BAPSના નારી તિરસ્કારને કારણે પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના પુસ્તકના મલયાલમ અનુવાદના પ્રકાશનનો સમારંભ કેરલમના લોકોએ વિરોધ કરીને અટકાવી દીધો. કલામના છેલ્લા પુસ્તક ‘Transcendence: My spiritual experiences with Pramukh Swami’નો મલયાલમ અનુવાદ શ્રીદેવી એસ. કર્તા (Kartha) નામના મહિલાએ કર્યો હતો. કેરલમના ત્રિશૂરમાં તેનો પ્રકાશન સમારંભ 26 સપ્ટેમ્બર 2015ની સવારે યોજાયો હતો.
શ્રીદેવીએ એમની ફેસબુક પોસ્ટમાં લખ્યું : ‘મને મંચ પર જવાની મનાઈ ફરમાવવામાં આવી, કારણ કે સ્વામીજી એમના આશ્રમના નિયમ પ્રમાણે મારી સાથે મંચ પર બેસવા ઇચ્છતા ન હતા, અને પ્રકાશક ‘કરન્ટ બુક્સ’એ મારી બહેનપણી જોડે કહેવડાવ્યું કે મારે સમારંભથી દૂર રહેવાનું છે.’ શ્રીદેવીની પોસ્ટ 7,000 લોકોએ શેર કરી.
અનુવાદકે પત્રકારોને કહ્યું : ‘પ્રમુખ સ્વામીના પ્રતિનિધિ તરીકે આવેલા બ્રહ્મવિહારી દાસે એવી માગણી કરી કે મહિલા સાથે તે મંચ પર બેસશે નહીં. એની બીજી માગણી એ હતી કે સભાગૃહની પહેલી ત્રણ હરોળોમાં મહિલા હોવી જોઈએ નહીં. મને પ્રકાશકોએ 22-23 તારીખે જણાવ્યું. પ્રકાશક આવી હાસ્યાસ્પદ માગણી સ્વીકારે તે ખેદજનક છે.’
BAPS સામેના વિરોધમાં યુવા, વિદ્યાર્થી અને નાગરિક સંગઠનો જોડાયાં હતાં. વિખ્યાત દિવંગત મલયાલમ લેખક એમ.ટી. વાસુદેવન નાયર પણ કાર્યક્રમના એક અતિથિ હતા. પણ શ્રીદેવી પરના પ્રતિબંધની જાણ થતા તેમણે ઈન્કાર કરી દીધો હતો.
સંસ્થાના મુંબઈ એકમના કાર્યકર્તા ભૂપેન્દ્ર પાટીલે ‘ધ ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસ’ને જણાવ્યું કે સ્વામીનારાયણ સાધુઓ મહિલાઓથી પચીસ-ત્રીસ ફૂટનું અંતર જાળવે એ સામાન્ય નિયમ છે. એમાં કોઈ બાંધછોડ ન હોય. સ્વામીને જો સાવ નાની બાળકીનો સ્પર્શ પણ થાય તો ય તેમને એક દિવસનો ઉપવાસ કરવો પડે.
+++++++++

વરિષ્ઠ ગુજરાતી પત્રકાર કૌશિક મહેતાએ એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેમણે BAPSના સ્ત્રી-નિષેધના રાજકોટમાં થયેલા અનુભવો સૌમ્ય રીતે વર્ણવ્યા છે.
કૌશિકભાઈના બે પુસ્તકો ‘નોખી માટીના નોખા માણસ’ અને ‘ભેજા ફ્રાય’નો રાજકોટમાં પ્રકાશન સમારંભ હતો, જેનું આયોજન સ્વામીનારાયણની એક સંસ્થામાં થયું હતું. વિમોચન કરનાર કથાકાર મોરારિદાસ હરિયાણી ઉપરાંત મંચ પર સ્વામીનારાયણના સાધુઓ પણ હતા. શાહબુદ્દીન રાઠોડ અને ભીખુદાન ગઢવી જેવા પણ હાજર હતા. ઉપક્રમ એમ હતો કે ‘નોખી માટીના…’ એ ચરિત્રલેખ સંચયમાં જે નાયક-નાયિકાઓ છે તેમનું મંચ પર સન્માન કરવું. તેમાં રેહાનાબહેન નામનાં સામાજસેવક પણ હતાં. તેમનું નામ બોલાયું અને તેઓ મંચ તરફ જવા લાગ્યાં, એટલે આયોજકોમાંથી એકે લેખકને રેહાનાબહેનને મંચ પર આવતાં રોકવાનું કહ્યું. પણ પ્રગતિશીલ લેખક સંમત ન થયા. એટલે મોરારિદાસે રસ્તો કાઢ્યો – તેઓ મંચ પરથી ઊતર્યા અને બહેનનું સન્માન કર્યું. મોરારિદાસે આ ઘટનાનો વિરોધ તો જવા દો, પણ તેના માટે જાહેર નાપસંદગી પણ વ્યક્ત ન કરી. કાર્યક્રમ આગળ ચાલ્યો, મોરારિદાસે લેખક અને એમનાં પત્નીનું પણ સન્માન કરવાનું જાહેર કર્યું. સીમાબહેન મંચ પર આવે એ પહેલાં મંચ પરના ત્રણ બાવાઓ સડસડાટ સ્ટેજ છોડીને જતા રહ્યા.
બીજો પ્રસંગ ‘ફૂલછાબ અવૉર્ડ’ સમારંભનો છે, જે પણ સ્વામીનારાયણ સંસ્થામાં હતો. તે મેળવનારાંમાં એક યુવા મહિલા ખેલાડી હતાં. મુખ્ય મહેમાન મોરારિદાસ જ હતા. કાર્યક્રમનું નિમંત્રણ આયોજકોને આપવામાં આવ્યું. તેમાં એક મહિલાનું નામ જોઈને સંપ્રદાયના સાધુઓએ કહ્યું કે એ મહિલાને જો મંચ પર ન બેસાડો તો અમારા સંત આવી શકે. કૌશિકભાઈ મક્કમ રહ્યા – ‘દીકરી તો આવશે આવશે ને આવશે જ’.
