Opinion Magazine
Number of visits: 9446701
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|14 June 2018

હૈયાને દરબાર

આહા! મસ્તીમાં મહાલવાની રોમેન્ટિક મોસમ આવી ગઈ છે. ઘરની બારીમાંથી દેખાતું એક ટુકડો આકાશ, બે આંખમાં સમાય એટલી ઝરમરતી વર્ષા, એમાં પ્રગટતો પ્રિયજનનો ચહેરો, એ ચહેરા સાથે તાલ મિલાવતો સ્મૃિતઓનો ધોધ, મિલન, વિરહ, જુદાઈ, ફરિયાદ, આશા, અપેક્ષા, આલિંગન, આહ અને વાહ … ઓહો, આ વરસાદીઓ મૂઓ કેટકેટલી સંવેદનાઓ જગવી જાય છે આપણા નાનકડા, નાજુક હૃદયમાં!

કવિ કાલિદાસના પ્રલંબ પ્રણયકાવ્ય ‘મેઘદૂત’માં અષાઢના પહેલા મેઘનુું દર્શન કામવિહ્વળ યક્ષને જેમ ઉત્કંઠા વિરચિત કરે છે એવી જ મનોસ્થિતિથી કોઈ સંવેદનશીલ મનુષ્ય પર નથી. એટલે જ મેઘરાજાના આગમન સાથે એની લાગણી જુદી જુદી રીતે પ્રગટે છે. સામાન્ય માણસની આ સ્થિતિ હોય તો કવિ હૃદયનું તો પૂછવું જ શું? વરસાદને સંબોધીને અઢળક ગીતો રચાયાં છે. સુંદર અને કર્ણપ્રિય ગીતોનું લિસ્ટ પણ મોટું છે એટલે આજે તો સ્મૃિતપટ પર જે ગીતો પહેલાં આવ્યાં એનો જ ઉલ્લેખ કર્યો છે. તન-મનને તરબતર કરતાં આ બધાં ગીતો ખૂબ સરસ છે એટલે તમારી સાથે આજે તો બસ, વરસાદી છોળો ઉછાળીને તમને ભીંજવી દેવાનો જ નિશ્ચય કર્યો છે.

લેખ વાંચતી વખતે છત્રી લઈને બેસવાની મનાઈ છે. વરસાદ હોય કે ના હોય, મન મૂકીને ભીંજાજો આજે.

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે
વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે
વરસાદ ભીંજવે

લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે
વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે …!

http://www.tubeofmusic.com/?v=FLcFhUr9RyM

વાહ, રમેશ પારેખ. આ કવિતાનો જોટો ન જડે. મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે …! આ એક જ પંક્તિમાં આખી પ્રણયકથાનો સાર આવી જાય છે. લગભગ દરેક કલાકારે આ રચના ગાઈ છે, પરંતુ રમેશ પારેખના પોતાના અવાજમાં સાંભળવાનો આનંદ પણ લેવા જેવો છે.

કવિ સુંદરમ્‌નું ગીત પિયુના આવવાના એંધાણનો મધુર ગુંજારવ છે. ક્ષેમુ દિવેટિયાના સંગીતમાં વિભા દેસાઈની સુરીલી સરગમ ભળીને બાદલને વરસવા રીઝવી દે છે અને મનમાં થૈ થૈ કાર થઇ ઊઠે છે.

પંક્તિઓ વાંચો:

રિમઝિમ રિમઝિમ રિમઝિમ રિમઝિમ
બાદલ બરસે , રિમઝિમ બાદલ બરસે,
રિમઝિમ બરસે, બાદલ બરસે
હો. મારું મન ગુંજે ઝનકાર, મારું મન ગુંજે ઝનકાર …!

https://www.youtube.com/watch?v=AB5yOcRk6HM

વરસાદમાં નાચી ઊઠેલું મન અચાનક સુગંધિત પુષ્પ કે લીલાંછમ પાનને જોઈને શાંત પડી જાય છે.

હરીન્દ્ર દવેનું ગીત, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત અને હંસા દવેના કંઠે લોકપ્રિયતાની તમામ સીમા પાર કરી ગયેલું ગીત ;

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાજ,

એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા … કેમ ભૂલાય? દિપાલી સોમૈયા, હિમાલી વ્યાસ, શ્રદ્ધા શ્રીધરાણીથી લઈને ઐશ્વર્યા મજમુદાર સુધીની યુવાપેઢી પણ આ ગીત ફરમાયેશ પર અનેકવાર ગાઈ ચૂકી છે એવું આ સદાબહાર ગીત છે. ભગવતીકુમાર શર્માની એક બહુ સરસ રિધમિક રચના છે :

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!

