Opinion Magazine
Number of visits: 9733849
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય દંડસંહિતાના સેક્શન ૩૭૭ હવે ઇતિહાસ બની ગયો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 September 2018

ભારતની આઝાદીના અમૃત મહોત્સવ પહેલાં દેશ જુનવાણી અને કલંકિત કાયદાઓથી મુક્ત થવો જોઈએ

છેવટે જે ચુકાદો દાયકાઓ પહેલાં આવવો જોઈતો હતો એ દાયકાઓ મોડો આવ્યો છે, પણ એ છતાં આપણે તેનું સ્વાગત કરવું જોઈએ. એ ચુકાદો સમલિંગી સંબંધો વિશેનો છે. ભારતીય દંડસંહિતાના સેક્શન ૩૭૭ મુજબ સ્ત્રી, પુરુષ અને પ્રાણીઓ સાથેનો અકુદરતી શારીરિક સંબંધને સજા થઈ શકે એવો ફોઝદારી ગુનો ગણવામાં આવે છે અને એ માટે ગુનેગારને દસ વરસથી લઈને આજીવન કારાવાસની સજા થઈ શકે છે. સર્વોચ્ચ અદાલતના ગુરુવારના ચુકાદા મુજબ હવે પછી અકુદરતી શારીરિક સંબંધ ગુનો નહીં ગણાય. અહીં એક ફરક સમજી લેવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે સેક્શન ૩૭૭ને માત્ર ગુનારહિત (ડીક્રિમિનલાઈઝ્ડ) જાહેર નથી કર્યો, તેને બંધારણવિસંગત ઠરાવ્યો છે, એટલે આપણે એમ કહી શકીએ કે સેક્શન ૩૭૭ હવે ઇતિહાસ બની જશે.

આ કાયદો દોઢસો વરસ જૂનો છે. ૧૮૬૦માં ભારતીય દંડસંહિતા ઘડવામાં આવી ત્યારે સેક્શન ૩૭૭નો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. કેટલાંક સામાજિક મૂલ્યો, નૈતિકતા તેમ જ મર્યાદા વિશેની વ્યાખ્યાઓ સમયસાપેક્ષ હોય છે. એક યુગમાં જેને પાપ, ગુનો કે મર્યાદાલોપ સમજવામાં આવતા હોય એને બીજા યુગમાં એ રીતે જોવામાં ન પણ આવતા હોય. આજે અફીણની ખેતી અને વેચાણ અનૈતિક માનવામાં આવે છે અને કાયદાકીય ગુનો પણ છે, પરંતુ ૧૯મી સદીમાં અંગ્રેજોની સહાયથી ભારતીય વેપારીઓ ચીનમાં અફીણની નિકાસ કરતા હતા અને એ જમાનામાં લાખો રૂપિયા કમાયા હતા. મૂડીવાદીઓની પહેલી ભારતીય પેઢી ચીનમાંના અફીણના વેપારે પેદા કરેલી પેઢી હતી.

ભારતીય દંડસંહિતામાં સેક્શન ૩૭૭નો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે નૈતિકતાના અને મર્યાદાના બ્રિટિશ માપદંડો ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. મૂળમાં આ કાયદો ૧૬મી સદીના બ્રિટિશ લોનો હિસ્સો છે, જેને બગરી એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ બગરી એક્ટ ૧૫૩૩માં ઘડાયો હતો અને એ બ્રિટિશ સામ્રાજ્યના ભાગરૂપે ભારતમાં આવ્યો હતો. બાકી ભારતમાં વાત્સાયનના કામસૂત્રમાં ગુદામૈથુનની વાત કહેવાઈ છે અને ખજુરાહોના શિલ્પોમાં ગુદામૈથુનના શિલ્પો કંડારવામાં આવ્યા છે.

આ કોલમમાં મેં અનેકવાર લખ્યું છે કે ભારતનું બંધારણ ઘડનારાઓએ અદાલતોને એક ચાળણી આપી હતી. જે કોઈ કાયદા બંધારણવિસંગત હોય એને અદાલતો આપોઆપ ચાળણીમાંથી ચાળી નાખે. તેમને એમ લાગતું હતું કે ધીરે-ધીરે જેટલા ભારતના બંધારણવિસંગત જુનવાણી કાયદાઓ છે એ ચળાઈ જશે અને એ રીતે શરમાવું ન પડે એવું આધુનિક સભ્ય રાષ્ટ્ર અસ્તિત્વમાં આવશે. ભારતનું બંધારણ અમલમાં આવ્યે ૬૮ વરસ વીતી ગયાં છે, પણ એ છતાં અનેક કાયદાઓ હજુ ચળાયા વિના કાયદાપોથીમાં પડ્યા છે.

સેક્શન ૩૭૭ને રદ કરવામાં આવે એવી માંગણી પહેલીવાર ૧૯૯૧માં કરવામાં આવી હતી. ૨૦૦૧માં કેટલાક સમલિંગીઓએ દિલ્હીની વડી અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. ૨૦૦૪માં દિલ્હીની વડી અદાલતે આ આખો મામલો બૌદ્ધિક ચર્ચાનો (એકેડેમિક ઇશ્યુઝ) છે એમ કહીને  અરજી ફગાવી દીધી હતી. અરજદારો સર્વોચ્ચ અદાલતમાં ગયા ત્યારે સર્વોચ્ચ અદાલતે કેસ પાછો દિલ્હીની વડી અદાલતમાં મોકલ્યો હતો અને ખટલો સાંભળવાનો આદેશ આપ્યો હતો. છેવટે ૨૦૦૯માં દિલ્હીની વડી અદાલતે સેક્શન ૩૭૭ને બંધારણવિસંગત ગણાવતો ચુકાદો આપ્યો હતો. એ ચુકાદો આપનારા ન્યાયમૂર્તિ હતા અજીત પ્રકાશ શાહ અને ન્યાયમૂર્તિ એસ. મુરલીધર.

દિલ્હીની વડી અદાલતના ચુકાદાને સંસ્કૃિતરક્ષકોએ સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો અને આખી દુનિયાના આશ્ચર્ય વચ્ચે સર્વોચ્ચ અદાલતે ૨૦૧૩ની સાલમાં હાથ ખંખેરી નાખતો પછાત ચુકાદો આપ્યો હતો. અદાલતે કહ્યું હતું કે અરજદારો જો કાયદો રદ કરાવવા માંગતા હોય તો તેમણે સંસદસભ્યો પાસે જવું જોઈએ, બાકી અદાલતોનું કામ કાયદાપોથીમાં રહેલા કાયદાઓનું અર્થઘટન કરવાનું છે. સર્વોચ્ચ અદાલતનો એ ચુકાદો ખોટો હતો. સર્વોચ્ચ અદાલતનું કામ બંધારણનું અર્થઘટન કરવાનું છે, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે અને બંધારણ વિસંગત કાયદાઓને કે સરકારી આદેશોને રદ કરવાનું છે.

હદ તો ત્યારે થઈ જ્યારે સર્વોચ્ચ અદાલતે ૨૦૧૪માં અરજદારોની રિવ્યુ પિટિશનને પણ ફગાવી દીધી હતી. એ પછી અરજદારોએ મળીને ક્યુરેટિવ પિટિશન કરી હતી જેનું પરિણામ ગુરુવારનો ચુકાદો છે. સર્વોચ્ચ અદાલતે સેક્શન ૩૭૭ને બંધારણવિસંગત જાહેર કર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ કહ્યું હતું : ‘આય એમ વ્હોટ આય એમ, સો ટેક મી એઝ આય એમ’. બસ આમાં નાગરિકની આઝાદીની વાત આવે છે. પરસ્પર સંમતિ સાથે, બે પુખ્ત વયની વ્યક્તિ એકાંતમાં જાતીય સંબંધ બાંધે એમાં કોઈને શું કામ વાંધો હોવો જોઈએ? જાતીય સંબંધના સ્વરૂપ સાથે ત્રીજી વ્યક્તિને શું લેવા દેવા છે?

પ્રારંભમાં કહ્યું એમ જે ચુકાદો દાયકાઓ પહેલાં આવવો જોઈતો હતો એ દાયકાઓ મોડો આવ્યો છે. બીજું કાયદાપોથીઓમાં હજુ બીજા અનેક આવા કાયદાઓ છે જેને રદ કરનારા ચુકાદાઓ દાયકા પહેલાં આવવા જોઈતા હતા, પરંતુ હજુ ચુકાદા આવવાના બાકી છે. ખટલા જ ચાલવાના બાકી છે. કાયદા પંચે પર્સનલ લોઝના કાયદાઓને એક એક કરીને ચકાસવાની દરખાસ્ત રજૂ કરી છે એમ કાયદાપોથીઓમાંના તમામ કાયદાઓ ચકાસીને કાલબાહ્ય કાયદાઓને રદ કરવાની માંગણી કરતી એક સર્વગ્રાહી અરજી સર્વોચ્ચ અદાલતમાં કરવી જોઈએ. ભારતની આઝાદીના અમૃત મહોત્સવ પહેલાં દેશ કલંકિત કાયદાઓથી મુક્ત થવો જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 07 સપ્ટેમ્બર 2018

Loading

7 September 2018 admin
← એક જિંદગી કાફી નહીં; અલવિદા, કુલદીપ નૈયર
સરકારો કર્મશીલોને જુલમી કાયદા વાપરીને પકડે, અદાલતો બંધારણને ટાંકીને તેમને રાહત આપે →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved