
ફ્રેની જીનવાલા
હજુ તો એ નવાં નિશાળિયાં જ હતાં. અને તેમ છતાં એમણે ગજા ઉપરાંતની જવાબદારી હાથમાં લીધી. ડરબનમાંની હિન્દવી જમાતને ધ્યાનમાં રાખીને વકીલાતનો વ્યવસાય એમણે આદર કરેલો. હજુ વ્યવસાયને કોઈ મજબુતાઈ મળે ન મળે તે પહેલાં એમની રાષ્ટૃભાવના પ્રજવળિત થતી લાગી. દક્ષિણ આફ્રિકાની રંગભેદી સરકારે, તે વેળાના ત્રાસવાલ વિસ્તારમાં [આજના ગાઉતેન્ગ – Gauteng – નામક વિસ્તારમાં] આવેલા શાપવિલમાં 69 અશ્વેત લોકોને 21 માર્ચ 1960ના ગોળીએ દીધા. એક બાજુ, ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ને સમાજ-બહિષ્કૃત કરવામાં આવ્યો. તો બીજી પાસ, હજારો આફ્રિકીઓને કટોકટીનો લાભ લઈને ગોરી સરકારે અટકમાં લીધા. કોઈ ઘણીઘૂરી હતું નહીં, તેવે વખતે, ફ્રેની જીનવાલાએ આગળ આવી રાષ્ટૃભાવના જગવવાનો મનસૂબો કર્યો.
ફ્રેની જીનવાલા એટલે પ્રજાસત્તાક દક્ષિણ આફ્રિકાની રાષ્ટૃીય સંસદનાં પહેલવહેલાં સ્પીકર. જાણીતાં સ્વાતંત્ર્યસૈનિક. નીડર પત્રકાર તેમ જ જાણીતાં લેખિકા. એમણે ‘ઇન્ડિયન સાઉથ આફ્રિકન્સ (માયનોરિટી રાઇટ્સ ગ્રુપ રિપોર્ટ નં. 34’); ‘વીમેન એન્ડ ધ લિબરેશન ઑવ્ આફ્રિકા’ તેમ જ ‘ધ પ્રેસ ઇન સાઉથ આફ્રિકા’ જેવાં પુસ્તકો આપ્યાં છે.
ફ્રેનીબહેન હજુ સુધી ‘સલામતી’ પોલીસને ચોપડે નોંધાયાં હતાં જ નહીં, તેથી એમને અજ્ઞાત રહેવાનો કિંમતી લાભ રહેતો હતો. ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ના ત્રણ મુખ્ય આગેવાનો પૈકી એક, વૉલ્ટર સિસુલુએ, આથીસ્તો, એમને કોઈ એક પડોશી રાજ્યમાં પહોંચવા ભૂગર્ભ માર્ગ ગોઠવી આપવા કહ્યું. અને એ વખતના સર્ધન રોહ્ડેશિયામાં [હાલે ઝિમ્બાબ્વેમાં] ઓલિવર ટામ્બોને પહોંચાડી દેવાનો કારસો કર્યો. અને પછીના સમયમાં તો લાગલા આફ્રિકન નેશનલ કાઁગ્રેસની આખી આગેવાનીને આવરદા ભર જેલ ભેગા કરી દેવાયા હતા. અને તેથી આંદોલન માટે ટામ્બો દેશ બહાર હતા તે બહુ જ જરૂરી ઘટના બની રહી.
દક્ષિણ આફ્રિકાના વિસ્તારે વિસ્તારે નાતાલ ઇન્ડિયન કાઁગ્રેસના આગેવાનોને લઈ જવાનું કામ માથે લીધું. સરકારની આ દમનકારી નીતિરીતિને કારણે જેલવાસ ભોગવતા આઝાદીના અસંખ્ય સિપાહીઓનાં પરિવારોને ભૂખ્યા રહેવાનું ન થાય, તે સારુ ભંડોળ એકઠું કરવાનું આ કામ રહેતું. વળી, પોલીસની નજરમાં આવી ગયેલા કેટલાક કર્મશીલ આગેવાનો માટે સંતાઈને રહેવા સારુ સલામત રહેઠાણની તજવીજ કરવાનું પણ આ કામમાં સામેલ રહેતું.
ફ્રેનીબહેનનું પગેરું પોલીસના હાથમાં આવી ગયું તે પછી, સન 1960ના પાછોતરા વરસમાં ફ્રેની જીનવાલા, તે દહાડાના ટૅન્ગાનિકાના મુખ્ય શહેર દારેસલ્લામ જવા છટકી ગયાં. ટૅન્ગાનિકા હજુ ટૅન્ઝાનિયા થયું નહોતું. આફ્રિકન નેશનલ કાઁગ્રેસનું પહેલવહેલું પરદેશે થાણું ઊભું કરવામાં ઓલિવર ટામ્બોને ફ્રેનીબહેન ત્યાં સહાયક નીવડ્યા હતાં. વળી, રોનાલ્ડ સેગલ, યુસૂફ દાદુ પણ ટૅન્ગાનિકા પહોંચી ગયા હતા. સમય જતાં, એમણે દાવો કરેલો કે દક્ષિણ આફ્રિકાની પરદેશેમાં જેટલી એલચી કચેરીઓ હતી, તેનાથી ક્યાં ય વધારે આંદોલન માટેનાં થાણાં હતાં.

જુલિયસ ન્યરેરે જોડે ફ્રેની જીનવાલા
અહીંથી એમણે ‘સ્પીઅરહેડ’ {Spearhead} નામક સામયિક શરૂ કર્યું. પરંતુ એમનો નિખાલસ અને સ્પષ્ટ અવાજ સત્તાવાળાઓને ફાવ્યો નહોતો. તેથી એમને દેશ છોડી દેવાનું કહેવામાં આવ્યું. પરંતુ થોડાક જ વખતમાં દેશના પ્રથમ રાષ્ટૃપતિ જુલિયસ ન્યરેરેએ પાછા વળવા કહેણ મોકલ્યું અને ‘સ્ટાન્ડર્ડ” [Standard] નામે દેશનું અંગ્રેજી અખબાર સંપાદન કરવા સૂચવ્યું. પરંતુ ફરી એક વખત એમની કલમ આકરી લાગવા માંડી અને એમને વધુ એક વાર દેશવટો અપાયો. આમ પરદેશે દેશપાર થયેલાં, ફ્રેનીબહેન ઝામ્બિયા, મોઝામ્બિક, ટૅન્ઝાનિયા તેમ જ યુનાઇટેડ કિંગ્ડમ સમેત દેશપારી વસવાટના કુલ મળીને 30 વરસો લગી દક્ષિણ આફ્રિકાની બહાર હતાં. આ સમય વેળા એમણે ય દેશપરદેશમાં આફ્રિકન નેશનલ કાઁગ્રેસનો અવાજ બુલંદ રાખેલો. સન 1990 વેળા એ પોતાને વતન પાછાં વળ્યાં અને દેશમાં લોકશાહી સ્થપાય તે માટે વાટાઘાટોમાં અગ્રેસર બની રહ્યાં.
•••
ફ્રેની જીનવાલાનો જન્મ જ્હોનિસબર્ગમાં એક પારસી પરિવારમાં 25 ઍપ્રિલ 1932ના થયો. કહે છે કે એમના દાદા મુંબઈથી આશરે 1890 દરમિયાન દક્ષિણ આફ્રિકે લીલાં ચરિયાણની ફિકરમાં આવ્યા હોય તેમ જાણવા મળે છે. ફ્રેનીબહેનના પિતા નસરવાનજી જીનવાલા અને માતા બાનૂ ખમતીધર હતાં. પરિણામે આરંભનું શિક્ષણ જ્હોનિસબર્ગના હિન્દવી વિસ્તાર ફૉર્ડ્સબર્ગમાં લીધાં બાદ, માધ્યમિક શિક્ષણ માટે એમને હિંદ મોકલી આપવામાં આવેલાં. યુનિવર્સિટી ઑવ્ લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો અને ઈન્નર એમ્પલમાંથી બેરિસ્ટરની ડિગ્રી હાંસલ કરેલી. અને પછી ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ થયાં, અને વળી, લીનેકર કૉલેજમાં માનદ્દ ફેલૉ તરીકે ય સેવા આપેલી.
અમેરિકાના જ્યોર્જ ડબલ્યૂ. બૂશ પ્રેસિડેન્શિયલ સેન્ટર માટે ‘ફ્રીડમ કલેક્શન’ નામક ઇન્ટરવ્યૂની શ્રેણી અંતર્ગત મુલાકાત આપતાં ફ્રેની જીનવાલા કહેતાં હતાં, તમે જે કંઈ કરો તેને રાજકારણની પીછવાઈ લાગી જ હોય તેમ જાણવું − તમે ક્યાં રહો છો, તમે કઈ નિશાળે ભણવા જઈ શકો છો, દરિયા કાઠે તમે હરવા-ફરવા-રમવા જઈ શકો છો. રમતગમતનાં મેદાનોમાં રમવા જઈ શકો છો. તમે તો તેમ શકતા નથી કેમ કે તે તેમ જ તેવી સવલતો માત્ર ને માત્ર શ્વેત લોકો માટે જ છે. આમ રાજકારણના સવાલો અડવાના, નડવાના. પરંતુ ધીમે ધીમે અમે રાજકીય રીતે પ્રવૃત્ત થતાં રહ્યાં. અને તે ય કાઁગ્રસયુક્ત આંદોલનમાં. એ ઇન્ડિયન કાઁગ્રેસ હોય કે પછી આફ્રિકન નેશનલ કાઁગ્રેસ હોય. એ દિવસોમાં વ્યક્તિગત સભ્ય બનવાનું વિચારાતું નહીં. દરેક વખતે પ્રતિનિધિમંડળ મોકલવાનું હોય કે આ કે તે સવાલ માટે જાહેર સભા થતી હોય અને તેમાં હાજર રહેવાનું થાય. આમ કોમનો મોટો વર્ગ આવી સભાબેઠકોમાં હાજરી આપે તેમ જ બનતું.
ઇન્ડિયન કાઁગ્રેસનું આંદોલન પ્રાંતીક સ્તરે 1894માં શરૂ થયેલું. દક્ષિણ આફ્રિકામાં વસતી લઘુમતી પ્રજાના હક, અધિકાર માટે આ આંદોલન ચલાવાતું. 1920 સુધીમાં તો વિવિધ આંદોલનો માટે સાઉથ આફ્રિકન ઇન્ડિયન કાઁગ્રેસના વડપણ હેઠળ કામગીરીઓ ચલાવવામાં આવતી. અને આફ્રિકન નેશનલ કાઁગ્રેસનું સ્વરૂપ તો રાજકીય પક્ષનું હતું; અને સરકારની રંગભેદની નીતિરીતિ સામે ઝીક લેતાં લેતાં તેણે કામગીરી કરવાની રહેતી. કેટલીક વખત તો તેની લશ્કરી પાંખ, ‘ઉમકોન્તો વે સિઝવે’ [Umkhonto we Sizwe] હેઠળ હિંસક માર્ગ પણ અખત્યાર કરવામાં આવતો.

સન 1996માં લેવાયેલી આ છબિ છે. દક્ષિણ આફ્રિકાના કેઇપ ટાઉન નગરમાં સંસદ ભવનના શુભારંભ ટાંકણે લેવાયેલી આ છબિમાં (ડાબેથી) સિરીલ રામફોસા, ઝાનેલે મ્બેકી, થાબો મ્બેકી, ફ્રેની જીનવાલા, નેલસન મન્ડેલા, કોબી કોયેત્સી તેમ જ એફ.ડબલ્યુ. દ’ ક્લર્ક દૃશ્યમાન છે.
એક વાર, સન 1970ના પાછોતરા દાયકા વેળા, ફ્રેની જીનવાલા યુનાઇટેડ કિંગડમમાં કાયમી રૂપે સ્થળાંતર કરી ગયેલાં, ત્યારે સમજદારીપૂર્વક ઓલિવર ટામ્બોએ એમના પોતાના દફતરમાં રાજકીય સંશોધનકામના વિભાગના વડા તરીકે ફ્રેનીબહેનની નિમણૂંક કરી દીધેલી. એમનાં કૌશલ્યને જાણે કે બળ મળ્યું. લેખનપટ્ટી, નભોવાણી (બ્રોડકાસ્ટીંગ), જાહેર સભાબેઠકને સંબોધન, આંતરરાષ્ટૃીય સંયુક્ત મહાસભા જેવાં વૈશ્વિક મંડળોમાં આવશ્યક રાજદ્વારી કામોની કુશળતા, જ્યાં જ્યાં ઉપજતું હોય તેવાં પ્રભાવક સ્થાનકોમાં જઈ આવી આંતરરાષ્ટૃીય વ્યૂહરચનામાં દક્ષિણ આફ્રિકાનું ભૌગોલિક સ્થાન તેમ જ અમાપ ખનીજભંડારને કારણે દક્ષિણ આફ્રિકા પર સામ્યવાદીઓ હાવી થઈ જશે એવો એમનો ક્વચિત ભય નાબૂદ કરવા જેવી બાબતોમાં નિપુણતા તેજ બની.
