ભારતના વર્તમાન શાસકો ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા માગે છે એટલે તેઓ ઇતિહાસ સાથે દરજીકામ કરી રહ્યા છે. ત્યારે ફૈઝ અહમદ ફૈઝોની સંખ્યા ઓછી પડી અને ચૂપ રહીને મૂક સંમતિ આપનારા બહુમતીમાં હતા એટલે પાકિસ્તાનની જે હાલત થઈ એ આપણી સામે છે
પાકિસ્તાનને બરબાદ કરવામાં સ્કૂલોમાં ભણાવવામાં આવતા ખોટા અને અધૂરા ઇતિહાસે કેવો ભાગ ભજવ્યો છે એ જો તમે જાણવા માગતા હો તો પરવેઝ હુડભોયે કરેલા અભ્યાસનો અહેવાલ જોઈ જવો જોઈએ. પરવેઝ હુડભોય પદાર્થવિજ્ઞાની છે અને સેક્યુલર પાકિસ્તાનના હિમાયતી છે. તેમનો અહેવાલ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે એટલે ગૂગલમાં જઈને સર્ચ કરશો તો મળી જશે. ખોટા અને અધૂરા ઇતિહાસે પાકિસ્તાનની બે પેઢીને બરબાદ કરી નાખી છે અને આજે જ્યારે પાકિસ્તાનને આધુનિક તેમ જ યુગસુસંગત બનાવવાની જરૂર છે ત્યારે એનું ઉપરાણું લેનારું કોઈ નથી. મોટી પીડા એ છે કે આજે ૭૦ વર્ષે ઇતિહાસ સુધારવો એ ઇતિહાસ બદલવા કરતાં પણ કપરું કામ થઈ ગયું છે.
પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે જાણીતા શાયર ફૈઝ અહમદ ફૈઝે કહ્યું હતું કે ‘પાકિસ્તાનના વિદ્યાર્થીઓને સિંધુ સભ્યતાથી લઈને આજ સુધીનો ઇતિહાસ ભણાવવો જોઈએ. એના દ્વારા વિદ્યાર્થીઓને જાણ થશે કે કઈ રીતે સભ્યતાઓ જન્મે છે, વિકસે છે અને નાશ પામે છે.’
કોઈ સભ્યતા ધર્મગ્રંથમાં કે ધર્મગ્રંથ દ્વારા વિકસતી નથી. ઊલટું ધર્મ, ધર્મગ્રંથ અને ધર્માનુયાયી સમાજ પણ એ સભ્યતાનો હિસ્સો હોય છે. ધર્મનાં ચશ્માંથી સભ્યતાઓને જોવાની ન હોય અને જો એવો પ્રયાસ કરવામાં આવશે તો તમે તમારી આગલી પેઢીને અસભ્ય બનાવવાનું પાપ કરશો. કહેવાની જરૂર નથી કે ફૈઝ અહમદ ફૈઝે જિંદગીનાં કેટલાંક વર્ષો જેલમાં ગાળવા પડ્યાં હતાં. પાકિસ્તાનમાં ત્યારે બીજા પણ ઘણા ફૈઝ હતા જેમને સાંભળવામાં આવ્યા નહોતા. આજે પાકિસ્તાનને ફૈઝની જરૂર છે અને ફૈઝ બહુ ઓછા પેદા થાય છે.
સિંધુ સભ્યતાને પાકિસ્તાને પોતાની એટલે કે ઇસ્લામિક નથી એમ કહીને નકારી કાઢી, વૈદિક સભ્યતાને નકારી કાઢી, બૌદ્ધ સંસ્કૃિત ગેરમુસ્લિમ છે એમ કહીને નકારી કાઢી, તક્ષશિલા વિશ્વવિદ્યાલયનો ગૌરવશાળી ઇતિહાસ નકારી કાઢ્યો, પાણિનિના ભાષાકીય વારસાને નકારી કાઢ્યો (પાણિનિનો જન્મ ખૈબરની ખીણમાં કોઈ ગામમાં થયો હતો જેને માટે પાકિસ્તાન ધારે તો ગર્વ લઈ શકે), ઉર્દૂ ભાષામાંથી સંસ્કૃત શબ્દો હટાવી દેવામાં આવ્યા એમ નકારવાની લાંબી યાદી હતી. છેવટે નક્કી કરવામાં આવ્યું કે ભારતમાં મુસલમાનો આવ્યા ત્યારથી ઇતિહાસ ભણાવવાની શરૂઆત કરવી જોઈએ. પ્રાગ ઇસ્લામિક ઇતિહાસ અસ્તિત્વ ધરાવતો હોય તો પણ સાચા મુસલમાન માટે અસ્તિત્વ નથી ધરાવતો એટલે એને ભણાવવાની જરૂર નથી. કારણ વિના વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન જાગે અને પ્રશ્ન કોમવાદીઓને બહુ તકલીફ આપનારી ચીજ છે. શ્રદ્ધા રાખો, શંકા અને પ્રશ્નો નહીં કરવાના એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં આગ્રહપૂર્વક શીખવવામાં આવે છે. આ પ્રશ્નો સાલા બારી-બારણાં ખોલી નાખે છે એને કારણે ઘેટાંઓને નાસી જવાનો મોકો મળે છે.
