સ્ટેશન અમે ગોત્યું ગોત્યું ને ક્યાં ય ના જડ્યું!
અમે જૂના નકશાને ઉઘાડ્યા, ઉછીની વાત માગી
કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું ને ક્યાં ય ના જડ્યું!
અમે ટાઈમ ટેબલની કોરે, શોધ્યું ટ્રેનોની દોરે,
કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું ને ક્યાં ય ના જડ્યું!
અમે ગોત્યું AIની પાંખે, ને ગૂગલની આંખે,
કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું ને ક્યાં ય ના જડ્યું!
અમે શોધ્યું કિતાબની કોરે, ને નેટને હિંડોળે,
કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું ને ક્યાં ય ના જડ્યું!
અમે ગોત્યું કંઈ છાપાંની વાટે ચોપાનિયાંને ઘાટે ,
કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું ને ક્યાં ય ના જડ્યું!
અમે જોઈ વળ્યા દિશ દિશની બારી, મુંબઈની અટારી,
કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું ને ક્યાં ય ના જડ્યું!
સૌથી પહેલાં તો આપણા મોટા ગજાના કવિ ઉમાશંકર જોશીની માફી માગી લઈએ. જો કે તેમણે જ કહ્યું છે કે ‘નિશીથ હે નર્તક રુદ્રરમ્ય’ કાવ્યનો લય તેમને મુંબઈની લોકલ ટ્રેનના લયમાંથી મળ્યો હતો. એટલે ઉમાશંકરની કવિતાને મુંબઈની લોકલ ટ્રેન સાથે ભલે દૂરનું, પણ સગપણ તો ખરું. તો બીજી બાજુ આપણી મુશ્કેલી વધુ છે. કવિએ તો એક ગીત ગોતવાનું હતું. આપણે ગોતવાનું છે ખોવાયેલું રેલવે સ્ટેશન. કહે છે કે બિહારમાં આખેઆખા પુલ ચોરાઈ જાય છે. પણ મુંબઈનું આ રેલવે સ્ટેશન કાંઈ ચોરાયું નથી. તો?
વાત જાણે એમ છે કે સૌથી પહેલાં બી.બી.સી.આઈ. રેલવેનું ટર્મિનસ હતું ગ્રાન્ટ રોડ. લોકલ અને બહારગામની ટ્રેનો ત્યાંથી શરૂ થાય, ત્યાં જ પૂરી થાય. પછી ૧૮૬૯ના સપ્ટેમ્બરની ૧૨મી તારીખે તૈયાર થયું ચર્ની રોડ સ્ટેશન. ૧૮૮૭માં પ્રગટ થયેલ ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ના પહેલા ભાગમાં કથાનાયક નવીનચંદ્ર ગૃહત્યાગ કરે છે ત્યારે તેની અંગત ઘોડા ગાડી ચર્ની રોડ સ્ટેશન પાસેથી મળી આવે છે. એ જ વરસે મોટા ગજાના બીજા એક નવલકથાકાર કનૈયાલાલ મુનશીનો ભરૂચમાં જન્મ થાય છે, ડિસેમ્બરની ૩૦મી તારીખે. પણ મુનશીની કર્મભૂમિ તો મુંબઈ. એલ.એલ.બી.નો અભ્યાસ કરવા માટે ૧૯૦૭ના જૂન મહિનાના કોઈ એક દિવસે મુનશી મુંબઈ આવે છે ત્યારે એ જ ચર્નીરોડ સ્ટેશન પર ઊતરે છે. સ્ટેશનની બહાર લાઈન બંધ ઘોડા ગાડીઓ ઊભી છે. પણ ગાડી ભાડું પોસાય તેમ નહોતું, એટલે મજૂરને માથે પેટી ચડાવીને ચાલતા ચાલતા પીપલ વાડીમાં મામાને ઘરે પહોંચે છે. એટલે કે આપણા બે મોટા ગજાના નવલકથાકારોને ચર્ની રોડ સ્ટેશન સાથે ઘરોબો.

કોલાબા રેલવે સ્ટેશન
પછી આવ્યું મરીન લાઈન્સ સ્ટેશન, અને ૧૮૭૦ના જાન્યુઆરીની ૧૦મી તારીખે શરૂ થયું ચર્ચગેટ સ્ટેશન. આ ત્રણે સ્ટેશન બંધાયાં ત્યારે લગભગ દરિયાને અડીને આવેલાં. આજે પણ ત્રણે સ્ટેશન તો હતા ત્યાંનાં ત્યાં જ છે. પણ દરિયો ખસતો ખસતો આઘો ગયો છે. તે વખતની બી.બી.સી.આઈ. રેલવેની લોકલ અને બહાર ગામની બધી ટ્રેનો માટેનું ટર્મિનસ બન્યું આ ચર્ચગેટ. પણ પછી બી.બી.સી.આઈ. રેલવે આગળ વધી. ૧૮૭૩ના ઓક્ટોબરની પહેલી તારીખે શરૂ થયું કોલાબા સ્ટેશન. એ બંધાયું એ જગ્યા હતી સરકારની માલિકીની. એટલે સરકારે રેલવે કંપનીને કહેલું કે અહીં સ્ટેશન ભલે બાંધો, પણ અમે માગીએ ત્યારે જમીન પાછી આપવી પડશે. એટલે પહેલું સ્ટેશન કંપનીએ બાંધ્યું તે હતું લાકડાનું. એક તો ખરચ ઓછો, અને બીજી બાજુ સરકાર મા-બાપ કહે ત્યારે સહેલાઈથી તોડીને જમીન પાછી આપી દેવાય. થોડાં વરસ પછી એ લાકડિયા સ્ટેશનથી થોડે દૂર, પથ્થરનું, એ જમાનામાં આલીશાન કહી શકાય એવું નવું સ્ટેશન બંધાયું. એ શરૂ થયું ૧૮૯૬માં. આ સ્ટેશન બાંધવાના ખર્ચ પેટે સરકાર માબાપે બી.બી.સી.આઈ. રેલવેને પાંચ લાખ રૂપિયાની મદદ કરી હતી. અને મુંબઈના છેક છેવાડાના દક્ષિણ ખૂણે આવેલું આ સ્ટેશન બન્યું બી.બી.સી.આઈ. રેલવેનું ટર્મિનસ. એમાં હતાં ત્રણ લાંબા પ્લેટફોર્મ. સ્ટેશનના મકાનનો બહારનો ભાગ પથ્થરનો બનેલો હતો. બાજુમાં ‘કલોક ટાવર’ જેવો એક મિનારો હતો. લોખંડની કોતરકામવાંળી જાળીથી શોભતો એક પુલ પણ હતો. અને આખા સ્ટેશનમાં ગેસના દીવાથી રોશનીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચર્ચગેટ અને કોલાબા વચ્ચે બીજું એક્કે સ્ટેશન નહિ. અને ત્યાં સુધીના પાટા પણ દરિયા કિનારાને અડીને. બી.બી.સી.આઈ.ની બધી લોકલ અને બહારગામની ટ્રેનો કોલાબાથી શરૂ થાય, કોલાબા પૂરી થાય.
આજની ભાષામાં વાત કરીએ તો ચર્ચગેટથી ઊપડેલી ટ્રેન ઓવલ મેદાનની પશ્ચિમ ધાર આગળથી પસાર થતી, અને પછી જે વિસ્તાર બેક-બે રેક્લમેશન બન્યો ત્યાંથી પસાર થતી. બેક-બે રેકલમેશન, નરીમાન પોઈન્ટ, કફ પરેડ જેવા વિસ્તારોમાંથી પસાર થઈ છેવટે કોલાબા સ્ટેશને પહોંચતી. આજે જ્યાં એક્સપ્રેસ ટાવર, એર ઇન્ડિયા બિલ્ડિંગ (જે હવે મહારાષ્ટ્ર સરકારે ખરીદી લીધું છે), મરીન ડ્રાઈવનો દક્ષિણ છેડો, અને નરીમાન પોઈન્ટ આવેલાં છે તેની પાસેથી પસાર થઈ કોલાબા પહોંચતી. એટલે કે ચર્ની રોડથી કોલાબા સ્ટેશન સુધીની રેલવે લાઈન લગભગ દરિયાને અડીને આવેલી હતી. ચર્ચગેટથી ટ્રેન દક્ષિણ દિશામાં કોલાબા તરફ આગળ વધે એટલે તરત પહેલાં ચર્ચગેટનું ફાટક આવતું. કોલાબાનું સ્ટેશન આવેલું હતું આજે જ્યાં બધવાર પાર્કની ઇમારત ઊભી છે ત્યાં. કેટલાક તેનો ઉચ્ચાર ‘બુધવાર’ પાર્ક કરે છે. પણ હકીકતમાં આ નામ પડ્યું છે ઇન્ડિયન રેલવે બોર્ડના પહેલા હિન્દી ચેરમેન ફતેહચંદ બધવારના માનમાં. એટલે કે હજી આજે પણ થોડીક જગ્યા રેલવેના કબજા હેઠળ છે. એ ઉપરાંત આજની જી.ડી. સોમાણી સ્કૂલ અને ઇલેક્ટ્રિક હાઉસની જગ્યાનો ઘણો ભાગ પણ આ સ્ટેશને રોકી લીધો હતો.

વોડહાઉસ બ્રિજ પરથી એક બાજુ દેખાતું કોલાબા સ્ટેશન, બીજી બાજુ દેખાતો દરિયો
એ જમાનાની નજરે જોઈએ તો કોલાબાનું સ્ટેશન ભવ્ય ગણાય. મુસાફરો માટે મોટો હોલ, હારબંધ ઘોડા ગાડી અને રડીખડી મોટરો માટે પાર્કિંગની વિશાળ જગ્યા. ત્રણ મોટાં પ્લેટફોર્મ. સ્ટીમ એન્જિનની જાળવણી અને મરામત માટેની સગવડો. કોલાબા સ્ટેશનથી પહેલાં, થોડે દૂર એક બ્રિજ પણ હતો, વોડહાઉસ બ્રિજ. સર ફિલિપ એડમન્ડ વોડહાઉસ (૧૮૧૧-૧૮૮૭) હતા મુંબઈના ગવર્નર, ૧૮૭૨થી ૧૮૭૭ સુધી. એ બ્રિજ સાથે જોડાયેલો રસ્તો પણ તેમના જ નામે ઓળખાતો. એ રસ્તાનું આજનું નામ છે નાથાલાલ પારેખ માર્ગ. આજે એક હકીકત લગભગ ભૂલાઈ ગઈ છે: ૧૯૨૮માં બી.બી.સી.આઈ. રેલવેએ પહેલવેલી ઇલેક્ટ્રિક લોકલ ટ્રેન દોડાવી તે કોલાબાથી બોરીવલી વચ્ચે દોડી હતી, ચર્ચગેટ અને બોરીવલી વચ્ચે નહિ.

સર ફિલિપ એડમન્ડ વોડહાઉસ, મુંબઈના ગવર્નર, ૧૮૭૨–૧૮૭૭

ચર્ચગેટથી કોલાબા – ટ્રેન ટ્રેકનો નકશો

બોમ્બે સેન્ટ્રલ, ૧૯૩૦માં બંધાયું ત્યારે
પણ પછી મુંબઈના સત્તાવાળાઓને થયું કે શહેરનો વિસ્તાર વધારવાની જરૂર છે. એટલે ૧૯૨૦ના દાયકામાં મોટે પાયે રેકલમેશનનું કામ શરૂ થયું. ત્યારે સરકારને લાગ્યું કે ચર્ચગેટ અને કોલાબા વચ્ચેની રેલવે લાઈન અને કોલાબા સ્ટેશન રેકલમેશનના કામમાં આડે આવે છે. અને બી.બી.સી.આઈ. રેલવેને જગ્યા લીઝ પર આપતી વખતે દસ્તાવેજમાં મૂકેલી એક શરતનો લાભ લેવાનું સરકારે નક્કી કર્યું. એ શરત હતી કે જો ક્યારે ય સરકારને એ જમીનની જરૂર પડે તો રેલવે કંપનીએ ચર્ચગેટ અને કોલાબા સ્ટેશનો વચ્ચેની બધી જમીન પાછી આપી દેવી. એટલે કે કોલાબા સ્ટેશનના જન્માક્ષરમાં જ તેના મૃત્યુનું કારણ નિશ્ચિત થઈ ચૂક્યું હતું! રેલવે કંપનીએ બને તેટલું મોડું કરવાના પ્રયત્નો કર્યા. પણ હવે નવું ટર્મિનસ બાંધ્યા વગર છૂટકો નહોતો. એટલે બોમ્બે સેન્ટ્રલ સ્ટેશનનું બાંધકામ શરૂ થયું. અને ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૮મી તારીખે તે વખતના મુંબઈના ગવર્નર સર ફ્રેડરિક હ્યુઝ સ્કાઈસને હાથે તેનું ઉદ્ઘાટન થયું. જ્યારે બંધાયું ત્યારે બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન બહુ વિશાળ લાગતું હતું. પણ પછી બહારગામની ટ્રેનો વધતી ચાલી તેમ તે નાનું પડવા લાગ્યું. એટલે દાદર અને વાંદરાને પણ વધારાનાં ટર્મિનસ તરીકે વિકસાવવામાં આવ્યાં. બોમ્બે સેન્ટ્રલના ઉદ્ઘાટન પછી લગભગ તરત, ૧૯૩૦ના ડિસેમ્બરની ૩૧મી તારીખથી કોલાબા સ્ટેશન હંમેશ માટે ખોવાઈ ગયું. ચર્ચગેટ અને કોલાબા વચ્ચેના પાટા પણ તાબડતોબ ઉખેડી નાખવામાં આવ્યા. આજે એ લાઈનનો એકાદ ખીલો પણ ક્યાં ય જડે તેમ નથી. એવી જ રીતે કોલાબા સ્ટેશનની એકાદ ઈંટ પણ સચવાઈ નથી. હા, બધવાર પાર્કની દીવાલ પર ટ્રેનનાં કેટલાંક ચિત્રો દોરેલા છે. ૨૦૦૮માં આ બધવાર પાર્ક રાતોરાત ઘણું નામચીન બની ગયું હતું. એ વરસના નવેમ્બરની ૨૬મી તારીખે અજમલ કસાબ અને બીજા આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. બધવાર પાર્ક પાસે એ દસ આતંકવાદીઓ મોડી સાંજે હોડીમાંથી ઊતર્યા હતા અને પછી મુંબઈની જુદી જુદી મહત્ત્વની જગ્યાઓ પર પહોંચી ગયા હતા.
ચાલો! તો છેવટે ખાધું, પીધું, ને તારાજ કર્યું? ના, ના. હજી બીજા એક ખોવાયેલા સ્ટેશનને પણ ગોતવાનું છે. પણ એ કામ હવે આવતે શનિવારે.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 27 જૂન 2026
![]()