ત્રીજા બનાવમાં જંગલ ખાતામાં ઉત્તમ કામગીરી કરનાર અધિકારી વી.ડી. બાલા વિશે કૌશિકભાઈએ લખેલા પુસ્તકના પ્રકાશન સમારંભનો છે. એક સ્વામીનારાયણ સાધુ વિમોચન કરવાના હતા. કાર્યક્રમ શરૂ થવાના થોડા સમય પહેલાં કૌશિકભાઈને આયોજકોનો ફોન આવ્યો કે સ્વામીજી નીકળી ગયા છે, અને કાર્યક્રમમાં એમની સાથે મંચ પર કોઈ સ્ત્રીપાત્ર ન હોય એની તકેદારી રાખજો !
જાણીતા પત્રકાર પિંકી દલાલે તે ખુદ ‘મુંબઈ સમાચાર’ના મુખ્ય સંપાદક હતાં એ સમયનો એક અનુભવ ફેસબુક પર લખ્યો છે : ‘ગઈકાલે પેરિસમાં થયેલી ઘટના ને સંબંધિત એક કિસ્સો યાદ આવ્યો. વર્ષો પૂર્વે સ્વામીનારાયણના બે સંત મળવા આવ્યા હતા. એમને બિલકુલ જાણ હતી કે એડિટર તો મહિલા છે. છત્તાં પણ મળવું તો એડિટરને જ. આવીને કહ્યું કે સ્ત્રીનું મોઢું ન જોવાય તેથી વાત તો કોઈ પુરુષ પત્રકાર સાથે જ કરશે. અને મને યાદ છે તેઓ તેમની વાતને વળગી રહ્યા હતા, મારો પ્રશ્ન એટલો જ હતો કે ખબર હતી કે એડિટર એક મહિલા છે તો મળવાનો દુરાગ્રહ રાખીને મળવા આવ્યા જ શું કામ?’
ફ્રીલાન્સ રાઈટર દિવ્યાશા ડી. દોશીની ફેસબુક પોસ્ટ : ‘પેરિસની ઘટના વિશે ઘણું લખાયું અને વિરોધ પણ થયો. સ્ત્રીઓને જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હાંસિયામાં મૂકવામાં આવે છે એનો વિરોધ છે. પહેલીવાર મારી સાથે આ બન્યું હતું એ ઘટના ક્યારે ય ભૂલી શકાય એમ નથી. નંદિગ્રામમાં મકરંદભાઈ અને કુન્દનિકા કાપડિયાને મળવા ગઈ હતી. અમે કેટલાક લોકો મકરંદભાઈ સાથે બેઠાં હતાં ત્યાં ખબર આવ્યા કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ મકરંદભાઈને મળવા આવી રહ્યા છે. અમને સ્ત્રીઓને બીજા રૂમમાં બંધ કરી દેવામાં આવી. ત્યારે મને કુન્દનિકાબહેન અને મકરંદભાઈ પર પણ ગુસ્સો આવ્યો. કુન્દનિકાબહેને સાત પગલાં આકાશમાં લખી છે એની નવાઈ લાગી. અનેક સવાલો થયા પણ એનો યોગ્ય જવાબ નહોતો મળ્યો.
એ દિવસથી હું કોઈ સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ગઈ નથી. એ સાધુઓને પોતાના પર કન્ટ્રોલ ન હોય તો એમણે બહાર ક્યાં ય જવું ન જોઈએ. બીજી વાત એ સાધુ જ કેવો કે જેમનો પોતાના પર કન્ટ્રોલ ન હોય!? એના કરતાં સામાન્ય પુરુષો સારા કે જેમની સાથે સ્ત્રીઓ દરરોજ કામ કરી શકે છે, પ્રવાસ કરી શકે છે. ત્રીજો મુદ્દો કે આપણા હિન્દુ ધર્મમાં સ્ત્રી શક્તિનો મહિમા છે. ભગવાનના નામમાં પણ પહેલાં સ્ત્રીનું નામ આવે. ઉદાહરણ તરીકે રાધાકૃષ્ણ, સીતારામ, અને સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય કશે જ સ્ત્રીઓને નજર સામેથી દૂર કરવામાં નથી આવતી.
આ બધું બને છે એ માટે આપણે પણ જવાબદાર છીએ. શું કામ એમને ઘરે આમંત્રણ આપવામાં આવે છે? એમને પૂજવામાં આવે છે? એ જ પુરુષો એમને પૂજે જે પિતૃસત્તાક માનસિકતા ધરાવતા હોય. આ સિવાય કોઈ સંપ્રદાયનો કે માન્યતાનો મારો વિરોધ નથી. સમય સાથે પરિવર્તન આવ્યું છે તો કેટલીક માન્યતાઓ અને પરંપરાઓમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે એવું હું માનું છું. તમારી માન્યતા જુદી હોઈ શકે.
ફોટા : મલયાલમ અનુવાદનું મુખપૃષ્ઠ, અનુવાદક શ્રીદેવી એસ. કર્તા, બ્રહ્મવિહારી દાસ, ત્રિસૂર ખાતે વિરોધ
વિશેષ આભાર : ઈન્દિરાબહેન નિત્યાનંદમ / કોલાજ સૌજન્ય : પરીક્ષિત મેઘના મુકેશ
12 સપ્ટેમ્બર 2026
e.mail : sanjaysbhave@yahoo.com
![]()

