દેશમાં વધતી જતી અસહિષ્ણુતાથી વ્યથિત થઈને કેટલાક સાહિત્યકારો, ફિલ્મ-કલાકારો વગેરેએ તેમને સાહિત્ય અકાદમી તરફથી મળેલા ઍવૉર્ડ પાછા વાળ્યા. તે વિવાદનો મુદ્દો બન્યો છે. પણ દેશમાં વધી રહેલી અસહિષ્ણુતાના સામે અવાજ ઉઠાવનારાઓમાં કેવળ સાહિત્યકારો અને કલાકારોનો જ સમાવેશ થતો નથી. તેમાં કેટલાક વૈજ્ઞાનિકો, ઇતિહાસકારોની સાથે વિદેશ સ્થિત ૧૯૦ જેટલા ભારતીય વિદ્વાનો પણ જોડાયા છે. કેટલાક મહાનુભાવોએ વ્યક્તિગત રીતે પણ દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેની શરૂઆત છેક જાન્યુઆરીથી થઈ હતી. પ્રજાસત્તાકદિનના મહેમાન તરીકે ભારત આવેલા અમેરિકાના પ્રમુખ ઓબામાએ ભારતમાં કોમી એખલાસ જાળવી રાખવાનો અનુરોધ ભારતની ભૂમિ ઉપરથી જ કર્યો હતો. છેલ્લા બે મહિના દરમિયાન રાષ્ટ્રપતિએ દેશની બહુવિધ સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવાનો અનુરોધ એકાધિક વાર કર્યો. રિઝર્વબૅંકના ગવર્નર રઘુરામ રાજને વિકાસના હિતમાં સહિષ્ણુતા, ખાસ કરીને વૈચારિક સહિષ્ણુતા જાળવી રાખવા પર બે પ્રસંગે ભાર મૂક્યો. નારાયણ મૂર્તિએ દેશમાં લઘુમતી બિનસલામતી અનુભવી રહી છે, એવો તેમનો મત પ્રગટ કર્યો. મુદ્દો એ છે કે દેશમાં અસહિષ્ણુતા વધી રહી છે, એવો મત કોઈ એક જ જૂથના લેખકો અને કલાકારોએ વ્યક્ત કરીને તેનો વિરોધ કર્યો નથી. તેથી આ વિરોધ કૉંગ્રેસ-સામ્યવાદીઓ દ્વારા યોજિત (મૅન્યુફેક્ચર્ડ) છે. એવું નાણાપ્રધાન જેટલીનું વિધાન તદ્દન બેબુનિયાદ છે. એટલું જ નહિ, વિવાદને અસહિષ્ણુતાના મુદ્દા પરથી ખસેડીને રાજકીય સ્વરૂપ આપવાનો એક ચાલાકીભર્યો પ્રયાસ છે.
પ્રશ્ન સહિષ્ણુતા અને અસહિષ્ણુતાનો હોવાથી પ્રથમ આ ખ્યાલો વિશે સ્પષ્ટ થઈ જઈએ. સહિષ્ણુતાના મૂળમાં સમાનતાનો ભાવ રહેલો છે. જેવી રીતે મને મારા વિચારો ધરાવવાનો, પ્રગટ કરવાનો તથા બીજાને હાનિ ન પહોંચે એ રીતે મારા વિચારો તથા રુચિ પ્રમાણે જીવવાનો અધિકાર છે, એ રીતે સમાજના અન્ય તમામ સભ્યોને પણ પોતાના વિચારો ધરાવવાનો, પ્રગટ કરવાનો અને પોતાની રીતે જીવવાનો અધિકાર છે, એ જો સ્વીકારવામાં આવે તો એ સહિષ્ણુતા છે. બીજાઓનો આ અધિકાર ન સ્વીકારવામાં આવે, તો એ અસહિષ્ણુતા છે. સહિષ્ણુતા-અસહિષ્ણુતાની આ સમજના સંદર્ભમાં દેશમાં બનેલી જે ઘટનાઓને અનુલક્ષીને અસહિષ્ણુતાનો વિરોધ કરવામાં આવ્યો છે, તેની નોંધ લઈએ.
