Opinion Magazine
Number of visits: 9722525
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજાધિરાજ : સંગીત-નૃત્ય-નાટક

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 March 2026

રવીન્દ્ર પારેખ

‘રાજાધિરાજ’ જોયું. કૃષ્ણ પરનાં આ નાટકની ઓળખ, દુનિયાના પહેલા મેગા મ્યુઝિકલ તરીકે, તેની જાહેરાતમાં અપાઈ છે, તેમાં ઘણું તથ્ય છે. પ્રસૂન જોશી લિખિત આ હિન્દી નાટકના સંવાદ ને ગીતો પણ જોશીનાં જ છે. શ્રુતિ શર્મા દિગ્દર્શિત આ નાટકનું સંગીત સચિન જીગરનું છે. તેનાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ભૂમિ નથવાણી છે, તો કોરિઓગ્રાફી બેર્ટવિન અને શમ્પાની છે. ભવ્ય સેટ્સ ઉમંગ કુમારના છે. નીતા લુલ્લા દ્વારા ડિઝાઇન કરાયેલાં અસંખ્ય વસ્ત્રો જે તે સમયને પ્રગટ કરવામાં ઉપકારક નીવડે છે. પાર્થિવ ગોહિલ અને વિરલ રાચ્છ ‘રાજાધિરાજ’ના ક્રિએટિવ પ્રોડ્યુસર્સ છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ધનરાજ નથવાણીની પ્રસ્તુતિ, સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમમાં પણ થઈ. નાટકમાં આમ તો કૃષ્ણલીલા જ કેન્દ્રમાં છે ને કૃષ્ણ જીવન કોઈને અપરિચિત નથી, પણ જે રીતે ભવ્ય સેટિંગ્સ અને રંગોત્સવ વચ્ચે તે પ્રસ્તુત થાય છે, તે અદ્દભુત શબ્દને પણ ઝાંખો પાડે એટલું અદ્દભુત છે. એ રીતે તે ભવ્ય અને રંગીન સંગીત નાટક છે.

શરૂઆતમાં બેત્રણ નેરેટર દ્વારા કથાની માંડણી, સંગીત-સંવાદ સાથે થાય છે. એમાં ગાનારા કલાકારોએ પ્લેબેક લીધું નથી, પણ લાઈવ ગાયકી સાથે કૃષ્ણકથા કહેવાઈ છે. ‘રાજાધિરાજ’ પ્રસ્તુતિમાં ક્યાં ય ઢીલું ન પડે એ રીતે પ્રેક્ષકોમાં છવાયેલું રહ્યું. ટેકનિકલી પણ પરિપૂર્ણ છે, ‘રાજાધિરાજ.’ ભગવાન વિષ્ણુ પાસે વધી રહેલા પાપના નાશ માટે પૃથ્વી જાય છે ને ભગવાન પોતે અવતાર લેશે -એવું કહીને તેને આશ્વસ્ત કરે છે, તે વખતે ‘યદા યદા હી ધર્મસ્ય ..’ ગવાય છે. (કૃષ્ણે હજી જન્મ પણ નથી લીધો અને મહાભારતના કુરુક્ષેત્રમાં અર્જુનને આશ્વસ્ત પણ નથી કરાયો કે ગીતા ઉપદેશવાની પણ બાકી છે, તો તે પહેલાં ‘યદા યદા હી ધર્મસ્ય..’ ગવાય કેવી રીતે?)

પછી તો કંસની બહેન દેવકી સાથે વસુદેવના વિવાહ થાય છે ને આકાશવાણી થાય છે કે દેવકીનો આઠમો પુત્ર તેના મૃત્યુનું કારણ બનશે. કંસ આ જીરવે કઈ રીતે? તેણે એક પછી એક સાત સંતાનોનાં  ભીંતે પછાડીને મૃત્યુ નીપજાવ્યાં. નાટકમાં એ દૃશ્ય બહુ અસરકારક રીતે આવ્યું. નવજાત શિશુ ભીંતે પછાડતાં ત્યાં માત્ર લોહીના ડાઘા ઉપસાવીને સાત સાત મૃત્યુ બતાવાયાં. આઠમું સંતાન જન્મ્યું તો તેને લઈને વસુદેવ જમના પાર કરીને ગોકુળ પહોંચે છે, તે દૃશ્ય વરસાદ અને નદીનાં પ્રવાહ વચ્ચે શેષનાગને લાવીને વધુ અસરકારક બનાવાયું. વિષ્ણુ શેષશૈયા પર પોઢે છે ને કૃષ્ણ જન્મમાં એ જ શેષનાગે છાયા કરી.

કથા કહેવાતી રહે ને કથા બતાવાય પણ, એવું સમાંતરે ચાલ્યું. કૃષ્ણ વિષે આપણને બધી જ ખબર છે ને નાટકમાં એ જ કહેવાતું, ભજવાતું હોય તો, બહુ રસ ન પડે, તો, આપણે કેમ આટલાં કુતૂહલથી તે જોઈ રહીએ છીએ? ઓડિયન્સ ચિક્કાર હતું ને ક્ષણેક્ષણ અકરાંતિયાની જેમ આનંદ માણતું હતું. આટલું બધું માણવાનું કેમ ગમે છે આપણને? તેનું સાદું કારણ તેની પ્રસ્તુતિ છે ને કૃષ્ણ તો પરિચિત છે, પણ જે આપણે જાણીએ છીએ તે ક્યારે ને કેવી રીતે બતાવાય છે, તે આપણી ઉત્કંઠા વધારે છે.

વસુદેવ ગોકુળથી યશોદાની દીકરીને મથુરા લાવે છે ને કંસ તેનો વધ કરવા કારાગારમાં આવે છે. વસુદેવ-દેવકી કહે છે કે આઠમું સંતાન પુત્રી છે, તો તેને જીવવા દો, પણ કંસ સાત સંતાનોની જેમ જ તેને પછાડવા જાય છે ને તે મહામાયા છટકી જાય છે ને વળી આકાશવાણી થાય છે કે તારો કાળ તો ગોકુળ પહોંચી ગયો છે. (આ આકાશવાણીનું પણ ગજબનું તંત્ર છે. તે કંસને બે વાર ચેતવે છે, તે તો ઠીક, કંસ પરનું ભારણ વધારવાની સાથે જ જે ‘કાળ’ છે, તેનાં પરનું જોખમ પણ વધારે છે) કંસ અસુરોને મોકલીને કૃષ્ણનો નાશ કરવાની વાત જ (નાટકમાં) કરે છે, પણ કંઈ વળતું નથી. એમ જ નાગદમનનો પણ ઉલ્લેખ જ થયો, પણ ગોવર્ધન પર્વતને ઊંચકવાનું દૃશ્ય વિઝનરી દિગ્દર્શકની સર્જનાત્મકતાનો ઉત્તમ નમૂનો છે. કૃષ્ણ ટચલી આંગળીએ પર્વત ઊંચકે છે ત્યારે પર્વત, નીચેથી એટલો ઊંચકાતો બતાવ્યો કે તેની નીચે કૃષ્ણ અને પ્રજા ઊભાં રહી શકે. એ દૃશ્ય ભાવવિભોર કરનારું હતું. આખા નાટકમાં જુદી જુદી ટેકનિકનો ક્રિએટિવલી ઉપયોગ થયો છે, એવું જ એક દૃશ્ય હોળીનું છે. બધાં મટકી ભરીને રંગ છાંટે છે, પણ મટકીમાંથી રંગને બદલે લાલ વસ્ત્ર પ્રવાહીની જેમ બહાર પડતું બતાવાયું છે. આ દૃશ્યમાં પણ દિગ્દર્શકે કમાલ કરી છે.

કોણ જાણે કેમ પણ નાટકમાં રાધાકૃષ્ણનો પ્રેમ ઓછો પ્રભાવક રહ્યો. રાસ ને ગીત હોવા છતાં, રાધાકૃષ્ણના પોઝ સુંદર હોવા છતાં, તેમનો પ્રેમ પાંગર્યો નહીં. બધું ઝડપથી સમેટી લેવાયું હોય તેમ લાગ્યું. બીજી તરફ અક્રૂર કળેવળે કૃષ્ણને ગોકુળથી લાવીને મથુરામાં મારવાની યુક્તિ બતાવે છે, ત્યારે કંસ તેના પર કારણ વગર ક્રોધિત થતો બતાવ્યો છે, એમાં પાત્રાલેખનની ખામી હોય એમ લાગે છે. અક્રૂર તો કૃષ્ણને ભક્તિભાવથી જુએ છે. કંસને તે તેના કાળની નજીક લાવી મૂકવાનો પ્રયત્ન કરતો હોય તો પણ, તે ગળે ઊતરતું નથી. એ જ રીતે અહંકાર બતાવવા કંસ અક્રૂર સાથે ક્રૂરતાથી વર્તે એ પણ સહજ લાગતું નથી.

કૃષ્ણને મથુરા જવાનું થાય છે, ત્યારે યશોદા તેને ન જવા દેવા અગાઉ બાંધેલો, એમ દોરથી બાંધે છે, પણ દુનિયાને પ્રેમથી બાંધનારો એમ બંધાઈને થોડો જ રહે? કૃષ્ણબલરામ મથુરા જવા નીકળી જ જાય છે. યશોદા એકલી પડે છે ને તેની પીડા વર્ણવતું જે ગીત છે, તે હૃદયસ્પર્શી છે. કૃષ્ણ વિદાય થાય છે ત્યારે રાધાનો જે વલોપાત હોય તે નાટકમાં જણાયો નથી. કૃષ્ણની વિદાય વખતે રાધાની ખાસ પ્રતિક્રિયા જ આવી નહીં. એ વિદાય તો કૃષ્ણ અને રાધાને માટે ચિરંતન વિરહ નિર્માણ કરનારી હતી, તેનો કોઈ અણસાર આપ્યા વગર જ એ દૃશ્ય પૂરું થઇ ગયું. એ જ રીતે મથુરા પહોંચ્યા પછીનું કંસ વધનું દૃશ્ય કંસને દાદર પર પડતો બતાવીને ને એકાદ મુઠ્ઠી તેની છાતી પર અડકાડીને એમ જ પતાવી દેવાયું. બલરામ હોવા છતાં તેનો નાટકમાં કોઈ ઉપયોગ જણાયો નહીં.

મધ્યાંતર પછી મૂળ કૃષ્ણકથા ફંટાઈ. સમુદ્રમાંથી દ્વારિકા નગરી વિકસાવાઈ ને કૃષ્ણ દ્વારિકાધીશ થયા એ નાટ્યપ્રવાહ વલ્લભાચાર્યના સંપ્રદાય તરફ વળ્યો. વલ્લભાચાર્યને કૃષ્ણના અવતાર તરીકે સ્થાપવાનો પ્રયત્ન (કૃષ્ણ પોતે અવતાર થયા, પછી એમના કોઈ અવતારની કથા મુખ્ય પ્રવાહમાં આવ્યાનું જાણ્યું નથી), શ્રીનાથજીની કથા, ઔરંગઝેબનું આક્રમણ કૃષ્ણ સાથેના સીધા સંઘર્ષનું પરિણામ નથી, તો પણ યુદ્ધ બહુ કલાત્મક રીતે મંચ પર આવ્યું. કેટલાંક દૃશ્યો  આગળ પાછળ, ઊંચે નીચે થયાનું પણ લાગ્યું. જેમ કે સંતોની, અવતારોની વાત પછી કૃષ્ણની વાત સાંધો માર્યો હોય એમ આવી.

એક વાત બહુ સ્પષ્ટ છે કે કૃષ્ણ એટલે જ કર્તવ્ય. તેનું કૃત્ય દ્વારિકાધીશ બનવા પૂરતું જ સીમિત ન હતું. કૃષ્ણનું વિષ્ટિકાર તરીકે મહાભારત અટકાવવાનું ને કર્ણને વડીલ બંધુ તરીકે પાંડવોના પક્ષમાં આવવાનું આમંત્રણ આપવાનું અને સૌથી વધુ તો અર્જુનને ગીતા ઉપદેશવાનું મહત્ત્વનું કાર્ય નાટકમાં ન જણાયું, એટલા પૂરતું કૃષ્ણનું જીવન નાટકમાં અધૂરું રહ્યું. યુદ્ધમાં પોતે શસ્ત્ર ધારણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી ને એ જ યુદ્ધમાં શસ્ત્ર હેઠાં મૂકનાર અર્જુનને શસ્ત્ર ઉપાડવા તૈયાર કરવાના મહત્ત્વનાં અવતાર કૃત્યથી નાટક વંચિત રહ્યું. સંતોનાં કેટલાંક દૃશ્યો ને બદલે કે એકાદબે ગીતોને બાદ કરી શકાયાં હોત (આમે ય પચાસેક મિનિટનાં 11 ગીત-સંગીતનો ઓવરડોઝ થતો હતો તે નિયંત્રિત થઈ શક્યો હોત) તો પ્રેક્ષકોને કૃષ્ણનું ચરિત્ર વધુ માણવા મળ્યું હોત. જો કે, મંગલમ, હાથી ઘોડા પાલકી, ક્યૂં કરું મેં શ્રીંગાર, બોલો રાધે ક્રિષ્ણ (રાસલીલા), કીત કીત ઢૂંઢું, યમુના જળમાં કેસર ઘોળી, કેશવમ, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, હોળીગીત જેવાં ગીતો સરસ રીતે ક્મ્પોઝ થયાં છે ને તે સમૂહ નૃત્ય તથા અદ્દભુત કોસ્ચ્યુમમાં ઉત્તમ કોરિઓગ્રફી દ્વારા પ્રસ્તુત થયાં છે. એ ખરું કે અઢીત્રણ કલાકના નાટકમાં બધી વાતો ના થઈ શકે, પણ થોડાં દૃશ્યો બાદ કરીને એ મુદ્દાઓ પર ધ્યાન અપાયું હોત કથા પ્રવાહ ઓછો ફંટાયો હોત !

આ બધાં પછી પણ ‘રાજાધિરાજ’ એક અદ્દભુત સંગીન અને રંગીન અનુભવ હતો તે સ્વીકારવું જ પડે. નાટકના શો અંગે ને તે વધુ લોકો સુધી પહોંચે એવી જાહેરાતો થતી રહી, પણ સામાન્ય લોકો પહોંચી જ ન શકે, એટલું તે મોંઘું છે. છેલ્લી રોની તેની ટિકિટ 999 રૂપિયાની હતી ને આગલી રોની હતી 4999ની. એ રીતે આ અસહ્ય મોંઘું નાટક છે. આ તો સુરતનાં ભાવ છે, મુંબઈમાં કેટલા હશે તે નથી ખબર, એનો ગેરલાભ એ પણ છે કે એ પછીના નાટકવાળા અમસ્તી જ ટિકિટ મોંઘી કરી દેશે. આમ પણ નાટકો જોવા લોકો ઓછા જ આવે છે, તે આવી મોંઘીદાટ ટિકિટથી વધુ ઓછા આવશે … આ થવા દેવાનું છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 માર્ચ 2026

Loading

16 March 2026 Vipool Kalyani
← માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
ગઝલ →

Search by

Opinion

  • ગઝલ
  • મિનાબ, મેવન અને યુદ્ધનું બદલાતું ગણિતઃ ઝડપના મોહમાં AI પર જવાબદારી ઢોળવી કેટલી યોગ્ય?
  • ચલ મન મુંબઈ નગરી—332
  • રાગિણી (વીમૅન્સ ડે)
  • ગેસ ટ્રબલ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved