
રમેશ ઓઝા
ઈરાન સામેના યુદ્ધમાં વિજય કોનો થયો? ૧૯૭૧માં બંગલાદેશ યુદ્ધ વખતે તમે પાકિસ્તાનના લશ્કરની જે શરણાગતી જોઈ હતી અને ભારતના લશ્કરે પૂર્વ પાકિસ્તાનની જમીનનો કબજો લીધો હતો એ પ્રકારના વિજયનો યુગ સમાપ્ત થઈ ગયો. આજકાલ યુદ્ધ દૂરથી એરસ્ટ્રાઈક અને મિઝાઈલ્સ દ્વારા લડવામાં આવે છે, જમીન પર લશ્કર ઉતરતું નથી, આમનોસામનો થતો નથી એટલે વિજયનું સ્વરૂપ બદલાઈ ગયું છે. આજે પરાજિત એને કહેવાય જે યુદ્ધવિરામની માગણી કરે અને વિજેતા એને કહેવાય જેની શરતે યુદ્ધવિરામ થાય.
ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનની સભ્યતાનો કાયમ માટે નાશ કરવાના હતા એના એક કલાક પહેલાં તેમણે યુદ્ધવિરામની જાહેરાત કરી. શું કહ્યું તેમણે? “અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થાય એ માટે પાકિસ્તાનના વડા પ્રધાને અને લશ્કરી વડાએ મધ્યસ્થી કરીને એક પ્રસ્તાવ આપ્યો છે. યુદ્ધવિરામ માટેનો ૧૦ મુદ્દાનો એક પ્રસ્તાવ ઈરાન તરફથી આવ્યો છે અને અમેરિકાને એમ લાગે છે કે એ વાતચીત માટે ઉપયોગી નીવડી શકે એમ છે. (a workable basis on which to negotiate)” તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફનો અને લશ્કરી વડા ફિલ્ડ માર્શલ અસીમ મુનીરનો આભાર માન્યો હતો. અહીં યાદ અપાવી દઉં કે આ પહેલાં ૨૪મી માર્ચે અમેરિકાએ સ્વયંઘોષિત વિજેતા તરીકે ૧૫ મુદ્દાનો શાંતિપ્રસ્તાવ ઈરાન સમક્ષ રાખ્યો હતો જેને ઈરાને ફગાવી દીધો હતો અને સામે પાંચ મુદ્દાની શરત રજૂ કરી હતી.
શું હતું અમેરિકાના ૧૫ મુદ્દાના પ્રસ્તાવમાં અને શું છે ઈરાનના ૧૦ મુદ્દાના પ્રસ્તાવમાં? અમેરિકાએ શરતો રાખી હતી કે ઈરાન હોર્મુઝની ખાડી ખોલી નાખે. ઈરાન અણુકાર્યક્રમ સંકેલી લે. ઈરાન લેખિત બાંયધરી આપે કે એ ક્યારે ય અણુકાર્યક્રમ હાથ નહીં ધરે. અત્યાર સુધીમાં ઈરાને એનરીચ્ડ કરેલું ૪૫૦ કિલોગ્રામ યુરેનિયમ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીને આપી દે. ઈરાન અખાતી દેશોમાંનું તેનું પ્રોક્સી નેટવર્ક સમાપ્ત કરે. ઈરાન બેલીસ્ટીક મિઝાઈલ્સની રેંજની ક્ષમતા ઘટાડી નાખે એટલું જ નહીં તેની સંખ્યા પણ ઘટાડે. ઈરાનની તરફેણમાં એટલું કહેવામાં આવ્યું હતું કે અમેરિકા દરેક પ્રકારના સીધા અને આડકતરા પ્રતિબંધો ઉઠાવી લેશે અને ઈરાનને બેઠું કરવામાં મદદ કરશે. આ મુખ્ય શરતો હતી અને તેમાં કેટલીક પેટા શરતો હતી.
માત્ર એક કલાકની અવધિમાં ઈરાને અમેરિકાનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો અને સામે પોતાનો પ્રસ્તાવ રાખ્યો જેમાં માગણી કરવામાં આવી હતી કે અમેરિકા આંતરરાષ્ટ્રીય સ્વરૂપની બાંયધરી આપે કે તે હવે પછી ક્યારે ય ઈરાન પર હુમલો નહીં કરે. અણુકાર્યક્રમ હાથ ધરવાના ઈરાનના અધિકારને માન્ય રાખે, હોર્મુઝની ખાડી પરના ઈરાનના અધિકારને માન્ય રાખવામાં આવે. અમેરિકા ઈરાનને યુદ્ધમાં થયેલા ખર્ચાની ભરપાઈ કરે. યાદ રહે, જેને ચપટી વગાડતા મસળી નાખવાનું હતું એ ઈરાનનો યુદ્ધનો ૨૫મો દિવસ હતો અને આવી શરતો હતી.