બધું જ નકારી કાઢ્યા પછી પાકિસ્તાનમાં મુસલમાનોના આગમનથી ઇતિહાસ ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું. પાઠ્યપુસ્તકો લખાયાં જેમાં ખોટો અને અધૂરો ઇતિહાસ હતો. હિન્દુઓને મુસલમાનોના અને ભારતને પાકિસ્તાનના દુશ્મન તરીકે ચીતરવામાં આવ્યા અને એવા દુશ્મન કે અક્ષરશ: રાક્ષસ બાજુમાં વસતો હોય. પાકિસ્તાનની બે પેઢી કાલ્પનિક (કહો કે પેદા કરવામાં આવેલા મૅન્યુફૅક્ચર્ડ) રાક્ષસના પડછાયામાં ઊછરી છે જે ભયભીત છે એટલે આક્રમક છે. આ બાજુ મુસલમાનોના ઇતિહાસને ભવ્ય ઇતિહાસ તરીકે રજૂ કરવામાં આવે છે.
જો કે પ્રશ્નો તો અહીં પણ જાન છોડતા નથી. કેટલાક ચતુર વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછી રહ્યા છે કે મહાન મુસ્લિમ શાસકોએ જ્યાં પરાક્રમ કર્યાં એ ભૂમિ ભરતમાં છે, તેમણે જે ભૂમિ પર શાસન કર્યું એ ભૂમિ ભારતમાં છે, તેમણે જે મહાન સ્થાપત્યો બંધાવ્યાં એ બધાં ભારતમાં છે, મુસલમાનોનાં પવિત્ર ધર્મસ્થાનો ભારતમાં છે, મુસ્લિમ લીગની સ્થાપના ભારતમાં થઈ હતી, પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરતા હતા અને તેમનું મકાન ભારતમાં છે તો પછી પાકિસ્તાન એક ખૂણામાં શા માટે છે? બોલો, આ પ્રશ્નોનો શું જવાબ આપવો? પાકિસ્તાનમાં પાઠ્યપુસ્તકો લખનારા દીનાનાથ બાત્રાઓને કહેવામાં આવ્યું હતું કે આવા પ્રશ્નો વિદ્યાર્થીઓના મનમાં પેદા ન થાય એવી રીતે પાઠ્યપુસ્તકો લખો. પાકિસ્તાની દીનાનાથ બાત્રાઓ સાત દાયકાથી શંકાતીત સંપૂર્ણ સત્યની જગ્યા લઈ શકે એવા અસત્યની શોધ કરી રહ્યા છે, પણ સાલું સત્ય ક્યાંક ને ક્યાંકથી સરકી જાય છે.
એક શંકા અને એક પ્રશ્ન જૂઠની ઇમારતને તોડી પાડવા સમર્થ હોય છે અને હવે પાકિસ્તાનમાં એ જ બની રહ્યું છે. દરેક સમાજ ખૂબી અને મર્યાદા ધરાવતો હોય છે. દરેક સમાજ ગૌરવ લેવા જેવો અને એ સાથે શરમાવા જેવો ઇતિહાસ ધરાવતો હોય છે. દરેક સમાજે પરાજય અને લાંછનનો અનુભવ કર્યો હોય છે. આમાં જગતનો કોઈ સમાજ અપવાદ નથી. કોઈ એટલે કોઈ જ નહીં. આમાં શરમાવા જેવું અને છુપાવવા જેવું શું છે? બીજું છુપાવી શકાય એમ ન હોય તો એવો ભૂંડો અને ફૂહડ પ્રયાસ કરવો પણ શા માટે જોઈએ? હિન્દુઓનો દરેક યુદ્ધમાં પરાજય શા માટે થયો એનો જવાબ આખી દુનિયા જાણે છે. જ્ઞાતિના કારણે હિન્દુ સમાજ આંતરિક રીતે વિભાજિત હતો એ પરાજયનું કારણ છે એ નકારી ન શકાય એવું સત્ય છે, પરંતુ હિન્દુ રાષ્ટ્રવાદીઓને એનો સ્વીકાર કરતા મરચાં લાગે છે. જેમ દરેક સમાજની પોતપોતાના હિસ્સાની શરમ હોય છે એમ આ આપણા હિસ્સાની શરમ છે. બસ, વાત પૂરી; આમાં છુપાવવા જેવું શું છે?
પરંતુ સત્યનો સ્વીકાર કરવા માટે આપણે મહાત્મા ગાંધી પાસેથી ૫૬ની છાતી ઉધાર લેવી પડે. જૂઠ બોલવા માટે જિગરની જરૂર નથી પડતી, થોડી સી બેઈમાની સે કામ ચલ જાતા હૈ. તો વાતનો સાર એટલો કે ૧૯૪૭માં પાકિસ્તાનના શાસકોએ ઇસ્લામિક પાકિસ્તાનની સ્થાપના કરવી હતી એટલે ઇતિહાસ સાથે દરજીકામ કર્યું હતું. ભારતના વર્તમાન શાસકો ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા માગે છે એટલે તેઓ ઇતિહાસ સાથે દરજીકામ કરી રહ્યા છે. ત્યારે ફૈઝ અહમદ ફૈઝોની સંખ્યા ઓછી પડી અને ચૂપ રહીને મૂક સંમતિ આપનારા બહુમતીમાં હતા એટલે પાકિસ્તાનની જે હાલત થઈ એ આપણી સામે છે.
તમે શું કરવા માગો છો? જવાબ આપતા પહેલાં હિન્દુ રાષ્ટ્રમાં ઊછરેલો તમારો પૌત્ર કેવો હશે, શું વિચારતો હશે અને શું કરતો હશે એનું એક ચિત્ર આંખ સામે લઈ આવજો.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 10 અૉગસ્ટ 2017