
રવીન્દ્ર પારેખ
સુરત મહાનગરપાલિકાને લીધે શહેરનો વિકાસ થયો, ઘણાં પ્રોજેક્ટ્સ પણ પાર પડ્યા, પણ શહેરના આડેધડ વિકાસને કારણે કેટલીક સમસ્યાઓ પણ વકરી છે. એક અખબારમાં આવેલી વિગતો જોઈએ તો સમજાય છે કે મહાનગરપાલિકા આરંભે શૂરાની જેમ ઘણું બધું કરી નાખે છે, પછી મેઈન્ટેનન્સ કે ફોલોઅપની વાત આવે છે, તો તેની બેદરકારી અને ભ્રષ્ટતા જ સામે આવે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ 11,000 કરોડનું હોય, છતાં મેઈન્ટેનન્સ માટે પૈસા ફાળવવામાં અખાડા થાય છે, કેમ જાણે એક વાર પ્રોજેક્ટ તૈયાર થયા પછી તેને ક્યારે ય મેઈન્ટેનન્સની જરૂર જ ન પડવાની હોય ! આ બરાબર નથી. મેઈન્ટેનન્સના અભાવમાં કેટલા ય પ્રોજેક્ટ્સ આજે બંધ પડ્યા છે કે મરામતની રાહમાં બંધ જેવી હાલતમાં છે. આજકાલનાં બાંધકામો તકલાદી હોય છે ને કરોડોનો ભ્રષ્ટાચાર ચાલતો હોય, તો ઓછા સમયમાં તે ઘણી મરામત માંગે એમ બને. તે વખતે તેને માટે પૂરતી રકમ ન ફાળવવામાં આવે તો બધું જર્જરિત જ થાય તે કહેવાની જરૂર નથી.
સુરત મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ, 15 કરોડ રૂપિયાના ખર્ચે, ડિંડોલીના છઠ સરોવર સામે, 46,50૦ ચોરસ મીટર વિસ્તારમાં ફલોરલ ગાર્ડન બનાવવામાં આવ્યો ને તેમાં દેશવિદેશના 1.60 લાખ ફૂલછોડથી હરિયાળી વિકસાવાઈ, જેનું ઉદ્ઘાટન 2022માં થયું. તે હવે ટેકનિકલ કે મેઈન્ટેનન્સની સગવડ ન હોવાથી ઘણીવાર બંધ રખાય છે, ત્યારે સવાલ થાય કે કરોડોના ખર્ચે બનેલો ફલોરલ ગાર્ડન બંધ રાખવા બનાવાયો હતો? અત્યારે મોટી સમસ્યા હરિયાળી-ફૂલો તથા પ્લે એરિયાની જાળવણીની છે. દેશવિદેશનાં 1.60 લાખ ફૂલછોડ આમ કરમાય એટલે લવાયાં હતાં? બાળકો માટે પ્લેએરિયા, જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બેસવા માટેનાં ગેઝેબો છે. અહીં જ સેલ્ફી પોઈન્ટ પણ છે. આ બધું આવા વેડફાટ માટે છે?
આ કંઇ ફલોરલ ગાર્ડનનું જ રડવાનું નથી, શહેરનું પાલ એક્વેરિયમ ( 2025-2026ના એક રિપોર્ટ મુજબ) 10 મહિનાથી બંધ પડ્યું છે. એક્વેરિયમ બનવાને હજી તો 10 વર્ષ માંડ થયાં છે, પણ ઈમારતમાં તિરાડો પડી ગઈ છે. આવું જર્જરિત બાંધકામ ઈમાનદારીથી થયેલ કામનું પરિણામ નથી જ ! આ બધું શુદ્ધ બુદ્ધિથી થયું હોય એવું પણ નથી જ ! આજકાલ ખાયકીનો રોગ કોરોના કરતાં ય વધુ ઝડપથી ફેલાય છે ને એમાંથી ભાગ્યે જ કોઈ બાકાત હશે. પાલ એક્વેરિયમ 2014માં ખુલ્લું મુકાયું હતું. આ એક્વેરિયમ એક સમયે લોક આકર્ષણનું મહત્ત્વનું કેન્દ્ર હતું ને ગમ્મત તો એ છે કે તે બંધ પડ્યું છે, પણ ઓનલાઈન તો તે ‘ઓપન’ જ બતાવતું હોવાને કારણે બહારથી આવનારાઓને ફેરો માથે પડે છે. એક્વેરિયમ બંધ રહેવાને કારણે શાર્ક પુલ, ટર્ટલ ટચપુલ, ફિશપોન્ડ જેવાં આકર્ષણો પણ નકામાં જેવાં થઈ ગયાં છે. એન્જીનિયર્સ ન હતા ત્યારે તાજમહાલ, મીનાક્ષી મંદિર, સુવર્ણ મંદિર બન્યાં તેને રિપેરીંગની જરૂર પડી હશે, પણ તે નવરાં કે ખંડેર થયાં નથી, જ્યારે આજની ઈમારતો તો 10 વર્ષમાં ખંડેર થઇ જાય છે, તે કેટલી હદે ભ્રષ્ટતા કારભારમાં પ્રવેશી હશે તેનો જીવંત પુરાવો છે. આ માત્ર એક્વેરિયમ પૂરતું જ સાચું નથી, બીજી પણ ઈમારતો છે જે આ વાતની સાક્ષી પૂરે છે.
મોટે ઉપાડે ઘોડદોડ રોડ પર ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવાયો, પણ તેનું લોકાર્પણ જ ન થયું ને તે એમ જ ખંડેર થઈ ગયો. આ પાર્કમાં બાળકો માટે રોડ, ટ્રાફિક જેવી બાબતોના નિયમો શીખવાની સગવડ હતી. ઝેબ્રા ક્રોસિંગ, લેન માર્કિંગ અને સ્લોપ અંગેની જાણકારી પણ હતી. ટ્રાફિક સિગ્નલો, સાઈનબોર્ડસ, અંગેની જાણકારી પણ મળે એમ હતી. પણ તે આજ સુધી ચાલુ જ ના કરાયો. પાર્ક બે વર્ષથી તૈયાર હતો ને હવે તો બિલ્ડિંગ અને સાધન સામગ્રી જર્જરિત થઈ ગઈ છે ને લગભગ નવરી પડી ગઈ છે ને વધારામાં ઝાડીઝાંખરાં ઊગી નીકળ્યાં છે તે નફામાં. કમાલ છે ને કે કોર્પોરેશનને આટલા નેતા, અભિનેતા, મંત્રીઓ શહેરમાં અને શહેર બહાર હોવા છતાં લોકાર્પણ માટે કોઈ યોગ્ય વ્યક્તિ જ ન મળી ! એમાં ગંદું રાજકારણ જ દાખલ પડી ગયું હોય એવું નથી લાગતું? આટલી બેદરકારી ને બેવકૂફી તો આ શહેરને જ પરવડી શકે.
બીજી ઘોર-અઘોર બેદરકારી શહીદ સ્મારક અંગેની છે. 80 હજાર ચોરસ મીટરમાં વેસુમાં બની રહેલા શહીદ સ્મારકનો અંદાજિત ખર્ચ 51 કરોડનો મુકાયો હતો ને આ સ્મારક 2020માં પૂર્ણ કરવાનું હતું, પણ 6 વર્ષ પછી પણ તે અધૂરું છે. એ તરફ પાછું વળીને જોવાયું જ નથી. શહીદ સ્મારકના હાલના સ્ટેટસ મુજબ સિવિલ કામ પૂરું થયું છે, પણ ક્યુરેશન-પ્રદર્શન માટે કોઈ એજન્સીની પસંદગીમાં વિલંબ થઈ રહ્યો છે. એ કેટલી શહીદી પછી શક્ય બનશે એ કોર્પોરેશનને ય ખબર નહીં હોય એમ બને. આ સ્મારકનું આકર્ષણ શહીદ સ્તંભ, ગેલરી, ઓડિટોરિયમ વગેરે છે, પણ અધૂરા સ્મારકમાં આકર્ષણ હોય તો પણ શેનું? કરોડો રૂપિયા ખર્ચવા છતાં કેટલાક પ્રોજેક્ટ્સ બંધ પડ્યા છે, અથવા બંધ પડવાની હાલતમાં છે. કરોડોને ખર્ચે મોટાં મોટાં તાબૂત તો ઊભાં કરી દેવાય છે, પણ પછી તેનો બોજ લાગવા માંડે છે ને તેને નભાવવામાં તાવ ચડતો હોય છે.
આ શહેરને નવા પ્રોજેક્ટ્સની નવાઈ નથી. નવાઈ છે તે તેને મેઈન્ટેઇન કરવાની. કરોડો રૂપિયા પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચાય છે, પણ તેને નભાવવાની રકમ ફાળવવામાં ચૂંક ઊપડે છે. એવું કેવી રીતે બને કે નવાં પ્રોજેક્ટ્સ માટે કરોડો ફાળવાય ને મેઈન્ટેનન્સ માટે કંઇ વિચારાયું જ ન હોય? સાધારણ વ્યક્તિ પણ ઘરનાં રિપેરિંગનું વિચારતો હોય, તો આ તો કોર્પોરેશન છે, તે આટલું કાચું કેવી રીતે કાપી શકે? એવું તો છે નહીં કે બધે શુદ્ધ ને આદર્શ સ્થિતિ છે ! એવું હોત તો ભ્રષ્ટાચારે માઝા શું કામ મૂકી હોત? શહેરમાં સિટી લાઈટ નજીક સાયન્સ સેન્ટર જેવી ભવ્ય ઈમારત તો તાણી બંધાઈ, પણ પછી તે કેટલી ઉપયોગમાં રહી છે, એ જોઈએ તો આઘાત લાગે એમ છે. તેમાં અડધાથી વધુ સ્ક્રીન્સ, વીડિયો રૂમ્સ, પ્રદર્શનો બંધ હાલતમાં છે. એમાં બીજી મુશ્કેલી એક્સપર્ટસની છે, બીજા શબ્દોમાં અહીં નિષ્ણાતોની અછત છે. વારુ, જે સ્ટાફ છે તે કોન્ટ્રાક્ટ બેઝ્ડ છે. એને લીધે ગુણવત્તાના પ્રશ્નો ઊભા થયા છે. સ્ક્રીન-વીડિયો રૂમ્સ ઘણીવાર બંધ હાલતમાં હોય છે. આ ઉપરાંત વિવિધ ગેલરીઓમાં ઢગલો ધૂળ હોવાથી તેનો અસરકારક ઉપયોગ થતો નથી. પ્લેનેટોરિયમ, ગેલરી, મ્યુઝિયમ જેવાં આકર્ષણો હોવા છતાં કાળજી અને યોગ્ય કારભારના અભાવમાં કરોડોના ખર્ચનો કોઈ મતલબ રહેતો નથી. ખરેખર તો સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન રસિકો માટે શરૂ થયું હતું. મુલાકાતીઓના ફીડબેક અનુસાર ગેલરીઓમાં મુકાયેલા ઇન્ટરએક્ટિવ સ્ક્રીન્સ અને વીડિયો રૂમ્સ વારંવાર બંધ રહે છે ને ગેલરીઓમાં ધૂળની વચ્ચે બેસવાની અપૂરતી સગવડને કારણે ને સ્વચ્છતાનો અભાવ હોવાથી કથળેલા વહીવટની છડી પોકારાય છે. પ્રોજેક્ટ્સની નિષ્ફળતા વહીવટીતંત્રની પ્રાથમિકતાઓ અને ભવિષ્યના આયોજનમાં રહેલી ખામીઓની ચાડી ખાય છે.
પછી એવું બને છે કે પ્રોજેક્ટ્સ બંધ પડે છે ને મેઈન્ટેનન્સના અભાવે ખર્ચાયેલા કરોડો રૂપિયાનો પણ કોઈ અર્થ રહેતો નથી. એ પૈસા તો વેડફાઈ જ ચૂક્યા હોય છે. એનું કોઈ વળતર નથી. એ નાણાંનો બીજાં કોઈ લોકકલ્યાણમાં ઉપયોગ થઇ શક્યો હોત, પણ ત્યાં પણ કલ્યાણ બીજાનું જ થયું હોત. એટલે અહીં તો પડે છે ત્યારે સઘળું જ પડે છે. આખું કોળું જ દાળમાં જાય તો બોલવા જેવું જ શું રહે? આમાં વાંક પ્રજાનો પણ છે. તેને કંઇ થાય કે ન થાય, કોઈ ફેર નથી પડતો. પ્રજા એટલી નિર્માલ્ય છે કે તે સેવકોને ક્યારે ય કોઈ હિસાબ પૂછતી જ નથી, એટલે જ કદાચ કોર્પોરેશનને ફાવતું આવે છે. આ પ્રજા બોલવાનું હોય ત્યાં ચૂપ રહે છે ને ન બોલવાનું હોય ત્યાં બકવાસ કરે છે. એ રીતે તો આ વકરી ચૂકેલો રાષ્ટ્રીય રોગ છે. વધારે શું રડવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 મે 2026
![]()

