
રાજ ગોસ્વામી
તાજેતરમાં, 87 વર્ષની વયે અવસાન પામેલા ખગોળશાસ્ત્રી જયંત વિષ્ણુ નારળીકર જો પશ્ચિમના દેશમાં જન્મ્યા હોત, તો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિકના હકદાર જરૂર હોત. ખગોળશાસ્ત્રની આખી દુનિયા એક તરફ બ્રિટિશ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગની બિગ બેંગ થિયરીમાં વિશ્વાસ રાખે છે (કે પદાર્થમાં ‘ત્રણ મિનિટ’ના એક મહાવિસ્ફોટ સાથે બ્રહ્માંડનો પ્રારંભ થયો હતો), ત્યારે નારળીકરે તેને નકારીને એક એવી અવસ્થા વાળા બ્રહ્માંડનો પ્રસ્તાવ મુક્યો હતો, જ્યાં પદાર્થની લગાતાર ઉત્પત્તિ થતી રહે છે.
મનુ જોસેફ નામના અંગ્રેજી પત્રકાર અને લેખકને નારળીકરે એકવાર એવું કહ્યું હતું કે ત્રણ મિનિટમાં ચા પણ બનતી નથી, બ્રહ્માંડ કેવી રીતે બને? તેમના મતે, બિગ બેંગ થિયરી લોકપ્રિય થઇ તેનું એક કારણ ઈસાઈ માનસિકતા છે. પોપે આ થિયરીને એટલા માટે સમર્થન આપ્યું હતું કારણ કે તેમાં ઈશ્વરની ભૂમિકા માટે જગ્યા રહેતી હતી; બિગ બેંગ કોણે સર્જ્યું? ભગવાને.
તેમના પીએચ.ડી. ગાઈડ અને 20મી સદીના પ્રમુખ ખગોળશાસ્ત્રી ફ્રેડ હોઈલ સાથે મળીને નારળીકરે ‘સ્ટેડી-સ્ટેટ થિયરી’નું વૈકલ્પિક મોડેલ રજૂ કર્યું હતું. એક તરફ બિગ બેંગ થિયરી બ્રહ્માંડના એક નિશ્ચિત સમયે પ્રારંભ અને તેના સંભવિત અંતનું અનુમાન કરે છે, હોઈલ અને નારળીકરે એવા પુરાવા ભેગા કર્યા હતા કે બ્રહ્માંડ પહેલેથી જ અસ્તિત્વમાં છે અને એવું જ રહેશે- તે અસીમ છે, ન તો અંત છે, ન તો પ્રારંભ.
તેમની આત્મકથા ‘માય ટેલ ઓફ ફોર સિટીઝ’માં નારળીકર લખે છે કે, “કલ્પના કરો કે એક બેંક તમને મૂડીરોકાણ પર ચક્રવૃદ્ધિ વ્યાજનો એક સ્થિર રેટ ઓફર કરે છે. એ વ્યાજના ઉમેરાથી મૂળ મૂડી નિયમિત વધતી જાય છે. ભ્રહ્માંડ પણ ચક્રવૃદ્ધિ વ્યાજની માફક સતત વધતું રહે છે. કોઇ પણ માણસ તેનું ગમે ત્યારે નિરીક્ષણ કરે, ભ્રહ્માંડ તેને એક સરખું જ નજર આવશે. પણ જે વિસ્તરતું હોય તે ઘટે પણ છે ને! તો આ કેવી રીતે શક્ય છે? કારણ કે ભ્રહ્માંડમાં જે પદાર્થ નષ્ટ થાય તેની જગ્યાએ નવો પદાર્થ પેદા થતો રહે છે.”
યુ.જી. કૃષ્ણમૂર્તિ નામના એક ધુઆંધાર ચિંતકે કંઇક આવું જ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અણુ મરતા નથી. તે નષ્ટ થઈને બીજા કોઈ સ્વરૂપે જીવતા રહે છે. તેનું રીશફલિંગ થાય છે. પૃથ્વી દરેક ચીજ તેનું ખોળિયું બદલતી રહે છે. જ્યારે અણુની જરૂર પડે ત્યારે કોઈક ચીજનું મોત થાય છે.

જયંત નારળીકર
નારળીકરનો જન્મ19 જુલાઈ 1938ના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય ધરાવતા પરિવારમાં થયો હતો. તેમના પિતા વિષ્ણુ વાસુદેવ નારળીકર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તથા પુણે યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર હતા અને ભારતમાં આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંત ઉપર ગાણિતિક સંશોધનની પરંપરા શરૂ કરનાર અગ્રણી તરીકે જાણીતા હતા. તેમનાં માતા સુમતિ નારળીકર સંસ્કૃતનાં વિદુષી હતાં.
નારળીકર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી 1957માં બી.એસસી. થયા. ત્યારબાદ પિતાને પગલે ગણિત ભણવા માટે કેમ્બ્રિજ ગયા હતા. ત્યાં તેઓ 1959માં રૅંગ્લર થયા અને ખગોળ તેમ જ ભૌતિકશાસ્ત્રમાં સંશોધનનું કામ શરૂ કર્યું હતું. ત્યાં તેમણે 1964માં હોઈલ સાથે મળીને હોઈલ-નારળીકર ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત ઘડ્યો હતો. તેમાંથી જ સ્થાયી બ્રહ્માંડની થિયરી આવી હતી. તે વખતે હોકિંગ તેમના સહપાઠી હતા.
હોઈલ સાથે સફળ કારકિર્દી પછી નારળીકર ભારતમાં સ્થિર થયા હતા. શરૂઆતમાં તેમણે મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. તે પછી, 1989થી તેમણે ખગોળ અને ભૌતિકતાના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે સ્થપાયેલી પુણેની ઇન્ટર-યુનિવર્સિટીના અધ્યક્ષ તરીકે કામ કર્યુ. ત્યાંથી નિવૃત્ત થઈને તેમણે આ ક્ષેત્રમાં જ સંશોધન કરવાનું ચાલુ રાખ્યું હતું.
નારળીકર બીજા વૈજ્ઞાનિકો જેવા ‘બોરિંગ’ નહોતા. ભારતમાં વિજ્ઞાનની વાર્તાને રોચક રીતે કહેવી આસાન નથી. એક તો આપણે ત્યાં બહુમતી લોકો વિજ્ઞાનની જિજ્ઞાસાવાળા નથી અને બીજું આપણી ભાષાની મર્યાદા પણ છે. નારળીકર પોતે બહુ સારા વાચક અને લેખક પણ હતા. એટલે તેમણે વિજ્ઞાનને ભાષા અને સાહિત્યની ભૂમિ પર લાવીને તેનું ‘અનુષ્ઠાન’ કર્યું હતું. તેમણે આમ ભાષામાં સુંદર મરાઠી વિજ્ઞાન કથાઓ લખી છે.
અંગ્રેજીમાં ‘ધ રીટર્ન ઓફ વામન’ તરીકે ઓળખાતી ‘વામન પરત ના આલા’ની વાર્તા માત્ર અનોખી જ નથી, પરંતુ તેની સંરચનાત્મક સુંદરતા પણ અનોખી છે. આ કોઈ વાર્તા નથી, આ એક પ્રતીક છે. અહીં વિજ્ઞાન માત્ર પૃષ્ઠભૂમિ જ નહીં, પણ નાયક બની જાય છે. ‘ટાઇમ મશીન ચી કિમયા’, ‘પ્રેષિત’, ‘યક્ષાંચી દેણગી’, ‘અભ્યારણ’ અને તેમના ચર્ચિત પુસ્તકો ‘વાયરસ’ અને ‘અ ટેલ ઓફ ફોર સિટીઝ’માં તેમની દૃષ્ટિના જુદા જુદા કોણ જોવા મળે છે.
2014માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત, એ ટેલ ઓફ ફોર સિટીઝ તેમના લેખનનું શિખર હતું. રાજકમલ પ્રકાશન આ પુસ્તકને હિન્દી વાચકો સુધી લઈ ગયું હતું અને એક નવી પેઢીને નારળીકરની અદ્દભુત કલ્પનાથી પરિચિત કરાવી હતી.
ડૉ. નારળીકરનું જીવન વૈજ્ઞાનિક વિચારો, સાહિત્યિક અભિવ્યક્તિ અને માનવીય સંવેદનશીલતાનો સુંદર સંગમ હતું. તેમના લખાણોએ વિજ્ઞાનને સામાન્ય લોકો માટે સુલભ અને રસપ્રદ બનાવ્યું હતું. તેમની વાર્તાઓ માત્ર વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત નહોતી પરંતુ તેમાં માનવીય સંવેદનાઓ અને સામાજિક સંદેશાઓ પણ સમાવિષ્ટ હતા. તેનું કારણ તેમની પરવરિશ હતી.
કળા-સંસ્કૃતિ-સાહિત્ય પ્રત્યે તેમનો પ્રેમ નાનપણથી જ વિકસેલો હતો. તેમના પિતા વિષ્ણુ વાસુદેવ નારળીકર કાશી હિન્દુ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા ત્યારે જયંતની ઉંમર દસેક વર્ષની હતી. તેમના ઘરમાં અલગ અલગ ક્ષેત્રોની વ્યક્તિઓની આવનજાવન રહેતી હતી. એવા એક મહેમાન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ હતા, જે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા અને જે તે સમયે યુનિવર્સિટીના કુલપતિ હતા. એકવાર તેઓ ભોજન માટે આવ્યા ત્યારે જયંતે તેમને આદિ શંકરાચાર્યના દસ-શ્લોક વાળો સ્તોત્ર ગાઈને તેમને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 01 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર