“આજે સરગમ કેમ હજી આવ્યા નહીં?” અવન્તિકાબહેન ક્યારના સવારની પૂજામાંથી પરવારી સરગમની રાહ જોઈ રહ્યા હતાં. ચાર મહિના પહેલાં અવન્તિકાબહેન નિવૃત્તિ નિવાસમાં આવ્યાં ત્યારે એમનો ચહેરો જોઈને કોઈને ખ્યાલ પણ ના આવે કે આ બહેન કેટલા હસમુખા સ્વભાવના હશે! ભક્તિના નામે રઝળપાટ કરે અને ધાર્મિક ક્રિયાકાંડમાં તન મન અને ધન ખર્ચી નાખે. સાહેબનાં પત્ની તરીકે સુખમય જીવન જીવેલાં.
જ્યારે દીકરો-વહુ ઘરડાઘરમાં મૂકવા આવ્યાં ત્યારે અવન્તિકાબહેન એટલાં ગભરાયેલા હતાં કે આંખના આંસુ પણ સંતાઈ ગયાં હતાં. ઓફિસમાં મિસ. મેનનની રાહ જોતાં બેઠાં હતાં. ત્રણેમાંથી કોણે શું બોલવું એ ખબર નહોતી પડતી. વહુના મનમાં ગુસ્સો અને ધૂંધવાટ ભરેલા હતા, ત્યારે દીકરો મહેશ ક્ષુબ્ધ બની બેઠો હતો. મોટાભાઈ-ભાભીએ તો કહી દીધું હતું, ‘તમને યોગ્ય લાગે એમ કરો. બાને ક્યાં અમારે ત્યાં ફાવે છે?’ મહેશ વિચારે કે હવે બીજો કોઈ ઉપાય નથી. જ્યારે બીજી તરફ અવન્તિકાબહેન મનમાં ગણગણતાં હતાં, ’એમાં મેં શું ખોટું કરેલું? મારી સિત્તેર વર્ષની ઉંમરની પણ કાંઈ માન મર્યાદા નથી રાખતા. ભલે, અજાણી જગ્યામાં નાખી જાવ. મારે કોઈની જરૂર નથી.’
મહેશની નજર તેની મા તરફ વળી. ‘કેટલી પાતળી થઈ ગઈ છે પણ માનસિક શક્તિ હજી ઓછી નથી થઈ. જીદ કરવાની આદત ઓછી કરી હોત તો આ દિવસ ના આવત. જ્યારે સુનીલ-સુમનની સલામતીની વાત આવે ત્યારે બાનો બચાવ ક્યાં સુધી થાય!’ દીકરાએ મનથી સહજ પ્રાર્થના કરી કે જરા ગોઠવાઈ જતા બાનો આનંદી સ્વભાવ પાછો આવી જાય.
ડિરેક્ટર મિસ. મેનન આવ્યાં અને જરૂરી કાગળો તૈયાર કરી આપ્યાં. અવન્તિકાબહેનને અહીં શાકાહારી ખોરાક જ આપવામાં આવે છે એ જાણીને શાંતિ થયેલી. સવિતાબહેન આવીને ત્રણેને અંદર લઈ ગયાં.
રૂમ પાસે પહોંચતા જ હસતો અવાજ સંભળાયો, “હલ્લો, કેમ છો? મારું નામ સરગમ. તમારું નામ?”
“અવન્તિકા,” એમણે ધીમેથી જવાબ આપ્યો.
”મજાનું લાંબુ નામ છે. હું તમને મિસિસ. એન કહું તો વાંધો નથી ને?”
“ભલે.” અવન્તિકાબહેને રસ વગર જવાબ આપ્યો.
સરગમ તેમને વર્ષોથી જાણતી હોય તેવા ભાવથી એમના દીકરા-વહુને પણ મળી. એમને રૂમ બતાવવા સરગમ પ્રસન્નતાથી વાતચીત કરતી હતી પણ અવન્તિકાબહેનને તો ત્યાંથી ક્યાંય દૂર ભાગી જવાનું મન થતું હતું. મન-મગજનો વાર્તાલાપ તો ચાલુ જ હતો.
‘અરેરે! અહીં તો ભગવાનનું મંદિર પણ નથી. આ જગ્યામાં કોઈ સંતનાં પગલાં પણ નહીં પડ્યાં હોય એવી અપવિત્ર જગ્યામાં મારાથી કેમ રહેવાશે! મારા ઠાકોરજીને અહીં જરા ય નહીં ગમે. આ ઓરડામાં બીજા કોઈ ધર્મિષ્ઠ બહેન હોય તો સારું, જેને છૂતાછૂતનું ભાન હોય.’
