પાકિસ્તાની ગાયક નુસરત ફતેહ અલી ખાનનું નામ ખૂબ જ સરળતાથી કવ્વાલી સંગીતની સાથે જોડી દેવામાં આવે છે. નુસરત ફતેહ અલી ખાનના ગાયનની શક્તિ અને અગાઉ કોઈ તૈયારી વિના તાત્કાલિક રજૂઆત કરવાની ક્ષમતાઓ કવ્વાલી સંગીતને આંતરરાષ્ટ્રીયસ્તરે લઈ જાય છે. તેમની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ભારત સુધી પણ પહોંચી ચૂકી છે, સાથે જ મુખ્યપ્રવાહનાં સંગીતમાં તેમણે જે ધાડ પાડી છે તે તેમના વ્યક્તિત્વને વધુ રસિક બનાવે છે. તેમણે ઘણી ફિલ્મ્સ માટે સાઉન્ડટ્રેક્સ તૈયાર કર્યાં છે. નુસરત ફતેહ અલી ખાન હોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શકો જેવા કે માર્ટિન સ્કોરસીસ, ટીમ રોબિન્સ અને ઓલિવર સ્ટોનની ફિલ્મ્સ માટે પોતાનો અવાજ આપી ચૂક્યા છે, સાથે જ તેમણે કેટલીક હિન્દી ફિલ્મ્સ માટે પણ સંગીત તૈયાર કર્યું છે. નુસરત ફતેહ અલી ખાને આંતરરાષ્ટ્રીય સ્તરે હોલિવૂડ ફિલ્મ્સમાં અને સાથે બોલિવૂડ ફિલ્મ્સમાં જે સંગીત પીરસ્યું છે, તેનાથી તેમની વ્યાપક સ્તરે ફેલાયેલી કાર્યક્ષમતાનો ખ્યાલ આવે છે, અને સાથે-સાથે તે પોપ સંગીતની મર્યાદાનો પણ ખ્યાલ આવે છે, કે જેનું સ્થાન નુસરત ફતેહ અલી ખાનના સંગીતે લીધું છે.
નુસરત ફતેહ અલી ખાનનો ફિલ્મ્સમાં પ્રવેશ વર્ષ 1981માં આવેલી, દિલીપ નાયકની ફિલ્મ 'નાખુદા'ની 'હક અલી મૌલા અલી' નામની કવાલી દ્વારા થયો હતો. આ ગીતનું લાઈવ પરફોર્મન્સ લગભગ 30 મિનિટ કરતાં પણ વધારે લાંબુ છે, જ્યારે આ જ ગીતની બીજી આવૃત્તિ 5 મિનિટ કરતાં પણ નાની છે. આ ગીત ફિલ્મના કે દ્રશ્યમાં જોવા મળે છે કે જ્યારે કંટાળેલો કુલભૂષણ ખરબંદા પોતાની જાતને દરગાહમાં શોધવાના પ્રયાસ કરી રહ્યો છે અને આ કવાલીનું પરફોર્મન્સ જોતાં જ તે પોતાની જાતને ઈશ્વરની સાથે જોડી દે છે.
આ ફિલ્મના 13 વર્ષ બાદ આવેલી દિગ્દર્શક શેખર કપૂરની વખણાયેલી ફિલ્મ 'બેન્ડિટ ક્વીન'માં નુસરત ફતેહ અલી ખાને સંગીત આપ્યું કે જેમાં તેમણે આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત તૈયાર કર્યું હતું અને સાથે જ 'છોટી સી ઉંમર' નામનું એક રાજસ્થાની લોકગીત પણ ગાયું હતું. તેમણે આ ફિલ્મનાં સંગીત માટે તબલાં, લોકગીતો અને આલાપનો આધાર લીધો હતો. આ ફિલ્મના થોડા મહિનાઓ બાદ હિન્દી ફિલ્મ સંગીતકારોએ નુસરત ફતેહ અલી ખાનનાં સંગીતનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું, કે જેમાં વર્ષ 1994માં આવેલી સુપરહીટ ફિલ્મ 'મોહરા'નું વિજુ શાહે કમ્પોઝ કરેલું લોકપ્રિય ગીત 'તું ચીજ બડી હે મસ્ત મસ્ત'નો આધાર નુસરત ફતેહ અલી ખાનના 'ગીત દમ મસ્ત કલંદર મસ્ત મસ્ત' પરથી લેવામાં આવ્યો હતો.
આ સિવાય બોલિવૂડના અન્ય ફિલ્મ સંગીતકારો જેવા કે અનુ મલિક અને નદીમ-શ્રવણે પણ નુસરત ફતેહ અલી ખાનના સંગીતનો બોલિવૂડ ફિલ્મ્સમાં ભરપૂર ઉપયોગ કર્યો. અને જ્યારે નુસરત ફતેહ અલી ખાને બોલિવૂડ ફિલ્મ્સમાં સંગીત આપવાનું શરૂ કર્યું, ત્યારે આ તેમના સંગીતનો જે બોલિવૂડ ફિલ્મ્સમાં ઉપયોગ થઈ રહ્યો હતો તે પ્રથાનો અંત આવ્યો. તે સમય દરમિયાન નુસરત ફતેહ અલી ખાન પશ્ચિમમાં વ્યસ્ત થઈ ગયા હતા અને પશ્ચિમના ઈલેક્ટ્રોનિક મ્યુિઝક પ્રોડ્યુસર અને ફ્યુઝન આર્ટિસ્ટ્સ માટે પોતાનો અવાજ આપી રહ્યા હતા, કારણ કે પશ્ચિમના લોકો તેમનાથી ખૂબ જ પ્રભાવિત હતા. પીટર ગેબ્રિઅલ નામના એક વ્યક્તિએ નુસરત ફતેહ અલી ખાનની ઓળખાણ આંતરરાષ્ટ્રીય સંગીતના ક્ષેત્રે કરાવી અને ત્યાર બાદ ખાન વર્ષ 1985થી આંતરરાષ્ટ્રીય સંગીત, ડાન્સ અને આર્ટ્સ ફેસ્ટિવલમાં સતત પોતાનું પરફોર્મન્સ રજૂ કરતા રહ્યા.
ત્યારબાદ વર્ષ 1988માં આવેલી હોલિવૂડ દિગ્દર્શક માર્ટિન સ્કોરસીસની ફિલ્મ 'ધ લાસ્ટ ટેમ્પટેશન ઓફ ક્રાઈસ્ટ'માં પેશનના નામના એક સાઉન્ડટ્રેકમાં ખાને તેમનો આલાપ રેકોર્ડ કર્યો. ત્યારબાદ વર્ષ 1994માં આવેલી દિગ્દર્શક ઓલિવર સ્ટોનની ફિલ્મ 'નેચરલ બોર્ન કિલર્સ'માં ખાનના ભક્તિમય ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ, આ ફિલ્મમાં ખાનના અવાજનો ઉપયોગ તે દ્રશ્યમાં કરવામાં આવ્યો કે જેમાં એક વ્યક્તિ હિંસક રીતે રમખાણ મચાવી રહ્યો છે અને આ જોતાં જ નુસરત ફતેહ અલી ખાન હવે ગેબ્રિઅલથી નારાજ થઈ ગયા. આ પશ્ચિમની ટીકા કરતા ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે પશ્ચિમના લોકો સંગીતને એક સ્તરની માફક જુએ છે અને તેઓ સંગીતના લયને સમજે છે પણ સંગીતમાં જે કવિતા છે તેને તેઓ સમજી શકતા નથી.
પર્લ જેમ નામના એક રોક બેન્ડનો ગાયક અને ગીતકાર એડી વેડેર એકમાત્ર એવી વ્યક્તિ હતી કે જેણે સમજણપૂર્વક નુસરત ફતેહ અલી ખાનનાં સંગીત અને તે સંગીતની કવિતાના અર્થનો સુંદર રીતે ઉપયોગ કરી જાણ્યો. ડિરેક્ટર ટીમ રોબિન્સની વર્ષ 1995માં આવેલી ફિલ્મ 'ડેડ મેન વોકિંગ'માં એડી વેડેર અને નુસરત ફતેહ અલી ખાને સાથે મળીને, ફેસ ઓફ લવ નામનો એક સાઉન્ડટ્રેક તૈયાર કર્યો. સાથે જ ફિલ્મની શરૂઆતમાં જ આ સાઉન્ડટ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો કે જેમાં આ સંગીત થકી ફિલ્મના પાત્રોની ઓડિયન્સ સમક્ષ ઓળખાણ કરાવવામાં આવે છે. આખરે વર્ષ 1997માં નુસરત ફતેહ અલી ખાન બોલિવૂડ ફિલ્મ્સમાં એક સંગીતકાર તરીકે પરત ફર્યા અને ઓર પ્યાર હો ગયા નામની એક હિન્દી ફિલ્મમાં સંગીત તાલબદ્ધ કર્યું. પરંતુ, આ ફિલ્મ રિલીઝ થઈ તેના બીજા દિવસે જ તેમનું મૃત્યુ થઈ ગયું.
