
સુમન શાહ
આજકાલ દુનિયામાં એટલી બધી ઘટનાઓ અને એટલી બધી પરિસ્થતિઓ એટલી બધી ઝડપથી ઘટે છે કે દરેક માણસ કહે છે –મારે બહુ કામ છે — મારી પાસે જરા ય ટાઇમ નથી — નૉટ નાઉ, નો ટાઇમ!
ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને તાજેતરમાં એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે – ઉત્પાદન બાબતે મેં ૮૦%-નો નિયમ રાખ્યો છે. એમ લાગે કે તેઓ પોતાના સમગ્ર સમયના ઍંશી ટકા ખરચે છે. પણ શેમાં? મીટિન્ગોમાં? એમણે કહ્યું, ના.
આ ૮૦% -ના નિયમને સમજવાની જરૂર છે. ઉચ્ચ કોટીની સિદ્ધિ-સફળતા માટે મન્થન કરનારી વ્યક્તિઓ આ નિયમ અપનાવે છે. પહેલી વાત એ કે ઝુકરબર્ગે કહ્યું તેમ તેઓ એક પછી બીજી એમ મીટિન્ગોના યન્ત્રવત્ ટાઇમટેબલને નથી અનુસરતા. પોતાના સમયનો મહત્ત્વનો હિસ્સો ખુલ્લો – open – રાખે છે. શેને માટે? અગ્રતાક્રમે મુકાયેલી ચાલુ બાબતો માટે – dynamic priorities માટે. એને કારણે અત્યન્ત ધ્યાન આપવા લાયક એ બાબતો માટે તેઓ નિરાંતે વિચારી શકે છે.
ઝુકરબર્ગનો આ ઉત્પાદનપરક નિયમ Pareto Principleને મળતો આવે છે. એમાં પણ એમ સૂચવાયું છે કે ૨૦% ઇન્પુટથી ૮૦% જેટલો આઉટપુટ મળશે. તાત્પર્ય, ઉચ્ચ કોટીની સિદ્ધિ-સફળતાનું ધ્યેય હોય ત્યારે અગ્રતાક્રમે મુકાયેલાં કામો વિશે વધારે વિચારમન્થન કરવાથી વિશેષ લાભ થાય છે. જો કે એ ધ્યેય હાંસલ કરવા ઝુકરબર્ગથી જુદા અભિગમથી પોતાનો સમય ખરચનારા પણ હોય છે, તેઓ વિચાર પાછળ ઓછો અને કાર્ય પાછળ વધુ સમય ખરચતા હોય છે.
પરન્તુ નૉંધ એ લેવાની છે કે એ બન્ને વર્ગના સ્વપ્નસેવીઓ માટે સૉંપેલું કામ કરનારા સંખ્યાબંધ લોકો હોય છે.
આ તો થઈ ઝુકરબર્ગ કે બિલ ગેટ્સ કે ઇલોન મસ્ક જેવા ઉચ્ચ કોટીની સિદ્ધિ-સફળતાના આકાંક્ષુ અને ખાસ્સા સફળ થયેલા ઉદ્યોગવીરોની વાત.
સામાન્ય માણસનું શું? એને કોઈ પૂછનાર નથી કે એ રોજ પોતાના સમયના કેટલા ટકા કામ પાછળ ખર્ચે છે. એની પાસે નથી કશી સિદ્ધિનું સપનું કે નથી સપનું સાચું કરી આપનારા કાર્યકરોની મોટી ફોજ!
ફિલસૂફો અને ચિન્તકો સમયને ઉત્પાદન અને સિદ્ધિ-સફળતાની ફ્રેમમાં નથી જોતા :
વિલિયમ જેમ્સે (1842–1910) ચૈતસિક સમયની વિભાવના રજૂ કરી છે. ચિત્તની બહારનો જે સમય છે, ઘડિયાળનો, એ તો કૃત્રિમ છે. સાચું છે, સૅકન્ડ મિનિટ કે કલાક એવા સમયના ટુકડા તો માણસે કર્યા છે. તેઓ જણાવે છે કે સમયનો જ્ઞાનાનુભવ ધ્યાન ચેતના અને સ્મૃતિ પર આધારિત છે. ઘડિયાળમાં સમય આજની બપોરના ૧.૪૫ હોય, પણ ચિત્ત પ્હૉંચી ગયું હોય મહેનતના કામમાં ગાળેલી ગઈકાલની બપોરમાં કે એ પહેલાંની કશી મિલનરંગીન બપોરમાં અને પછી રાજેન્દ્ર શાહની શ્રાવણી મધ્યાહ્નમાં … અને ત્યારે સમયાનુભવમાં સ્થળો વ્યક્તિઓ અને પરિસ્થિતિઓ પણ ભળી ગયાં હોય છે.
સિગ્મણ્ડ ફ્રૉઈડે (1856-1939) કહ્યું કે અસમ્પ્રજ્ઞાત મનમાં સમય સીધી લીટીનો નથી હોતો. દમિત સ્મૃતિઓ ભુંસાઈ જતી નથી, દાખલા તરીકે, પ્રેમ-પ્રણયમાં બેવફાઈ. પણ સ્મૃતિઓ પાછી આવે છે. પરિણામે વર્તમાન ચ્હૅરાઈ જાય છે, વ્યક્તિની વર્તણૂક બદલાઈ જાય છે. મનોરોગીના મનોવિશ્લેષણ માટે ફ્રૉઈડ નક્કી સમયના ઇન્ટર્વલ રાખતા હતા, તો પણ અનુભવોને પ્રક્રિયાગત કરવામાં એમને ફાવટ આવતી ન્હૉતી. એનું મોટું કારણ, અસમ્પ્રજ્ઞાત મન. સમયને એ નવા રૂપમાં ફેરવી નાખે છે, જેમાં ભૂત વર્તમાન કે ભવિષ્ય જેવા ભેદ બચતા નથી.
ઍડમણ્ડ હ્યુસેર્લે (1859–1938) સમય-ચેતનાની વિભાવના રજૂ કરી છે. તેઓ દર્શાવે છે કે આપણે જ્ઞાનેન્દ્રિયોથી પામીને સમયને જીવીએ છીએ. તેઓ જણાવે છે કે વર્તમાનકાળ કદી શુદ્ધ હોતો નથી, હમેશાં ભૂતકાળને પોતામાં સંભરી રાખે છે, અને ભવિષ્ય-ની અપેક્ષાઓ સેવે છે.
માર્ટિન હાઇડેગર (1889–1976) સમય-ચેતનાને મહત્ત્વ આપવાને બદલે સમયને સતની – beingની – ક્ષિતિજ રૂપે જુએ છે. એટલે કે સમય આપણને વિશ્વ સાથે કેટલે સુધી જોડી શકે છે એમ છે. એમણે દર્શાવ્યું છે કે સમય એક પાછળ બીજી એમ ક્ષણોનો ક્રમ માત્ર નથી પણ મનુષ્યના અસ્તિત્વથી સંયુક્ત એવો જટિલ પદાર્થ છે. ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એકબીજામાં ગૂંથાઈ કે ગૂંચવાઈ ગયેલા છે. સમય સમ્મિશ્ર કાળ છે. આપણા સ-અન્ત અસ્તિત્વને ઓળખીને ભવિષ્યને ભેટીએ એને કહેવાય કે અધિકૃત રીતિએ જીવીએ છીએ.
સંસ્કૃત કવિ ભવભૂતિ કહે છે કે કાળ નિરવધિ છે અને પૃથ્વી વિપુલ છે, કોઇક સમાનધર્મા તો મળી રહેશે. પોતાની સાહિત્યસૃષ્ટિ વર્તમાનમાં ન ઝીલાતી હોય ત્યારે સાહિત્યકારો ભવભૂતિની આ સમજનો પ્રયોગ કરીને જીવનભર આશ્વસ્થ રહી શકે છે.
પણ સાર્ત્ર એમ કહેશે કે – મને મરણોત્તર કીર્તિમાં રસ નથી, પાકા કેળાની જેમ હું મારા જ સમયમાં ખવાઇ જવો જોઈએ એટલે કે સમજાઈ જવો જોઈએ. જો કે સાર્ત્રની મરણોત્તર કીર્તિ જ સવિશેષે પ્રસરી છે.
માર્ક ઝુકરબર્ગ —
ઝુકરબર્ગ જેમ્સ ફ્રૉઈડ હ્યુસેર્લ હાઇડેગર ભવભૂતિ અને સાર્ત્ર સમય વિશે કહે છે એથી જુદું ગીતામાં કૃષ્ણ કહે છે —
कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृत्तः।
ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिता: प्रत्यनीकेषु योधाः॥
કૃષ્ણ સ્વયં કાળ છે. લોકક્ષય કાજે છે. પણ અર્જુનને તેઓ થોડુંક જુદું પણ કહે છે : તું યુદ્ધમાં ભાગ નહીં લે તો પણ સામી સેનાના યોદ્ધાઓનું અસ્તિત્વ નથી રહેવાનું.
કૃષ્ણના આ વચનમાં મારાથી એમ વંચાય છે કે સમય એટલે અવશ્યંભાવી અનિવાર્ય મૃત્યુ. સમય ગતિમન્ત છે અને એની ગતિ રોકી રોકાય નહીં એવી અનિરુદ્ધ અને નિરન્તરાય છે.
જો કે લોકોએ ઝુકરબર્ગને ફિલસૂફોને કે ચિન્તકોને કે અરે કૃષ્ણને પૂછવું જોઈએ કે સમય વિશે આટલું બધું કહ્યા પછી તમે સૌ સમયનું શું કરો છો. પણ એમ પૂછવા ય આજે કોઈ નવરું નથી.
ખરેખર તો નવરાશ અને સમય વચ્ચે આપણા જમાનામાં અદૃશ્ય તંગ અવસ્થા પ્રવર્તે છે અને એનો મનુષ્ય પાસે કોઈ ઇલાજ નથી.
= = =
(250525USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર