Opinion Magazine
Number of visits: 9726855
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—333

દીપક મહેતા|Opinion - Opinion|21 March 2026

મુંબઈના અસલ વતનીઓમાંના એક માતા વેલંકનીના ઉપાસક ‘બોમ્બે ઇસ્ટ ઇન્ડિયન’         

वेलंकनी मातेचा ध्वज हा, फडफडतोय आकाशी,
आलाय सण सुगीचा, आनंद दाटे या मनाशी…
तुझ्या दर्शना यावे, सारे जण धावत,
सुखाची किरणे, तुझ्या चरणी यावे…
वेलंकनी मातेचा…

વેલંકની ચર્ચ, ઉત્તાન 

ભાઈન્દર પાસે આવેલ છે ઉત્તાન, ભાટે બંદર. ત્યાં એક નાનકડી ટેકરી પર આવેલું છે – શું કહેશું? એક ચર્ચ, કે એક મંદિર? ચર્ચ એ વધારે સાચી ઓળખાણ. એ ચર્ચ છે વેલંકની માતાનું, કહેતાં મધર મેરીનું. ભલે. ઉત્તાન સુધી કદાચ તમે ન ગયાં હો. પણ ઈર્લાની બજારમાં ખરીદી અને ખાણીપીણી કરવા તો ગયાં જ હશો. ત્યાં મુખ્ય બજારમાં એક ગલીનું નામ છે ‘વેલંકની ચર્ચ લેન.’ ના જી. તમારે એ નામનું પાટિયું શોધવાની મહેનત કરવી નહિ પડે. મીણનાં બનાવેલાં માનવ શરીરનાં જુદાં જુદાં અંગોનાં ‘પૂતળાં’ વેચતા ફેરિયાઓ ફૂટપાથની ધારે દેખાય એટલે સમજી લેવાનું કે હવે આ વેલંકની માતાની ચર્ચ હાથવેંતમાં છે. પણ આવાં મીણનાં બનાવેલાં શરીરનાં અંગો, જેવાં કે માથું, હાથ, પગ, છાતી, પેટ, વગેરે, અને આખું બાવલું પણ, અહીં વેચાય છે શા માટે? ઘરમાં કોઈ સાજું-માંદુ હોય ત્યારે ઘણા ભક્તો નવસ કહેતાં બાધા રાખે છે: શરીરના જે અંગનો રોગ હોય તે અંગનું, અથવા આખેઆખા શરીરનું પૂતળું, આ માતાને ચરણે ધરવાનું. અને એટલે ફેરિયાઓ વેચે છે અહીં આવાં પૂતળાં. (વાંદરાના માઉન્ટ મેરી ચર્ચમાં પણ આ રીતે મીણનાં પૂતળાં માતાને ધરાય છે.)

સણ (તહેવાર) પ્રસંગે સાડી સજેલી સુંદરીઓ 

પણ આ માતા વેલંકનીની પૂજા-ભક્તિ કરે છે કોણ? મુંબઈના જૂનામાં જૂના રહેવાસીઓમાંના એક, ઈસ્ટ ઇન્ડિયન ખ્રિસ્તીઓ. અંગ્રેજોના હાથમાં મુંબઈ આવ્યું તે પહેલાં કેટલાક પોર્ટુગીઝ પાદરીઓએ સ્થાનિક લોકોનું ધર્માંતરણ કરાવ્યું હતું. આ રીતે ખ્રિસ્તી બનેલા લોકો ઈસ્ટ ઇન્ડિયન તરીકે ઓળખાય છે. ગોવાના અને બીજા ખ્રિસ્તીઓથી જૂદા ઓળખવા માટે. આ ઈસ્ટ ઇન્ડિયન લોકો, ગમે તે કારણે, પણ જરા એકલસૂરા. આજે પણ તેમની મુખ્ય વસતી અલાયદા ગાંવઠણમાં જોવા મળે. એક અંદાજ પ્રમાણે આજે મુંબઈના ૮૦ જેટલા ગાવઠણમાં સાડા ત્રણ લાખ જેટલા ઈસ્ટ ઇન્ડિયન રહે છે. ગીરગામ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત ખોતાચી વાડી, મઝગાવમાં આવેલ માતરપખાડી, મલાડનું ઓર્લેમ ગાવઠણ, અને ઉત્તાન, એ આવા કેટલાક ગાવઠણ. બીજાં ગામડાંથી તેને અલગ પાડવા અંગ્રેજીમાં urban village કહે છે. 