આ ફિલ્મમાં કુલ 10 ગીતો હતાં અને તે જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે લખ્યા હતા. આ સિવાય અન્ય બોલિવૂડ ફિલ્મ્સની વાત કરીએ તો વર્ષ 1999માં આવેલી મહેશ ભટ્ટની 'કારતૂસ' ફિલ્મ અને મિલન લુથરિયાની 'કચ્ચે ધાગે' ફિલ્મમાં નુસરત ફતેહ અલી ખાનનાં જૂના સંગીતનો ફરી વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય વર્ષ 2000 અને ત્યાર બાદનાં વર્ષોમાં નુસરત ફતેહ અલી ખાનના અવાજનો ઘણી હોલિવૂડ ફિલ્મ્સના બેકગ્રાઉન્ડ મ્યુિઝક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો કે જેમાં 'બ્લડ ડાયમંડ' (2006), '2012' (2009) અને 'ઝીરો ડાર્ક થર્ટી' (2012) જેવી દિગ્ગજ હોલિવૂડ ફિલ્મ્સનો સમાવેશ થાય છે.
ભારતીય સિનેમામાં નુસરત ફતેહ અલી ખાનનું પ્રશંસનીય યોગદાન રહેલું છે અને હિન્દી ફિલ્મ 'તન્હાઈ' માટે તેમણે જે છેલ્લું ગીત રેકોર્ડ કર્યું હતું, તેનો સની દેઓલની વર્ષ 1999માં આવેલી ફિલ્મ 'દિલ્લગી'માં ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2000માં આવેલી બોલિવૂડ ફિલ્મ ધડકનમાં દુલ્હે કા સહેરા નામના ગીતમાં પણ નુસરત સાહબના અવાજ સાંભળવા મળે છે. આ સિવાય વર્ષ 1997માં આવેલો સંગીતકાર એ.આર.રહેમાનના આલ્બમ વંદે માતરમમાં ગુરુસ ઓફ પીસ નામના એક ગીતમાં ખાન અને રહેમાન સાથે અવાજ આપી ચૂક્યા છે.
નુસરત ફતેહ અલી ખાનનો પરિચય – નુસરત ફતેહ અલી ખાન (13 ઓક્ટોબર 1948થી 16 ઓગસ્ટ 1997) સૂફી શૈલીના પ્રસિદ્ધ કવ્વાલ હતા. તેમની ગાયકીએ કવ્વાલીને પાકિસ્તાનથી આગળ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ઓળખ અપાવી. તેમનો જન્મ પાકિસ્તાનમાં અને મૃત્યુ લંડનમાં થયું. તેમની ગાયકીના અત્યાર સુધીમાં 125 આલ્બમ્સ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. તેમનું નામ ગિનિઝ બુકમાં પણ સ્થાન પામ્યું છે. તેમનો જન્મ પાકિસ્તાનના કવ્વાલ ઘરાણાંમાં થયો હતો અને તેમના પિતા ઉસ્તાદ ફતેહ અલી ખાન સાહબ પણ મશહૂર કવ્વાલી ગાયક હતા. તેમના પરિવારની આ પરંપરા 600 વર્ષથી ચાલી આવી રહી છે. નુસરત ફતેહ અલી ખાન સંગીતના ક્ષેત્રમાં એક ઇતિહાસ છે અને તેમના અવાજને ઈશ્વરની અમૂલ્ય ભેટ માનવામાં આવે છે.
નુસરત ફતેહ અલી ખાનના કેટલાંક જાણીતાં મ્યુિઝક આલ્બમ –
Mustt Mustt (1990)
Night Song (1996)
Star Rise (1997)
e.mail : nbhavsarsafri@gmail.com