ભવન્સ કલ્ચરલ સેન્ટર(અંધેરી)ના ઉપક્રમે 4થી ડિસેમ્બર 2011માં યોજાયેલા વ્યાખ્યાન 'જો આ હોય મારું અંતિમ પ્રવચન'માં એ બોલાયા હતા. વેગડના એ પ્રવાસમાંથી બે પુસ્તકો આવ્યાં; 'પરિક્રમા નર્મદા મૈયાં' અને 'સૌંદર્યની નદી નર્મદા.' વેગડ એને નર્મદાનું સંમોહન કહે છે. ૨૦૦૨માં ૭૫ વર્ષની ઉંમરે એમણે ત્રીજીવાર નર્મદાની પદયાત્રા કરી. આ વખતે તો સંગાથે પત્ની કાન્તાબહેન પણ સવાબે હજાર કિલોમીટર ચાલ્યાં. એમાંથી આવ્યું 'તીરે તીરે નર્મદા.'
માણસ હંમેશાંથી યાત્રા કરતો રહ્યો છે. પગેથી ચાલીને, ઘોડા પર બેસીને, સાઈકલ ચલાવીને, જહાજમાં સવાર થઇને, ટ્રેનમાં ચઢીને અથવા પ્લેનમાં ઊડીને. માણસનો પૂરો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ યાત્રા આધારિત છે. સભ્યતાઓના આદાન-પ્રદાન અને જેનેટિક રૂપથી બ્રીડ્સના મિલનમાં યાત્રાનો યોગ છે. ગ્રીક લોકો એક શબ્દનો પ્રયોગ કરતા હતા : યુડેમોનિયા, એટલે કે માનવ સમૃદ્ધિ. પૂરી માનવ જાતના સફળ વિકાસ પાછળ માણસની યાત્રાનો ફાળો છે.
ચાલવું એ માણસની બુનિયાદી વૃત્તિ છે. તમે અમુક કલાક સુધી સ્થિર બેસી રહો, તો હાડકાં જકડાઈ જાય છે, તમને ઊંઘ આવી જાય છે. માણસનું અસ્થિપંજર અને માંસપેશીઓનું સ્ટ્રક્ચર આહારની શોધ માટે ભટકવા, રાની પશુઓથી નાસવા અને પાશવિક જિજ્ઞાસા સંતોષવા માટે બનેલું છે.
હિન્દીમાં ૧પ૦ ગ્રંથોની રચના કરનાર રાહુલ સાંકૃત્યાનને પૂરી દુનિયા ઘુમક્કડ તરીકે ઓળખે છે. ભારત ઉપરાંત તિબેટ, સોવિયત સંઘ, યુરોપ અને શ્રીલંકાની ખાનાબદોશી બાદ રાહુલે એના અનુભવ પરથી 'ઘુમક્કડ શાસ્ત્ર’ની રચના કરી છે. તેમાં એ લખે છે, 'મારા મતે દુનિયામાં સર્વશ્રેષ્ઠ વસ્તુ ઘુમક્કડી છે. રખડપટ્ટી કિતાબોથી પણ આગળ જાય છે. ઘુમક્કડ દુનિયાની સર્વશ્રેષ્ઠ વિભૂતિ છે કારણ કે એમણે જ દુનિયા બનાવી છે. દુનિયાના અધિકાંશ ધર્મનાયક ઘુમક્કડ રહ્યા છે. ભગવાન બુદ્ધ ઘુમક્કડ-રાજા હતા. એક વ્યક્તિ માટે ઘુમક્કડીથી વધીને બીજો કોઇ ધર્મ નથી.’
રાહુલે પૂરા હિન્દુસ્તાન જ નહીં, યુરોપ, સોવિયેત રશિયા, તિબેટ, લંકા, જાપાન, ચીન અને ઈરાનની પણ યાત્રા કરી હતી. એના માટે એ અંગ્રેજી, પાલી, પ્રાકૃત, અપભ્રંશ, તિબેટી, ભોજપુરી, ચાઇનીઝ અને જાપાની સહિત ૨૫ ભાષા પણ શીખ્યા. બૌદ્ધ ધર્મના પ્રભાવમાં જ એ કેદારનાથમાંથી રાહુલ બન્યા, જે બુદ્ધનું જ એક નામ છે.
