પરિવર્તનશીલ વિચારધારાની વાત કરનારા ટ્રુડો લોકોની સંવેદનાઓ સમજવામાં કાચા પડ્યા અને લોકપ્રિયતાથી કેળવેલો વધુ પડતો આત્મવિશ્વાસ જ તેમના પતનનું કારણ બન્યો

ચિરંતના ભટ્ટ
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો નવ વર્ષ પછી પોતાના પદને અલવિદા કહી રહ્યા છે. પક્ષમાં ચાલેલા ભેદભાવ અને તેમના ટેકેદારોની ઘટતી સંખ્યાને પગલે આખરે આ નિર્ણય લેવાય છે. ટ્રુડો જ્યારે કેનેડાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે આખી દુનિયાની નજર તેમના પર હતી. અત્યારે એ 53 વર્ષના છે એટલે કે સત્તા પર આવ્યા ત્યારે ચાળીસીના પૂર્વાર્ધમાં હતા. ટ્રુડો સત્તા પર આવ્યા ત્યારે તેમના ચાહકો આખી દુનિયામાં વધ્યા. તે એક ‘કૂલ’ રાજકારણી તરીકે દૃષ્ટાંત સમાન ગણાયા અને તેમની લોકપ્રિયતા પણ ખાસ્સી હતી. સમય પસાર થતો ગયો અને તેમની નીતિઓ, વૉટબેંકનું રાજકારણ, પર્યાવરણને લગતી નીતિઓથી માંડીને અનેક બાબતો પર સવાલો ઉઠ્યા. વળી આંતરરાષ્ટ્રીય સંબંધો સાચવવાને મામલે ટ્રુડોએ જબરો બફાટ કર્યો, એમાં ય ખાસ કરીને ભારત સાથેના સંબંધો તો છેલ્લાં એક – દોઢ વર્ષમાં એવા બગાડ્યા કે કંઇ બોલવા જેવું ન રાખ્યું. બીજા દેશમાં જેને આતંકવાદ ગણાય તેવી ચળવળને પોતાના લાભ માટે, પોતાના દેશમાં ટેકો આપવાની ભૂલ ટ્રુડોએ કરી. ટ્રૂડોની શરૂઆતથી માંડીને અત્યારે તેમની વિદાય સુધીની ઘટનાઓ સમજવાનો પ્રયાસ કરીએ.
શરૂઆત
ટ્રુડોને રાજકારણ વારસામાં મળ્યું હતું. તેમના પિતા ચાર ટર્મ સુધી કેનેડાના વડા પ્રધાન રહી ચૂક્યા છે અને તેમની પહેલી ટર્મ હતી ત્યારે જસ્ટિન ટ્રુડોનો જન્મ થયો. 2013માં ટ્રુડો લિબરલ પાર્ટીના વડા બન્યા ત્યારે પક્ષને હજી 2011ની હારની કળ વળી રહી હતી, પ્રગતિશીલ વિચારધારા ધરાવતા મતદાતાઓ ડાબેરી ન્યુ ડેમોક્રેટિક પાર્ટી તરફ વળ્યા હતા. ટ્રુડોએ યુવાન સલાહકારોનું જૂથ બનાવ્યું અને મારિઆનાને (મારિજુઆના) કાયદેસર બનાવવાથી માંડીને નેશનલ કાર્બન ટેક્સ લાગુ કર્યો તો માળખાંકીય સુવિધાઓમાં કરોડોનું રોકાણ કર્યું. આર્થિક અસમાનતાને ઠીક કરવાના વાયદા પણ કર્યા. 2015 સુધીમાં તેમના પક્ષના યુવા ટેકેદારોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી અને ચૂંટણીમાં જીત તેમને હાથવગી રહી. કેનેડાના વડા પ્રધાન તરીકે શપથ લેનારી તે બીજી સૌથી યુવાન વ્યક્તિ બન્યા. તેમને કેબિનેટમાં મહિલાઓ અને પુરુષોની સંખ્યા એક સમાન હતી.
