સરકારને ઉખાડી ફેંકવાની ધમકી અને આત્મવિલોપનની જાહેરાત ઉપર આખો કેસ ઊભો કરાઈ રહ્યો છે પણ મૂળ વક્તવ્યમાં આ બે વાત તો ગોતી જ જડતી નથી એપ્સ્ટીન ફાઈલ્સ તો માનો કે દૂર પડી (ખરું જોતાં જો કે એટલી દૂર નથી, પૂછો કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીને), પણ ઘરઆંગણે પેલા જે એક સોનમ વાંગચુક હતા, થ્રી ઇડિયટ્સ ફેઇમ, ક્યાં છે એ આજકાલ? લદ્દાખથી દિલ્હી તંત્ર એમને ઉપાડી ગયું તે છેક જોધપુર લગી.
જલવાયુ પરિવર્તનને મોરચે એક સિપાહી સરખા સોનમ અચ્છા લોકવિજ્ઞાની છે અને એ દિશા માંહેલુ એમનું નેતૃત્વ ને કર્તૃત્વ તેઓ નાગરિક સમાજની ખિદમતમાં પ્રયોજી રહ્યા છે. પત્ની ગીતાંજલિ, હુલાવેલા ફુલાવેલા ભળતાસળતાં આરોપસર વતનથી સોળસો કિલોમીટર દૂર બિલકુલ વિપરીત આબોહવામાં જેલ ગોંધાયેલ પતિને મળવા દર વિમાની ખેપે ખાસા એંશી હજાર રૂપિયા ક્યાંથી જોગવી શકે? દિલ્હી રહી આવ-જા કરવાની ને મિત્રસહાયની રીતે ગોઠવાયું તે ગોઠવાયું.
શો છે વાંકગુનો બંધુ વાંગચુકનો? લોકલક્ષી વિજ્ઞાનકર્મી છે, અને લદ્દાખના લોકોનું સહભાગિતા પૂર્વકનું શાસન વાંછે છે. મોદી શાસને જ્યારે 370મી કલમ નાબૂદ કરી ત્યારે લદ્દાખને વિધાનસભા વગરની યુનિયન ટેરિટરી બનાવી. સોનમની સીધીસાદી માંગ એ છે કે અમને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવી તે મુજબ સ્વાયત્ત કાઉન્સિલની સોઇ આપો જે સ્થાનિક સહભાગિતા અને સ્વશાસનનો અહેસાસ જગવે. 2019માં 370મી નાબૂદ થઈ તે પછી સોનમ આ મુદ્દે શાંતિમય આંદોલન કરતાં રહ્યા છે. એની શૃંખલામાં સપ્ટેમ્બર 2025માં એમણે પાંત્રીસ દિવસના ઉપવાસનો ઉપક્રમ હાથ ધર્યો હતો. એક તબક્કે, સાધારણપણે એમનાં આંદોલનમાં કદાપિ નહીં એમ હિંસાએ દેખા દીધી. વાંગચુકે ઉપવાસ તરત પાછા ખેંચ્યા. ‘આ તો મારા પાંચ પાંચ વરસ પરના સંઘર્ષ પર પાણી ફેરવતી બીના છે’, એવા વ્યથિત ઉદ્ગારો સાથે એમણે દોહરાવ્યું, ‘હિંસા કંઈ આપણો માર્ગ નથી.’
મુદ્દે ગમે તે કારણ હોય, કેન્દ્ર સરકાર લદ્દાખના નાગરિક ચૈતન્ય પરત્વે અસહજ પેશ આવતી રહી છે. પ્રતીતિકર લોકભાગીદારી સાથેની શાંતિમય રજૂઆત બાબતે તે બિલકુલ બહેરી રહેતી આવી છે. જેવો હિંસાનો બનાવ બન્યો, તક ઝડપીને તંત્રે સોનમને પકડ્યા ને જોધપુરમાં ગોંધ્યા. અને પકડવામાં તથ્યનિરપેક્ષ માન પણ અજબગજબનું આપ્યું કે તમે સુરક્ષા પરત્વે ખતરો જગવો છો. નેશનલ સિક્યોરિટી એક્ટ- એન.એસ.એ. હેઠળ લીધા તે લીધા.
ગીતાંજલિને ક્યાં ય સુધી પકડહુકમની ધોરણસરની નકલ માટે ટટળવું પડ્યું. ક્યાં છે મારા પતિ, ગીતાંજલિએ હેબિયસ કોર્પસને ધોરણે સુપ્રીમની દેવડીએ ધા નાખી. સરકારી વકીલોની મુદ્દતપાડુ રજૂઆત અને ધોરણસરની ગુનાવિગતનો અભાવ અદાલત એમને જે રીતે ઘઘલાવે છે એમાં સાફ વરતાય છે. ચાલુ અઠવાડિયે જે સુનાવણી થઈ એમાં સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે કહ્યું, એવું કેવી રીતે બની શકે કે સોનમ વાંગચુકના કથિત ત્રણ મિનિટના વક્તવ્યનું ભાષાંતર-લિપ્યંતર સાત મિનિટ લે. અને પછી જે થઈ મજા, નામદાર અદાલતે સરકારી વકીલસાહેબને પૂછ્યું, તમે જે વક્તવ્યમાં રાજદ્રોહ જોયો છે, એ વક્તવ્યમાં એવું તે શું છે? તમારી રજૂઆતમાં તમે કહ્યું છે કે સોનમે આત્મવિલોપનની વાત કરતાં લોકો ઉશ્કેરાયા હતા અને સરકારને ઉખાડી મૂકો એવી એમની હાકલે બળતામાં ઘી રેડ્યું હતું. એથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ઊભો થયો હતો. પણ તમે પુરાવા તરીકે કરેલ વક્તવ્યમાં ક્યાં ય આ બે વાત તો છે જ નહીં. વકીલસાહેબોએ લાળા ચાવ્યા, ભાષાંતરની મુશ્કેલી છે. જજસાહેબોએ કહ્યું, (ભલા ‘દમી ક્યા જમાનામાં જીવો છો) ‘એ.આઈ. હાજરાહજૂર છે.’ અને આ આખા કેસ-કકળાટમાં ખૂબીની વાત કોઈ હોય તો એ છે કે અનુસૂચિ 6 (244- 2, 275-1) અન્વયે ઓટોનોમસ કાઉન્સિલનું વચન ભા.જ.પે. પોતાના સ્થાનિક ચૂંટણીઢંઢેરામાં 2020માં આપ્યું હતું. વળી સુનાવણી થશે, પણ આખો કેસ અદાલતે કહ્યું તેમ કહ્યું નહીં તે સાંભળ્યું અને સાંભળ્યું નહીં તે કહ્યું એમ ચાલે છે.
જય સુરક્ષા.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 18 ફેબ્રુઆરી 2026
![]()

