ગ્રંથયાત્રા – 11
આજે જેનો એક સો બાણુંમો જન્મ દિવસ છે તે નર્મદાશંકર લાલશંકર દવે ઉર્ફે નર્મદ વધારે જાણીતો થયો કવિ અને સમાજ સુધારક તરીકે. પણ ૧૮૫૭ના એપ્રિલની છઠ્ઠીએ મુંબઈમાં પ્રગટ થયેલું તેનું પહેલું પુસ્તક નહોતું કવિતાનું કે નહોતું સમાજ સુધારા વિશેનું. એનું પહેલું પુસ્તક હતું છંદશાસ્ત્ર, એટલે કે પિંગળ વિશેનું. એનું નામ પિંગળ પ્રવેશ. નર્મદના પિતા એ જમાનાના જાણીતા લહિયા હતા. કેપ્ટન જર્વિસના હાથ નીચે કામ કરેલું અને શીલા છાપથી છાપવા માટે કેટલાંક પુસ્તકોની હસ્તપ્રત તૈયાર કરેલી. આ અંગે ‘મારી હકીકત’માં નર્મદે લખ્યું છે : “અસલના લહિયાઓના અક્ષર જાડા ને લાલશંકરની કલમ અસલથી જ સાફ ને પાતળીપાતળી તેથી દશ ઉમેદવારોમાં એ પસાર થયા ને પછી જોન્સે (સુરતની અદાલતના જજ) તીસને પગારે મુંબઈ જવાનું કહ્યું … એના હાથના લખેલાં પુસ્તકો ઘણાં જ છે. એના જેટલું કોઈ લહિયાએ લખ્યું નહિ હોય. મુંબઈમાં ત્રણ-ચાર શીલા છાપખાનામાં જેટલી ગુજરાતી ચોપડીઓ જેટલી વાર છપાઈ છે તેમાંની ઘણી એક એના જ હાથની છે.” એટલે પિતા પાસે જ આખું પુસ્તક લખાવી, શીલા છાપ છાપખાનામાં છપાવી પ્રગટ કર્યું. અલબત્ત, કમનસીબે એ પહેલી આવૃત્તિની નકલ આજે ક્યાં ય જોવા મળતી નથી. પિતા લાલશંકર આ પુસ્તકના માત્ર લહિયા જ નહોતા. નર્મદે પોતાનું આ પહેલું પુસ્તક અર્પણ પણ તેમને જ કર્યું છે. સાથે લખ્યું છે : એમનો અપૂર્વ પ્રેમ તથા કવિતા પ્રકરણ સંબંધી પ્રથમ આવો ગ્રંથ કરવાની એઓની જ શુભ આજ્ઞા – એ આદિક કારણો ઉપરથી આ નાનો ગ્રંથ એમના આજ્ઞાંકિત પુત્ર નર્મદાશંકરે પ્રણામ પૂર્વક અર્પણ કર્યો છે.”
એટલું જ નહિ, આવું પુસ્તક લખવાની નર્મદને પ્રેરણા આપનાર પણ પિતા લાલશંકર હતા. તેમની આ પ્રેરણા અને ‘પિંગળ પ્રવેશ’ના પ્રકાશન પાછળ નાનો પણ રસિક ઇતિહાસ છે. ૧૮૫૫ના ઉત્તરાર્ધમાં નર્મદે કવિતા લખવાનું શરૂ કર્યું. પણ ‘મારી હકીકત’માં નર્મદ એકરાર કરે છે કે “એ કવિતા મેં પિંગળના કાયદા પ્રમાણે કરી નહોતી, પણ શામળદાસના દોહરા, ચોપાઈ, છપ્પા વાંચેલા એ ઢાળ પ્રમાણે અને કવિ દલપતરામ તથા મનમોહનદાસની છપાયેલી ચોપડીઓમાંની કવિતા જોઈ જોઈને કરી હતી.” એટલે કે શરૂઆતમાં તો નર્મદ દલપતરામ અને બીજાઓની કવિતાનું અનુકરણ નહિ, તો ય અનુસરણ કરતો હતો. છંદોના શાસ્ત્રને ‘પિંગળ’ કહેવાય એ વાતની પણ ત્યારે નર્મદને ખબર નહોતી. ‘બુદ્ધિપ્રકાશ’ માસિકનો ઓક્ટોબર ૧૮૫૫નો અંક વાંચતાં તેને એ વાત જાણવા મળી. તેણે પહેલાં તો પિંગળના પુસ્તકની મુંબઈમાં શોધખોળ કરી. પણ ક્યાં ય મળ્યું નહિ એટલે ૧૮૫૬ના ફેબ્રુઆરીની ૧૬મી તારીખે નર્મદે ‘મિત્ર શિરોમણી કાવ્યોપનામક ભાઈ મનમોહનદાસ વી. રણછોડદાસજી’ને કાગળ લખ્યો. તેમાં નર્મદે લખેલું : “હું કવિતા પ્રકરણમાં છેક અજાણ્યો છઉં, પરંતુ એ વિષય જાણવાની મારી ઉત્કંઠિત ઇચ્છા છે ને ગમ પણ પડશે એમ ધારું છઉં, વાસ્તે તમે મારો કર ગ્રાહી પિંગળ ક્ષેત્રની જાત્રા કરાવશો એમ આશા રાખું છઉં. મારે માસ એપ્રિલમાં લગન સારું સુરત આવવું છે તે સમયે તમારાં દર્શન કરવાની તથા કેટલી એક શિક્ષા લેવાની આશા રાખું છું. પરંતુ હાલ પિંગળ શાસ્ત્ર પ્રવેશક કિયા ગ્રંથો વાંચવા જરૂરના છે તે લખવું.”
મદદ કરવાની વાત તો દૂર રહી, મનમોહનદાસે નર્મદના પત્રનો જવાબ સુધ્ધાં આપ્યો નહિ. એટલે ૧૮૫૬ના નવેમ્બરમાં નર્મદ સુરત ગયો ત્યારે તેણે પિંગળ વિશેના પુસ્તકની શોધ આદરી. પોતાના મિત્ર અને ‘જ્ઞાન સાગર’ના મુદ્રક જદુરામની સાથે પિંગળની શોધમાં નીકળ્યો. ગોરધન નામના એક કડીઆના ઘરેથી તેના ગુરુ લાલદાસના લખેલા ગ્રંથ ‘છંદ રત્નાવલી’ની હસ્તપ્રત મળી. પણ કડીઓ એ હસ્તપ્રત નર્મદ પોતાને ઘરે લઈ જાય તે માટે તૈયાર ન થયો. એટલે, રોજ સવારે કલમ, શાહીનો ખડિયો, ને કોરા કાગળ લઈને નર્મદ એ કડિયાને ઘરે જતો. અને રોજ થોડી થોડી નકલ કરતો. જો કે થોડા દિવસ પછી કડિયાને નર્મદ પર વિશ્વાસ બેઠો એટલે રોજ થોડાં પાનાં નર્મદ ઘરે લઈ જાય તે માટે તે તૈયાર થયો. નર્મદ નોંધે છે : “એ પિંગળના પુસ્તકની મતલબ મેં મારી મેળે સંસ્કૃતને જોરે સમજી લીધી.”
નર્મદના હસ્તાક્ષર
૧૮૫૭ના જાન્યુઆરીમાં ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયેલ કવિ દલાપતરામની પિંગળ અંગેની લેખમાળા વિષે નર્મદ ઘસાતું બોલ્યો ત્યારે પિતા લાલશંકરે ટકોર કરી કે ‘હું તો તારી હોશિયારી ક્યારે જાણું કે પિંગળ બનાવે ત્યારે.’ આમ, કદાચ અજાણતાં જ, દલપતરામ સાથેની સ્પર્ધાનો ભાવ પિતાએ નર્મદના મનમાં રોપ્યો હોય એમ બને. બસ, બીજું બધું લખવાનું બાજુએ મૂકીને નર્મદ પિંગળ વિશેનું પુસ્તક લખવા મંડી પડ્યો. ‘લલગૂ સમજી સગણ ને જગણે જાણ લગૂલ’ એ કુન્ડલિયો બનાવી પિતાને સંભળાવ્યો ત્યારે તેઓ ખુશ થયા ને બોલ્યા કે હવે મારી ખાતરી થઈ. એ જ વર્ષના ફેબ્રુઆરીમાં નર્મદ મુંબઈના ગોકુલદાસ તેજપાલ વિદ્યાલયમાં મહિને ૨૮ રૂપિયાના પગારે માસ્તર તરીકે જોડાયો. સાંજે નિશાળ છૂટે તે પછી પણ તે નિશાળમાં રોકાતો અને દરિયો, આકાશ, હોળી વગેરે જોવાતાં જાય તેવા એકાંતમાં પિંગળ પ્રવેશ માટેની કવિતા બનાવતો. માર્ચ મહિનામાં પુસ્તક પૂરું કરી, પિતા પાસે હસ્તપ્રત લખાવી, મુંબઈના શીલાછાપ છાપખાનામાં છપાવી તેણે ‘પિંગળ પ્રવેશ’ બહાર પણ પાડી દીધું. પહેલી આવૃત્તિની પ્રસ્તાવના નીચે નર્મદે ૬ એપ્રિલ, ૧૮૫૭ની તારીખ નાખી છે.