અંગ્રેજોના શાસન દરમિયાન જ્યારે વસતી ગણતરી થતી ત્યારે આ લોકોને ‘ઇન્ડો-પોર્ટુગીઝ’ તરીકે ઓળખવામાં આવતા. કારણ મુંબઈ પરના પોર્ટુગિઝ શાસન દરમિયાન તેઓ ખ્રિસ્તી બનેલા. આ જમાતના લોકોએ ૧૮૮૭માં ‘બોમ્બે ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશનની સ્થાપના કરી અને પોતાની જમાત માટે ‘બોમ્બે ઈસ્ટ ઇન્ડિયન’ નામ અપનાવ્યું. પોતાના નામમાં ‘બોમ્બે’ શબ્દ ઉમેરીને તેમણે સૂચવ્યું કે તેઓ મુંબઈના અસલ વતની હતા, ગોવા કે મેંગલોર જેવા બહારના ભાગોમાંથી મુંબઈ આવેલા નહોતા. 

વખત જતાં બોમ્બે ઇસ્ટ ઇન્ડિયન ખ્રિસ્તીઓના પાંચ મુખ્ય ફાંટા પડ્યા: સામવેદી ખ્રિસ્તી, કોળી ખ્રિસ્તી, વડવાળ, સાલસેટ ખ્રિસ્તી, અને શહેરી ખ્રિસ્તી. એક જમાનામાં સામવેદી ખ્રિસ્તીઓ સારું ભણતા અને પરિણામે સરકારી કે ખાનગી નોકરીઓમાં જોડાતા. પણ આજે તેમનો મુખ્ય વ્યવસાય ખેતીનો. નામ પ્રમાણે કોળી ખ્રિસ્તીઓ માછલી પકડવાનો અને વેચવાનો ધંધો કરે. બે પાંદડે સુખી. વાંદરામાં આવેલ સેન્ટ એન્ડ્રુઝ ચર્ચની અસલ ઈમારત કોળી ખ્રિસ્તીઓએ બંધાવેલી. વડવાળ જાતિના લોકો અસલ જુદાં જુદાં દેશી રાજ્યોના સૈન્યમાં સૈનિક તરીકે કામ કરતા. પણ અંગ્રેજોનું આધિપત્ય સ્થપાયા પછી તેઓ સુતારકામ અને ખેતી જેવા વ્યવસાય તરફ વળ્યા. એટલે તેમના બે ફાંટા પડ્યા: વડવાળ અને સુતાર. 

શહેરી (મુંબઈમાં વસતા) જમાતના લોકો બધી રીતે સૌથી આગળ વધ્યા. અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ, પહેરવેશ, રીતરિવાજ, ખાનપાન, માન્યતાઓ વગેરે તેમણે ઝડપથી અપનાવી લીધાં. અંગ્રેજી તેમની માતૃભાષા બની ગઈ. પોર્ટુગીઝ શાસન દરમિયાન, અને બ્રિટિશ શાસનનાં શરૂઆતનાં વરસોમાં પોર્ટુગીઝો અને અંગ્રેજો આ ‘દેશી’ ખ્રિસ્તીઓ સાથે લગ્ન પણ કરતા. સાલસેટ ખ્રિસ્તી ગોનઝાલો ગાર્સિઆને પહેલા હિન્દી ‘સંત’ (saint) જાહેર કરવામાં આવ્યા. તેઓ મૂળ સાલસેટના વતની. પહેલા રાજકારણી નેતા કાકા જોસેફ બાપ્તીસ્ટા પણ સાલસેટના વતની. તેમણે લોકમાન્ય ટીળક સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું. તેઓ ઇન્ડિયન હોમ રૂલ લીગના પહેલા પ્રમુખ બન્યા હતા. 

પોતાનું અલગ એસોસિયેશન બનાવ્યા પછી આ ખ્રિસ્તીઓએ પોતાની અલગ જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરી. પોતાના સમુદાયના હિતોની રક્ષા કરવા માટે જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવા ઉપરાંત આ કંપનીએ પોતાનું સામયિક શરૂ કર્યું. તેમાં પ્રગટ થતી સામગ્રી મુખ્યત્ત્વે આ ખ્રિસ્તીઓના હક્ક અને વિશેષાધીકારની જાળવણી કરીને તેને વધુ સુદૃઢ બનાવવાની નેમ સાથે પ્રગટ થતી હતી.

આજે જેને Queen of Suburbs કહેવામાં આવે છે તે વાંદરા પશ્ચિમનો કેટલોક ભાગ ઈ.સ. ૧૫૩૪માં પોર્ટુગીઝોએ સ્થાપેલો. નામ આપ્યું ‘બાંડોરા.’ મોટે ભાગે આ નામ પડ્યું સ્થાનિક ભાષાઓ મરાઠી-ગુજરાતીના ‘બંદર’ શબ્દ પરથી. ૨૪૧ વરસ સુધી વાંદરામાં પોર્તુગીઝોનું રાજ રહ્યું. પછી ઈ.સ. ૧૭૭૫માં તે બ્રિટિશ સરકારના તાબામાં આવ્યું. એન્ગલો-મરાઠા લડાઈમાં અંગ્રેજોની હાર થતાં વાંદરા મરાઠા સામ્રાજ્યનો ભાગ બન્યું. પણ ૧૮૦૨માં બાજીરાવ બીજાએ અંગ્રેજો સાથે સંધિ કરી તેને પરિણામે વાંદરા ફરી અંગ્રેજોના તાબામાં આવ્યું, તે છેક ૧૯૪૭ સુધી તેમની પાસે રહ્યું. 

કહે છે કે અસલ બાંદરા ૨૪ ગામડાંનું બનેલું હતું. જેમ જેમ મુંબઈનો વિકાસ થતો ગયો તેમ તેમ એક પછી એક ગામડાં ભૂંસાતાં ગયાં. પણ આજ સુધી તેમાંનું એક બચી ગયું છે – રણવર. સાંકડી ગલીઓ, જૂની પોર્ટુગીઝ બાંધણીના બંગલાઓ, તેની દીવાલો પર ભડક રંગોમાં આલેખાયેલાં ચિત્રો, ગામની વચ્ચોવચ આવેલો ચોક, આરામભર્યું જીવન – ઘડીભર તો તમે ભૂલી જાવ કે તમે મુંબઈમાં છો. તેમાં ય ‘વેરોનિકા સ્ટ્રીટ’ તો આ ગામનું મુખ્ય આકર્ષણ છે. જો કે ‘વિકાસ’ભૂખ્યા બિલ્ડરોની નજર ક્યારનીયે મંડાઈ છે, આ વિસ્તારનું ‘નવનિર્માણ’ કરવા માટે. પણ હજી સુધી તો આ રણવર લગભગ બચી ગયું છે. અહીં આજે પણ બોમ્બે ઈસ્ટ ઇન્ડિયનોની મોટી વસતી.

રણવરનાં ઘરો પરનાં ચિત્રોમાનું એક 

નાતાલનો તહેવાર આ રણવરમાં દિલના સાચા ઉમંગ અને ઉત્સાહથી ઉજવાય છે તેવી રીતે આખા મુંબઈમાં બીજે ક્યાં ય ભાગ્યે જ ઉજવાતો હશે. દરેક બંગલા પર, દરેક ઘર પર રંગબેરંગી રોશની અને કાગળ કે પ્લાસ્ટિકના બનાવેલા તારા (સ્ટાર) ઝગમગતા હોય. દરેક બંગલાના આંગણાં અને પોર્ચને આકર્ષક રીતે શણગાર્યાં હોય. ક્રિસમસ કેક અને બીજી પરંપરાગત વાનગીઓ ઘરે ઘરે રંધાતી હોય તેની સોડમ ચારે બાજુ પ્રસરતી હોય. એ પેરિશનાં ચર્ચ અને સ્કૂલો રોશનીથી ઝગમગતાં હોય. આમ તો બારે માસ આ વિસ્તારની હોટેલોમાં આ લોકોની ખાસ વાનગીઓ ખાવા મળે. પણ નાતાલના દિવસોમાં તો જાણે રંધાતી વાનગીઓની સોડમનું પૂર ઉમટે. આ જમાતના ગાવઠણની એક ખાસિયત એ છે કે ત્યાં ઠેકઠેકાણે, રસ્તાની ધારે નાના-મોટા ક્રોસ જોવા મળે જ. વચમાં મ્યુનિસિપાલિટીને એકાએક આ ક્રોસ નડતર રૂપ લાગ્યા અને તેને રસ્તા પરથી હટાવવાનું શરૂ કર્યું. પણ ઈસ્ટ ઇન્ડિયનોની ચાર મુખ્ય સંસ્થાઓએ ભેગા મળીને એટલો ઉગ્ર વિરોધ કર્યો કે એ કામ પડતું મૂકવું પડ્યું. આ ચાર સંસ્થાઓ તે મોબાઈ ગાવઠણ પંચાયત, ધ બોમ્બે ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન, ધ મહારાષ્ટ્ર ઈસ્ટ ઇન્ડિયન ફેડરેશન, અને મૂળ સંગઠન. પોતાની જમાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિની જાળવણી કરવાના હેતુથી મનોરીના થેરેસા વિલામાં ‘કાકા બાપ્તીસ્તા ઈસ્ટ ઇન્ડિયન મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યું છે. 

આ ઈસ્ટ ઇન્ડિયનોની એક ખાસિયત એ કે તેમણે બીજો ધર્મ અપનાવ્યો, પણ બીજી ભાષા નહિ. આજે પણ એ લોકો ઘરમાં તો મરાઠી-કોંકણીની એક પોતીકી બોલીમાં જ વાતચીત કરે છે, જે ‘મોબાઈ મરાઠી’ તરીકે પણ ઓળખાય છે. લખતી વખતે તેઓ દેવનાગરી કે રોમન લિપિ વાપરે છે. વળી તેમની ભાષાના ઘણા શબ્દો પોર્ટુગીઝ ભાષામાંથી આવ્યા છે અથવા તેમાં ફેરફાર વડે બન્યા છે. જેમ કે ‘પોટેટો’ અને ‘બટાટા’ના મિશ્રણથી બનેલો શબ્દ ‘પટાટા.’ જો કે બીજી ઘણી ભાષાઓની જેમ આ ભાષાથી યુવાનો દૂર થતા જાય છે. અંગ્રેજી તેમની બોલચાલની ભાષા બની ગઈ છે.

તામિલનાડુમાં આવેલું વેલંકની ચર્ચ 

આજની વાતની શરૂઆત આપણે વેલંકની માતાના ચર્ચથી કરી હતી. છેવટે પણ થોડી વાત એ માતા વિષે. વાચકોના મનમાં જરૂર સવાલ થયો હશે કે આ ‘વેલંકની’ એટલે શું? તેનો જવાબ એ છે કે વેલંકની એ એક ગામનું નામ છે જે તામિલનાડુમાં આવેલું છે. ત્યાનું ‘બેઝેલિકા ઓફ અવર લેડી ઓફ ગૂડ હેલ્થ’ એ આ સંપ્રદાયનું મુખ્ય મંદિર છે જે ‘ધ મધર વેલંકની ચર્ચ’ તરીકે વધુ જાણીતું છે. આ ચર્ચ ૧૬મી કે ૧૭મી સદીમાં બંધાયેલું હતું એમ માનવામાં આવે છે. કહે છે કે આ જગ્યાએ માતા વેલંકની (મધર મેરી) સાક્ષાત ત્રણ વખત પ્રગટ થયાં હતાં. આ મંદિરની એક વિશિષ્ટતા એ છે કે તેમાંની મધર મેરીની મૂર્તિને ભારતીય ઢબે સાડી પહેરાવવામાં આવી છે. દર વરસે ૨૯ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી અહીં મેળો ભરાય છે જેમાં લાખો શ્રધાળુઓ ભાગ લે છે.

वेलंकनी मातेचा ध्वज हा, फडफडतोय आकाशी,

संकट दूर करते, तूच आई आमची,
आशीर्वाद दे आता, तूच साहेब आमची…
वेलंकनी मातेचा ध्वज हा, फडफडतोय आकाशी.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 21 માર્ચ 2026

Loading

21 March 2026 Vipool Kalyani
← ચકલી આવી

Search by

Opinion

  • ચકલી આવી
  • ઘટથી વટ
  • સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા એટલે …
  • તેઓ ભલે ‘નિર્દોષ’ છૂટ્યા હશે, પણ વગર વાંકે સજાનું શું?
  • પુલમાં સિક્કો – એક અવલોકન 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved