‘દિલ્હી યુનિવર્સિટીમાં પાછા ફરતા જ મને લાગ્યું કે વિશ્વમાં અન્ય ભાગોમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનની થોડી અસર ભારત સુધી પણ પહોંચી છે. જો કે તે અસર મર્યાદિત અને હાંસિયામાં હોય એવાં ક્ષેત્ર સુધી જ હતી. તેનાથી અનેકગણું પ્રભાવશાળી ડાબેરી આંદોલનનું દેશમાં જન્મવું હતું; વિશેષ રીતે નક્સલ આંદોલન અથવા ‘કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા’(માર્ક્સવાદી-લેનિનવાદી) [CPI-ML]. નક્સલવાદ મૂળે એક ગ્રામિણ આંદોલન હતું. કેટલાંક વિદ્યાર્થીઓ ગ્રામિણ ક્ષેત્રમાં જઈને કામ કરવા ઇચ્છતા હતા. તેમાંથી ઘણાનો આગ્રહ હતો કે તેઓ ‘CPI-ML’ના કેડર કે નક્સલીઓના રૂપમાં કામ કરશે. તે વેળાએ નક્સલીઓને અસામાજિક તત્ત્વ કે આંતકવાદી માની લેવામાં આવ્યા હતા. પોલિસ તેમની ધરપકડ કરી રહી હતી અથવા તથાકથિત ‘એન્કાઉન્ટર’માં તેઓને મારવામાં આવ્યા હતા. તત્કાલિન પ્રશ્નોનું સમાધાન ક્રાંતિ છે તેવું માનનારા અને પોલિસ કે સ્થાનિક વહિવટીતંત્ર વચ્ચે હિંસક અથડામણ વધી રહી હતી. તેમના લેખનના સંદર્ભમાં ચીનના ક્રાંતિકારી માઓ આવતા હોવાથી તેઓને ઘણાં લોકો ‘માઓવાદી’ પણ કહેવા લાગ્યા. જો કે આ શબ્દને લઈને ઘણી અસમંજસ હતી.’
જાણીતા ઇતિહાસકાર રોમિલા થાપરનાં સંસ્મરણોનો ભાવાનુવાદિત-સંપાદિત આ એક હિસ્સો છે; જેમાં તેઓ નક્સલ સંબંધિત તેમનાં જીવનનાં અનુભવને ટાંકી રહ્યાં છે. રોમિલા થાપર ઇતિહાસકાર છે અને તેમને ‘જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી’ દ્વારા ‘ઇમેરિટ્સ’ની પદવી આપવામાં આવી છે. મતલબ કે તેઓ સેવાનિવૃત્ત થયાં હોવા છતાં તેમનું પદાધિકાર જાળવી રાખવાનો તેમને અધિકાર આપવામાં આવ્યો છે. રોમિલા થાપરને ‘યુનિવર્સિટી ઑફ શિકાગો’, ‘યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ’, ‘યુનિવર્સિટી ઑફ એડનબર્ગ’, ‘યુનિવર્સિટી ઑફ કોલકત્તા’, ‘યુનિવર્સિટી ઑફ હૈદરાબાદ’ અને ‘યુનિવર્સિટી ઑફ પ્રિટોરિયા’ જેવી ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તેમને માનદ્દ ડૉક્ટરેટ ડિગ્રી આપવામાં આવી છે. તેમની શૈક્ષણિક કારકિર્દી બૃહદ્દ છે અને ઉપરાંત આજે 94 વર્ષે પણ તેઓ પ્રોફેસર તરીકેની પોતાની જવાબદારી અદા કરી રહ્યાં છે. એટલું જ નહીં તેઓ અનેક જાહેર મુદ્દે ખુલીને બોલતાં રહ્યાં છે અથવા તેમનું વલણ અન્યાય સામેનું રહ્યું છે. 1975-77 દરમિયાન જ્યારે દેશમાં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી ત્યારે તેઓ ‘જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી’માંનાં ગણ્યાગાંઠ્યા પ્રોફેસરમાંથી એક હતાં, જેમણે ઇન્દિરા ગાંધીનાં પ્રશંસા અર્થે લખાયેલા કાગળ પર સહી કરવાનો ઇન્કાર કર્યો હતો. આ ઘટનાના પ્રતિક્રિયારૂપે તેમનાં ઘરે ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા હતા. તેમની કારકિર્દી ઉતાર-ચઢાવની રહી છે અને તેમણે આ સંસ્મરણોનું નામ આપ્યું છે : ‘જસ્ટ બિઇંગ’ મતલબ કે બસ હયાતી હોવી – તેવો થાય છે. ગુજરાતીમાં હજુ ય તેમનાં સંસ્મરણનાં મથાળાંનો સારો ભાવાનુવાદ થઈ શકે છે.

રોમિલા થાપર
તેઓ આગળ લખે છે કે, ‘નક્સલીઓનું નામ બંગાળના નક્સલબારી ક્ષેત્રમાં થયેલી પહેલી અથડામણના કારણે પડ્યું. આજકાલ સ્વતંત્ર બુદ્ધિજીવીઓને બદનામ કરવા અર્થે ઉપયોગમાં લેવાનારો ‘અર્બન નક્સલ’ જેવો નિરર્થક શબ્દ પૂર્ણ રીતે ખોટો છે. આ શબ્દનો ઉપયોગ કરનારા – તેના ખરા અર્થથી અજાણ છે અને એ લોકો આ શબ્દ દ્વારા બૌદ્ધિક-વિરોધી માનસિકતાનો સંકેત આપે છે. … સાથે આ શબ્દનો ઉપયોગ સત્તાધારીઓને અસહજ સ્થિતિમાં મૂકનારાઓની બોલતી બંધ કરવા માટે પણ કરવામાં આવે છે. ‘દિલ્હી યુનિવર્સિટી’માં અમારામાંથી ઘણાં પ્રોફેસરો નક્સલ આંદોલનથી પ્રભાવિત વિદ્યાર્થીઓથી સંવાદ કરતા હતા. તે વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ હતો, પરંતુ અમને તે ઉત્સાહ ચિંતા પણ કરાવતો હતો. કારણ કે તેઓ એ સમજી નહોતા શકતા કે જો તેઓ ગામડાંઓમાં જશે તેમ છતાં તેમનું જોડાણ ગ્રામિણ સમાજથી નહીં થઈ શકે. અમે તેમને માત્ર સમજાવવાની અને અટકાવવાનો પ્રયાસ કરી શકતા હતા. વિદ્યાર્થી વિરોધથી એક સ્તરે દેશની યુનવર્સિટીઓનું ચિત્ર સ્પષ્ટ રીતે સામે આવ્યું અને ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીઓ સાથેના સંપર્ક અને તેમના પ્રશ્નો તરફ જોવાનું ધૂંધળું થઈ ચૂક્યું છે. કેટલાંક વિદ્યાર્થીઓ સપનાં – ભલે તેઓ સંખ્યાની રીતે ઓછા હતા – બીજાના બેપરવાઈભર્યા સંતોષ પર તેઓ પ્રશ્નો ઉઠાવતા હતા. તેઓ આરામદાયક શહેરી નોકરીમાં અને તેના દ્વારા મળનારી સગવડના આસપાસ જીવન વિતાવવા ઇચ્છતા હતા. તેમાં મને કોઈ વાંધો નહોતો. પંરતુ આપણે એ સ્વીકારવું જોઈએ કે સમાજ ત્યારે જ યોગ્ય દિશા-માર્ગમાં જઈ શકે જ્યારે તેના માળખાને લઈને સતત ચર્ચા થતી હોય. વિદ્યાર્થીઓના માર્ગદર્શક હોવાના નાતે આ ચર્ચા-સંવાદો પ્રત્યે આપણે વધુ સંવેદનશીલ હોવા જોઈએ.’
રોમિલા થાપરનું નામ અળખામણું કેમ થયું તેનાં કારણોમાં એક તો કટોકટીકાળનું પ્રકરણ છે. તે ઉપરાંત પણ તેમને લાગ્યું કે ઇતિહાસ સાથે ચેડાં થઈ રહ્યાં છે ત્યારે તેઓ ખુલીને વિરોધ કરવા આગળ આવ્યાં છે. જેમ કે, 2002માં તત્કાલિન ભા.જ.પ.ની સરકારે સામાજિક વિજ્ઞાન અને ઇતિહાસના પાઠ્યપુસ્તકના કેટલાંક હિસ્સા બદલી કાઢ્યા હતા. ધોરણ છઠ્ઠામાં ‘એન્સિઅન્ટ ઇન્ડિયા’ નામનાં પ્રકરણના લેખિકા રોમિલા થાપર હતાં. તેમણે જ્યારે જોયું કે પ્રાચીન ભારતમાં ગૌમાંસ ખવાતું હતું – તે હિસ્સાની બાદબાકી કરવામાં આવી છે – ત્યારે તેનો વિરોધ કર્યો હતો. તેમણે આ રીતે ઇતિહાસ સંબંધિત છબરડાં થતાં હોય ત્યાં લડત આપી છે. તેઓ બે વાર પદ્મભૂષણ સન્માન નકારી ચૂક્યાં છે. તેમનું કહેવું છે કે તેઓ શિક્ષણ જગત સંબંધિત જ સન્માન સ્વીકારશે, રાજ્ય દ્વારા પ્રેરીત સન્માન ક્યારે ય સ્વીકારશે નહીં!
રોમિલા થાપર સતત વિદ્યાર્થીઓથી ઘેરાયેલા રહ્યાં અને તેથી તેમણે વિદ્યાર્થીઓનો પ્રેમ તો મેળવ્યો, પણ વિદ્યાર્થીઓને જાણવા-સમજવામાં તેઓ ખૂબ આગળ નીકળી ગયાં. તેથી તેઓ એક સ્થાને ટાંકે છે : ‘હું વ્યક્તિગત રીતે મારા વિદ્યાર્થીઓ સાથેનાં સંવાદથી ખૂબ શીખી છું. વિશેષ કરીને જે વિષય અંગે અમે તેમને શીખવતા હતા. શું આ શિક્ષણ તેમને વર્તમાન સમાજમાં ભવિષ્ય માટે તૈયાર કરી રહી હતી? તેનાથી મને સમજવાની તક મળી કે યુવાનો દુનિયાને કંઈ દૃષ્ટિથી જુએ છે. – જે શિક્ષણના સંદર્ભે ખૂબ અગત્યનું છે. મારા પોતાના યુવાવસ્થાના વિચાર અને રાષ્ટ્રવાદનો વિચાર, જેને અમારી પેઢીએ આકાર આપ્યો હતો, તે યુવાનોના મનમાં ઘરમૂળથી બદલાઈ ચૂકી હતી. રાષ્ટ્રવાદ હવે વિદેશી શાસનને હટાવવા સુધી મર્યાદિત ન રહ્યો હતો. વિદેશી સત્તા તો જઈ ચૂકી હતી. હવે પ્રશ્ન હતો કે પોતાના સમાજની અસમાનતાથી કેવી રીતે લડીએ? આ આગળનો તાર્કિક ડગ હતો.’ આગળ તેઓ કહે છે કે, ‘જેમ-જેમ આપણે વૃદ્ધ થતા જઈએ છીએ, તેમ આપણે આપણા જૂના વિચારો અને અનુભવો નવી પેઢી પર થોપવાનો પ્રયાસ કરીએ છીએ. ઘણી વાર તો વાસ્તવિક સ્થિતિ સમજ્યા વિના. નક્સલવાદ તેનું જ ઉદાહરણ છે. સત્તામાં બેસનારા લોકો હંમેશાં નક્સલવાદને કાયદા-વ્યવસ્થાનો પ્રશ્ન જ ગણ્યો હતો. જ્યાં દરેક નક્સલીને તેના વિચારો અને રાજ્યવિરોધી કૃત્ય અર્થે દંડીત કરવામાં આવ્યા છે. તેથી પોલિસ આજે પણ જેમના ઘરમાં ડાબેરીઓનું સાહિત્ય મળે છે ત્યારે તેમના પર નક્સલી અને રાષ્ટ્રવિરોધી આરોપ લગાવવામાં આવે છે. આવાં લોકોની સંખ્યા ઘણી વધુ છે, કારણ કે ઘણાં લોકો બૌદ્ધિક જિજ્ઞાસાના કારણે પણ આ સાહિત્યને વાંચતા હોય છે.’
આજે જ્યારે જનરેશન- ઝેડનો ડંકો વાગી રહ્યો છે અને ‘ક્રૉક્રોચ જનતા પાર્ટી’ની સ્થાપના પછી તો જાણે પૂરા દેશમાં એક માહોલ જન્મ્યો છે કે હવે ‘ક્રૉકોચ જનતા પાર્ટી’ થકી જોરશોરથી વિરોધ થશે. અહીંયા તેઓ કહે છે કે, ‘અમારામાંથી ઘણાં લોકો એવું માને છે કે નક્સલ આંદોલન માત્ર કાયદા-વ્યવસ્થાનો મુદ્દો નથી. આ અનેક તબક્કાનું સંકટ છે. યુવાન પોતાના શિક્ષણથી માત્ર ડિગ્રી નહીં, બલકે તેનાથી ઘણું વધુ ઇચ્છે છે. ભારતીય સમાજ સમક્ષ ઊભા જોખમો પ્રત્યે તેમની ચિંતાને પણ દર્શાવે છે. હિંસક સમાધાન સ્વાભાવિક રીતે સ્વીકાર્ય નથી. ઐતિહાસિક રીતે જોઈએ તો આજે પણ ભારતીય સમાજ ઊંડા પરિવર્તનના કાળમાંથી પસાર થઈ રહ્યો છે. આ એક એવું તથ્ય છે જેન નજરઅંદાજ ના કરી શકાય. શાસન વર્ગ આ પ્રશ્નોનું સમયસર સમાધાન નથી કરી રહ્યા. નક્સલવાદ એક સમયે આ સમસ્યા પર ધ્યાન ખેંચ્યું હતું પણ તેમની પાસે પણ કોઈ ઉકેલ નહોતો.’
e.mail : kirankapure@gmail.com
![]()