અને પછી એક પછી એક દિવસ વિતતા ગયા અને અમેરિકાની અકળામણ વધવા માંડી. તેને બહાર નીકળવું હતું અને કોઈ રસ્તો જડતો નહોતો. અમેરિકા જે ઈરાની નેતાનો વાતચીત કરવા સંપર્ક કરે તેને ઇઝરાયેલ મારી નાખે કે જેથી વાતચીત આગળ ન વધે. જે દોસ્ત ખાતર સળગતું લાકડું હાથમાં લઈ લીધું એ હવે લાકડું છોડવા દેતો નહોતો. ન બોલી શકાય કે ન સહન કરી શકાય એવી સ્થિતિ થઈ ગઈ. દુનિયામાં આબરૂના ધજાગરા થઈ ગયા અને ઘરઆંગણે વિરોધ વધવા માંડ્યો. છેલ્લે તો ટ્રમ્પની લોકપ્રિયતામાં માઈનસ ૧૭નો ઘટાડો થઈ ગયો અને તેમને ઈમ્પીચ કરીને હટાવવાની વાતો થવા લાગી. છેલ્લા પંદર દિવસ ટ્રમ્પના સનેપાતના દિવસો હતા. શું બોલે છે તેનું તેમને જ ભાન નહોતું. આ બાજુ ઈરાન મચક નહોતું આપતું. ચારથી પાંચ અમેરિકન વિમાનો તોડી નાખ્યાં, બે એફ-૩૫ વિમાનો (જેને અમેરિકા-ઇઝરાયેલના પ્રશસ્તિકારોએ હાથ પણ ન લગાડી શકાય એવાં અજેય ગણાવ્યાં હતાં) ને ક્ષતિગ્રસ્ત કરી નાખ્યાં. ૧૫ જેટલા અમેરિકનોનાં મોત થયાં, સેંકડોની સંખ્યામાં અમેરિકનો ઘાયલ થયા અને અખાતી દેશોમાંના અમેરિકાનાં લશ્કરી મથકોનો ખાત્મો બોલાવી દીધો. તેનાં અત્યાધુનિક રેડારને તોડી નાખવામાં આવ્યું. યુદ્ધનાં બીજા દસ દિવસ વીતી ગયા, પણ ઈરાન મચક આપતું નહોતું. ઓછામાં પૂરું ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરીને જાગતિક આર્થિક સંકટ પેદા કર્યું. અમેરિકાએ રહીસહી સહાનુભૂતિ પણ ગુમાવી દીધી. વિશ્વભરમાં એક જ સવાલ પૂછાતો હતો કે ઇઝરાયેલના યુદ્ધમાં અમેરિકાએ વચ્ચે કુદવાની શું જરૂર હતી? ઉર્જાનું સંકટ અમેરિકાએ પેદા કર્યું છે. ટ્રમ્પને હવે એ પણ સમજાઈ ગયું કે ઈરાનની પાછળ રશિયા અને ચીન છે અને અમેરિકા વર્ચસ ગુમાવે અને જગત બહુધ્રુવીય બને એ માટે તેઓ યુદ્ધનો અવસર તરીકે ઉપયોગ કરે છે.
ટ્રમ્પબાબાને અક્ક્લ આવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. પગ ફાચરમાં ફસાઈ ગયો હતો અને નહોતું ઈરાન પગ બહાર કાઢવા દેતું કે નહોતું ઇઝરાયેલ બહાર કાઢવા દેતું. તેમણે પાકિસ્તાનને મધ્યસ્થી કરવા કહ્યું, પણ ઈરાને પોતાની વાત પકડી રાખી કે જો ઈરાનની શરતો માન્ય હોય તો જ તે વાતચીતના ટેબલ પર બેસશે, અમેરિકાની શરતે નહીં. ૩૮ દિવસ વીતી ગયા. ટ્રમ્પે ઈરાનને ડરાવવા માટે પોતાના સૈનિકો અખાતી દેશોમાં ઉતાર્યા અને ઈરાનમાં જમીની લડાઈ કરવાની ધમકી આપી. ઈરાને તેનું પણ સ્વાગત કર્યું. ઈરાને કહ્યું; “જીવતા સૈનિકોને મોકલો અને શબ પાછા લઈ જાઓ.” અમેરિકા તેના ઇતિહાસમાં બહુ ભયંકર રીતે એકલું પડી ગયું. ઇઝરાયેલ માટેની અમેરિકનોની જાણીતી હમદર્દી પણ લુપ્ત થઈ ગઈ. એક સર્વે મુજબ ૬૮ ટકા અમેરિકનો એમ કહે છે કે ઇઝરાયેલ દાદાગીરી કરી રહ્યું છે અને તેને પાઠ ભણાવવાની જરૂર છે. અમેરિકાએ હવે ઇઝરાયેલનો હાથ છોડી દેવો જોઈએ.
હવે? ટ્રમ્પ બાબા પાસે બે જ વિકલ્પ હતા. કાં તો ઈરાનની શરતે યુદ્ધવિરામ કરે અથવા અણુ હુમલો કરીને ઈરાનને ખતમ કરી નાખે. પહેલા વિકલ્પમાં નાક કપાતું હતું અને બીજો વિકલ્પ જોખમી હતો. જોખમી એટલે દરેક રીતે જોખમી. ડોનાલ્ડ ટ્રમ્પ માનવસભ્યતાના ઇતિહાસમાં અવ્વલ દરજ્જાના વિકૃત અને પાગલ તરીકે કાયમ માટે સ્થાન પામે. રાક્ષસ તરીકે ઓળખાય. પ્રમુખપદ ગુમાવે, નિર્દોષ માનવોનો સંહાર કરવાના ગુના માટે કદાચ સજા થાય. અમેરિકા પ્રતિષ્ઠા ગુમાવે. આમ તો આ ઈરાનને ઝૂકાવવાનો છેલ્લો પ્રયાસ હતો, ધમકી હતી, પણ ડોનાલ્ડ ટ્રમ્પની અંદર રહેલ નીચતા અને અભિમાન જોતા એક ભય પણ હતો. ગાંડો અને વિકૃત માણસ છે, શું ખબર સાહસ કરી પણ બેસે!
આખું જગત અધ્ધરજીવે હતું. ઇઝરાયેલી મીડિયાએ કાઉન્ટ ડાઉન મીટર શરૂ કરી દીધું હતું અને એની વચ્ચે ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી. તેમણે યુદ્ધવિરામની જાહેરાત કરતા શું કહ્યું એ તો તમે વાંચી ગયા છો. “યુદ્ધવિરામ માટેનો ૧૦ મુદ્દાનો એક પ્રસ્તાવ ઈરાન તરફથી આવ્યો છે અને અમેરિકાને એમ લાગે છે કે એ વાતચીત માટે ઉપયોગી નીવડી શકે એમ છે.” પાકિસ્તાને પણ ઈરાનના દસ મુદ્દાનો હવાલો આપીને યુદ્ધવિરામની જાહેરાત કરી અને ઈરાને પણ કહ્યું કે અમારા પ્રસ્તાવ પર વાતચીત કરવા અમેરિકા તૈયાર હોય તો અમે પંદર દિવસ યુદ્ધવિરામ કરવા તૈયાર છીએ. જગતના અનેક દેશોએ પાકિસ્તાનના નેતાઓની મુત્સદીગીરીનાં વખાણ કર્યાં છે અને આભાર માન્યો છે.
શું છે એ દસ મુદ્દા? એ જ, જે ઈરાન પહેલીથી જ કહેતું આવ્યું છે. ઈરાનના અણુ કાર્યક્રમ હાથ ધરવાના અધિકારને માન્ય રાખવામાં આવે. ઈરાન અને તેના સાથી દેશો (તેમાં લેબેનોનનો ખાસ નામ લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે) પર ક્યારે ય હુમલા કરવામાં નહીં આવે અને તેની જાગતિક બાંયધરી આપવામાં આવે. હોર્મુઝની ખાડી પરના ઈરાનના અધિકારને માન્ય રાખવામાં આવે. બધા જ પ્રકારના સીધા અને આડકતરા પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવે. યુનોમાં અને ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીમાં ઈરાનના અણુ કાર્યક્રમને લગતા અને તેને કારણે પ્રતિબંધોને લગતા જેટલા ઠરાવ છે એ બધા પાછા લેવામાં આવે. ઈરાનની જપ્ત કરવામાં આવેલી સંપત્તિને ઈરાનને પાછી સોંપવામાં આવે. પશ્ચિમ એશિયામાંની અમેરિકાની લશ્કરી હાજરીનો અંત આવે અર્થાત્ અખાતી દેશોમાંથી અમેરિકનાં લશ્કરી મથકો સંકેલી લેવામાં આવે. જે સમજુતી થાય તે બન્ને પક્ષો માટે બંધનકર્તા બને એ માટે યુનોની સલામતી સમિતિમાં તે અર્થનો ઠરાવ પસાર કરવામાં આવે. ઈરાને યુદ્ધખર્ચો માગ્યો હોવાનું પણ કહેવાય છે, પણ એ વિષે મીડિયા રીપોર્ટમાં વિરોધાભાસ છે.