પૂર્વ બ્રિટિશ વડાં પ્રધાન માર્ગરેટ થેચરે નેલ્સન મંડેલાને ‘એકમાત્ર આતંકવાદી’ જાહેર કરવાં છતાં, ખંતીલી પ્રકૃતિને કારણે, કન્સર્વેટિવ વિદેશ પ્રધાન જ્યોફ્રી હાવ ટામ્બોને એક વાર તો મળે તેવી ફ્રેની જીનવાલાએ ગોઠવણ પણ કરેલી. રંગભેદની વિધિવત નાબૂદી થાય તેના આરંભ કાળે, ફ્રેનીબહેને મિત્રો તેમ જ વિરોધીઓને સરખા લેખવાની વલણ દાખવેલી, તેથી સૌ સાથે એમનું વલણ સમથળ રહેતું અને વાદવિવાદ ટાણે ઉન્માદી વલણ અનુભવવા મળતું નહીં. વળી, દેખાવે એ પૂરાં − [très soignée – ટેૃ સ્વા ન્યાય] − સુરુચિયુક્ત સંસ્કારી. સાડીનો છેડો ય સુરુચિપૂર્વક ખભે ટેકવ્યો જ હોય. પરંતુ એમનું મગજ પોલાદી વલણથી ભરપૂર. એમનાં નિજી વર્તૃળમાંથી એક વાર કોઈકે કહેલું સાંભરે છે, ‘દક્ષિણ આફ્રિકામાં લોકશાહીને જડબેસલાખ કરવાની થાય તો આફ્રિકન નેશનલ કાઁગ્રેસ કોઈ પણ જરૂર પગલાં ભરતાં અચકાશે નહીં.’
ફેબ્રુઆરી 1990 વેળા રંગભેદી શાસનના પ્રમુખ એફ.ડબલ્યુ. દ’ ક્લાર્કે આઝાદીની ચળવળ માટે જે કોઈ આંદોલન કે સંસ્થા પર પ્રતિબંધો લદાયેલાં તે ઊઠાવી લેવાની જાહેરાત કરતાં, ફ્રેનીબહેન જીનવાલા વતન પાછાં ફર્યાં હતાં. નેલ્સન મંડેલાના દફતરમાં પરિણામે એમની તત્કાળ નિમણૂંક કરવામાં આવી. આમ 1991 – 1994 દરમિયાન, ફ્રેનીબહેન આફ્રિકન નેશનલ કાઁગ્રેસના સંશોધન વિભાગનાં વડાં તરીકે સેવાઓ આપતાં રહ્યાં. સન 1992 વેળા એમણે રાષ્ટૃીય સ્તરે ‘કોન્સ્પિરેસી ઑવ્ વિમેન’ નામે દરેકને સાંકળતું એક જૂથ ઊભું કર્યું. રંગભેદ વિહોણું બંધારણ ઘડતી વેળા, વાટાઘાટમાં મહિલાઓ માટેની વિગતો શરતચૂકે હાંસિયામાં ધકેલી દેવાય નહીં, તે ધ્યાને લઈ જાતભાતની રાજકીય વિચારધારા ધરાવતી સંસ્થાઓને અને વ્યક્તિઓને, વિવિધ ધર્મમંડળોને, કામદાર મંડળોને તેમ જ નાગરિક સમાજને એક છત્તર હેઠળ એકઠાં કરવાનું એમણે કેન્દ્રગામી રાખેલું. થયું તેમ જ, મહિલાઓની વાતને કોરાણે હડસેલી મુકવામાં આવી. મહિલાઓ પ્રત્યે હિંસાચારના દાખલાઓને પણ ચૂકી જવાયું છે.
આ વ્યાયામથી એટલું પાકું થયું કે જીનવાલા ઉપરાંત બીજી બે મહિલાઓની કામગીરી બાબત ભવિષ્યના રાષ્ટૃપતિ મન્ડેલાને જાણકારી મળતી થઈ. પરંતુ ‘સોહામણાં અને જવાન પારસી મહિલા’ [“a beautiful young Parsee woman”] સરીખાં એમનાં ઉચ્ચારણોથી મન્ડેલાની છાપ મેલી બની તેમ જ ખરડાઈ ચૂકી. ફ્રેની જીનવાલાએ આશ્ચર્ય સહ પૂછી પાડ્યું, મન્ડેલાના ભાવિ ઉત્તરાધિકારી થાબો મ્બેકીને આથી કહી શકાય : ‘ફૂટડા યુવાન ખોસા [Xhosa] પુરુષ’ [“a handsome young Xhosa man”].
ઍપ્રિલ 1994માં થયેલી પહેલવહેલી લોકશાહીમૂલક ચૂંટણીમાં ફ્રેની જીનવાલા દક્ષિણ આફ્રિકાની સંસદ માટે ચૂંટાયેલાં જાહેર થયાં. અત્યાર સુધીની કામગીરીનો ચીલો જોતાં, આફ્રિકન નેશનલ કાઁગ્રેસની આવડી મોટી બહુમતી મળી, એ પછી ફ્રેની જીનવાલા સંસદના સ્પીકર પદે નિયુક્ત ન થાય તો જ નવાઈ લાગે. અહીં પણ એમણે વ્યાજબીપણું પૂરી શિસ્ત સાથે જાળવી રાખ્યું. મુખ્યત્વે શ્વેત લોકોનો ટેકો જાળવતા ‘ડેમોક્રેટિક અલાયન્સ’ના નેતા ડગ્લાસ ગિબસન કહેતા હતા તેમાં વજૂદ છે : ‘નાના નાના પક્ષોના પ્રતિનિધિઓને પણ ઉચિત માન આપવામાં આવે અને દરેક ચર્ચા બેઠકમાં, વિષયવાર સમિતિઓમાં તેમ જ અન્ય સમિતિઓમાં પણ એમને સાંભળવામાં આવે એવો તેમનો રવૈયો રહેતો.’
આ પદેથી એમણે દાયકાની સેવાઓ આપી, અને પછી સન 2004માં નિવૃત્ત થયાં. સંયુક્ત રાષ્ટૃ સંઘ તેમ જ બીજીત્રીજી આંતરરાષ્ટૃીય સંસ્થાઓ વાટે સરસ હકૂમત જળવાય તેમ જ માનવીય અધિકારો સારુ સક્રિયપણે એ ઉત્તેજન આપતાં રહ્યાં. સન 2005થી યુનિવર્સિટી ઑવ્ ક્વાઝુલુ નાતાલના કુલપતિ પદે પણ એક સત્ર માટે રહ્યાં હતાં. વળી, નેલ્સન મન્ડેલા ફાઉન્ડેશનનું એક સ્થાપક ટૃસ્ટીપદ પણ જાળવ્યું હતું.
ફ્રેની જીનવાલાનો દેહાન્ત 12 જાન્યુઆરી 2023ના થયો હતો. દક્ષિણ આફ્રિકાના સાંપ્રત રાષ્ટૃપતિ સિરિલ રામફોસાએ એમને અંજલિ આપતાં કહેલું, ‘દક્ષિણ આફ્રિકાના નાગરિકોને જે અધિકારો પ્રાપ્ત થયા છે તેમ જ ભૌતિક સુખસગવડ ભોગવવાને મળ્યા છે, તેનો પ્રાથમિક યશ ડૉ, જીનવાલાની નેતાગીરી હેઠળ લોકશાહીમૂલક સંસદના ઉદ્દઘાટન સમારોહ વેળા અપાયેલાં વક્તવ્યો છે.’
30 જાન્યુઆરી 2023ના “ધ ગાર્ડિયન”માં પ્રગટ ડેનિસ હર્બસ્ટીન લિખિત ‘ઓબિચ્યુરી’નો આધાર લઈ કરેલો ગુજરાતી અનુવાદ. ઉપરાંત ઈન્ટરનેટ પરની વિવિધ સામગ્રીઓનો આધાર)
02 માર્ચ 2026
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ
E.mail : vipoolkalyani.opiniopn@btinternet.com
![]()