બે વર્ષ પહેલાં રેશનાલિસ્ટ નરેન્દ્ર દાભોલકરની પૂણેમાં હત્યા કરવામાં આવી. તેઓ ધર્મને નામે પોષવામાં આવતી અંધશ્રદ્ધા સામે ચળવળ ચલાવતા હતા. માંસાહાર કરવામાં તેમની દૃષ્ટિએ કશી અનૈતિકતા નહોતી. બ્રાહ્મણો પણ માંસાહાર કરે તો તેમાં તેમની નજરે કશું ટીકાપાત્ર નહોતું. એક વર્ષ પહેલાં ગોવિંદ પાનસરેની કોલ્હાપુરમાં હત્યા કરવામાં આવી. તેઓ પણ રેશનાલિસ્ટ હતા અને આરએસએસના કડક ટીકાકાર હતા. ગયા ઑગસ્ટની ૩૦મીએ સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મેળવનાર કન્નડ સાહિત્યકાર તથા પૂર્વવાઇસ ચાન્સેલર અધ્યા. કલબુર્ગીની ધારવાડમાં હત્યા કરવામાં આવી. તેઓ રેશનાલિસ્ટ સાહિત્યકાર હતા. કર્ણાટકનો લિંગાયત સમાજ તેમનાથી નારાજ હતો. લિંગાયતોના જનક મનાતા ૧૨મી સદીના ગુરુ બસવની કેટલીક માન્યતાઓ અને પ્રથાઓની કલબુર્ગીએ ટીકા કરીને લિંગાયત સમાજનો રોષ વહોર્યો હતો. પહેલાં પણ લિંગાયત નેતાઓના દબાણ નીચે તેમને પોતાનું કેટલુંય લખાણ પાછું ખેંચવું પડ્યું હતું. તે વખતે તેમણે કહ્યું હતું. ‘પરિવારનો જીવ બચાવવા માટે મેં બૌદ્ધિક આત્મહત્યા કરી છે.’ એવી જ આત્મહત્યા તાજેતરમાં તમિલનાડુમાં એક લેખકને તેના સમાજે આપેલા ત્રાસથી કરવી પડી. તેમણે જાહેર કર્યું કે એક લેખક તરીકે તે મૃત્યુ પામ્યો છે. મતલબ કે તેમણે લખવાનું બંધ કર્યું છે.
બે વર્ષ દરમિયાન બનેલી આ ઘટનાઓની સાહિત્ય અકાદેમીએ કોઈ નોંધ લીધી નહીં. આ વૈચારિક અસહિષ્ણુતા લેખકોના વાણીસ્વાતંત્ર્યને છીનવી લેનારી છે. શું લેખકોનું વાણીસ્વાતંત્ર્ય અકાદમીની નિસબતનો પ્રશ્ન જ નથી, એવો પ્રશ્ન અકાદેમીની ઉદાસીનતામાંથી ઉદ્ભવે તે સહજ છે. લેખકોના વાણીસ્વાતંત્ર્ય પર વધી રહેલા જોખમથી જેમને પોતાનું વાણીસ્વાતંત્ર્ય જાળવવાની ખેવના છે એવા સાહિત્યકારોએ પોતાનો ઉગ્ર વિરોધ ઍવૉર્ડવાપસી દ્વારા વ્યક્ત કર્યો. અલબત્ત, જે સાહિત્યકારો સામાજિક વિષમતાઓ, ભેદભાવો, અન્યાયો ધાર્મિક કટ્ટરતા અને રાજકારણથી સલામત અંતરે રહીને સાહિત્યસર્જન કરે છે, તેમનું વાણીસ્વાતંત્ર્ય પણ સલામત રહે છે, તેથી તેઓ લેખકોના વાણીસ્વાતંત્ર્ય પરત્વે અનાગ્રહી હોય છે.
અસહિષ્ણુતાનું બીજું પાસું લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો માટેના ભાજપ અને તેના જેવી હિંદુત્વવાદી વિચારધારા ધરાવનારાં જમણેરી સંગઠનોએ અપનાવેલી નીતિમાંથી ઊપસી આવ્યું છે. ભાજપની સરકાર રચાઈ એ પછી આ બધાં જૂથો દેશને હિંદુ રાષ્ટ્ર બનાવી દેવા અધીરાં થયાં છે. પ્રથમ લવજિહાદ અને ઘરવાપસીનો મુદ્દો ઉછાળવામાં આવ્યો. પછી દેશમાં હિંદુઓ લઘુમતીમાં ન આવી જાય તે માટે હિંદુઓને પાંચદસ બાળકો પેદા કરવાની ભલામણ કરવામાં આવી. પણ હિંદુ સ્ત્રીઓ બાળકો પેદા કરવાનાં કારખાનાં નથી, એવું સમજાયા પછી હવે મુસ્લિમોની વધતી જતી વસ્તીને રોકવા માટે વસ્તીનીતિ ઘડવાની હિમાયત કરવામાં આવી રહી છે. ૨૦૦૧થી ૨૦૧૧ દસકામાં દેશની વસ્તીમાં હિંદુઓની વસ્તીનું પ્રમાણ ૮૦.૫ ટકાથી ઘટીને ૭૯.૮ ટકા થયું અને મુસ્લિમોની વસ્તીનું પ્રમાણ ૧૨.૪ ટકાથી વધીને ૧૪.૨ ટકા થયું, એ ટકાવારી આંકડાઓના આધારે આ ભય ઊભો કરવામાં આવ્યો છે, જોકે સંખ્યાની રીતે જોઈએ તો દસકામાં હિંદુઓની વસ્તીમાં ૧૪ કરોડનો અને મુસ્લિમોની વસ્તીમાં સાડા ત્રણ કરોડનો વધારો થયો છે.
આ પૂર્વે અને આની સાથે ગૌવંશ માંસ (બીફ)નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. ગૌહત્યાનો પ્રશ્ન ૧૯મી સદીથી આપણી સાથે છે. દેશમાં ગાયની હત્યા ન થવી જોઈએ, એમ ગાંધીજી માનતા હતા. વિનોબાજીએ પણ એ વિચાર સ્વીકાર્યો હતો. ઘણાં વર્ષો ગૌવંશહત્યા રોકવા માટે દેવનારમાં વિનોબા પ્રેરિત સત્યાગ્રહ પણ ચાલ્યો હતો. દેશનાં કેટલાંક રાજ્યોમાં ગૌવંશની કતલ પર પ્રતિબંધ મૂકતા કાયદા કૉંગ્રેસની સરકારોએ જ કર્યા છે. આમ, આ મુદ્દા પર ભાજપ-સંઘની વિચારધારા તેની આગવી નથી. પરંતુ બીફ ખાવાના મુદ્દા પર સંઘવાદી કાર્યકરોએ જે આક્રમક વલણ અપનાવ્યું તે તેમનું આગવું છે. ‘બીફ ખાનારાઓ હિંદુઓનું અપમાન કરી રહ્યા છે’, ‘બીફ ખાવું હોય એ પાકિસ્તાનમાં જઈને રહે’, ‘બીફ ખાનારનું માથું વાઢી નાખીશ’ એવી ધમકી કર્ણાટકના ખુદ મુખ્યમંત્રીને એક ભાજપી કાર્યકરે આપી. આ બધાની વચ્ચે દાદરીકાંડ બન્યો, જેમાં એક મુસ્લિમ અખલાકની બીફ ખાવાની શંકા માત્રથી ટોળાએ હત્યા કરી નાખી અને તેના દીકરાને મરણતોલ માર માર્યો.
આ દાખલામાં એક હકીકતની નોંધ લેવા જેવી છે. ૨૦૧૪ના તેમના ચૂંટણીપ્રચારમાં વડાપ્રધાન મોદીએ ‘પિન્ક રૅવોલ્યુશન’નો મુદ્દો છેડ્યો હતો. તેમનો ઇશારો ભારતમાંથી મોટા જથ્થામાં (દુનિયામાં કદાચ સહુથી વધુ) થઈ રહેલી બીફની નિકાસ પરત્વે હતો. ભારતમાંથી નિકાસ થતી બીફ બીજા દેશોમાં ખવાય છે. ભારતમાં પણ કેવળ વિધર્મીઓ જ બીફ ખાતા નથી, હિંદુઓમાં પણ કેટલાક ખાય છે. આમ, બીફ ખાવાનું બધા હિંદુઓ વાંધાજનક ગણતા નથી. આમ છતાં હિંદુઓનો એક વર્ગ અન્ય હિંદુઓ અને વિધર્મીઓ પર બીફ ખાવા પર પ્રતિબંધ લાદવા ઇચ્છે છે. દેશમાં વધી રહેલી અસહિષ્ણુતાનું આ એક ઉદાહરણ છે.
મુંબઈમાં શિવસેનાએ પાકિસ્તાની ગાયકનો કાર્યક્રમ ધાકધમકીથી બંધ રખાવીને તથા પાકિસ્તાનના એક લેખકના પુસ્તકના વિમોચનના કાર્યક્રમનું આયોજન કરનાર સુધીન્દ્ર કુલકર્ણીનું મોં કાળું કરીને અસહિષ્ણુતા દાખવી. તેનો વાંધો પાકિસ્તાનના સામે છે. પાકિસ્તાન જો ભારત સાથે દુશ્મનાવટ રાખતું હોય અને ભારતના કલાકારોને પ્રવેશવા ન દેતું હોય તો ભારતે પણ ‘જેવાની સાથે તેવા’ની નીતિ અપનાવીને પાકિસ્તાનના કલાકારોને ભારતમાં પ્રવેશવા ન દેવા જોઈએ. પ્રથમ નજરે તેની આ દલીલ પ્રબળ જણાય છે. પણ થોડા ઊંડા ઊતરીને તપાસતાં એ ટકી શકે એવી દલીલ નથી. અન્ય દેશો સાથે કેવો સંબંધ રાખવો તે કેન્દ્ર સરકારે જેને વિઝા આપ્યો હોય એવો વિદેશી નાગરિક દેશમાં તેના કાર્યક્રમ માટે આવી ન શકે તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર એ બંને સત્તાઓને પડકાર રહેલો છે.
આ ઘટનાનું એક બીજું પાસું પણ વિચારવાનું છે. પાકિસ્તાનના ગાયકનો કાર્યક્રમ મુંબઈના જે નાગરિકો (સરકારની મંજૂરી સાથે) સાંભળવા માગતા હતા, તેમને તેમની પસંદગીના ગાયકને સાંભળતા રોકવાનો અધિકાર કોઈ સંગઠનને હોઈ શકે?
શિવસેનાએ પાકિસ્તાની લેખકના પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ યોજનાર સુધીન્દ્ર કુલકર્ણીનું મોં કાળું કરીને દેશમાં અસહિષ્ણુતા કેટલી હદે વકરી છે તથા કાયદો અને વ્યવસ્થાના કેટલાં નબળાં પડ્યાં છે તેનું ચિત્ર દેશ અને દુનિયાને પૂરું પાડ્યું. દુનિયામાં દેશની ઇમેજ ઍવૉર્ડ વાપસીથી નથી ખરડાઈ. દાદરીકાંડ અને સુધીન્દ્ર કુલકર્ણીના કાળા કરવામાં આવેલા મોંથી ખરડાઈ છે.
દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા દર્શાવતી જે ઘટનાઓએ ઍવોર્ડ પરત કરવા કેટલાક લેખકો-કલાકારોને પ્રેર્યા તે નોંધ્યા પછી ઍવૉર્ડ પરત કરનારાઓની જે ટીકાઓ કરવામાં આવી છે, તેમાંથી કેટલીક તપાસીએ.