“જુઓ બા, આ રૂમ તમને ગમશે.” મીનળ બોલી, “આ ખાટલો ઠીક છે ને? તમારી શાલ બેગમાં મૂકી છે.”
”હા, ઠીક છે.” અવન્તિકાબહેન બોલ્યાં પણ મનમાં વિચારે કે, ‘હવે મીઠાશ બતાવે છે. જે કકળાટ કર્યો હતો તે હું એમ કાંઈ ભૂલી જવાની છું!’
”ધ્યાન રાખજો,” કહીને દીકરો-વહુ જતાં રહ્યાં. અવન્તિકાબહેન એકલા પથારી પર ખબર નહીં કેટલી વાર બેસી રહ્યાં! બે આંખોમાંથી આંસુની ધારા એમના પાલવને ભીંજાવી રહી હતી. નાનાં હતાં ત્યારે એમના બાપુ કહેતા, ”બેનાને તો પાંપણે પાણી.” એ ઉંમરે એમને કલ્પના પણ નહોતી કે પોતે ક્યારેક સિત્તેર વર્ષનાં થશે અને રડતાં રડતાં બાપુને યાદ કરશે! … યાદોની હવા ક્યાંથી ક્યાં લઈ જાય છે!
સવિતાબહેન બોલાવવા આવ્યાં. “મને સરગમબહેને વાત કરી કે તમારું નામ અવન્તિકાબહેન છે. ચાલો ચા પીવા જવાનો સમય થયો છે, આવો છો ને?”
”ચાલો.” એમને સારું લાગ્યું કે રોજની જેમ આજે એકલા એકલા ચા નહીં પીવી પડે. જમવાના રૂમમાં જુદા જુદા ટેબલો ગોઠવેલાં હતાં. એક ખાલી ખુરશીમાં એ બેસી ગયાં. થોડીવાર કોઈએ ધ્યાન આપ્યું નહીં. ચાના કપ આવ્યા એટલે બધાં શાંતિથી ચા પીવા લાગ્યા. અવન્તિકાબહેનને થયું, ’આ ચા તો બહુ ગળી છે. મને પસંદ એવું અહીં મને કંઈ નહી મળે.’ ત્યાં બાજુવાળા બહેન બોલ્યાં, “એ સરગમ! અહીં આવો તો.” સરગમ આવીને અવન્તિકાબહેન પાસે બેઠાં અને પૂછ્યું, “ચા પીધી ને?” અવન્તિકાબહેને માથું નમાવ્યું.
“હું તમને આ બધાની ઓળખાણ કરાવું.” સરગમ હસીને બોલ્યાં, ”પેસ્તનજી દારૂવાલા, વલ્લભભાઈ ચોરડિયા, વિનયવભાઈ પંડ્યા અને લીલાબહેન. તમે અને લીલાબહેન એક જ રૂમમાં છો.” હવે લીલાબેનના મુખ પર હાસ્ય આવ્યું.
પેસ્તનજી કહે, “સોજ્જો તમો અહીં આયા. તમોને ગમશે.” વલ્લભભાઈએ સંમતિમાં માથું હલાવ્યું.
વિનયભાઈએ પૂછ્યું, “ક્યાંના છો?”
અવન્તિકાબહેન બોલ્યા, ”ભાવનગરની છું. હવે છોકરાઓ મુંબઈમાં ગોઠવાયા તેથી એમની સાથે…” આટલું બોલતા તો એમનું મન વ્યાકુળ થઈ ગયું અને આંખમાંના આંસુને પી જવા હોંઠ મજબૂતાઈથી બંધ કર્યા.
સરગમે ભાવથી એમનાં ખભા પર હાથ મૂક્યો અને બધા સામે જોઈ બોલ્યાં, ”ચાલો રમત ગમતનો સમય થયો છે, તો જઈએ.” મોટા હોલમાં ઘરડાં સભ્યો આમતેમ પોતાની જ દુનિયામાં ખોવાયેલા ફરતાં હતાં. પત્તા રમવાનાં ટેબલ પરથી વિનયભાઈએ પૂછ્યું, “અવન્તિકાબહેન, બ્રીજ રમતાં આવડે છે?”
