કોર્ટના ચુકાદાનો અમલ ન કરું તો છ મહિનાની કેદ
અમલ કરું તો આજીવન કેદની સજા
‘બેટા! હવે તારે પાક્કો નિર્ણય લેવાનો વખત આવી ગયો છે. કોર્ટના હુકમને માથે ચડાવીને ઘર માંડવું છે, કે પછી છ મહિના જેલમાં જવું છે?’
રખમાબાઈ થોડી ક્ષણો માટે ઓરમાન પિતા સખારામ અર્જુન સામે તાકી રહી. આજ સુધી ક્યારે ય તેમની આંખ સામે આંખ મેળવીને વાત કરી નહોતી. મોટે ભાગે તો તેઓ જે કાંઈ કહે તેના હકારમાં માથું નમાવીને ‘જી’ એટલું જ બોલતી. પણ ના. આજે તેમની આંખ સાથે આંખ મેળવવી પડશે. આજે માત્ર ‘જી’થી કામ નહિ ચાલે. માથું સહેજ ઊંચું કરીને તે હળવા પણ મક્કમ અવાજે બોલી: “કોર્ટના ચુકાદાનો અમલ ન કરું તો છ મહિના માટે જેલમાં જવું પડશે. પણ જો એ ચુકાદાનો અમલ કરીશ તો તો મારે આજીવન કેદની સજા ભોગવવી પડશે. હું છ મહિનાની કેદ ભોગવવા તૈયાર છું.” આ સાંભળીને સખારામભાઉની આંખોમાં ચમક આવી. આ છોકરી તો સગ્ગી દીકરી કરતાં પણ … પછી હળવે સાદે એટલું જ બોલ્યા : ‘મને આવા જવાબની જ આશા હતી’. આ સાંભળીને રખમાબાઈની આંખોના ખૂણા સહેજ ભીના થયા. પછી માથું નમાવી, બે હાથ જોડી, હળવે પગલે તે બીજા ઓરડામાં ગઈ.

ગોપાળ ગણેશ આગરકર

બેહરામજી મલબારી
સખારામભાઉ આરામ ખુરસીમાં બેઠા હતા. પાસે એક ગોળ ટીપોય હતી. તેના પર પાથરેલો હતો એક ભરત ભરેલો ટેબલ ક્લોથ. રખમા ગયા પછી ટીપોય પર પડેલાં છાપાં સખારામભાઉએ ઉપાડ્યાં. પહેલું હાથમાં લીધું ‘મરાઠા.’ બાળ ગંગાધર ટીળક એના તંત્રી. કુલ આઠ પાનાંનો અંક. તેમાંનાં છ પાનાં ટીળકે રખમાબાઈના કેસને ફાળવ્યાં હતાં! તેમણે આ કેસને હિંદુ ધર્મની પરંપરાનું ખંડન કરતા કેસ તરીકે ઓળખાવ્યો હતો. હિંદુ શાસ્ત્રોમાં લગ્ન એ કરાર નથી, એક પવિત્ર બંધન છે એ વાત માનનીય જજ સાહેબો સમજી શક્યા નથી. અને એ બંધનનું પાલન કરવું એ કોઈ પણ હિંદુ સ્ત્રીની ફરજ છે. હિંદુ સમાજમાં જો કોઈ સુધારાની જરૂર હશે તો તે એ સમાજના લોકો કરશે. અદાલતે કે સરકારે તેમાં દખલ કરવી જોઈએ નહિ. હવે રખમાબાઈ પાસે બે જ રસ્તા છે : કાં હિંદુ શાસ્ત્રનાં બંધન પ્રમાણે વરનું ઘર માંડવું અને કાં બોમ્બે હાઈ કોર્ટના ચુકાદા પ્રમાણે જેલમાં જવું. જો કે અદાલતે કરેલી સજા તો ઘણી ઓછી છે. ચોરી, છીનાળું, ખૂન કરનારને જેમ આકરી સજા ભોગવવી પડે છે તેવી જ રીતે રખમાબાઈને પણ આકરી શિક્ષા થવી જોઈતી હતી, એવો મત ટીળકે પ્રગટ કર્યો હતો. (મરાઠા, ૧૨ જૂન, ૧૮૮૭) આ કેસમાં રખમાબાઈની તરફેણ કરનારા બહેરામજી મલબારી, આગરકર, ન્યાયમૂર્તિ રાનડે, ગોપાલ કૃષ્ણ ગોખલે વગેરેનો પણ ટીળકે ઉધડો લઈ નાખ્યો હતો.
