દેશના અજંપ યુવજનોની આર્ત અપીલ અને હાકેમોની દૃષ્ટિશૂન્યતા
વિશ્લેષણ
ગંગાશુદ્ધિ માટે અનશનના 112મા દિવસે જે રીતે વિશ્વખ્યાત તજ્જ્ઞ જી.ડી. અગરવાલને નીંભરપણે મરવા દેવાયા હતા, એના ખયાલે સચિંત અગ્રણીઓએ સોનમ વાંગચૂકને અનશન છોડવા સારુ આર્ત ભાવે અપીલ કરી છે : શાસનનાં બારે વરસે મોદી ભા.જ.પ. પરત્વે સ્વીકૃતિની કટોકટી ચંદાચોરીની સંગત સાથે સાફ દેખાય છે

પ્રકાશ ન. શાહ
દેશના અજંપ યુવજન અને નિસબત ધરાવતા નાગરિક સૌના જીવ આજની ક્ષણે જંતર મંતરના પડીકે બંધાયા છે. મળતાં મળે એવો લોકાયની અને વળી વિજ્ઞાની, પોતાની તરેહનો પ્રજાપરક પર્યાવરણી, નામે સોનમ વાંગચુક આમરણ અનશને છે. નગારે ઘાવ દીધો તો હતો દોમદોમ ડોલરજીવી રહી શકતા અભિજીત દીપકેએ, અને વતન આંગણે એને જે વ્યાપક પ્રતિસાદ મળ્યો એમાં શતસહસ્ર અવાજોમાં જાનફેસાનીના તરાને ઝૂમતો એક સશક્ત એટલો જ સમર્પિત સ્વર સોનમ વાંગચૂકનો છે. પ્રતિકાર અને પરિવર્તનની પ્રજાકીય ચેતના આજે એમના તપ અને તિતિક્ષા વાટે પ્રગટ થવા કરે છે.
વાત નીંભર પરીક્ષાતંત્રની, દૃષ્ટિશૂન્ય પ્રશાસનની અને હૈયાફૂટા હાકેમોની છે. એમને સત્તારમત આડે કશું દેખાતું નથી, બાજી ગોઠવાઈ એટલે બાકીનું રામભરોસે. યુવા આંદોલને, આપણી ‘વંદા’ મંડળીએ સ્તો, જે ખતપત્ર યા ચાર્ટર આ દિવસોમાં રમતું મૂક્યું છે એમાં એ જ વાતો સામાન્યપણે છે જે હાલના સત્તાપક્ષે છેલ્લા દસકામાં વખતોવખત વિધિવત મૂકી છે. પણ વહેવારમાં તો અલ્લાયો જ અલ્લાયો છે. દીપકે અને સાથીઓ, સોનમ અને સૌ ટૂંકમાં પ્રથમ કદમ તરીકે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ માંગે છે. લોકશાહી રાહે જવાબદેહીની રીતે એ સાદો હિસાબ છે.
કમનસીબે, દાયિત્વ અને ઉત્તરદાયિત્વનું આ સાદું સત્ય નહિ સ્વીકારતા મંત્રીશ્રી અને એમના આકાઓને સ્વનામધન્ય ધોરણે પ્રધાનપદે ચીપકી રહેવામાં જ ધર્મ વરતાય છે.

સોનમ વાંગચૂક અને જે બીજા યુવજનોએ અનશનનો રાહ લીધો છે એ ઉત્તરોત્તર કથળતા સ્વાસ્થ્યે મૃત્યુ લગોલગ જઇ રહ્યા હોય એમ બને. હુક્મરાનોને અને એમના સત્તા-સાગરીતોને જો નઘરોળ પરીક્ષાતંત્રે પ્રેરેલ આત્મહત્યાઓનો અહેસાસ ન હોય તો પછી જેઓ શાંતિમય પ્રતિકારની રીતે જરૂરી બની રહે છે. રાહે હોઈ શકે છે એમને સમજવાની રગ એમની કને હશે કે કેમ, એવી ફાળ ને ફિકર અલબત્ત અસ્થાને નથી.
આ સંજોગોમાં દેશના જાગ્રત ફિરકાઓમાંથી જે એક ચિંતિત એટલો જ સુચિંતિત સ્વરકૃપાથી ‘ઊઠી રહ્યો છે એની અહીં જરૂર નોંધ લેવી જોઈએ. થોડા વરસ પર હાઇડ્રોલિક વૉટર પ્રોજેકટો થકી ગંગાનું દોહન અને શોષણ જ નહીં પણ ઘોર પ્રદૂષણ સુધ્ધાં અટકાવવા સારુ વિશ્વખ્યાત વિજ્ઞાની જી. ડી. અગરવાલે આમરણ અનશનનો રાહ લીધો હતો અને ‘મા ગંગાના બુલાવે’ જેનું હલનચલન ,ચૂંટણીરમણ બધ્ધેબધ્ધું પરિચાલિત છે તે નેતૃત્વે સન્યસ્ત જીવન ગાળનાર આ પ્રતિભાને રોકવાપણું જોયું નહોતું. આ એક દૂઝતા જખમ શી સ્મૃતિ છે, એક છેડેથી વરવી તો બીજે છેડેથી ગરવી. સોનમ વાંગચૂક સરખી પ્રતિભાને સારુ પણ આવું જ કોઈ વિધિ નિર્માણ તો નથી ને એવી દિલી ધાસ્તીવશ લોકહૈયથી ઉઠેલી એક આર્ત અપીલ સોનમ મહાશય ઉપવાસ છોડે તેવી છે.
જેમ સત્તાધીશોની તેમ આપણી પણ તપાસ આવે વખતે અને ખરું જોતા હર ઘડીપળ જરૂરી બની રહે છે. સોનમ વાંગચૂકને આપણે પહેલપ્રથમ પિછાણ્યા તે આમીરખાન અને રાજકુમાર હિરાણીની “થ્રી ઈડિયટ્સ” થકી. ક્યાં છે એ સૌ, એકાદ અપવાદ બાદ કરતાં? શું સત્તાકારણ, શું સર્જનકારણ કે સિનેકારણ, ધંધો લટકા કરે ધંધા સામે … નરસિંહ મહેતા, સાંભળો છો કે? નવું પ્રભાતિયું લઈને આવો તો તમને ઈલમી બકું.
બુધવારે ઢળતી સાંજે આ લખી રહ્યો છું. કેવું રૂડું થાય, જો હું ભોંઠો પડું! પણ કમબખ્ત સત્તાનો ખેલ તે ખેલ અને નાગરિકને લમણે વકટલેંડ તે વકટલેંડ. નરસૈયો હળવા કરમનો, ને નાગરિક પણ.
On Wed, Jul 15, 2026
prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 15 જુલાઈ 2026
![]()