”હા, થોડું થોડું. થોડા દિવસ પછી પ્રયત્ન કરીશ.” એમણે ઉત્સાહ વગર જવાબ આપ્યો અને એક ખૂણામાં બેસી ગયાં. ક્યારે પૌત્રોની દુનિયામાં પહોંચી ગયાં એનો ખ્યાલ ના રહ્યો. ‘બેઉને નાનપણથી કેટલાં જતનપૂર્વક ઉછેર્યાં! નાનો તો દાદી વગર પાણી પણ ના પીવે. ગર્વ સાથ યાદ આવ્યું, ’અઠવાડિયામાં ચાર વખત છોકરાઓને મંદિર લઈ જાઉં. મીનળ અને મહેશ કીધાં કરે, આ બધી અંધશ્રદ્ધા છે. એમને શું ખબર પડે!’
“અવન્તિકાબહેન, કયાં ખોવાઈ ગયાં છો?” સરગમે વિચાર તંદ્રામાંથી જગાડ્યાં. “તમને પહેલે દિવસે કાંઈ પસંદ નહિ પડે પણ હિંમત નહિ હારતાં, ધીરે ધીરે ગમી જશે. અને આમ તો, જ્યાં રહીએ ત્યાં પ્રેમથી રહીએ તો બધે ગમે.” વિરોધ વંટોળમાં ઘેરાયેલાં મનોભાવ કંઈક બીજું જ સાંભળતા હતાં. ‘મારું કામ હતું ત્યાં સુધી રાખી અને હવે ઘરમાંથી કાઢી મૂકી. માંડ ઘરમાં ધરમ કરમ, પાઠ-પૂજા ચાલુ કર્યા હતા. ઘર કેવું પવિત્ર થાય! બસ હવે તો બધી માંડવાળ. મહેશ કહી ગયો હતો કે એક વરસ નિવૃત્તિનિવાસમાં રહો પછી વિચારશું. આટલા કલાક લાંબા લાગે છે તો વરસ કેમ જશે?’
રૂમમાં આવી અવન્તિકાબહેને બેગ ખોલી વસ્તુઓ ઠેકાણે મૂકવા માંડી. સાડલા ઉપાડ્યા ત્યાં નીચેથી બે ય દીકરાના કુટુંબના અને સુનીલ-સુમનના ફોટા સામે નજર પડી. ‘ફોટા પડાવવા જવાનું હતું ત્યારે વાળ ઓળતા બાળકોએ કેટલી લમણાં ફોડ કરાવેલી! પાંચ વરસનો સુમન અને આઠ વરસનો સુનીલ, પણ હોંશીયારી તો વીસ વરસનાં હોય ને એવી!’ આટલાં વર્ષો એમણે કુટુંબની માયાને સર્વસ્વ માની, એ જ માયાજાળમાં ગુંચવાયેલા રહેલાં. ફરિયાદી મનનો ઊભરો વાણી અને વર્તન દ્વારા બતાવી દેવાનો અને સાથે રડવાનું પણ ખરું. ‘મારું તો કોઈ સાંભળતું જ નથી. હું તો કેટલી સારી છું! કોઈ આશા નથી રાખતી, પણ જુઓ, છે કોઈને મારી દરકાર!’
અકળામણમાં પહેલી રાત તો જેમતેમ પૂરી કરી. બીજે દિવસે લીલાબહેન સાથે બેસીને વાતચીત શરૂ કરી. “તમે અહીં ક્યારથી છો?”
“પાંચ મહિનાથી છું. મને જમણા કાને સંભળાતું નથી. મને વાંચવાનો બહુ શોખ. કેટલીયે ચોપડીઓ વાંચ્યા કરું છુ.” લીલાબહેન પાતળી કાયાને ટટ્ટાર રાખીને બેઠાં હતાં. એમની ધૂનમાં બોલતા હતાં. અવન્તિકાબહેનને ખ્યાલ આવી ગયો કે એમને લાંબા સમયની યાદદાસ્ત નથી રહી. વર્તમાનમાં જે બની રહ્યું છે સમજી શકે છે. ત્યારબાદ એમને સવાલો પૂછી ભૂતકાળમાં લઈ જવાની કોશિશ ન કરી.
લીલાબહેનની દીકરી અનુ મળવા આવી હતી. “મારા બાને સ્ટ્રોક આવ્યો પછી નિવૃત્તિ નિવાસમાં આવવાનો એમનો જ આગ્રહ અને સહકાર હતા જેથી હું નોકરી પર હોઉં કે બહાર ગામ, મારે ચિંતા ન કરવી પડે.” અવન્તિકાબહેન તો આ મા-દીકરીનો સરળ સંબંધ જોઈને છક્ક જ થઈ ગયા. ન કોઈ ફરિયાદ, ન કોઈ હક્ક-માંગણી.
સરગમનો અવાજ આવ્યો, “અંદર આવું?”
“હા, આવોને.” અવન્તિકાબહેને હસીને આવકાર આપ્યો. ”આ જુઓ, મારા દીકરાઓનો પરિવાર અને નાના સુનીલ અને સુમન.” સરગમ રસપૂર્વક ફોટાઓની સામે જોઈ રહી હતી.
અવન્તિકાબહેને આગળ ચલાવ્યું. ”મેં જ આ બેયને મોટા કર્યા, સાચું કહું છું. મીનળ અને મહેશ નોકરી પર ગયાં હોય ત્યારે બે બાળકોની સાચવણી મેં કરી છે. મંદિર લઈ જઈને બાબા ગુરુના આશીર્વાદ લેવડાવ્યા. પણ હોળી ટાણે સુમન માંદો પડ્યો ત્યારે ઠીક ન થયું.”
“શું ઠીક ન થયું?” સરગમે પૂછ્યું.
”મારા હૈયા પર બહુ ભાર થઈ ગયો છે તેથી મારે કો’કને તો કહેવું જ પડશે. તમને કહું પછી તમે જ ન્યાય કરજો.” અવન્તિકાબહેનને એ વાત એટલી મનમાં ઘૂંટાઈ રહી હતી કે હવે બહાર કાઢ્યે જ છૂટકો. ”સુમનને ડોક્ટરે કહ્યું હતું ન્યુમોનિયા થયો છે. મને બાબા ગુરુમાં બહુ શ્રદ્ધા. દવાની ગોળીમાં શું ભલીવાર હોય છે? મેં તો મંત્રેલી રક્ષાથી એને માથે ટીલાં કર્યા. સુમન તો ઊંઘ્યા કરતો હતો તેથી મને થયું કે સારું થઈ જશે … મારા બાબા ગુરુની રક્ષા. પણ, ત્રીજે દાડે સવારથી તબિયત વધુ બગડી અને ડોક્ટરને ઘેર બોલાવવા પડ્યા.
ડોક્ટરે પૂછ્યુ, ”દવાની ગોળીઓ બરાબર આપો છો ને?”
મીનળ કહે, ”સમય વગેરે બધું લખીને બાને ગોળીઓ આપી હતી તે સુમનને ખવડાવતા જ હશે. હમણાં એમને બોલાવીને પૂછું.”
મેં તો હા ના કરતા, બીતાં બીતાં રક્ષાની વાત કરી. ડોક્ટર, મહેશ અને મીનળના ગુસ્સા ભર્યા ચહેરા હજુ મારી નજર સામે ચોંટી ગયા છે. ઈંજેક્શન આપીને ડોક્ટર તો જતા રહ્યા. હું મારા રુમમાં ભરાઈ ગઈ પણ એ દિવસે, હંમેશા શાંત રહેતી મીનળ, અને સાથે મહેશનો અવાજ સાંભળીને હું ધ્રુજી રહી હતી. મહેશનો છેલ્લે બારણાં પાસેથી અવાજ સંભળાયો, ”જે કહેવાનુ હશે તે મારી બાને હું કહીશ, ઓકે! તારે બરાડા પાડવાની જરૂર નથી,” કહીને બહાર જતો રહ્યો.
મહેશ કલાકેક પછી પાછો આવ્યો અને ઉદાસ ચહેરે મારી પાસે બેઠો અને કહે, ”બા! અમે કહીએ છીએ કે અંધશ્રદ્ધા છોડી દો પણ પથ્થર પર પાણી. હવે તમને સંભળાય છે ઓછું, દેખાય છે ઓછું પણ જીદ વધતી જાય છે. દિવસે દિવસે તમારું અહીં રહેવું અશક્ય બનતું જાય છે. મેં ભાઈ સાથે વાત કરી લીધી છે અને તમને નિવૃત્તિ નિવાસમાં મૂકવાનો નિર્ણય લઈ લીધો છે.”
મેં કહ્યુ, “તમને કશી સમજ નથી પડતી. બાબા ગુરુની રક્ષામાં કેટલી શક્તિ છે! ગયા અઠવાડીએ મંત્રેલા પાણીથી જ સુનીલની ઉધરસ મટી ગઈ હતી.”
“હેં! તમે મંત્રેલ પાણી સુનીલને આપેલું?”
“હા! એમાં ખોટું શું છે? તમારી સારી નોકરીઓ મારા મંત્ર જાપથી જ ચાલુ છે.” મને લાગ્યું કે જાણે મહેશને ચક્કર આવી ગયા …. હવે તમે જ કહો સરગમ, મારી વાત સાચી છે ને?”
સરગમ ધીરે ધીરે વિચાર કરતાં બોલી, “તમારી માન્યતાઓને સત્યનું નામ આપો એ બરાબર છે? તમારા ધાર્મિક ક્રિયાકાંડને ભગવાનનું સ્વરૂપ માની લો અને અંધશ્રદ્ધાને સમર્પણ સમજો ત્યારે તમને તો નુકસાન થાય, પણ બીજાને એમાં ઘસડી જવાનો પ્રયત્ન કરો ત્યારે એમને પારાવાર નુકસાન થાય.”
અવન્તિકાબહેન અકળાઈને બોલ્યાં, “મારો ધર્મ મને નાનપણથી એ જ શીખવાડે છે અને હું એ જ રીતે જીવવાની છું. થોડું ભણ્યાં એટલે છોકરાઓ એમ માનવા માંડે કે હું ખોટી છું, એ મારાથી સહન નહીં થાય. મારી વાત એટલે સો ટકા સાચી.”
સરગમ ઠંડકથી બોલ્યાં, ”કશો વાંધો નહિ. આજનો દિવસ સૌથી વધારે અગત્યનો છે. અનુભવોમાંથી કંઈક શીખીને આપણી આજ સુધારવાની છે.”
આ પછી સરગમના સત્સંગમાં અવન્તિકાબહેનના દિવસો પસાર થઈ રહ્યા હતા. સહજ રીતે કહેલી વાત જેમ કે …પૌત્રોને ઉછેરવામાં મદદ કરો તે તો યોગ્ય છે પણ જરૂર કરતાં વધારે મોહ અને વિટંબણામાં પડ્યા કે ખલાસ! ત્યાંથી જાકારો અને ક્લેશ સિવાય કાંઈ હાથમાં ના આવે.
સુનીલનો કાગળ બતાવી કહે, “જો સરગમ! મેં બે અઠવાડિયા પહેલાં સુનીલના જન્મદિવસે કાગળ લખેલો, એનો કેવો સરસ જવાબ આવ્યો! છોકરાઓ તો સ્કૂલ પછી બાલવાડીમાં જાય છે. મીનળ સાંજે પાંચ વાગે ઘેર લઈ જાય છે. ‘મારા વગર નહીં ચાલે’ એ ભ્રમણા ભાંગી ગઈ.” દિવાળી સમયે બધાં મળવા આવેલાં. મીનળ સાથે સામાન્ય વાતચીત કરેલી પણ બે જણા વચ્ચે દીવાલ ઊભી થઈ ગયેલી એ હજી ખસી નહોતી.
મીનળે પૂછેલું, “બા, તમને અહીં ગમે તો છે ને?” …‘ખાલી વિવેક કરવા પૂછ્યું હશે.’ પોતાનો અહમ મીનળની કિંમત કરતાં રોકતો હતો.
લીલાબહેન કહે, “ભૂલકાઓ એની મમ્મી જેવાં મીઠાં છે.” એ સાંભળી અવન્તિકાબહેન મીનળને જુદી દૃષ્ટિથી જોવા લાગ્યાં. એમને થયું કે ઘરમાં આવી સારી વ્યક્તિ છે અને પોતે બહારનાનાં વખાણ કરતા થાકતા નહોતાં.
”લીલાબહેન, એ ઘરમાં આવી ત્યારથી મેં જ એને બધું મારી રીતે શીખવાડ્યું. એમાં કાંઈ ફેર પડે તો મારો પિત્તો જાય.” અવન્તિકાબહેન પોતે જ પોતાની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. નાની વહુ તરીકે સાસુના આવા શબ્દોને પોતે જુલમ માનતા એ કેમ ભૂલી ગયા?
આ સાથે સરગમ સાથે થયેલ વાતચીત યાદ આવી. “ઘર સજાવટ તો મારી પસંદગી પ્રમાણે જ થાય. એક વખત મહેશ-મીનળ મને પૂછ્યા વગર ખુરશીઓ લઈ આવ્યાં. મને જરા ય ન ગમી. એની ખોડ ખાંપણ રોજ કહેતી.”
સરગમ કહે, ”મિસિસ. એન, તમે એ વિચાર કર્યો છે કે એ ઘર મીનળનું હતું કે તમારું! મીનળને એના શોખ મુજબ સજાવટ કરવાની ઇચ્છા નહીં હોય? મન મારીને તમારું માન જાળવ્યું હોય એનો અર્થ એવો કેમ કરી શકાય કે એને કોઈ ઉમંગ નહીં હોય?”
પોતાનો બચાવ જરૂર કરેલો, “પણ મારી પસંદગી એટલી સરસ કે બધા વખાણ કરે.”
ઘણીવાર કચવાટ પછી મીનળ જ કહેતી કે, “બા કહે એમ કરો.” હવે એમને ખ્યાલ આવે છે કે, “… જેથી શાંતિ થાય.” જુદા રહેતા દીકરાની વહુએ તો પહેલેથી જ એટલો ઠંડો સંબંધ રાખ્યો હતો કે એની પાસેથી કોઈ અપેક્ષા રાખી નહોતી. પ્રસંગે આવીને મળી જાય એટલે બસ પત્યું. યાદ પણ નહોતું આવતું કે મોટાને ઘેર જમવા ક્યારે ગયા હતા!
મીનળ જે ખરીદી કરીને લાવે એ વિષે પોતાને દર વખતે ‘આ તો સારુ નથી, પૈસા વેડફાઈ ગયા,’ વગેરે બોલવાનું હોય જ. મનમાં થાય કે એ કમાય છે તેથી છૂટથી પૈસા વાપરે છે જ્યારે પોતાને દર વખત પતિની ‘હા’ થાય પછી જ કંઈક ખરીદી થતી. આખી જિંદગી પૈસા બાબત બીજાના અંકુશનો અનુભવ મીનળ તરફ દ્વેષભાવ લાવતો, એ આજે સમજાય છે.
હવે નિવૃત્તિ નિવાસમાં આવ્યે વરસ થવા આવ્યું હતું. અવન્તિકાબહેને હળવા મનથી મીનળને કગળ લખ્યો. “પોતાના વિચારોને બીજા પર ઠોકી બેસાડવાના મારા સ્વભાવની મને હવે જાણ થઈ. સરગમના મીઠા, ટૂંકા વચનો હજી મને સારે રસ્તે દોરે છે. ધર્મમાં પૂજાપાઠ વગેરે જરૂરી છે પણ એ જ ધર્મ છે એમ માનીને આખી જિંદગી જીવવી એ કેટલી મોટી ભૂલ છે! હું બહારના પાછળ દોડતી અને મારા ઘરની વ્યક્તિને ઓળખવાની દરકાર નહોતી કરતી. દીકરી! તું તો મારા ઘરની લક્ષ્મી છે એ વાતની આજે કબૂલાત કરું છું. ક્યારેક તારી માફી માંગવા જેટલી નમ્રતા પણ આવશે. જય શ્રીક્રૃષ્ણ.”
ઉમંગભર્યો જવાબ આવ્યો. “બા, હવે વરસ થવા આવ્યું. અમે તમને આવતા અઠવાડિયે લેવા આવશું.”
સુનીલ-સુમન દોડતાં આવી દાદીને વળગી પડ્યાં. મીનળ બોલી, ”બા! અમે તમને લેવા આવ્યા છીએ. મારી આટલાં વર્ષોમાં જે ભૂલચૂક થઈ હોય તે માફ કરજો.” અવન્તિકાબહેન મીનળની નમ્રતાથી દ્રવિત થઈ ગયા.
મહેશ કહે, “ચાલો બેગ લઈ આવું.”
અવન્તિકાબહેન કહે, ”બેટા, અહીં બેસ. મારી વાત સાંભળ. મને હવે અહીં ગોઠી ગયું છે. મને એ વાતનો આનંદ છે કે મારે જરૂર પડશે ત્યારે દીકરા-વહુનું ઘર સદાય આવકાર આપશે.” વિદાય આપી સ્મિત સાથે નિવૃત્તિ નિવાસની પ્રવૃત્તિમાં જોડાવા અંદર જતાં ગાતાં હતાં.
પ્રભુ મારી આશા નહિવત કરજે,
પ્રભુ મારી અપેક્ષા નિર્મૂળ કરજે.
સાથે સૂર પુરાવતી સરગમ સંભળાઈ …
”સુખી કરીને સુખી થવાની એક અજબ એ ચાવી,
જરી તરી નહીં કોઈ અપેક્ષા ‘સરયૂ’ સંસારીની.”
——-
e.mail : saryuparikh@yahoo.com
www.saryu.wordpress.com
![]()