એક, બહુ ભોળા થઈને એક પ્રશ્ન પૂછવામાં આવે છેઃ દેશમાં અસહિષ્ણુતા છે જ ક્યાં? બે વર્ષના ગાળામાં ત્રણ લેખકોની હત્યા થાય અને એક લેખકને, લેખક તરીકે આત્મહત્યા કરવી પડે, એને જો વધી રહેલી અસહિષ્ણુતા ન ગણવાની હોય તો તેમાંથી એક પ્રશ્ન ઊભો થાય છે. દેશમાં હજી બીજા કેટલા લેખકોની હત્યા થાય તો તે વધી રહેલી અસહિષ્ણુતાનો સંકેત ગણાય? પૂર્વે કેટલાકોને ન ગમતાં કે વિવાદાસ્પદ પુસ્તકો સામેનો રોષ ભાંગફોડ દ્વારા વ્યક્ત થયો હોય એવા કિસ્સા દેશમાં બન્યા છે. એ ઘટનાઓને થોડા શાબ્દિક વિરોધ સાથે સહી લેવામાં આવી. હવે વૈચારિક અસહિષ્ણુતા આગળ વધીને લેખકોની હત્યા સુધી પહોંચી છે. લેખકોની હત્યાને પણ જો કેવળ શાબ્દિક વિરોધ દ્વારા જ સહી લેવાની હોય તો બંધારણે આપેલું વાણીસ્વાતંત્ર્ય લેખકો ભોગવી શકે નહિ. લોકોના વાણીસ્વાતંત્ર્યને કેવળ રાજ્ય તરફથી ભય નથી, ટોળાંશાહીની સેન્સરશિપનો પણ એટલો જ ભય છે. એ આ કિસ્સા પરથી જોઈ શકાય છે. આતંકવાદીની કક્ષામાં મૂકી શકાય એવાં સંગઠનોની લેખકો સામેની તાનાશાહી સામે લેખકોને રક્ષણ આપવાની જેની જવાબદારી છે એ સરકારના એક સિનિયર પ્રધાન લેખકો દ્વારા દર્શાવવામાં આવેલા વિરોધને પ્રાયોજિત ગણીને તેની મજાક ઉડાવે તે એક ચિંતા ઉપજાવે તેવી ઘટના છે.
લેખકો દ્વારા દર્શાવવામાં આવેલો વિરોધ પ્રાયોજિત છે, એના સમર્થન રૂપે પ્રશ્નો પૂછવામાં આવે છેઃ કાશ્મિરમાંથી પંડિતોને હાંકી કાઢવામાં આવ્યા, કટોકટી લાદવામાં આવી, ૧૯૮૪માં શીખોની હત્યા કરવામાં આવી ત્યારે તમે ક્યાં ગયા હતા? (૨૦૦૨માં ગુજરાતમા થયેલાં રમખાણો વખતે તમે ક્યાં ગયા હતા, એમ પૂછવામાં નથી આવતું.) મતલબ કે ભૂતકાળમાં જે ઘટનાઓને અમે વિરોધ કરેલો તેમાં તમે જોડાયા નહોતા તો હવે તમને કોઈ ઘટનાનો વિરોધ કરવાનો અધિકાર રહેતો નથી. બીજી રીતે મૂકીએ. ભૂતકાળમાં જો તમે કોઈ ઘટનાનો વિરોધ ન કર્યો હોય તો બાકીના તમારા જીવનમાં તમે કોઈ સામાજિક કે રાજકીય ઘટનાનો વિરોધ કરવાનો અધિકાર ગુમાવો છો. પ્રસ્તુત પ્રશ્નનો એક બીજો પણ સૂચિતાર્થ છે. દેશમાં વિરોધ કરવા જેવા જે મુદ્દાઓ હોય તેમાંથી તમારા પસંદગીના પ્રશ્નોનો જ વિરોધ કરવાનો તમને અધિકાર નથી; વિરોધ કરવો હોય તો બધા મુદ્દાઓનો કરો, નહીંતર એકનો ન કરો.
ઉપર્યુક્ત ટીકા કરનારાઓ આમ જાહેર વિરોધ કોણ કરી શકે તેની લાયકાત નક્કી કરી આપે છે. આ લાયકાત નક્કી કરવામાં વાણી- સ્વાતંત્ર્યના એક ભાગ રૂપે વિરોધ કરવાનો અધિકાર સીમિત કરી દેવાનું અભિપ્રેત છે. મતલબ કે બહુ ઓછા નાગરિકોનો વિરોધ કરવાનો અધિકાર તેમને માન્ય છે. તેઓ એ ભૂલી જાય છે કે લોકશાહીમાં વિરોધ કરવાનો નાગરિકોનો અધિકાર બિનશરતી છે.
કેટલાકે વિરોધ વ્યક્ત કરવા માટે ઍવૉર્ડ પાછો આપવામાં આવ્યો તેનો વિરોધ કર્યો, કેટલાકે એમાં પ્રસિદ્ધ માટેનો સ્ટંટ જોયો, કેટલાકને એમાં નાટક દેખાયું પણ આઝાદીની લડત દરમિયાન કેટલાક મહાનુભાવોએ સરકારે આપેલ ઇલકાબ પાછા વાળીને સરકારનાં જે-તે અન્યાયી પગલાં સામે વિરોધ વ્યક્ત કર્યો હતો તેનું સ્મરણ કરવું ઘટે. લોકશાહીમાં વિરોધ વ્યક્ત કરવાનો એ પણ એક માર્ગ છે. એ સમયે રાષ્ટ્રની આઝાદીનો પ્રશ્ન હતો, આજે લેખકોના વાણીસ્વાતંત્ર્યનો પ્રશ્ન છે. લેખકોની તેમના વિચારો વ્યક્ત કરવા માટે કરવામાં આવતી હત્યાનો વિરોધ જો લેખકો અને કલાકારો જ નહિ કરે તો સમાજનો કયો વર્ગ કરશે? વિરોધ કયા માર્ગે કરવો તે વિરોધ કરનાર જ નક્કી કરતા હોય છે. અંગ્રેજ શાસન સામેનો વિરોધ ભગતસિંહે એમના માર્ગે કર્યો હતો અને ગાંધીજીએ એમના માર્ગે કર્યો હતો. લેખકોએ વિરોધ વ્યક્ત કરવા માટે ઍવૉર્ડ વાપસીનો માર્ગ પસંદ કર્યો, જે અસરકારક નીવડ્યો છે. એ પ્રસિદ્ધિ આપનારું નાટ્યાત્મક પગલું હોવાથી જ અસરકારક નીવડ્યું છે. એની વિરુદ્ધ, ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકોએ આવેદન રૂપે કરેલા વિરોધની અખબારોમાં માત્ર નોંધ જ લેવાઈ.
દાદરીકાંડમાં થયેલી એક હત્યાને વધારે પડતી ચગાવીને વિદેશોમાં દેશની ઇમેજ બગાડવામાં આવી છે, એવી રાષ્ટ્રપ્રેમને અપીલ કરતી ટીકા પણ કરવામાં આવી છે. અહીં દેશની ઇમેજનો વિચાર દેશના બે નાગરિકો સાથે થયેલા દારુણ અન્યાયને નજર સમક્ષ રાખીને કરવાનો છે. આ વિચારણા માટે અમેરિકામાં સાવ નજીકના ભૂતકાળમાં ઘટેલી એક ઘટનાને પિછવાઈ તરીકે પ્રયોજવા જેવી છે.
બે-અઢી મહિના પહેલાં અમેરિકાની એક શાળામાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનના જ્ઞાનને પ્રયોજતો પ્રોજેક્ટ કરવાની કામગીરી સોંપવામાં આવેલી. આઠમા ધોરણના એક વિદ્યાર્થી અહમદ મહમદે પેન્સિલ રાખવાના એક ખોખામાં ડિજિટલ ઘડિયાળ બનાવ્યું. વિદ્યાર્થી મુસ્લિમ હોવાથી એની બનાવટ જોઈને તેના શિક્ષકને તેણે ટાઇમબૉંબ બનાવ્યો છે, તેવી શંકા પડી. શિક્ષકે તત્કાળ પોલીસને ખબર આપી. પોલીસ તરત જ શાળામાં પહોંચી. ઘડિયાળ ફૉરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવી. પોલીસની તેમજ ફૉરેન્સિક તપાસમાં સત્ય બહાર આવી ગયું. વિદ્યાર્થીને પોલીસે સન્માનભેર છોડી મૂક્યો.
પણ વિદ્યાર્થીએ પોલીસને પ્રશ્ન પૂછ્યોઃ ‘ખરેખર મારો વાંક શું હતો? મારું નામ એ જ મારો વાંક છે?’ નિર્દોષ વિદ્યાર્થીનો આ સવાલ સોશિયલ મીડિયામાં પહોંચ્યો. ટિ્વટર પર સંખ્યાબંધ અમેરિકનોએ વિદ્યાર્થીની માફી માગી અને અમે તારી સાથે છીએ, એવો સધિયારો આપ્યો. અમેરિકાના નાગરિકોનો આ પ્રતિભાવ જોઈને અમેરિકાના પ્રમુખ ઓબામાએ પણ આ બનાવ અંગે માફી માંગી અને અહમદને પરિવાર સાથે વ્હાઇટહાઉસ બોલાવ્યો. અમેરિકાના નાગરિકો તથા પ્રમુખના આ પ્રતિભાવથી અમેરિકાની ઇમેજ ઊજળી થઈ કે ઝાંખી પડી? આની પડછે દાદરીકાંડની ઘટનાના દેશમાં પડેલા, પ્રત્યાઘાતો તપાસવાના છે. દાદરીકાંડના દેશમાં થયેલા વિરોધની દેશની ઇમેજ ઊજળી થઈ કે ઝાંખી પડી? અમેરિકાના પ્રમુખના અને દેશમાં વડાપ્રધાને મૌન સેવીને અને જેટલીએ બોલીને આપેલા પ્રત્યાઘાતની તુલના કરીએ ત્યારે કેવું ચિત્ર ઊપસે છે? પ્રશ્ન દેશમાં નાગરિકોને થતા અન્યાય સામેની નાગરિકો અને સત્તાધીશોની સંવેદનશીલતાનો છે.
ત્રણ સાહિત્યકારો અને દાદરીકાંડમાં થયેલી હત્યાથી ભાજપ અને બીજાં જમણેરી સંગઠનોએ સંવેદના અનુભવી નહોતી, પણ હત્યાઓના વિરોધમાં થયેલી ઍવૉર્ડવાપસીથી તેઓ અકળાઈ ઊઠ્યા. આ સમગ્ર ઘટના દરમિયાન ભાજપે જે પૉઝિશન લીધી છે, તે પ્રમાણે તેમણે રોષે ભરાવાની કોઈ જરૂર નહોતી. તેમની દૃષ્ટિએ આ એક કાયદો અને વ્યવસ્થાનો જ પ્રશ્ન છે અને તેના માટે રાજ્ય સરકારો જવાબદાર છે. આ રાજ્યોમાં વિપક્ષોની સરકારો છે, જેમ કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષનું, કર્ણાટકમાં કૉંગ્રેસનું અને તમિલનાડુમાં અન્ના ડીએમકેનું શાસન છે. આમ, ભાજપની દૃષ્ટિએ અસહિષ્ણુતાના આ મામલામાં તેની કોઈ જવાબદારી નથી. પ્રશ્ન આ છેઃ તો પછી ભાજપ અસહિષ્ણુતાનો વિરોધ કરનારાઓની સાથે કેમ જોડાઈ જતો નથી? ઍવૉર્ડવાપસીનો આવો આકરો વિરોધ કેમ કરે છે? પ્રશ્નનો ઉત્તર દાદરીકાંડ પછી બનેલા બનાવમાંથી સાંપડે છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ પોતે ગૌમાંસ ખાશે એવું જાહેરમાં કહ્યું, તેનો પ્રત્યાઘાત આપતાં ભાજપના એક કાર્યકરે તેમનું માથું કાપી નાખવાની ધમકી જાહેરમાં આપી. યાદ રહે, દાદરીકાંડ અંગે થયેલા મોટા ઊહાપોહ પછી આ ધમકી ઉચ્ચારવામાં આવી હતી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2015; પૃ. 13-15