આંતરિક પ્રશ્નો

જસ્ટીન ટ્રુડો
જો કે સફળ વહીવટની વાત કરવી અને તેને અમલમાં મુકવો બે અલગ વાતો છે. સ્વપ્નદૃષ્ટા જેવી છટાથી જે યોજનાઓ અને પરિવર્તનોની વાત થઇ હતી તે લાગુ કરવાનું અઘરું પડ્યું. તેલના ભાવ ગગડ્યા અને કેનેડાનું અર્થતંત્ર હચમચી ગયું. ડોનાલ્ડ ટ્રમ્પ ત્યારે યુ.એસ.એ.ના વડા તરીકે ચૂંટાયા અને તેમણે નોર્થ અમેરિકા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને વખારે નાખવાની વાત કરી – આ કારણે કેનેડા માટે યુ.એસ.એ.ના માર્કેટથી હાથ ધોઈ બેસવો પડે. જો કે ટ્રુડોએ તેમના વિશ્વાસુ બાહોશ અધિકારીઓની મદદથી 2018માં ટ્રમ્પ સાથેની વાટા-ઘાટો સાચવી લીધી. અમેરિકન માર્કેટમાં કેનેડાનું સ્થાન યથાવત્ રાખવું એ કદાચ જસ્ટિન ટ્રુડોની વડા પ્રધાન તરીકેની સૌથી અગત્યની સિદ્ધિ હતી. જો કે ટ્રમ્પ સાથેના રાજદ્વારી સંબંધો મજબૂત ન રહ્યા.
ભ્રષ્ટાચારના આરોપ અને કોવિડનો ફટકો
2019માં બીજી ટર્મ માટે ચૂંટણી લડવા તૈયાર થઇ રહેલા ટ્રુડો સરકારના મુખ્ય સભ્યો અને તેમના સ્ટાફમાંથી કેટલાક લોકોનાં નામ એસ.એન.સી.-લેવાલિન ગ્રૂપ ઇન્ક.ના ભ્રષ્ટાચાર અને છેતરપીંડીના કેસમાં ઉછળ્યા. એટર્ની જનરલે એવા આક્ષેપ મૂક્યા કે સરકારી લોકોએ તેમની પર આ કંપનીનો સોદો પાર પાડવા દબાણ મૂક્યું હતું. 2019માં ટ્રુડો ચૂંટણી તો જીત્યા પણ સંસદમાં તેમની બહુમતી ન રહી. આ ટર્મનો ખાસ્સો સમય કોવિડ રોગચાળામાં ગયો અને આખી દુનિયાના અર્થતંત્રની માફક કેનેડાનું અર્થતંત્ર પણ વેન્ટિલેટર પર મુકાઈ ગયું. ટ્રુડોએ જાહેર કરેલી રાહત યોજનાઓ કેનેડાના બજેટ પર બોજ સાબિત થઇ. વેક્સિનને લગતા મુદ્દાઓ પર તેણે ધ્યાન ન આપ્યું જેને કારણે વિરોધ પ્રદર્શનો થયા જે હટાવવા ટ્રુડોએ કટોકટી લાદવાની સત્તા વાપરી. રોગચાળો અને વેક્સિનના કાયદાઓની આડ અસર તો ગઈ પણ ફુગાવો ઝિંકાયો. એમાં વળી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો જેની અસર સપ્લાય-ચેન પર પડી. બેંકના દરો આસમાને પહોંચ્યા અને લોકો માટે મોર્ટગેજ, ભાડાં બધું જ વધી ગયું. કેનેડામાં કોસ્ટ – ઑફ – લિવિંગ – જીવવાની કિંમતો વધતી ગઈ અને કોઇ યોજનાઓ લેખે ન લાગી.
ભારત સાથે મામલો બિચક્યો
કેનેડાના આંતરિક ખળભળાટની વચ્ચે વૈશ્વિક સંબંધોમાં ટ્રુડોએ કાચું કાપ્યું. ભારત સાથે કેનેડાના સંબંધો 2023માં બગડવા માંડ્યા હતા જ્યારથી ટ્રુડોએ ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સી અને સરકારી એજન્ટ્સનો હાથ હોવાનો આક્ષેપ મુક્યો હતો. પોતાના દેશમાં મત મેળવવા તેણે ભારત પર આક્ષેપ મૂક્યો પણ મામલો બિચક્યો. ભારતે આ આક્ષેપો નકાર્યા અને પુરાવાની માગણી કરી. ભારતીય સરકારે પણ કેનેડાની સરકારને ખાલિસ્તાનીઓને ટેકો આપીને યોગ્ય નથી કર્યું એમ કહ્યું. સ્વાભાવિક છે જે ભારત માટે આતંકવાદ ગણાય છે તે વિચારધારાને અન્ય દેશ ટેકો આપે તો તેની સાથેના વૈશ્વિક સંબંધો બગડવાના જ છે. કેનેડામાં મત મેળવવા માટે ટ્રુડો ખાલિસ્તાનીઓને ટેકો આપે છે-નો આરોપ ભારતે મૂક્યો. આ આરોપબાજી વચ્ચે ભારત અને કેનેડાએ પોતાના દેશોમાં નિમણૂંક કરાયેલા અન્ય દેશના રાજદૂતોને ઘરભેગા કર્યો – બન્ને દેશોના રાજદ્વારી સંબંધોમાં સખત તણાવ આપ્યો. ખાલિસ્તાની અલગાવવાદીઓને કેનેડાએ અભિવ્યક્તિની સ્વતંત્રતાના નેજામાં કેનેડાએ રક્ષણ આપ્યું ત્યારે પણ ભારતે કેનેડાની ટીકા કરી હતી. ટ્રુડોએ ભારતની મુલાકાત લીધી ત્યારે પણ કેનેડાના ખાલિસ્તાનીઓ સાથે સંબંધો ગાઢ બનાવવાનો તેમનો ઇરાદો હતો અને માટે જ પંજાબના તત્કાલીન મુખ્ય મંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે તેમને મળવાનું એમ કહીને ટાળ્યું હતું કે તે ખાલિસ્તાનીઓના ટેકેદાર છે. ભારતમાં અંદરોઅંદર પણ મતભેદ હોય પણ આપણા દેશની એકતા પર જો કોઇ હુમલો કરશે તો ભારત એ જતું નહીં કરે એ નક્કી છે. ટ્રુડોએ આ સમજવાની જરૂર હતી પણ જે પોતાના દેશને સમજવામાં જ કાચા પડ્યા એવા નેતા અન્ય દેશની લાગણી કેવી રીતે સમજી શકવાના હતા.
ટ્રુડોના રાજમાં શરૂઆતનાં વર્ષોમાં ઇમિગ્રેશનની નીતિઓ હળવી હોવાથી ભારતીય વિદ્યાર્થીઓએ તેનો ખાસ્સો લાભ લીધો હતો. 2024માં ટ્રુડોએ સ્ટડી વિઝા પ્રોગ્રામની ઝડપ ઘટાડી તો વિદેશી વિદ્યાર્થીઓને અપાતા પરવાના પર પણ 35 ટકા કાપ મૂક્યો હતો. આ કારણે પણ ભારતીયોમાં ખાસ્સી અકળામણ હતી. કોન્ઝર્વેટિવ પક્ષના આગેવાન પિયે પૉયલિએવ્રા આગામી ચૂંટણીમાં અગત્યનો ચહેરો છે અને તે કેનેડા લક્ષી નીતિઓ અપનાવશે જેમાં રોજગારીમાં કેનેડાના નાગરિકોને પ્રાધાન્યથી માંડીને ઇમિગ્રેશનના સ્તરો રોજગારીની તકો, સ્વાસ્થ્ય અને ઘરની સવલતોના આધારે નિયત કરવામાં આવશે. ટૂંકમાં કેનેડામાં શિક્ષણ, રોજગાર અને પરમિનેન્ટ રેસિડન્સીના સપનાં પર ભારતીયોએ કાપ મૂકવો પડશે. સ્વાભાવિક છે કે ભારત અને કેનેડાના વ્યાપારી સંબંધો પર પણ ટ્રુડોએ છેલ્લે છેલ્લે કરેલી આડોડાઇની અને નવા નેતૃત્વની અસર પડશે. બન્ને દેશો વચ્ચે થતી આયાત-નિકાસનો આંકડો 8.4 બિલિયન ડૉલર્સે પહોંચ્યો હતો. કેનેડાનું નવું નેતૃત્વ આ વ્યાપારી સંબંધોને સાચવી શકશે કે પછી નવી નીતિઓ લાગુ કરશે જે આ આર્થિક કડીઓને અસ્તવ્યસ્ત કરશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.
