બે મહિના પહેલા, ડ્રાઇવિંગ લાયસન્સ માટેની થિયરી એક્ઝામ પાસ કરી, ત્યારે અખિલ વિશ્વ વિજેતા જેવી ફીલિંગ આવી હતી. યુ.કે.માં ડ્રાઇવિંગ થિયરીમાં કુલ 45 ટકા લોકો જ પાસ થાય છે, અને મારા તો 50માંથી 50 માર્ક્સ આવ્યા. એટલે મને થયું કે, થિયરીમાં ફુલ માર્ક્સ વાળાને સીધું લાઇસન્સ આપી દેવું જોઈએ, પ્રેક્ટિકલ એક્ઝામ ન લેવી જોઈએ. પછી જાણ્યું કે, થિયરી પાસ કરેલા લોકોમાંથી 50 ટકા જ પ્રેક્ટિકલ એક્ઝામમાં પાસ થાય છે. ભારતમાં કાર ચલાવેલી હતી, એટલે મને થયું કે અહીંનું શીખતાં બહુ વાર નહિ લાગે. ત્યાં વળી એક ભારતીય મિત્ર રાજવીએ કહ્યું, “ઇન્ડિયામાં કાર બહુ ચલાવેલી છે? કે થોડીક જ?” મેં કહ્યું, “થોડીક જ.” એણે કહ્યું, “હાશ! તો વાંધો નહિ. બહુ ચલાવી હોત તો ભૂલતા વાર લાગત.” મતલબ, અહીં પ્રમાણે કાર ચલાવતાં શીખવું હોય તો પહેલા ભારતીય સ્ટાઇલ પ્રમાણે ચલાવવાનું ભૂલવું પડે!
રાજવીએ મને સ્ટેફીનો નંબર આપ્યો : “આ અમેરિકન લેડી છે. પણ સરસ શીખવાડે છે.” યુ.કે.માં બધાં જ દેશનાં લોકો હોય, પણ યુ.કે. કરતાં માલદાર દેશો જેવાં કે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાની પબ્લિક ભાગ્યે જ જોવાં મળે. આપેલા ટાઈમે સ્ટેફીનો ફોન આવી ગયો, “ફ્લેટની નીચે ઊભી છું, આવી જા.” ટોયોટા C-HR કાર લઈને (મારા કરતાં સહેજ ઓછી) આધેડ વયની મહિલા ઊભી હતી. “હાય હેલો” અને પરિચય કર્યા પછી મને પૂછ્યું, “ઇન્ડિયામાં કાર ચલાવી છે?” મેં શરમાતા શરમાતા “હા” પાડી. મને ડ્રાઇવિંગ સીટ પર બેસાડી, પછી કહે, “ગરદન મારી તરફ ફેરવ.” “હવે ઊંધી તરફ ફેરવ.” “હવે ગોળ ગોળ ફેરવ.” મને મનમાં થયું, “તને ગરદનનાં યોગાસન કરવા નથી બોલાવી.” એણે કહ્યું, “યુ.કે.માં ડ્રાઇવિંગ માટે આ જરૂરી છે. ચલાવતા ચલાવતા ડોકું ક્યારે ફેરવવાનું, કઈ તરફ ફેરવવાનું, કેટલું ફેરવવાનું … એ જ શીખવાનું છે.”
પછી તો બે મહિના સુધી ડ્રાઇવિંગનાં લેસન ચાલ્યાં. સ્ટેફી મને યુ.કે. અને અમેરિકાનાં ડ્રાઇવિંગ વચ્ચે શું ફરક છે એ કહે. અને હું સ્ટેફીને ભારતના ડ્રાઇવિંગ વિશે કહું. યુ.કે.માં ડ્રાઇવ કરવા માટે અવલોકન, આંખો અને ગરદનની મુવમેન્ટ બહુ જરૂરી છે, ડ્રાઇવરમાં ચતુરાઈ હોવી જોઈએ. USAનું ડ્રાઇવિંગ ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કારણે સુવિધાજનક છે, ડ્રાઇવરમાં કોમન સેન્સ હોય એ પૂરતું છે. જ્યારે ભારતનું ડ્રાઇવિંગ લોકોનાં જીગર પર ટકેલું છે, ડ્રાઇવરમાં હિંમત હોવી જોઈએ. ગઈકાલે મેં ભવ્યતિભવ્ય રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કર્યો, હવે મારી પાસે યુ.કે. ડ્રાઇવિંગ લાયસન્સ છે. ફિનલેન્ડ પછી દુનિયાના બીજાં નંબરનાં સૌથી મજબૂત ડ્રાઇવિંગ લાઇસન્સની હવે હું માલિક છું. દુનિયામાં સૌથી લાંબી ડ્રાઇવિંગ ટેસ્ટ લેનારા દેશોમાં ચોથા નંબરે આવતાં દેશનું ડ્રાઇવિંગ લાઇસન્સ હવે મારી પાસે છે. મારી વાહવાહી કરો, પ્રશંસાનાં ગીતો ગાવ.
ના, આ કોઈ મજાક નથી. ખરેખર અઘરું હતું. પરીક્ષામાં 40 મિનિટ સુધી કાર ચલાવવાની હતી. અને આપણે ત્યાંની જેમ ખુલ્લા મેદાનમાં આઠડો નહોતો પાડવાનો. રસ્તા પર ટ્રાફિકમાં ચલાવડાવે, પછી હાઇવે પર પણ લઈ જાય. સ્ટેફીએ મને કહી દીધેલું, “ટોટલ કેટલી ભૂલ એલાઉડ છે તે ખબર છે ને? ઝીરો. એક મોટી ભૂલ એટલે ફેઈલ.” મોટી ભૂલ કોને કહેવાય? લેન બદલતી વખતે કાચમાં જોવાનું રહી જાય, કે રિવર્સ લેતી વખતે પાછળ તરફ ગરદન ફેરવીને ચેક કરવાનું રહી જાય, અથવા ટર્ન લીધા પછી ઇન્ડિકેટર બંધ કરવાનું ભૂલી જાઓ … આ બધી એમની મોટી ભૂલ. સ્ટેફીએ કહેલું કે, અહીં એક્ઝામીનરનું પણ રેગ્યુલર ચેકીંગ થતું હોય છે. જો તું ભૂલ કરે અને તો ય એ તને પાસ કરે, તો એની નોકરી જાય. આપણે ત્યાંની જેમ પૈસા ખવડાવીને પાસ થઈ જવાનો વિચાર મારા મનમાં જન્મેલો. પણ એના જન્મ બાદ તરત સ્ટેફીએ એને મારી નાખ્યો.
પ્રેક્ટિકલમાં ટોટલ 50 ટકાથી ઓછા લોકો પાસ થાય છે, તે ખ્યાલ હતો. પણ મેં જે સેન્ટરમાં ટેસ્ટ બુક કરાવેલી ત્યાં કેટલા પાસ થાય છે, એ ચેક કરવાની ઇચ્છા થઈ. જોયું, તો ખબર પડી કે બેલ્વેડિયરમાં ખાલી 30 ટકા લોકો પાસ થાય છે. મારા તો મોતિયા મરી ગયા. મેં ચેક કર્યું, આખા યુ.કે.માં સૌથી ઓછો પાસ રેટ ક્યાં છે? જે જવાબ આવ્યો એ જોઈને પગ નીચેથી જમીન ખસી ગઈ. બેલ્વેડિયર જ. હાય રે કિસ્મત! આખા યુ.કે.માં જ્યાં સૌથી વધારે ડ્રાઇવરો ફેઈલ થાય છે ત્યાં જ મારે ટેસ્ટ બુક કરવાનો હતો! યુટ્યુબમાં બેલ્વેડિયર, ઇરીથ ટેસ્ટ સેંટરના વીડિયો જોયાં. એમાં જોયું કે, બીજાં એરિયામાંથી આવેલાં ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર પણ જો આ એરિયામાં આવીને એક્ઝામ આપે તો ઘણીવાર ફેઈલ થઈ જતાં હોય છે. “મમ્મી, બચાવો મને” નાનું છોકરું બૂમો પાડે એમ મન બૂમ પાડવા લાગ્યું.
એક્ઝામના દિવસે પંચામૃત ખાઈને સ્ટેફી જોડે ટેસ્ટ સેન્ટર પર પહોંચી. “હાય સ્ટેફી, આ તારી સ્ટુડન્ટ છે?” સવાલ પૂછતાં પૂછતાં એક ગોરો ફૂટડો યુવાન રૂમમાં આવ્યો. સ્ટેફીએ મને ઈશારાથી કહ્યું, ‘આ તારો એક્ઝામીનર છે.’ સ્ટેફી જોડે થોડી મજાક મસ્તી કર્યા પછી યુવાને મને કહ્યું, “મારું નામ ટેમી. લાવ તારું પ્રોવિઝનલ લાઇસન્સ, ચેક કરું. અને રેડી હોય તો નીકળીએ.” હજુ મને મનમાં હતું કે, આ તો સ્ટેફીને બહુ સારી રીતે ઓળખતો હોય એવું લાગે છે. આમાં મારું પાસ થવાનું કંઈ સેટિંગ થાય એમ હોય તો સ્ટેફીએ કરવું ના જોઈએ? સેટિંગ તો દૂરની વાત, મને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ખબર પડી કે, સ્ટેફી તો ટેસ્ટમાં પણ સાથે નહિ આવે. મારે એકલાએ ચાલીસ મિનિટ સુધી ટેમી કહે ત્યાં ત્યાં કાર ડ્રાઇવ કરવાની, અને એ બાજુમાં બેઠો બેઠો મારી ગરદન અને નજર બરાબર ફરે છે કે નહિ, એ જોઈને માર્ક મૂકતો હોય. આનાથી વધારે ખરાબ કે ભયજનક કશું હોઈ શકે? હા, હોઈ શકે. જેવાં હું અને ટેમી કારમાં બેસવા ઓફિસ બહાર નીકળ્યાં ત્યાં એક 50-55 વરસનાં સાહેબે અમને રોક્યાં. ટેમી એમને જોઈને નર્વસ થઈ ગયો. ટેમી ધીમા અવાજે બોલ્યો, “આ સાયમન છે. અમારા સિનિયર એક્ઝામીનર છે. આજે મારી સરપ્રાઈઝ એક્ઝામ ગોઠવી લાગે છે. એ પણ આપણી સાથે આવશે, મને ચેક કરવા.”
તમે સમજો છો આ પરિસ્થિતિ? દુનિયાનાં one of the most difficult ડ્રાઇવિંગ ટેસ્ટ વાળાં દેશમાં, ટેસ્ટ આપવા માટે મેં એ દેશનો સૌથી અઘરો એરિયા પસંદ કર્યો. એમાં પાછું મારા જ ટેસ્ટમાં મારા એક્ઝામીનરનું ચેકીંગ આવી ગયું. એટલે એ મને પાસ કરે તો એ પોતે ફેઈલ થાય. હું ડ્રાઇવિંગ સીટ પર, ટેમી મારી બાજુમાં, અને પાછળ સાયમન … અમે ત્રણેય જણ ગોઠવાયાં. કાચમાંથી દેખાતું હતું કે, સ્ટેફી ઓફિસમાં બેઠી બેઠી કોફી પીતી હતી … મને એક્ઝામીનર અને એક્ઝામીનરના એક્ઝામીનર જોડે છોડીને. એના પર ગુસ્સો આવતો હતો મને.
ટેમીએ પહેલા મને કાર પાર્કિંગ પ્લોટની બહાર લઈ જવા કહ્યું. સ્ટીયરિંગ પર મારા હાથ ધ્રૂજતા હતા. જેવી કાર પાર્કિંગની બહાર નીકળી, એણે કહ્યું હવે પાછી રિવર્સમાં લે. અને પેલા ખાનામાં ફરી પાર્ક કરી બતાવ. સ્ટેફીએ શીખવાડેલું એમ, ઘુવડની જેમ 180 અંશના ખૂણે ગરદન પાછળ ફેરવીને સહેજ રિવર્સ લીધી, પછી બીજી તરફથી 180 અંશના ખૂણે ફેરવી પાછી સહેજ રિવર્સ લીધી. એમ કરી કરીને એડજસ્ટ કરતાં કરતાં, ગરદન મરડી મરડીને પાછી પાર્કિંગની જગ્યાએ પહોંચાડી. ટેમી મારી ડોકી ગોળ ગોળ ફરે છે કે નહિ એ જોતો હોય, અને સાયમન ટોમી બરાબર જોવે છે કે નહિ એ જોતો હોય. પાર્કિંગ માટે જે લીટીઓ દોરી હોય એમાંથી ટાયર જો સહેજ પણ બહાર નીકળી જાય … તો ફેઈલ! પણ મારે વાંધો ન આવ્યો.
પછી મને કહ્યું હવે પાછી બહાર લે, રોડ પર લઈ જા. રોડ પરથી એક મોટા સર્કલ (અહીં એને Roundabout કહેતાં હોય છે) પર લઈ ગયા. એ ય મેં બરાબર રીતે ક્રોસ કરી નાખ્યું. થોડો કોન્ફિડેન્સ આવ્યો. સ્વાભાવિક છે કે, મારો કોન્ફિડેન્સ આવતો જાય એમ ટેમી વધારે નર્વસ થતો જાય. એના પર ભૂલ શોધવાનું પ્રેશર હતું. પછી મને હાઈ-વે (અહીં એને motor way કહેવાય છે) પર લઈ ગયા. હાઈ-વે પર મિનિમમ 50 માઇલની ઝડપે (80 કિ.મી./કલાક) ફરજિયાત કાર ચલાવવાની. સ્પીડ ઘટે તો ફેઈલ! પછી ટેમીએ મારી જોડે વાતો ચાલુ કરી. “એટલે તમારે ગ્રીનીચની બધી સ્કૂલોમાં વિઝીટ કરવાની હોય છે કે અમુક એરિયાની સ્કૂલોમાં જ?”, “અચ્છા, તો સેન્ટ પાઉલ સ્કૂલમાં ગયા મહિને કેટલી વાર જવાનું થયું હતું?” “મહિને લગભગ કેટલા છોકરાઓના કેસ સોલ્વ કરો?” નાલાયક, અહીં 80ની સ્પીડમાં ગાડી દોડે છે, બાજુમાંથી દૈત્ય જેવી ટ્રકો રમારમ પસાર થાય છે, મારી એક્ઝામ ચાલે છે, મારી તો છોડ તારી પણ એક્ઝામ ચાલે છે, અને તું વાતો શેનો કરાવડાવે છે? પછી મને ખ્યાલ આવ્યો કે, આ એક્ઝામનો જ એક ભાગ છે. માળું હાળું હાઇવે પર લઈ જઈને જાણીજોઈને વાતો કરાવડાવે છે. મને ફેઈલ કરવા એ જીવ પર આવી ગયો હતો. એની વાતોના અડધા પડધા જવાબ આપીને પણ મારી નજર અને ડોક અરીસામાં સતત જોતાં રહ્યાં. પાછળથી આવતાં વાહનો બાબતે ગફલત કરવી પોસાય તેમ નહોતું. મારે પાસ થવું હતું.
પછી પાછા સિટીમાં લઈ ગયા. વચ્ચે બે-ત્રણ વાર રસ્તાની સાઈડ પર પાર્ક કરાવડાવી. પાર્ક કર્યા પછી પાછી ઉપાડો એટલે પાછી જોરદાર ગરદન ફેરવવાની. પાછળથી વાહન આવતું હોય, ભલે એ રસ્તાની વચ્ચે હોય, ભલે આપણી કાર સાઈડમાં હોય, પણ એ દરમિયાન જો તમે કાર સ્ટાર્ટ કરો તો ફેઈલ! આટલી બધી સેફટી અને ડિસ્ટન્સ એમનાં પૂર્વજો રાખતાં હોત તો આ લોકો જન્મ્યા જ ન હોત. ફક્ત રિવર્સ કેમેરામાં જોઈને કે અરીસામાં જોઈને જજમેન્ટ લો, તો ફેઈલ. ગરદન ફેરવી ફેરવીને દુખાડો તો જ પાસ. સ્ટેફીએ કહેલું, અમેરિકામાં કે ઇન્ડિયામાં આપણે સેન્સર, કેમેરા, મિરરના આધારે નિર્ણય લઈએ, અહીં એવું નથી ચાલતું. મેં મનમાં કહેલું, “ઇન્ડિયાને અમેરિકા જોડે મૂકવા માટે આભાર. બાકી અમે તો ત્યાં હિંમતના આધારે જજમેન્ટ લઈએ છીએ. જેનામાં વધારે હિંમત હોય એ પહેલો જાય. ઓછી હિંમત હોય એ, વધારે હિંમત વાળો જતો રહે, પછી જાય.”
છેલ્લે, પાછાં ટેસ્ટ સેન્ટર પર પહોચ્યા. મારા ખ્યાલથી ખાસ ભૂલો નહોતી પડી. “મોટી” ભૂલ તો કદાચ એકપણ નહોતી. તો ય મને ન ખબર હોય પણ એણે નોટિસ કરી હોય એવું બને. ટેમી પાસેથી સાયમને એક્ઝામનું કાગળ લીધું, જોયું. અને કહ્યું, “વેરી વેલ ડન.” હું ખુશ થવાની હતી, પણ યાદ આવ્યું કે મને નહિ, ટેમીને ‘વેલ ડન’ કહ્યું છે. મતલબ, હું ફેઈલ? સાયમન તો ટેમીને કાગળ પાછું આપીને જતો રહ્યો. પછી ટેમીએ મને કહ્યું, “વેલ ડન. You have passed the test. એક જ ભૂલ માર્ક કરી છે, બહુ ધીમી ચલાવો છો, યાર! પણ જ્યાં ધીમી ચલાવવાથી સેફટી જોખમાય, કે પાછળ આવતાં ડ્રાઇવરોને અડચણ થાય એવી જગ્યાએ ધીમે નથી ચલાવી. એટલે એને નાની ભૂલ ગણી છે. પાસ કરીએ છીએ. રસ્તાની સ્પીડ લિમિટ હોય એના કરતાં એકાદ બે માઇલ જ ઓછી સ્પીડ રાખવાની.”
સ્ટેફી બહાર આવીને મને ગળે મળી. Congratulations કહ્યું. હું ઓળઘોળ થઈને એને “thank you so much” અને એવું બધું કહેવાની હતી. પણ એક વાત યાદ આવી, એટલે એને મારાથી દૂર કરીને મેં ગુસ્સાથી કહ્યું, “ઓલો હાઇવે પર લઈ જઈને વાતો કરાવવાનો હતો, એક્ઝામનો એ પાર્ટ તને ખબર નહોતી? તે મને એની પ્રેક્ટિસ કેમ નહોતી કરાવી?” એ તો કારમાં પેસેન્જર સીટ પર બેસી ગઈ, અને કહેવા લાગી, “કાર સ્ટાર્ટ કર. ચલાવતા ચલાવતા વાતો કરીએ.”
https://www.facebook.com/share/p/17yx5h1fUu/
![]()