ગમે તેમ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે “It is workable.”
તો પછી કોણ જીત્યું? અમેરિકા કે ઈરાન? હજુ એક વાત તમે નોંધી? યુદ્ધ મૂળમાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે હતું અને અમેરિકા તો વચ્ચે કુદી પડ્યું, પણ જે વાટાઘાટો થવાની છે તેમાં ઇઝરાયેલ પક્ષકાર જ નથી. એ વાત જૂદી છે કે ઇઝરાયેલને પક્ષકાર બનવું પણ નથી. ઇઝરાયેલ બને ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવા માગે છે કે જેથી ઈરાન નબળું પડે અને ઇઝરાયેલને વિસ્તરવાનો મોકો મળે. ઇસ્લામાબાદમાની વાતચીતને તોડી પાડવા માટે ઇઝરાયેલ દરેક પ્રકારની કોશિશ કરી રહ્યું છે. ગુરુવારનો લેબેનોન પરનો હુમલો આ જ ઉદ્દેશથી કરવામાં આવ્યો છે. કદાચ તેને તેમાં સફળતા મળે પણ. જેના વિષે કોઈ કશું જ ખાતરીપૂર્વક ભાખી ન શકે એવો ટ્રમ્પ છે અને ઇઝરાયેલ પાસે ટ્રમ્પને લગતી એપ્સ્ટીન ફાઈલો છે. જરાક રાહત મળી નહીં કે ટ્રમ્પે સૂર બદલ્યો નહીં. સૂર બદલવાનું એક કારણ તો એ છે કે જગતભરમાં અમેરિકાની ઠેકડી ઊડી રહી છે, એટલે વળી પાછું ભાંગી નાખું કાપી નાખુંની વાત ટ્રમ્પ કરવા લાગ્યા છે. ટૂંકમાં વાટાઘાટ સફળ થશે કે કેમ એ વિષે શંકા છે. ઇઝરાયેલ અમેરિકાને કેટલું નચાવી શકે છે એના પર બધો આધાર છે. નઠારાની ભાઈબંધીનું આ પરિણામ છે.
દરમ્યાન આ યુદ્ધે આટલી વાત સ્પષ્ટ કરી દીધી છે :
૧. ઈરાન અને ઈરાની પ્રજા બહાદૂર છે. આવી બહાદૂરી આજ સુધી ક્યાં ય જોવા મળી નથી.
૨. અમેરિકાનાં વળતાં પાણી છે. સૂર્ય ધાર્યા કરતાં વધુ ઝડપે પશ્ચિમ તરફ ઢળી રહ્યો છે.
૩. ઇઝરાયેલે જગતમાં પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે એમ હવે ઈઝરાયેલી પ્રજાને લાગવા માંડ્યું છે. યહૂદીઓના માદરે વતનનો પ્રોજેક્ટ નેતાન્યાહૂની આક્રમકતાને કારણે નિષ્ફળ નીવડ્યો છે.
૪. અમેરિકાને જે અનુભવ થયો એ પછી અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેનાં સંબંધો પર પણ તેની અસર થવાની છે. યુરોપના દેશોમાં તો ઇઝરાયેલની ટીકા થઈ જ રહી છે.
૫. પશ્ચિમ એશિયામાં નવાં રાજકીય સમીકરણો રચાશે.
૬. જાગતિક રાજકારણમાં પાકિસ્તાનને નવી પ્રતિષ્ઠા મળી છે. આ એ દેશ છે જે હજુ ગઈ કાલ સુધી ત્રાસવાદને પોષણ આપનાર બેજવાબદાર દેશ તરીકે ઓળખાતો હતો.
૭. ચીનનો સૂર્ય મધ્યાહ્નને લગભગ પહોંચી ગયો છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ઍપ્રિલ 2026
![]()

