Opinion Magazine
Number of visits: 9449053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—158

દીપક મહેતા|Opinion - Opinion|13 August 2022

સ્વતંત્રતા સંગ્રામના સેનાની અને ગાયક 

અંધ કવિ હંસરાજ હરખજી કાનાબાર  

ઊતર્યાં રે કાંઈ આથમણે ઓવાર રે 

પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં 

આપણા દેશની આઝાદીની લડત વખતે માત્ર મુંબઈના રસ્તાઓ પર જ નહિ, ગુજરાતના ચોરે-ચૌટે પણ આ ગીત ગવાતું. પ્રભાત ફેરીઓમાં, સભા-સરઘસોમાં. અને એ સાંભળતા જ પરદેશી સરકારની તાબેદાર પોલીસના દેશી સિપાઈઓ લાકડી લઈને ગાનારાઓ પર તૂટી પડતા. પણ કેમ? કારણ સરકાર માબાપે આ ગીત પર, એના રચનારનાં બીજાં ગીતો પર પણ પ્રતિબંધ મૂકેલો, આજે પણ જે વારંવાર વપરાય છે તે ‘દેશદ્રોહ’નો ગૂનો દાખલ કરીને. ૧૯૩૦માં પ્રગટ થયેલી ‘રાષ્ટ્રીય રણગીતો’ નામની ૧૮ પાનાંની પુસ્તિકાના નિવેદનનું પહેલું વાક્ય આ પ્રમાણે છે : “અંધ કવિ શ્રી હંસરાજભાઈને તો ગુજરાત બરોબર ઓળખે છે જ.” હા, એક જમાનામાં ઓળખતું હશે. આજે તો આ નામ સાવ અજાણ્યું બની ગયું છે. આઝાદીનાં ૭૫ વરસના સરકારી ઉજવણામાં ઘણાં ઢોલ-ત્રાંસા વાગે છે. એમાં આવી વીતેલાં વર્ષોની પિપૂડી તે વળી કોણ સાંભળે?

અંધ કવિ હંસરાજભાઈ

પણ આ હંસરાજભાઈ હતા કોણ? ૧૯૨૨માં પ્રગટ થયેલ પુસ્તક ‘કાવ્ય ત્રિવેણી.’ ૧૩૨ પાનાંના આ પુસ્તકના ટાઇટલ પેજ પર છાપ્યું છે : ‘રચી પ્રસિદ્ધ કરનાર હંસરાજ હરખજી અમરેલીવાળા.’ પુસ્તક છપાયું છે ભાવનગરના જાણીતા સરસ્વતી છાપખાનામાં. એ જમાનામાં તેની એક હજાર નકલ છપાઈ હતી. તેમાંનાં ઘણાંખરાં કાવ્યો હંસરાજભાઈની ઉત્કટ દેશદાઝને પ્રગટ કરે છે. પુસ્તકની શરૂઆતમાં ‘ચી. ભાઈ હંસરાજ હરખજીનું સંક્ષેપ જીવન વૃત્તાંત’ છાપ્યું છે જે લખ્યું છે તેમના પિતા હરખજી કલ્યાણજીએ. તેમાં જણાવ્યું છે કે હંસરાજભાઈનો જન્મ સંવત ૧૯૪૮ના આસો વદી ૪(એટલે ૨૫ સપ્ટેમ્બર, ૧૮૯૨)ના રોજ થયો હતો. જન્મ વખતે તેમની આંખોમાં કશો રોગ નહોતો, પણ છ એક મહિનાની ઉંમરે આંખની તકલીફ શરૂ થઈ. પહેલાં ઘરગથ્થુ ઉપાય કર્યા, અને પછી દાક્તરી સારવાર. તે માટે છ મહિના જૂનાગઢ રહીને ડોક્ટર ત્રિભુવનદાસની દવા કરી. પણ છેવટ ત્રણ-ચાર વર્ષની ઉંમરે બંને આંખો ગુમાવી. પરંપરાગત રીતે શિક્ષણ આપવાનું શક્ય નહોતું એટલે મીણના અક્ષરો અને આંકડા બનાવી સ્પર્શ દ્વારા અક્ષરજ્ઞાન આપ્યું. યાદદાસ્ત સારી હોવાથી કવિતા અને ભૂગોળનું શિક્ષણ સાંભળીને મેળવ્યું, અને આઠ વર્ષની ઉંમરે બીજા ધોરણની પરીક્ષામાં પાસ થયા. પછી એ જ રીતે ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ મોટે ભાગે અમરેલીમાં રહી પૂરો કર્યો. સાથોસાથ ગાયન અને તબલાં તથા હારમોનિયમ વગાડવાની તાલીમ પણ લીધી. છ એક મહિના મુંબઈની વિક્ટોરિયા બ્લાઈન્ડ સ્કૂલમાં દાખલ થયા અને બ્રેલ લિપિનું જ્ઞાન મેળવ્યું, પછી ફરી અમરેલી જઈ અંગ્રેજી શીખ્યા અને મેટ્રિકની પરીક્ષા આપી, પણ વિજ્ઞાનના વિષયમાં નાપાસ થયા. પછી ત્રણ વર્ષ વડોદરા રહી ત્યાંની મુખ્ય સંગીત શાળામાં તાલીમ લીધી અને ફિડલ, વીણા, દિલરૂબા, સિતાર, જલતરંગ જેવાં વાદ્યો વગાડતાં શીખ્યા. એક જલસામાં ફિડલ વગાડવા માટે ૭૫ રૂપિયાનું ઇનામ મેળવ્યું. અમરેલી જઈ હારમોનિયમ શિક્ષક તરીકેની નોકરી કરી. ૧૯૨૧ના ડિસેમ્બરની ૧૪મી તારીખે લખેલા આ જીવન વૃત્તાંતને અંતે તેમના પિતા લખે છે : “ભાઈ હંસરાજની કવિત્વ, વાદ્ય અને ગાયનની શક્તિ ઘણી સારી અને ઊંચા પ્રકારની છે. તે સાથે તેમની યાદદાસ્ત પણ ઘણી સારી અને ઉત્તમ છે.”