આજના જમાના માટે પણ અસાધારણ ગણાય એટલી ઝડપે, ‘સત્યપ્રકાશ’ના ૧૨મી એપ્રિલના અંકમાં મહીપતરામ રૂપરામ નીલકંઠે લખ્યું : “જે પિંગળ વિષે હંમે આશા રાખતા હતા તે છપાઈ ચૂકો છે. એની નકલ એના બનાવનાર કવિ નર્મદાશંકર લાલશંકરની કીરપાથી હમને પહોંચી છે. એ વાંચવાથી માલમ પડે છે કે એ ગ્રંથ ઘણો જ ઉપયોગી ને પ્રૌઢ છે, અને એના કાબેલ બનાવનારને આપણા નામાંકિત કવિઓની પદવીમાં દાખલ કરે છે. કવિતાના નિયમો વિષે ગુજરાતી ભાષામાં આજ સુધી એક્કો પુસ્તક નહિ હતું એ ખોટ ભાઈ નર્મદાશંકરે પૂરી પાડી છે.”
અલબત્ત, પાછળથી ‘નર્મગદ્ય’ની સરકારી આવૃત્તિ અંગે મતભેદ થતાં નર્મદ અને મહિપતારામના સંબંધો વણસ્યા હતા. તો જેઓ લગભગ આખી જિંદગી એકબીજાના હરીફ રહ્યા તે દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૮૫૭ના જૂન અંકમાં લખ્યું : “ગુજરાતી ભાષામાં કવિતાની રીત જાણવાનો ગ્રંથ આજ સુધી કોઈએ બનાવેલો નહોતો તે હાલ મુંબઈમાં ભાઈ નર્મદાશંકરે બનાવીને છપાવ્યો છે. એ પુસ્તક બનાવતાં તેને ઘણી મહેનત પડી હશે અને એ વિશેનું પુસ્તક ગુજરાતી ભાષામાં પહેલવહેલું થયું છે.” અહીં દલપતરામની ખેલદિલીની નોંધ લેવી જ જોઈએ. જે વિષય પર પોતે લેખમાળા લખી રહ્યા હતા તે જ વિષયના પુસ્તકને તેમણે ઉમળકાથી આવકાર્યું છે.
બીજી આવૃત્તિ, ૧૮૬૦
આમ, પિંગળપ્રવેશથી નર્મદ જાણીતો થયો. એટલું જ નહિ, તેની ૫૦૦ નકલ છપાવેલી તે પ્રમાણમાં ઝડપથી વેચાઈ ગઈ હશે, કારણ ૧૮૬૦ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે તેની બીજી આવૃત્તિની ૫૦૦ નકલ છપાઈ હતી. આ આવૃત્તિમાં નર્મદે ઘણા સુધારાવધારા કર્યા હતા અને તે શીલાછાપ પદ્ધતિથી નહિ, પણ મુવેબલ ટાઈપ વાપરતા નર્મદના મિત્ર નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં છપાઈ હતી. પુસ્તકની ત્રીજી આવૃત્તિ પણ પ્રગટ થઈ હતી, પણ તેની પ્રકાશન સાલ જાણવા મળી નથી.
પુસ્તકને અંતે નર્મદે પહેલી વાર કવિતા કરનારને સૂચના આપી છે. તેની નવ સૂચનામાંથી કેટલીક તો આજના નવા કવિને પણ ઉપયોગી થાય તેવી છે : જેમ કે, ‘જેમ બને તેમ કવિતા મોઢે ને મોઢે જોડી રાખવાની ટેવ રાખવી. કેટલુંક મોઢે જોડ્યા પછી કાગળ ઉપર લખવું. પ્રથમ કાગળ ઉપર જોડતા જવું નહિ.’ વળી લખે છે : બીજાના શબ્દ અને બીજાના વિચાર ચોરીને કવિતા ન કરવી. પણ જેમ બને તેમ પોતાના વિચાર પોતાની જનમની ઢબથી બહાર કાઢવા. છે ને આ શબ્દો આજે આટલાં વરસ પછી પણ કોઈ નવા કવિને કામ લાગે તેવા.
XXX XXX XXX
23 ઑગસ્ટ 2025
e.mail : deepakbmehta@gmail.com