પછી કવિ અન્ય પંક્તિઓમાં કહે છે :

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળું ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!

https://www.youtube-nocookie.com/embed/BveN9-fmkok?autohide=2&border=0&wmode=opaque&enablejsapi=1&modestbranding=1&controls=2&showinfo=1

આ અડધા અક્ષરનો તાળો મેળવવામાં જ જિંદગી આખી વીતી જાય છે એવો ભાવાર્થ દર્શાવતું આ ગીત આશિત-હેમાનાં સર્વશ્રેષ્ઠ ગીતોમાંનું એક છે. મુકેશ માલવણકરનું એકલ દોકલ વરસાદે કેવી ભીંજાણી હું .. પરેશ ભટ્ટ નામના ઉત્તમ સ્વરકારનું અનોખું ગીત છે. સ્વ. પરેશભાઈના કંઠે જેમણે સાંભળ્યું હોય એ સદભાગી. હું વરસું છું, તું વરસે છે… એ રાજેન્દ્ર શુક્લના કસુંબલ મિજાજથી જુદી જ પણ, સુંદર રચના છે જેને સુરેશ જોશીના સુરીલા સ્વરાંકનમાં રેખા ત્રિવેદીનો મધુર કંઠ સાંપડ્યો છે. વરસાદ શરૂ થાય ને અનિલ જોશીનું આ ગીત યાદ ન આવે તો જ નવાઈ. ઉદય મઝુમદારનું સંગીત અને રેખા ત્રિવેદીના કંઠે ગવાયેલું ગીત પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો હું પાટો બંધાવાને હાલી…માં સ્ત્રીની નજાકત સુંદર વર્ણવી છે. ગીતનો બીજો અંતરો તો અદ્ભુત છે:

પિયુજી છાપરાને બદલે જો આભ હોત,
બંધાતી હોત હું યે વાદળી,
માણસ કરતાં જો હોત મીઠાની ગાંગડી,

છાંટો વાગે ને જાત ઓગળી…! જાતને ઓગાળવાનો કેટલો આસાન રસ્તો કવિએ બતાવી દીધો. એને તો પ્રિયતમના પ્રેમની એક બૂંદના સ્પર્શે જ ઓગળી જવું છે. અનિલ જોશીની કવિતાઓમાં કલ્પનો ખૂબ સરસ વણાઈ જાય છે. સંગીતકાર રાસબિહારી દેસાઈ સ્થાપિત અમદાવાદના શ્રુતિવૃંદનું એવું જ આશ્ચર્યકારી અવિનાશ વ્યાસ રચિત ગીત આવે મેહુલિયો સંગીત અને વાતાવરણના આરોહઅવરોહનું મજેદાર ગીત છે જેની પ્રથમ પંક્તિ છે કાનમાં પવન કહીને ચાલ્યો, હે હે આવે મેહુલિયો રે …! આ ગીતમાં વરસાદનું ખૂબ મનોહારી વર્ણન કરેલું છે. ધરતી વરસાદના મિલન માટે ઉત્સુક છે એવું એનો જ દોસ્ત પવન આવીને કાનમાં કહી જાય છે. ખૂબ સુંદર શબ્દો અને સ્વરનિયોજનનું શ્રુતિવૃંદે ગાયેલું આ ગીત અંતમાં અચાનક ધીમું પડી જાય છે ત્યારે પ્રશ્ન થાય કે આનંદ અને ઉત્સવનાં આ ધરતી-વરસાદનાં મિલનનાં વાતાવરણમાં આ ગંભીરતા કેમ છે? અહીં જ સ્વરકાર ક્ષેમુભાઈએ કમાલ કરી છે. મિલનના સંતોષ અને કાંઈક મળ્યું છે એના વિચારોમાં મગ્ન ધરતી પાસું ફેરવીને જુએ છે તો એનો મેહુલિયો છે ગાયબ! ત્યાં જ જાણે પેલો પવન ફરીથી એના કાનમાં આવીને કહી જાય છે કે, હે હે આવે મેહુલિયો રે! મિલન પછીની જુદાઈ ધરતીથી જીરવાતી ના હોય એના સંકેત રૂપે ગીત પણ ધીમું થઈ જાય છે! છતાં, પાલવ લહેરાવીને પ્રતીક્ષા કરતી ધરતીને ખબર છે કે એનો મેહુલિયો એને ભીંજવવા આવવાનો જ છે. તેથી જ પછી ઝડપી લયમાં અંતરાનો ઉપાડ થાય છે :

દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યા,
મસ્ત મેહુલિયો આયો રે!
બજે આભે નિશાન ડંકો, એને પવન નાંખતો પંખો;
થયો ધરતીનો પાવન મનખો, આજ ઘર આવે એનો બંકો.
દળ વાદળનાં મોતી વેરતાં, ગગન મલ્હાર ગવાયો રે!

ધરતી અને આભના મિલન સાથે ગીત પૂરું થાય છે.

https://www.youtube.com/watch?v=dGRauKXDwyc

ગની દહીવાલાનું એક કર્ણપ્રિય ગીત છે, આ કોની મનોરમ દ્રષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું, ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું. ગીતમાં એ પછીનું વર્ણન મનમોહક છે. કાળાં વાદળો એ વાદળો નથી, પણ શ્યામલ રંગી જલપરી છે. અને વીજળી એ એની આંખમાં થતા ચમકારા છે. આજે એ વાદળરૂપી શ્યામા એકલી નથી, એણે એની અંદર એના પ્રિયતમ મેઘને સમાવી લીધો છે, એથી જ તો એનો રંગ એને ચડ્યો છે- શ્યામ રંગ! આ તન્વી શ્યામા પર એટલે જ તો શ્યામ રંગ અતિશય સુંદર લાગે છે. આગળની પંક્તિઓ છે:

આ રસભીની એકલતામાં સાન્નિધ્યનો આજે સંભવ છે,
ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે?
આનંદના ઊઘડ્યા દરવાજા, ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું!

વરસાદનાં ફોરાં પડે છે એનો અવાજ પ્રિયતમાના પાયલનો કર્ણ મંજુલ અવાજ છે. પ્રિયતમાના પગરવના ખ્યાલ માત્રથી આનંદના દરવાજા ઊઘડી જાય છે. કોઈક અલૌકિક ભાવસમાધિમાં કવિ સરી જાય છે. પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે તો તમે આ ગીત સાંભળ્યું જ હશે પરંતુ, હરેશ બક્ષીના સ્વરાંકનમાં બંસરી ભટ્ટે ગાયેલું આ ગીત ચૂકવા જેવું નથી. હિતેન આનંદપરાનું આલાપ દેસાઈના સ્વરાંકનમાં એમને જ કંઠે ગવાયેલું વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં મજેદાર ગીત છે તો સોલી – નિશાએ ગાયેલું આ ગીત દરેક પ્રેમીઓની મનોકામના છે.

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ,
ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઇએ.
વરસાદને અને વિરહને પાક્કી દોસ્તી છે.

https://www.youtube.com/watch?v=O7RsuS4ALWQ

અધૂરી પ્રેમકહાની, સંબંધ વિચ્છેદ, લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ, એકતરફી પ્રેમ વરસાદમાં તીવ્ર પીડા જન્માવે છે ત્યારે ફરીથી ભગવતીકુમાર શર્માની પંક્તિઓ અને સોલી કાપડિયાનો ઘેરો કંઠ મનોવેદનાની ચરમસીમાએ લઈ જાય છે;

હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં!
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ, અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં…!

https://www.youtube.com/watch?v=GT4Taxqsmbg

શું અસરદાર ગીત છે આ! પ્રણયકથામાં આંસુ તો ‘આઇસિંગ ઑન ધ કેક’ છે! આંસુનાં બૂંદ સાથે લેખરૂપી કેક પર અમે હવે ફાઈનલ ડેકોરેશન કરી દીધું છે. હીરાની જેમ તગતગી રહ્યાં છે એ. ગળે ડૂમો બાઝે એ પહેલાં અહીં જ અટકીએ. લોકસંગીતમાં પણ વરસાદ અદ્ભુત ગવાયો છે. એ વાત આ ચોમાસે આપણે કરવાની જ છે. …

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 14 જૂન 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=412210

Loading

14 June 2018 admin
← Love-till it hurts :
સેંકડો સફાઈ કર્મચારીઓનાં ગટરમાં મોત: સ્વચ્છ ભારત અભિયાનની અસ્વચ્છ વાસ્તવિકતા →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved