
રમેશ સવાણી
સ્વામિનારાયણ પંથ દ્વારા વર્ષોથી ચલાવવામાં આવી રહેલી છેતરપીંડી અને તેના અનેક પ્રકારના દુરાચારોને આધાર-પુરાવા સાથે ખુલ્લા પાડતા પુસ્તક ‘છળકપટ’નો પ્રકાશન સમારંભ 9 ફેબ્રુઆરી 2025ના રોજ નવજીવન સંકુલના જિતેન્દ્ર દેસાઈ સભાગૃહમાં યોજાયો હતો.
આ પુસ્તક, લેખકને આપણા સમયના કરસનદાસ મૂળજી ગણવા પ્રેરે છે. ઓગણીસમી સદીના નિર્ભિક પત્રકાર કરસનદાસે તેમના સમાચાર પત્ર ‘સત્યપ્રકાશ’માં વૈષ્ણવ સંપ્રદાયના દુરાચારોને ખુલ્લા પાડ્યા હતા. કરસદાસ પછી જવલ્લે જ કોઈ લેખક / પત્રકારે આવું કામ કર્યું હશે (મારી ટૂંકી માહિતી મુજબ), તે આટલાં વર્ષે રમેશ સવાણીએ કર્યું છે.
‘છળકપટ’ પુસ્તકના 79 તેજાબી પ્રકરણોમાંથી કેટલાંકના મથાળા પરથી પણ પુસ્તકની તાકાતનો નિર્દેશ મળી શકે : સ્વામિનારાયણ ધર્મ કહે છે અમે હિન્દુ ધર્મનો ભાગ નથી ! (પ્રકરણ 27). સહજાનનંદજીએ શિવને, કૃષ્ણને, રામને નીચા દેખાડવાનો પ્રયત્ન શા માટે કર્યો હશે?(પ્રકરણ 18). જો સહજાનંદજી ‘સર્વોચ્ચ ભગવાન’ હોય અને BAPS સ્વામી ‘પ્રગટ બ્રહ્મસ્વરૂપ’ હોય તો બોરસદની સામાન્ય કોર્ટનો આશરો લેવો પડે? (પ્રકરણ 4). સ્વામિનારાયણ સંપ્રદાયને આઝાદીની લડત કે માનવીના ગૌરવની લડતમાં સહેજ પણ રુચિ ન હતી!
કોર્ટે જેમને તડીપાર જાહેર કરેલા તે યજ્ઞપુરુષદાસ પ્રગટ બ્રહ્મસ્વરૂપ બની ગયા ! (પ્રકરણ-9). સ્વામિનારાયણના પાંચ સ્વામીઓને ફાંસીની સજા કેમ થઈ હતી (પ્રકરણ 70). સરદાર પટેલ બોલ્યા : ‘ખટપટ કરે, અદાલતે ચડે તેવા સાધુઓ આ લોકમાં કે પરલોકમાં આપણું ભલું કરી શકે નહીં!’ (પ્રકરણ 14). સાધુઓના સેક્સકાંડ સર્વોપરી ભગવાન કેમ અટકાવી શકતા નથી?(પ્રકરણ 61). ન્યુજર્સીના સ્વામિનારાયણ મંદિર પર એફ.બી.આઇ.એ રેઈડ કેમ પાડી? (પ્રકરણ 63). પ્રમુખસ્વામી પાસે ટેક્નોક્રૅટ અને વિજ્ઞાનીએ જ્ઞાન ગ્રહણ કર્યું હતું, તમને નથી દેખાતું ? (પ્રકરણ 24) સ્વામિનારાયણ સંપ્રદાય શા માટે દલિતોના ઉદ્ધારનાં જૂઠાણાં ફેલાવતો હશે? (પ્રકરણ 36). બે સ્વામીઓ અક્ષરધામને પામવા માટે ઝગડે છે કે સત્તાપ્રાપ્તિ અને ધનપ્રાપ્તિ માટે? (પ્રકરણ 55), ધર્મગુરુઓ આપણને વર્ષ 1517માં ધકેલી રહ્યા છે? (પ્રકરણ 79).
પુસ્તકનું સત્ય બધી રીતે બળવાન પંથના સત્તાધીશો અને અનુયાયીઓને ફટકારનારું, તેમને હાડોહાડ લાગી આવે તેવું છે. લગભગ બધાં પ્રકરણો લેખક ગયાં બેએક વર્ષ દરમિયાન પુષ્કળ ફેલાવો ધરાવનાર ફેસબુક માધ્યમ પર લખી ચૂક્યા છે, તે હજ્જારો લોકો સુધી પહોંચ્યા છે. છતાં ય અત્યારે બધી રીતે શક્તિમાન એવા તેમાંથી કોઈ પણ બાબતને જાહેર રદિયો આપ્યો હોવાનું કે કાનૂની રાહે પડકારી હોવાનું જાણમાં નથી. તેનું કારણ મહદઅંશે એવું છે કે ગઢડા તાલુકામાં જન્મેલા લેખકે તેમના મુદ્દાઓને સંખ્યાબંધ આધારો દ્વારા પડકારને પર બનાવી દીધા જણાય છે. તેમણે આપેલા આધારોમાં શિક્ષાપત્રી અને સંપ્રદાયના પરચાસાહિત્ય ઉપરાંત તેના અનુયાયીઓએ જ લખેલાં પુસ્તકો, ચોકસાઈભરી ઐતિહાસિક વિગતો, કાનૂની દસ્તાવેજો, સમાચારો તેમ જ વેબસાઈટનો ઉપયોગ કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ કલામ, સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશો શરદ બોબડે અને એમ.આર. શાહ, સાહિત્યકાર ક.મા. મુનશી, ચિંતક કિશોરલાલ મશરૂવાળા, યશવંત શુક્લ અને ઇતિહાસકાર મકરંદ મહેતા જેવી વ્યક્તિઓએ આ પંથનું કરેલું ગફલતી ગૌરવ પણ લેખક ધ્યાન પર લાવ્યા છે.
સંપ્રદાય અને આનુષાંગિક વિષયો ઉપરાંત કાનૂની અભ્યાસ પુસ્તકને સંગીન બનાવે છે. અચૂક ક્રિટિકલ અભિગમથી પુસ્તકને ધાર આપે છે. મોટા ભાગના પ્રકરણોમાં લેખકે સર્વાર્થે જન સામાન્યને લગતા, રૅશનલ, વ્યવહારુ અને સોંસરા સવાલો પૂછ્યા છે. તેના લોકહિતાર્થી અને તાર્કિક જવાબો સંપ્રદાય તરફથી મળ્યા નથી તે હકીકત પ્રશ્નોની નક્કરતા અને પંથની પોકળતા બતાવે છે.
લેખકની માંડણી સ્પષ્ટ છે; શૈલી બિલકુલ સીધીસટ છે, શબ્દોની પસંદગી ચોકસાઈવાળી અને અભિવ્યક્તિ સાફસૂથરી છે. તેઓ ક્યાં ય વિવેક ચૂકતા નથી કે અભિનિવેશ બતાવતા નથી. પ્રકાશન કાર્યક્રમમાં રમેશભાઈએ અનેક મુદ્દા અને દાખલા દ્વારા એ મતલબની કેફિયત આપી કે “સ્વામિનારાયણ સંપ્રાદાય પોતાનો વાડો મોટો કરવા માટે તેમનાં પુસ્તકો અને મંદિરોમાં સનાતન કે હિંદુ ધર્મના દેવદેવીઓને સહજાનંદ સ્વામી કરતાં ઊતરતાં બતાવે છે. આ ધર્મના પાત્રો સાથે ગંદી રમત છે, આ છળકપટ ‘જે મારે લોકોને આ પુસ્તક દ્વારા બતાવવું છે … ચાળીસેક વર્ષ પૂર્વે ‘અર્થાત’ સામયિકમાં ઇતિહાસકાર મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિકે સહજાનંદ સમાજસુધારક હતા, પણ સંત ન હતા એમ વિશદ કરતો લેખ લખ્યો, તેની સામે મુકદ્દમો મંડાયો. મકરંદભાઈએ હથિયાર હેઠા મૂકી દીધા, મારે એમનું કામ આગળ ધપાવવું છે. BAPS હિંદુ ધર્મના દેવોને ઊતરતા બતાવે છે, એનું અપમાન કરે છે અને છતાં સનાતન ધર્મના, હિંદુ સંસ્કૃતિના પ્રચારનો દાવો કરે છે, તે પણ દર્શાવવાનો આ પુસ્તકનો હેતુ છે.”
વિમોચન પ્રસંગે પ્રકાશ ન. શાહ, ઉત્તમભાઈ પરમાર, જગદીશભાઈ બારોટ, કિરણ ત્રિવેદી અને હેમન્તકુમાર શાહે વક્તવ્યો આપ્યાં. તેમને સહુએ બાવા-સંપ્રદાયોએ ચલાવેલી પ્રતિગામી સાંપ્રદાયિકતા પર પ્રસંગો અને અનુભવોને આધારે કોરડા વીંઝ્યાં તેમ જ રેશનલ સમાજની તેમની વિભાવના વર્ણવી. કાર્યક્રમનું સંચાલન હોનહાર, નીડર યુવા રૅશનાલિસ્ટ પ્રગતિશીલ યુ-ટ્યૂબર જ્યોત્સ્ના આહિરે કર્યું. તેમના સંચાલનમાં સાહજિકતા, જીવંતતા અને રૅશનાલિસ્ટ મુદ્દાઓની વારંવાર જિકર હતી. નોંધપાત્ર હાજરી ધરાવનારા આ કાર્યક્રમમાં અમદાવાદ ઉપરાંત ભાવનગર, ગોંડલ, સૂરત, ગાંધીનગર અને કૅલિફૉર્નિયા / મેરીલેન્ડ / કેનેડા / UKથી પણ લોકો આવ્યા હતા.
ધર્મસત્તા અને રાજ્યસત્તાના છળકપટોનો પર્દાફાશ કરનાર વધુ સાહિત્ય લખાતું-વંચાતું રહે તેના માટેનો જુઝારુ દિશાનિર્દેશ રમેશ સવાણીના પુસ્તકમાંથી મળે છે. એટલા માટે પણ આ પુસ્તકનો ઘણો ફેલાવો થાય તે જરૂરી છે.
[10 ફેબ્રુઆરી 2025]