પોતાની સહી સાથેના અગ્રલેખમાં ટીળકે લખ્યું હતું : ‘અંગ્રેજ સરકારને હિંદુ ધર્મ, તેની માન્યતાઓ, તેના રીતરિવાજો, વગેરેમાં દખલ કરવાનો કોઈ હક્ક નથી. આપણા સમાજમાં જો કોઈ બાબતમાં સુધારો લાવવાની જરૂર હશે તો તે માટેનાં પગલાં આપણે ભરશું. અંગ્રેજો કે તેમની અદાલતો નહિ. હિંદુ ધર્મ પ્રમાણે લગ્ન એ એક પવિત્ર બંધન છે અને એક વાર લગ્ન થઈ ગયા પછી પતિનું ઘર માંડવાનો ઇનકાર કરવો એ ગુનો નથી, પણ પાપ છે.” એક નિસાસો નાખીને સખારામભાઉએ એ છાપું બાજુએ મૂક્યું.
બીજું છાપું હાથમાં લીધું. એમાં ગોપાળ ગણેશ આગરકરનો લેખ હતો. “અત્યારે આપણા દેશમાં સમાજ સુધારાની તાતી જરૂર છે. સ્ત્રીઓને લગતી અનેક બાબતોમાં બદલાવ લાવવાની જરૂર છે. એ માટે અંગ્રેજ સરકારની, તેણે સ્થાપેલી અદાલતોની મદદ લેવી પડે તો લેવામાં કશું ખોટું નથી. આપણા દેશમાં આપણા લોકોનું રાજ સ્થપાય એ માટે લડવું પડે તો લડશું. પણ જો સરકાર કે અદાલતની મદદથી સમાજ સુધારો થતો હોય, સ્ત્રીઓના જીવનમાં બદલાવ લાવી શકાતો હોય તો તેમ કરવામાં કશું ખોટું નથી.”

રખમાબાઈને પૂરેપૂરો ટેકો આપનાર મલબારીનું અઠવાડિક
પછી ઉપાડ્યું બેહરામજી મલબારી જેના તંત્રી હતા તે ‘ધ ઇન્ડિયન સ્પેક્ટેટર.’ રખમાબાઈનો કેસ શરૂ થયો ત્યારથી જ મલબારીએ રખમાબાઈને પૂરેપૂરો ટેકો આપ્યો હતો. પંડિતા રમાબાઈ સાથે મળીને તેમણે ‘રખમાબાઈ ડિફેન્સ કમિટીની સ્થાપના કરી હતી. વકીલોની સલાહ લીધી હતી. ફંડ ફાળો ઉઘરાવ્યો હતો. કેસ ચાલતો હતો ત્યારે પણ અવારનવાર મલબારી રખમાબાઈની તરફેણમાં લખતા રહ્યા હતા. આજે મલાબારીએ તેમના અખબારમાં રખમાબાઈની તરફેણમાં લાંબો લેખ લખ્યો હતો. : “આ આખા ખટલા દરમ્યાન કેટલાંક અખબારો વારંવાર દહીંમાંથી દૂધમાં અને દૂધમાંથી દહીંમાં પગ ઝબોળતા આવ્યા છે તે ખરેખર શરમજનક છે. તો કેટલાંક અખબારો તો એમ જ માનતાં આવ્યાં છે કે સ્ત્રીનું સ્થાન પુરુષ કરતાં નીચું છે અને નીચું રહેવું જ જોઈએ, હંમેશ માટે. પિતા, ભાઈ, પતિ, વગેરે પુરુષોની એક્કેએક ઇચ્છા કે માગણી પૂરી કરવી એ જ સ્ત્રીનો ધર્મ છે. આપણા બાપદાદા કાંઈ મૂરખા નહોતા. તેમણે સ્થાપેલી પરંપરામાં મીનમેખ કરવાનો સરકારને કે અદાલતોને અધિકાર નથી. ધર્મની બાબતોમાં સરકારે કે અદાલતોએ માથું ન મારવું જોઈએ એમ કેટલાકનું કહેવું છે. તો કેટલાક કહે છે કે હા, બિનજરૂરી દખલ કોઈની ચલાવી ન લેવાય. પણ જે ખોટું કે ખરાબ હોય તેને સુધારવાનો હક્ક લોકોને છે તેમ સરકારને અને અદાલતને પણ છે. મલબારીએ લખ્યું હતું કે અહીં મારે એ ખુલાસો કરવો જોઈએ કે રખમાબાઈ સાથે મારે કોઈ પ્રકારનો અંગત સંબંધ નથી. એટલે એવા કોઈ કારણસર હું તેની તરફેણ કરું છું એવું નથી. ન કરે નારાયણ અને આવતી કાલે દાદાજી પણ અન્યાયનો ભોગ બને તો હું તેને પણ ટેકો આપું જ. રખમાબાઈ અત્યારે એકલી પડી ગઈ છે. એટલે તેની પડખે ઊભા રહેવું એને હું મારો ધર્મ સમજું છું. એ એટલી તવંગર નથી કે આ કેસ પોતાના બાવડાના બળે લડી શકે. એટલે જ તેને પૈસાની અને બીજી મદદ કરવા માટે પંડિતા રમાબાઈએ અને મેં સાથે મળીને ફંડ ઊભું કર્યું હતું. મારી દૃષ્ટિએ જૂના, જર્જરિત કુરિવાજો અને માન્યતાઓએ રખમાબાઈ જેવી એક ગભરુ છોકરીનો ભોગ લીધો છે. દાદાજી તો પુરુષ છે, એટલે પરંપરા પ્રમાણે તે ગમે તેટલી સ્ત્રી સાથે લગ્ન કરી શકે કે લગ્ન કર્યા વગર પણ સંબંધ બાંધી શકે. એને કોઈ રોકી કે ટોકી ન શકે. પણ રખમાબાઈ તો છોકરીની જાત! એણે તો ધર્મ, સમાજ, કુટુંબની વેદી પર હસતે મોઢે પોતાની જાતની આહુતિ જ આપવાની હોય. બીજા બધા તો ઠીક, અદાલતે પણ એમ જ કહ્યું છે. ગ્રેટ બ્રિટનમાં ઘડાયેલો કાયદો સ્ત્રી અને પુરુષ બંનેને લગ્નના ભોગવટાનો કે તેની ફરીથી અમલબજાવણી કરવાનો હક્ક આપે છે. પણ એ દેશમાં બાળલગ્નો થતાં નથી. પુખ્ત વયનાં સ્ત્રી-પુરુષનાં જ લગ્ન થાય છે. એટલે restitutionનો હક્ક બંનેને હોય છે. પણ રખમાબાઈના કેસમાં તો બાળલગ્ન થયાં છે. બંને વચ્ચે જાતીય સંબંધ બંધાયો જ નથી. તો જે સંબંધ બંધાયો જ નથી તેના restitutionનો સવાલ જ કઈ રીતે ઊભો થાય? બોમ્બે હાઈ કોર્ટનું કહેવું છે કે તેણે હિન્દુઓના લગ્નના કાયદાને ધ્યાનમાં રાખીને ચુકાદો આપ્યો છે. પણ હકીકતમાં તેની નજર સામે લગ્ન અંગેનો બ્રિટિશ કાયદો અને પરંપરા રહ્યાં છે.અદાલતનો આ નિર્ણય જાણે આપણા દેશના લોકોને કહી રહ્યો છે : ‘તમે તમારા રિવાજ અને મરજી મુજબ બાળલગ્નો કરતા રહો. પછી એ અંગે કોઈ વિખવાદ થાય તો અમે મેરેજ-બ્રોકર તરીકે, પોલીસ તરીકે અને જેલર તરીકે તમને મદદ કરશું અને જેલર તરીકે ‘ગુનેગાર’ને જેલના સળીયા પાછળ ધક્કેલી દેશું.”
