છેલ્લા થોડા દિવસોથી, મારા ઘરની નજીકના ટ્રાફિક સિગ્નલ પર મને કેટલાક નવા ચહેરા દેખાતા હતા.
તેમાં એક ઉત્સાહી કિશોરી હતી, અને તેના બે નાનાં ભાઈ-બહેન. તેઓ નાનકડાં રમકડાં અને વસ્તુઓ લઈને લાલ સિગ્નલ થતાં કારોની વચ્ચે ફરતાં.
એક સાંજે તે મારી કારની બારી પાસે આવી, અને પૂછ્યું કે શું હું રમકડું ખરીદીશ ?
મેં નમ્રતાથી કહ્યું, કે મને તેની જરૂર નથી.
Ahaan અને Ignite સાથેના મારા કામને કારણે, મને આવાં બાળકોની પરિસ્થિતિ વિશે થોડું સમજાયું છે. તેથી મેં તેને પૂછ્યું કે શું તે ભણે છે ?
“હા,” તેણે કહ્યું.
તે દસમા ધોરણમાં હતી. તેનાં ભાઈ-બહેન સાતમા અને પાંચમા ધોરણમાં હતાં.
મેં પૂછ્યું કે જ્યારે તેની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે ત્યારે તે રસ્તા પર શા માટે છે.
તે શાંતિથી બોલી : “મારી પરીક્ષા કાલે છે. હું ભણી ચૂકી છું. હું મારી મમ્મીને પૈસા કમાવવામાં મદદ કરી રહી છું.”
તેના જવાબમાં કંઈક એવું હતું કે હું થોડો નિ:શબ્દ થઈ ગયો.
મેં પૂછ્યું : “તું સાચું કહી રહી છે? આ તારી મમ્મી માટે છે?”
તેણે મારી આંખોમાં જોઈને કહ્યું : “મા કસમ.”
માતાના નામે કસમ — બાળક આપી શકે એવી સૌથી મોટી કસમ.
મેં તેને થોડા પૈસા આપ્યા.
તેણે તરત જ માથું હલાવ્યું.
“ના. તમને કંઈક લેવું પડશે.”
મેં કહ્યું કે ચાલશે.
પણ તે આગ્રહ કરતી રહી.
“હું આમ પૈસા લઈ શકું નહીં. તમને રમકડું લેવું પડશે.”
દાન નહીં.
ફક્ત વિનિમય.
ફક્ત માન.
મેં રમકડું લઈ લીધું.
ત્યારે જ સિગ્નલ લીલું થયું અને ટ્રાફિક આગળ વધવા લાગ્યો.
હું આગળ વધતો હતો ત્યારે મેં તેનું નામ પૂછ્યું.
તે બોલી : “મંજુલા.”
e.mail : ashokmkarania@gmail.com
![]()

