
રવીન્દ્ર પારેખ
ગઈ કાલના જ સમાચાર મુજબ સુપ્રીમ કોર્ટે FSSAI (ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ) અને કેન્દ્ર સરકારને કહ્યું છે કે પેકેજ્ડ ફૂડ પર ‘ફ્રન્ટ-ઓફ-પેક વોર્નિંગ લેબલ’ લગાવવા મુદ્દે વિચાર કરવામાં આવે. આમ તો તૈયાર ફૂડ પેકેટ્સ આરોગ્યના શત્રુ છે, પણ તેની વેચનાર કે ખરીદનાર બહુ ચિંતા કરતા નથી. ન્યૂટ્રિશનલ વેલ્યુ શું છે તે પેકેટના પાછલા ભાગમાં ઝીણા અક્ષરે છપાયેલી હોય છે, એટલે તે તરફ ધ્યાન જતું નથી ને આપણે તે જાણ્યા વગર જોખમો ઘરે લાવતાં હોઈએ છીએ. એ જ કારણે સુપ્રીમે FSSAI અને સરકારને કહ્યું કે ન્યૂટ્રિશન વેલ્યુ પેકેટની આગળ પ્રગટ કરવી, જેથી ખરીદનાર તે જાણીને ખરીદ કરે. જો કે, આપણે એ વેલ્યુ વિશે જાણીશું, એટલે જોઈ તપાસીને જ ખરીદીશું એવી ખાતરી નથી. હકીકત જ એ છે કે તૈયાર ફૂડ પેકેટ્સ જોખમી જ છે તો વેલ્યુ આગળ છપાય કે પાછળ, શો ફરક પડે છે? આપણે ભાગ્યે જ સુગર, ફેટ, સોલ્ટ … વગેરેની માત્રા જોઈને ખાદ્યપદાર્થ ખરીદતા હોઈએ છીએ. કયો ખાદ્યપદાર્થ કેટલો આરોગ્યપ્રદ છે કે નથી, તે ભાગ્યે જ કોઈ જુએ છે. મોટે ભાગે તો પેકેટ્સ ખરીદાય છે ને તેને ઘરભેગાં કરી દેવાય છે.
સુપ્રીમનું માનવું છે કે ન્યૂટ્રિશન વેલ્યુ છપાઈને સામે જ દેખાશે તો ગ્રાહકો તે ખરીદતી વખતે જોશે અને પેકેટ ખરીદવું કે નહીં તેનો નિર્ણય કરશે. આમ આગળ વેલ્યુ છાપવી તેને ‘ફ્રન્ટ-ઓફ-પેક લેબલિંગ’ કહે છે, પણ જે પેકેટમાં, વેલ્યુમાં જ વધઘટ હોય, તો તે સરભર કરાવવાને બદલે કે તે રદ કરાવવાને બદલે, જોખમી તત્ત્વોની જાણકારી આપી દેવાથી શો ફરક પડશે તે નથી સમજાતું. વધારે સારું એ નથી કે જોખમી ફૂડ પેકેટ્સ ગ્રાહકો સુધી પહોંચે જ નહીં એટલી તકેદારી રખાય? ગ્રાહકને ચેતવાય અને કમ્પની વેલ્યુ આગળ છાપે એટલી જવાબદારીથી જ કંપનીઓ ફરજ મુક્ત થઇ જાય એ બરાબર નથી. પેકેટ પર વેલ્યુ સામે જ લખાયેલી હોય ને ગ્રાહક તે ન ખરીદે એવું ઓછું જ બનવાનું. સિગારેટના પેકેટ્સ પર તે હાનિકારક છે, એવું લખેલું જ હોય છે ને ખરીદનાર પણ તે જાણતો હોય છે, છતાં ખરીદી થાય જ છેને ! એવું જ આ છે, આગળ વેલ્યુ લખાયેલી જોઈને પણ ખરીદનારા તો તે ખરીદવાના જ છે. ખરીદનાર જોખમ જોઇને ભાગ્યે જ ખરીદે છે, મોટે ભાગે તો બધું બરાબર જ છે અથવા તો એ બધું ક્યાં જોવા બેસવાનું – એમ માનીને જ ખરીદનાર ખરીદે છે. આમાં વેચનાર કરતાં પણ ખરીદનારની બેદરકારી વધુ જવાબદાર છે. ન્યૂટ્રિશન વેલ્યુ બધી બરાબર છાપી હોય, તો પણ તેની ખરાઈના પ્રશ્નો છે જ ! એ આદર્શ સ્થિતિ છે કે વેચનાર ને ખરીદનારને પક્ષે પ્રમાણિકતા હોય. બાકી, સ્થિતિ તો એવી છે કે એક છેતરવા તૈયાર છે ને બીજો છેતરાવા –
ઠેર ઠેર ખાદ્ય પદાર્થોની બનાવટમાં છેતરવાનો જ ઈરાદો રાખીને બધું ચાલતું હોય, ત્યાં સાવધાની કેટલીક રહે? સુપ્રીમ તો પ્રજા હિત જુએ, બાકી સુપ્રીમને નથી ખબર કે લશ્કર ક્યાં લડે છે? તે તો પ્રજા હિતનું ચિંતન કરે, પણ વેચનારમાં પ્રમાણિકતા, સચ્ચાઈ, ગ્રાહકની ચિંતા અપવાદરૂપે પણ જોવા મળતી નથી. એ ન હોય ને માત્ર દેખાવ ખાતર આંકડાકીય સચ્ચાઈ કૂટ્યા કરતાં હોઈએ તેનો કોઈ અર્થ નથી. ફૂડ પેકેટ્સમાં વપરાતા પદાર્થો ને તેની ગુણવત્તા અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. હેતુ એક જ હોય છે, છળવાનો. નફાખોરી જ લોહીમાં એટલી ભરાઈ પડી હોય કે કોઈ સાચું હોય તો પણ ખોટું લાગે. એવું જ ખરીદનારાઓનું પણ છે. કોઈ ઘડિયાળીને બેવાર ચકાસીને ઘડિયાળ રીપેરીંગમાં આપનારા આપણે ફૂડ પેકેટ્સને, કશું પણ જોયા વગર જાત સોંપી દઈએ છીએ.
ગ્રાહક લૂંટાય નહી એની ચિંતા કરવી જોઈએ, પણ તે મફતિયું શોધે એ પણ બરાબર નથી. એક પર એક ફ્રીની લાલચે ગ્રાહક ઘણાં સાહસો કરી શકે છે. તેણે શું ખરીદ્યું એ તેની ચિંતાનો વિષય નથી, પણ તેણે ખરીદ્યું તેનો તેને સંતોષ છે. મોટે ભાગના ગ્રાહકો ગુણવત્તાની બાબતે દુર્લક્ષ સેવતા હોય છે. તેમાં પણ સૌથી વધુ દુર્લક્ષ તૈયાર ખાદ્ય સામગ્રી ખરીદવામાં સેવાય છે. હોટેલોમાં, અરે! ઘરોમાં, ફૂડ કોર્ટમાં, તૈયાર ફૂડ પેકેટ્સમાં, ફાસ્ટ ફૂડમાં સારું ઓછું જ હોય છે, પણ શનિ, રવિ ઘણાં કુટુંબો સાંજે બહાર જ જમતાં હોય છે. આ ટ્રેન્ડ ઘણાં વખતથી ચાલે છે, એમાં દાળમાં વાંદો નીકળે કે દેડકી નીકળે તો પણ બધું ખપી જાય છે. કેટલી ય વખત નકલી ઘી અસલી તરીકે વેચાતું રહે છે. નકલી ઘી બનાવવાની ફેકટરીઓ ચાલે છે ને થોડી લાલચ આપીને ફૂડ ઇન્સ્પેકટરોને પણ પટાવી લેવાતા હોય છે. નકલી ઘી, નકલી દૂધ, નકલી મસાલા, નકલી પનીર …. કેટલું ગણીએ, એમાં પેકેટ પર ‘ખાવા લાયક’ કે ‘હાનિકારક’ છાપવાથી શો ફેર પડશે? આ સ્થિતિ હોય ત્યાં ગુણવત્તાની તો વાત જ શું કરવાની?
ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ સારી જ વાત છે ને સુપ્રીમ તેનો FSSAIને અને સરકારને નિર્દેશ કરે તે જરૂરી છે, પણ આ, ગુનેગારને ઘણી ઓછી સજા કરવા જેવું છે. ફ્રન્ટ ઓફ પેક લેબલિંગથી ફૂડ હેલ્ધી છે કે મિડિયમ હેલ્ધી કે અનહેલ્ધી તે અનુક્રમે ગ્રીન, યેલો કે રેડ કલરથી સૂચવી શકાય, પણ તે તેવું જ છે ને તેમાં રમત નથી જ થઈ એવું કઈ રીતે નક્કી કરવું? આમ ઉપરી સ્તર પર આ બધી ચોક્સાઈ સારી લાગે, પણ પેકેટની અંદર એ જ ગુણવત્તાનો ખોરાક છે તે ખબર પડવાનું મુશ્કેલ છે. આ બધું દેખાડા પૂરતું સારું છે, પણ તેથી જે ખરીદાય તે ફૂડ પેકેટ 100 ટકા સુરક્ષિત છે, એની ખાતરી તો સુપ્રીમને પણ થાય કે કેમ તે પ્રશ્ન જ છે. એ ખરું કે ફ્રન્ટ ઓફ પેક લેબલિંગનો હેતુ પોષણની માહિતી સરળ બનાવવાનો છે, પણ એમ સહેલાઈથી કોઈ વાંચી લે એટલા પરથી ફૂડ હેલ્ધી થઇ જતું નથી. ગ્રાહકો જોઇને ખરીદે તો ગંભીર બીમારીઓનું જોખમ ઘટે એમાં પૂરું સત્ય નથી, થોડો ફેર જરૂર પડે, પણ ફ્રન્ટ ઓફ પેક લેબલિંગથી જોખમ ન જ રહે એવું કહી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે FSSAI અને સરકારને એટલે સભાન કર્યાં કે દેશમાં લાઈફ સ્ટાઈલ બીમારીઓ ઝડપથી વધી રહી છે, તે એટલે કે દેશમાં ખાનપાન અનહેલ્ધી છે. પેકેજ્ડ અને અલ્ટ્રાપ્રોસેસ્ડ ફૂડમાં રહેલાં સુગર, ફેટ, સોલ્ટ બીમારીઓનું મોટું કારણ છે. ફ્રન્ટ ઓફ પેક લેબલિંગનો હેતુ, સંભવિત હેલ્થ રિસ્ક ખરીદનાર સમજે એ છે. ભારતમાં 1 કરોડથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે. પ્રિ-ડાયાબિટીસ 13.6 કરોડને છે. ઓબેસિટીથી 25.4 કરોડ, હાઈકોલેસ્ટ્રોલથી 21.3 કરોડ, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝથી 2.24 કરોડ લોકો પીડાય છે. આ હાલત હોય ત્યારે લેબલિંગ મદદરૂપ જરૂર નીવડે, પણ એટલું જ પૂરતું નથી. ફ્રન્ટ ઓફ પેક લેબલિંગમાં હાઈ સુગર વાળું લેબલ ફૂડ હેલ્ધી નથી એવી જાણ થતાં તેનાથી દૂર રહેવાનો સંકેત મળે છે, એ જ રીતે લો ફેટ કે લો સોલ્ટવાળો સંકેત હેલ્ધી વિકલ્પ પસંદ કરવામાં મદદ કરે છે. આવી પસંદગી રોગનું જોખમ ઘટાડે છે. એ ખરું કે પેકેજ્ડ ફૂડમાં સુગર, સોલ્ટ જેવાં તત્ત્વનું પ્રમાણ વધુ જ હોય છે. એટલે એના પર લેબલિંગ હોય તો પણ તેનો મર્યાદિત ઉપયોગ જ હિતાવહ છે. ખરેખર તો પ્રોસેસ્ડ ફૂડને બદલે કુદરતી અને પોષક તત્ત્વોવાળો ખોરાક જ વધુ ઇચ્છનીય છે. આ પિઝા, બર્ગરવાળી પેઢીને વધારે ભારપૂર્વક સમજાવવાની જરૂર છે. એક તરફ ડ્રગ્સ, શરાબથી દેશ ખોખલો કરવાનું ચાલે છે, તેમાં પ્રોસેસ્ડ ફૂડનો ઊભરો એ પેઢીની કઈ દિશા નક્કી કરે તે કહેવાની જરૂર નથી. કોણ જાણે કેમ પણ આ દેશની યુવા પેઢીના સર્વનાશની દિશા, કોઈએ નક્કી કરી આપી હોય તેમ એ તરફ ગતિશીલ છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ફેબ્રુઆરી 2026
![]()