આ વાંચતી વખતે સખારામભાઉની આંખમાં ઝળઝળિયાં હતાં. તેઓ વિચારતા હતા : આ બહેરામજી મલબારી! જાતે પારસી, તો ય લગ્નની વેદી પર શહીદ બનતી હિંદુ છોકરી માટે તેના મનમાં કેવી વેદના! તેને મદદરૂપ થવાની કેટલી ધગશ! પણ પછી સખારામભાઉનું મન ચકડોળે ચડ્યું : રખમા તો તૈયાર છે. પણ એમ કાંઈ એને જેલમાં જવા દેવાય? પણ હવે કાનૂની રીતે તો આગળ વધાય એમ નથી. બોમ્બે હાઈ કોર્ટના ચુકાદા સામે અપીલ તો છેક ગ્રેટ બ્રિટનની પ્રિવી કાઉન્સિલમાં કરવી પડે. પુષ્કળ પૈસા અને સમય જોઈએ એ માટે. એના કરતાં સાપ મરે નહિ, ને લાઠી ભાંગે નહિ, એવો કોઈક રસ્તો …
સખારામભાઉ આવું કૈંક વિચારતા હતા ત્યારે રખમાબાઈ તો જાણે સરૂપ ધ્રુવની પંક્તિઓ ગણગણતી હતી :
કુળની મર્યાદા ને ધર્મોની જાળમાં
રૂઢી–રિવાજ અને ઘરની જંજાળમાં
કેટલા દિવસ હવે રહીશું રે લોલ.
આપણાં દુઃખોને હવે આપણે જ ફેડવાં
ટક્કર ઝીલવી છે, હવે આંસુ ન રેડવાં
વજ્જર હૈયાનાં અમે થઈશું રે લોલ.
***
ખુલાસો :
૧. અહીં કશું કલ્પનાથી ઉમેર્યું નથી. ટીળક, મલબારી વગેરેનાં અખબારોમાં પ્રગટ થયેલાં લખાણોને આધારે લખ્યું છે. મલબારીનું મૂળ લખાણ ટૂંકાવ્યું છે.
૨. કેટલાક લખનારાઓએ કહ્યું છે કે રખમાબાઈએ પોતાની વાત માંડતો કાગળ ક્વીન વિક્ટોરિયાને લખ્યો હતો અને તેને કારણે રાણીએ બોમ્બે હાઈ કોર્ટનો ચુકાદો રદ્દબાતલ કર્યો હતો. પણ આ અંગે બોમ્બે હાઈ કોર્ટના દફતરમાં કે બીજે ક્યાં ય કોઈ દસ્તાવેજી પુરાવો મળતો નથી. રખમાબાઈના સમકાલીન લખનારાઓમાંથી કોઈએ આવું કશું જ લખ્યું નથી.
૩. કેટલાકને સવાલ થયો છે કે રખામાબાઈ સુપ્રીમ કોર્ટમાં કેમ ન ગયાં? જવાબ સીધો છે: તે વખતે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનું અસ્તિત્વ જ નહોતું. તેની સ્થાપના ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૬મીએ થઈ. એ પહેલાં જો અપીલ કરવી હોય તો લંડનમાં પ્રિવી કાઉન્સિલને કરવી પડતી. પણ તેમ કરવામાં ઘણો સમય જતો અને એ પ્રક્રિયા પુષ્કળ ખર્ચાળ હતી. આ સંજોગોમાં સખારામભાઉએ કયો મારગ અપનાવ્યો એની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 05 સપ્ટેમ્બર 2026
![]()