ટૂંકમાં એક સમયે ગ્લોબલ લિબરલ આઇકોન ગણાતા ટ્રુડોની લોકપ્રિયતા લોકો લાગણી ન સમજી શકવાને કારણે ઘટી ગઈ. પહેલાં ઇમિગ્રેશન નીતિમાં મોકળાશ આપી જેનાથી હાઉસિંગ, સ્વાસ્થ્ય, નોકરીઓ અને પગાર ધોરણો પર બોજ આવ્યો તો સાથે ફિસ્કલ નીતિઓમાં કોન્ઝર્વેટિવ અને મોડરેટ રાજકીય વિચારધારાઓને નેવે મૂકી વળી સાંસ્કૃતિ ઉદારમતવાદ ઘણા પારંપરિક અને જૂની વિચારધારા ધરાવતા કેનેડિયન્સને કઠ્યો. તેમની ટીકા થઇ ત્યારે ટ્રુડોએ બળનો ઉપયોગ કરી વિરોધીઓને ચૂપ કર્યા. ટ્રુડોને તેની લોકપ્રિયતાનો આત્મવિશ્વાસ નડી ગયો એમ કહેવામાં કંઇ ખોટું નથી. ઘર સાચવવામાં અંદર બહાર બધે હોળી કરવાની ટ્રુડોએ ભૂલ કરી છે. આવનારું નેતૃત્વ નવું કરવાને બદલે જે બગડ્યું છે તે સુધારે તો બન્ને દેશ અને વૈશ્વિક રાજનીતિ માટે એક યોગ્ય પગલું સાબિત થશે.
બાય ધી વેઃ
આ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે આર્થિક બળ વાપરીને કેનેડાને યુ.એસ.એ.નું 51મું રાજ્ય બનાવવાની મહેચ્છા જાહેર કરી છે. સ્વાભાવિક છે કે ટ્રુડો જે હવે પોતાના વડા પ્રધાન તરીકેના રાજીનામું આપી ચૂક્યા છે તેમણે આ આખી વાતને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે આવું તો કોઈ કાળે થવાનું નથી. વળી કોન્ઝર્વેટિવ નેતા પિયે પૉયલિએવ્રાએ પણ આ સોશ્યલ મીડિયા પર એવા અર્થની જ વાત કરી કે કેનેડા ક્યારે ય પણ 51મું રાજ્ય નહીં હોય. અમે એક મહાન અને સ્વતંત્ર દેશ છીએ. આ પછી તેમણે યુ.એસ.ને અલ-કાયદાના હુમલા વખતે, એનર્જીના માર્કેટમાં અને અમેરિકન ઉત્પાદનો ખરીદવામાં કેનડાનો શું ફાળો રહ્યો છે તેની વાત કરી અને ટ્રુડોની સરકારની આકરી ટીકા કરતા કહ્યું કે અત્યારની સરકાર આ મુદ્દાઓ બતાવવામાં નબળી પડી છે પણ પોતે કેનેડા માટે લડશે અને સત્તા પર આવીને કેનેડા યુ.એસ.ની સરહદના પ્રશ્નોને પણ સંબોધશે. કેનેડા યુ.એસ.માં ભળી જાય એ વાતમાં કોઈ દમ નથી કારણ કે તેની સંસ્કૃતિ, કાયદા, ગન કલ્ચરને લગતા નિયમો બધું જ યુ.એસ.થી અલગ છે. ટૂંકમાં ટ્રમ્પે તો કેનેડામાં બધું હખળડખળ છે એ જોઇને વાણી વિલાસ શરૂ કરી દીધો પણ ટ્રમ્પ જેવા કોન્ઝર્વેટિવ પિયે પૉયલિએવ્રા પણ કેનેડા ફર્સ્ટની નીતિમાં માનનારા છે. આવામાં ભારતે વિચારવું પડશે કે કેનેડા ફર્સ્ટની નીતોમાં ભારત સાથેના સંબંધો સુધારવા માટેનું ચેક લિસ્ટ હશે કે કેમ?
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જાન્યુઆરી 2025