એમની પ્રખ્યાત રચના 'અતથો ઘુમક્કડ જિજ્ઞાસા'માં રાહુલ લખે છે, "જેવી રીતે ફોટો જોઇને તમે હિમાલયના દેવદારના ગહન જંગલો અને શ્વેત હિમ-મુકુટિત શિખરોના સૌદર્ય, એના રૂપ અને એની ગંધનો અનુભવ ના કરી શકો, એવી જ રીતે યાત્રા-કથાઓમાંથી તમને એ બુંદનો ભેટો ના થાય, જે એક ઘુમક્કડને મળે છે. માણસ માટે ઘુમક્કડી વધીને કોઈ નગદ ધર્મ નથી. માનવ જાતિનું ભવિષ્ય ઘુમક્કડો પર નિર્ભર છે. એટલે હું કહું છું કે, દરેક કિશોર અને કિશોરીએ ઘુમક્કડ-વ્રત લેવું જોઈએ, એની વિરુદ્ધ જે પણ પ્રમાણ આપવામાં આવે, તેને વ્યર્થ અને જૂઠ સાબિત કરવાં જોઈએ. ઘુમક્કડની ગતિને રોકવાવાળા દુનિયામાં પેદા નથી થયા. સખત પહેરાવાળી રાજ્ય-સીમાઓની આંખમાં ધૂળ નાખીને ઘુમક્કડોએ પાર કરી લીધી છે. મેં ખુદ આવું ઘણીવાર કર્યું છે. પહેલી તિબેટ યાત્રામાં અંગ્રેજો, નેપાળ-રાજ્ય અને તિબેટના સીમા-રક્ષકોને હાથતાળી આપીને ગયો હતો."
રાહુલ કહે છે કે, કોલંબસ અને વાસ્કો-ડી-ગામા બે એવા યાત્રી હતા, જેમણે પશ્ચિમી દેશોના વિકાસને રસ્તો બતાવ્યો. અમેરિકા મોટાભાગે નિર્જન પ્રદેશ હતો. એશિયાના કૂપમંડુકો ઘુમક્કડ-ધર્મનો મહિમા ભૂલી ગયા એટલે એ અમેરિકા પર ઝંડો લહેરાવી ના શક્યા, એમ રાહુલ માને છે. એમાં એક ફર્ક આવ્યો, પણ સદીઓ પછી.
તમે 'ન્યૂર્યોક ટાઇમ્સ’ના પત્રકાર થોમસ ફ્રાઇડમેનનું નામ સાંભળ્યું છે? કોલંબસે એની યાત્રામાં અકસ્માતે અમેરિકાની શોધ કરી, તેના ૫૦૦ વર્ષ પછી, ૨૦૦૫માં આ અમેરિકન પત્રકારે ભારત આવીને ગ્લોબલાઇઝેશન પરનું પહેલું અદ્દભુત પુસ્તક, 'ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ: અ બ્રિફ હિસ્ટરી ઓફ ધ ટ્વેંટીએથ સેન્ચુરી' લખ્યું હતું. ફ્રાઇડમેન એના પ્રથમ પ્રકરણનો આ રીતે આરંભ કરે છે:
"હું કોલંબસની જેમ, સાહસ કરીને ભારતની સિલીકોન વેલી, બેંગલોર આવ્યો હતો. ભારત પહોંચવાની ઉતાવળમાં કોલંબસે અંતર માપવામાં ગડબડ કરી, અને ‘અમેરિકા’ પહોંચી ગયો. વતન પાછા ફરીને એણે એને રાજા-રાણીને રિપોર્ટ આપતાં એક મહત્ત્વની વાત કરી કે, દુનિયા ખરેખર ગોળ છે. હું લુફથાન્સાના બિઝનેસ ક્લાસમાં હતો અને જી.પી.એસ. મેપ આચ્છાદિત સ્ક્રીન પરથી દિશાની ખબર પડતી હતી. કોલંબની જેમ મને ય ભારતીયો ભટકાયા. કોલંબસને હાર્ડવેર (મરી મસાલા)ની ખોજ હતી, હું સોફ્ટવેરની શોધમાં હતો. કોલંબસની સાથે ત્રણ જહાજમાં ૧૦૦ લોકો હતા. મારી સાથે બે વાનમાં ડિસ્કવરી ચેનલના કર્મચારીઓ હતા. મને ય એમ હતું કે દુનિયા ગોળ છે, પણ હું બેંગલોર આવ્યો, ત્યારે મારી માન્યતા ડગુંમગું થવા લાગી. કોલંબસે ‘ભારત’ પહોંચવાનું માની લઈ અકસ્માતે અમેરિકા શોધ્યું હતું. મેં ખરેખર ભારત જોયું અને જેને મળ્યો એમાં ય ઘણાં અમેરિકન હતા. એ રાત્રે મેં પાછા જઈને મારી પત્નીના કાનમાં કહ્યું, ‘હની, આઈ થિંક, વર્લ્ડ ઈઝ ફ્લેટ’ (મને લાગે છે, કે દુનિયા સપાટ છે)."
