પરિપ્રેક્ષ્ય : સર્વોચ્ચ સત્તાસ્થાનેથી ‘આંદોલનજીવી’ ને ‘ઝોલા છાપ’ સંજ્ઞાઓ વહેતી રહી છે
કાશ, પોતાને ‘નવનિર્માણની ઓલાદ‘ કહેતી પ્રતિભાને સોનમ વાંગચૂકનો ખરી હૂંટીનો અવાજ સંભળાય … મૈં ભી કોક્રોચ! હમણાં તો, સ્થાપિત સત્તા પરત્વે અજંપ યૌવનના સંભવિત સુનામી–સંકેત તરીકે કોક્રોચ ઘટનાને જોવી રહી.

પ્રકાશ ન. શાહ
કીડી પર કટક તો સાંભળ્યું હતું – પણ હવે એક નવી કહેવત બારણાં ખખડાવી રહી છે : કોક્રોચ પર સી.બી.આઈ.! સ્વનામધન્ય અને વ્યવસ્થાયવીરલા એક વકીલબાબુએ સર્વોચ્ચ અદાલતની દેવડીએ ધરાર ધા નાખી કે તપાસ કરો આ કોક્રોચ ઝુંબેશની સદ્દભાગ્યે, જેમનાં વચનોએ સહસા કોક્રોચ સુનામી જગવી એ સી.જે.આઈ. સૂર્યકાન્તે એમને કહ્યું કે આમ લાગણીવેડાની શી જરૂર છે. એવો તે શો ભય છે કથિત ઝુંબેશ તરફથી.
મુદ્દે,મે અધવચ સર્વોચ્ચ પીઠ પરથી કોઈક મુદ્દે ટિપ્પણી કરતાં માનનીય મુખ્ય ન્યાયાધીશે આ બધા કોક્રોચ શેના હાલી નીકળ્યા છે. એમણે આ પ્રયોગ કર્યો એમાં કર્મશીલ સમુદાય પણ અભિપ્રેત છે. પછીથી એમણે સફાઈ જરૂર આપી છે કે મેં સૌને નહીં પણ કેટલાંક તત્ત્વોને અનુલક્ષીને આ કહ્યું હતું. પણ હવે, ઘોડા ભાગી છૂટ્યા પછી તબેલે તાળું દીધાનો શો અરથ. સર્વોચ્ચ સત્તાસ્થાનેથી ‘આંદોલનજીવી’ ને ‘ઝોલાછાપ’ જેવી સંજ્ઞાઓ કેમ જાણે કોઈ શત્રુખોજ બહાલ થઈ હોય એ રીતે વહેતી રહી છે. અર્બન નક્સલ જેવો પ્રયોગ તો ગાજ્યો તો એવો ગાજ્યો કે સાહિત્યક્ષેત્રે પણ એ પ્રયોજાયો. જે ‘સહિત’તાને સહૃદયતાનું ક્ષેત્ર, ત્યાં પણ આવો પ્રયોગ? અધૂરામાં પૂરું, નાગપુરના વિજ્યાદશમી સંબોધનમાં તો ઘોર અમેરિકી પ્રયોગ ‘વોક’ પણ સાંભળવા મળ્યો છે. આ પ્રકારના પ્રયોગોએ અને એની પાછળની માનસિકતાએ સરજેલ પ્રદૂષણ પછી ‘કોક્રોચ’ જેવી ટિપ્પણી આવે અને સી.જે.આઈ.ને કદાચ અભિપ્રેત નયે હોય એ હદે અવળી સમજાય ને જંગલના દવ પેઠે વ્યાપી વળે, એમાં શું આશ્ચર્ય.
અભિજીત દીપકેએ બોસ્ટન પેઠે વાત વહેતી મૂકી ન મૂકી ને આ સૂચનના સમર્થક-શુભેચ્છક સમુદાયની સંખ્યા ભા.જ.પ.ની આઈ.ટી. સેલની પહોંચને ક્યાં ય આંબી ગઈ. એની વેબસાઈટ અને હેન્ડલને બ્લોક કરવાની ચેષ્ટા થઈ … અને મિજાજ તો જુઓ દીપકે બહાદુરનો : ચેનલ ચોવીસાની ચિચિયારીઓના કામણે ખેંચાવાતો ધરાર નનૈયો ભણ્યો. કહ્યું કે તમારે મને – અમને ‘ટુકડે ટુકડે’થી માંડી ‘ટ્રેઇટર’ ને એવી તેવી ઓળખ આપી તમારો ટી.આર.પી. રેટ વધારવાના ધંધા કરવા હોય તો એમાં અમે શા સારુ સંકળાઈએ. બલકે, વાસ્તવિકતા તો એ છે કે રવીશ જેવા અપવાદો બાદ કરતાં કોક્રોચ અપીલ ચાલુ ચેનલોની કથિત લોકપ્રિયતાને ક્યાં ય આંબી જઈ સોશ્યલ મીડિયામાં પોતાને ભલે તાત્પૂરતી પણ ‘સબ સે આગે’ પુરવાર કરી રહી છે.
આમ તો, તમે કહેશો, કોઈ પણ કહી શકે, સીધા આંદોલન વગરની નકરી ચાંપચાલુ મીડિયાઈથી શેક્યો પાપડ પણ ન ભાગે. એવું તો નથી ને કે. ગિજુભાઈની બાળવારતા માંહેલું કોઈ ટાઢું ટબૂકલું છે? મુદ્દો એ છે ભાઈ, કે જે અજંપ લોકમત દસકાને અંતે નેતા પ્રતિપક્ષ પ્રકારના ઉદયથી કંઈક પ્રગટ થયો હતો તે હજુ વ્યાપ ને વેગ સાથે પ્રગટ થવા કરે છે.
હમણેના વરસ બે વરસમાં આપણી નજીક નેપાળ, શ્રીલંકા, બાંગલાદેશમાં જે યુવા ઉદ્રેક, જેન ઝેડ ઉપાડો જોયો છે તે અહીં કેમ નથી, એવા સવાલનો આ એક જવાબ જાણે કે છે વડા પ્રધાને થોડા દિવસ પર ગુજરાતની મુલાકાત વખતે સગર્વ પોતાને ‘નવનિર્માણની ઓલાદ’ તરીકે ઓળખાવવા તક ઝડપી હતી. જો એમને, તેનો સ્પંદ ખરેખાત હોય તો કોક્રોચ પ્રતિભાવ પકડાવો જોઈએ. 1971ની બાંગલા ઘટના સાથે ટોચની કીર્તિએ પહોંચેલાં ઇંદિરાજી સામે તરતનાં વરસોમાં મોંઘવારી ને ભ્રષ્ટાચારના માહોલમાં જે એક જુદો જ પ્રજાકીય પ્રઘાત અનુભવાયો હતો તે સંભારવા જેવું છે.
હરિયાણામાંથી ઇલેક્શન કમિશન સમક્ષ આ કોક્રોચ જનતા પાર્ટીના રજિસ્ટ્રેશનની માંગ થયાના સમાચાર છે. અલબત્ત, આ પ્રકારની ચર્ચા કદાચ ઉતાવળી લેખાશે. હમણાં તો, સ્થાપિત સત્તા પરત્વે અજંપ યૌવનના સંભવિત સુનામી-સંકેત તરીકે કોક્રોચ ઘટનાને જોવી રહી. દરમિયાન સોનમ વાંગચૂકના શબ્દોમાં મૈં ભી કોક્રોચ.
ગુરુવાર, 27 મે 2026
Editor: nireekshak@gmail.com
છબિ સૌજન્ય : વિકિપીડિયા
![]()