કેવી રીતે? ફ્રાઇડમેન લખે છે, "ઈન્ફોસિસના સી.ઈ.ઓ. નંદન નીલેકની મને ઈન્ફોસિસના બોર્ડરૂમમાં લઈ ગયા. ત્યાં દીવાલ ઉપર દુનિયાભરનાં પાટનગરનાં ઘડિયાળ હતાં. નીચે આખી દીવાલ ભરાઈ જાય એવડો સ્ક્રીન હતો. નંદને કહ્યું, ‘‘અમે આ વીડિયો સ્ક્રીન મારફતે વિદેશમાં ઈન્ફોસિસની ઓફિસોમાં, અહીં બેંગલોરમાં બેઠાં બેઠાં, મીટિંગ કરીએ છીએ. નંદને કહ્યું, ‘અમે અહીં બેસીએ, કોઈક ન્યૂ યોર્ક, લંડન, બોસ્ટન, સાન ફ્રાન્સીસકોમાં હોય … ઓલ લાઈવ. કામ સિંગાપોરમાં કરવાનું હોય, તો સિંગાપોરનો ઓફિસર પણ લાઈવ હોય. આને ગ્લોબલાઈઝેશન કહેવાય.’’
ટેકનોલોજીએ સીમાઓ તોડીને ગોળ દુનિયાને સપાટ કરી નાખી હતી. નંદને ફ્રાઈડમેનને કહ્યું, ‘‘ટોમ, ધ લેવલ પ્લેઈંગ ફિલ્ડ ઇઝ બીઈંગ લેવલ્ડ – બિઝનેસનું જે મેદાન ઉબડખાબડ અને અવરોધવાળું હતું, એ સપાટ થઈ રહ્યું છે અને તમે અમેરિકનો હજુ આ વાત સમજ્યા નથી." ફ્રાઈડમેન લખે છે, ‘‘નંદનના શબ્દો મારા મનમાં ગુંજતા હતા. સપાટ મેદાન? અને અચાનક મને થયું માય ગોડ, દુનિયા સપાટ છે. મેં મારી પત્નીને ફોન કરીને કહ્યું, 'હની, હું એક પુસ્તક લખું છું અને એનું નામ છે, ‘ધ વર્લ્ડ ઈઝ ફ્લેટ.’ મેં મારા એડિટરને કહ્યું, મને જલદી રજા આપ. દુનિયા ગોળ છે અને મારે કિતાબ લખવી છે. મેં દસ મહિનામાં ઝનૂનથી આ કિતાબ લખી નાખી.’’
ઈંગ્લિશ લેખક-વિચારક આલ્ડસ હક્સ્લેએ કહ્યું હતું કે, "યાત્રાથી એટલી ખબર પડે કે લોકો બીજા દેશ માટે જે જાણો છો, એ જૂઠ છે." ૧૩મી સદીના વેનિસનો સોદાગર માર્કો પોલો ચીન, પર્સિયા અને ઇન્ડોનેશિયામાં બે દાયકા સુધી ભટકીને વતન પાછો ગયો, અને સમૃદ્ધિની કહાનીઓ સંભળાવી, તો લોકોએ એને ગપગોળા કહીને ખારીજ કરી નાખી. વાર્તા એવી છે કે, માર્કો અને એના બે ભાઈઓએ એમનાં કપડાંનાં સાંધા ખોલીને ધરી દીધા અને એમાંથી હજારો રત્નો જમીન પર વરસાદની જેમ વરસી ગયાં.
માર્કોનાં આ સાહસ દુનિયાથી ગુમનામ રહ્યાં હોત, જો એક અકસ્માત ના ઘટ્યો હોત. ૧૨૯૮માં જીનોઆ દેશ સાથેના નૌસેના જંગમાં માર્કો પોલોને કેદ કરવામાં આવ્યો. નવરા પડેલા માર્કોએ જેલમાં એના સાથી, પ્રેમ-કહાનીઓના લેખક, રષ્ટીકેલો દા પીસાને એની કથા કહી. એમાંથી 'ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો' નામની ખૂબસૂરત આત્મકથા આવી. એમાં ૧૨૭૧થી ૧૨૯૫ સુધી એશિયામાં માર્કોની ઘુમક્કડી અને કુબ્લાઈ ખાન(પાંચમો મોંગોલ રાજા)ના દરબારમાં એના અનુભવોની કહાની હતી. પશ્ચિમના સંસારમાં પૂર્વ વિષે જે ભ્રમો હતા, તે પોલોની આ આત્મકથાથી તૂટ્યા. એમાં ચીનની સમૃદ્ધિના જે ગુણગાન હતાં, તેનાથી જ માર્કોનો સાથી દેશવાસી ક્રિસ્ટોફર કોલંબસને પૂર્વનો નવો, ટૂંકો, ઝડપી રસ્તો શોધવાની ચાનક ચડેલી.
ઇસ્લામિક પંડિતો દાવો કરે છે કે, ૧૪મી સદીનો ઘુમક્કડ ઈબ્ન બત્તુતા આફ્રિકા, એશિયા અને ચીનની આસપાસ પોલો કરતાં ત્રણ ગણો વધારે (૩૦ વર્ષ, ૪૪ દેશો અને ૭૫,૦૦૦ માઈલ) ફર્યો હતો, જેમાંથી એનું સુંદર પુસ્તક 'રિહલા' (પ્રવાસ) આવ્યું હતું, જે ૧૯મી સદી સુધી પશ્ચિમની આંખોમાં આવ્યું ન હતું. બત્તુતાએ ભારતમાં એણે સગી આંખે એક સ્ત્રીને સતી થતી જોઈ હતી. પુસ્તકમાં એ લખે છે, "હું આ હૃદયવિદારક દ્રશ્ય જોઇને બેભાન થઇ ઘોડા પરથી પાડવાનો જ હતો કે મારા દોસ્તોએ મને સાંભળી લીધો અને મારું મોઢું પાણીથી ધોવડાવ્યું. એ હિંદુ સ્ત્રીને મેં સજી-ધજીને ઘોડા પર જતી જોઈ હતી. હિંદુ અને મુસલમાન એની પાછળ ચાલતા હતા. આગળ નોબત વાગતી અને સાથે બ્રાહ્મણ હતો. ઘટના સ્થળ સમ્રાટના રાજ્યની સીમામાં આવતું હોવાથી એમની આજ્ઞા વગર સ્ત્રીને સળગાવાય તેમ ન હતી. રાજાની આજ્ઞા મળી પછી જ એને સળગાવી."
ઇસ્લામિક સંસારમાંથી જ બીજો એક ધુમક્કડ આવ્યો ઈરાની અલ-બીરુની. ૧૦૧૭માં એ દક્ષિણ એશિયા આવ્યો. એમાંથી ભારતીય સંસ્કૃતિ અને હિંદુ પરંપરા પર 'તહકીક મા લી-લ-હિંદ' પુસ્તક આવ્યું. એમાંથી અલ-બીરુનીને ઇન્ડોલોજીના શોધકનું બિરુદ મળ્યું. ૧૧મી સદીના ભારતનો તે વખતનો આ અગત્યનો ગ્રંથ છે.
ખાનાબદોશી માણસનો સ્વભાવ છે. માનવ અને દાનવ સંસ્કૃતિનો મેળ કરાવનારી ભગવાન રામની ઉત્તરથી દક્ષિણની યાત્રાને શાંતિયાત્રા કહે છે. પૂરા દેશમાં પાંડવોની યાત્રાના સ્મારક ઉપલબ્ધ છે. ભારતને તીર્થયાત્રાના એક સૂત્રમાં પરોવનારા શંકરાચાર્ય કદાચિત ઇતિહાસના સૌથી યુવાન યાત્રી હતા. આધુનિક વિશ્વના દમદાર ચિંતક જીદ્દુ કૃષ્ણમૂર્તિ ૬૩ વર્ષ સુધી ફરતા રહ્યા. એ જગતના તમામ દેશોમાં ત્રણ-ચાર મહિના રોકાતા હતા. વિવેકાનંદની શિકાગો યાત્રા જ એમને સાધુમાંથી સ્વામીના શિખર પર લઇ ગઇ હતી. બેરિસ્ટર ગાંધી ભારત આવ્યા ત્યારે તેમણે ટ્રેનના ત્રીજા વર્ગના ડબ્બામાં પૂરા ભારતની યાત્રા કરી હતી. બેરિસ્ટરનું 'ગાંધીપણું’ આ યાત્રામાંથી આવ્યું હતું. કાકાસાહેબ કાલેલકરે એમની આજીવન રખડપટ્ટીમાંથી ગુજરાતી ભાષાને સાત પ્રવાસ ગ્રંથો આપ્યા છે.
૪૦ હાજર વર્ષ અગાઉ પહેલાં હોમો સેપિયન્સે પગ પર ઊભા થઈને આફ્રિકામાંથી માઈગ્રેશન કર્યું, અને સંસારના તમામ ખૂણે છવાઈ ગયો છે. તમે હોમો સેપિયન્સનાં એ પગલાં સુંઘીને પાછી ઊંધી યાત્રા કરી શકો? મેક્સિકન પત્રકાર પોલ સલોપેક ૧૦ વર્ષની આવી યાત્રા પર નીકળ્યો છે. નેશનલ જીઓગ્રાફી ચેનલની ટીમ સાથે પોલ ૨૦૧૩માં ઈથોપિયામાંથી પગે ચાલીને નીકળ્યો છે, અને ૨,૫૫૭ દિવસમાં મધ્ય પૂર્વ, એશિયા, અલાસ્કા, પશ્ચિમ અમેરિકા અને ચીલીના દક્ષિણ છેડા સુધી ૨૦,૦૦૦ માઈલ્સ કવર કરશે. આ એ જ રૂટ છે, જે પૌરાણિક માનવનો હતો. એ કહે છે, "૨૦ વર્ષથી હું એરોપ્લેન, કાર અને બીજાં વાહનો મારફતે પત્રકારત્વ કરતો હતો. એમાં મને લાગ્યું કે, બહુ અગત્યની સ્ટોરીઓ રહી ગઈ હતી, જે ધીમે-ધીમે પગે ચાલીને જ સમજી શકાય તેવી હતી."
પોલ તુર્કીના અનાતોલિયા પ્રદેશમાં હતો, જે ઉત્તરમાં કાળા સમુદ્ર, દક્ષિણમાં ભૂમધ્ય સમુદ્ર અને પશ્ચિમમાં એજિન સમુદ્રથી ઘેરાયેલો છે. ત્યાં પોલની હોટેલમાં આગ લાગી. આગના ધુમાડા વચ્ચે એ બહાર સળગતા તાપમાં અફાટ મેદાનમાં ચાલવા લાગી ગયો. ત્યાં એણે અનાતોલિયાના લોકકવિ અસિક વયસેલ સત્રોગ્લુની કવિતા યાદ કરી :
I’m on a long and narrow road,
I walk all day,
I walk all night,
I cannot tell what is my plight,
I walk all day,
I walk all night.
અમૃતલાલ વેગડ પણ એટલે જ ચાલ્યા હતા. પેલા 'છેલ્લા' પ્રવચનમાં એમણે કહ્યું હતું, "પાછલાં 33 વર્ષથી હું નર્મદા-સૌંદર્યની છડી મુબારક લઈને ઘૂમી રહ્યો છું અને ભવિષ્યમાં પણ આ જ કરતો રહીશ. કેલેન્ડરમાં ભલે મરી જાઉં પણ મારાં પરિક્રમા પુસ્તકોમાં જીવતો રહીશ. કમસે કમ થોડાં વર્ષ તો રહીશ જ. અથવા એમ પણ બની શકે છે કે જ્યાં સુધી નર્મદા રહે, ત્યાં સુધી હું પણ રહું ! 84નો છું. મસાણે જવાના દિવસો આવી ગયા. પરંતુ એ નર્મદા કાંઠેનું હોવું જોઈએ. બીજી જગ્યાનું મસાણ મને નહીં ફાવે!"
(પ્રગટ : “નવનીત સમર્પણ”, નવેમ્બર ૨૦18; પૃ. 27-33)