જીવન વૃત્તાંત પછી હંસરાજભાઈનું ચાર પાનાંનું નિવેદન છપાયું છે. તેમાંથી જાણવા મળે છે કે ૧૯૨૧-૧૯૨૨ના અરસામાં અમરેલીના ખાદી ભંડારે કાઠિયાવાડમાં બધે ફરીને પોતાનાં ગાયન-વાદનથી સ્વદેશીનો પ્રચાર કરવાનું કામ હંસરાજભાઈને સોપ્યું હતું. પોતે જે લખે છે તેની ગુણવત્તા અંગે તેઓ પૂરેપૂરા સભાન છે. નિખાલસતથી લખે છે : “મારાં કેટલાંક ગીતો માત્ર જન સમાજ પર અસર કરવા સારૂ માત્ર જોડકણાં છે. એમાં કવિતાનો એક પણ અંશ નથી. એવાં જોડકણાંને કવિતા કહી કાવ્યમાતાનો ઉપહાસ હું હરગિજ ન કરૂં.” આ ‘કાવ્ય ત્રિવેણી’નું પહેલું વહેણ ભક્તિ કે અધ્યાત્મને લગતી ૩૯ રચનાઓનું છે. બીજું વહેણ દેશભક્તિની રચનાઓનું છે. આ વિભાગની શરૂઆતમાં અલગ ‘અર્પણ પત્રિકા’ અને ‘મંગળાચરણ’ની પદ્યકૃતિઓ મૂકી છે. માતૃભૂમિને અર્પણ કરતાં લખે છે :

ઓ હિન્દ! ધર્મ ધાત્રી, સઘળું તને સમર્પું;
તેત્રીસ કોટિ ત્રાત્રી, સઘળું તને સમર્પું.
આ દેહ ને જીવન આ, આત્મા અને હૃદય આ;
આ પ્રેમ, આ સબંધો, સઘળું તને સમર્પું.

વ્યસનોનો વિરોધ કરતી રચનાઓમાં હોટેલનો વિરોધ કરતી એક રચના પણ છે. હોટેલ સામેના વિરોધનું એક મુખ્ય કારણ એ કે તેમાં વર્ણાશ્રમના ભેદ જળવાતા નથી.

એક જ ડોલ તણી ગંગામાં સર્વે પ્યાલા પાવન થાય,
શૂદ્ર તણો પીધેલો પ્યાલો એમ જ બ્રાહ્મણને દેવાય.
એકબીજાના મુખ વિષે અથડાએ એક બીજાના શ્વાસ,
શસ્ત્ર વિના વર્ણાશ્રમ કેરું હોટલ વાળે સત્યાનાશ.

ગાંધીજી પ્રેરિત આઝાદી માટેની ચળવળના સેનાની અને ગાયક ન્યાત-જાતના ભેદમાં માનતા હોય એ જોઈ થોડી નવાઈ લાગે. પણ એ સમયગાળાને ધ્યાનમાં રાખીએ તો તેમનું વલણ સમજી શકાય. અને આવા ભેદ તો હજી આજે ય તે પૂરેપૂરા દૂર ક્યાં થયા છે?

હંસરાજભાઈનું સૌથી મહત્ત્વનું પુસ્તક નવેમ્બર ૧૯૩૮માં પ્રગટ થયું હતું. ૮૮૦ પાનાંના આ દળદાર કાવ્યસંગ્રહનું નામ છે ‘હંસ માનસ’. જો કે તેના ટાઈટલ પેજ પર રચનાર તરીકે માત્ર ‘કવિ હંસ’ એટલું જ છાપ્યું છે. અમરેલીના મિનરવા પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલા પુસ્તકની કિંમત ફક્ત ત્રણ રૂપિયા હતી. તેનું એક કારણ એ કે પુસ્તકના પ્રકાશનની બધી જવાબદારી ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ ઉપાડી લીધી હતી. પુસ્તકના ટાઇટલ પેજ પર પ્રકાશક તરીકે પણ તેમનું જ નામ છાપ્યું છે. જો કે પુસ્તક પ્રગટ થાય તે પહેલાં ૧૯૩૮ના ફેબ્રુઆરીની ૧૬મી તારીખે પટ્ટણીસાહેબનું અવસાન થયું હતું. કવિએ પુસ્તક તેમને જ અર્પણ કર્યું છે અને છ પાનાંનું અર્પણ કાવ્ય તથા ફોટો પણ મૂક્યાં છે. પુસ્તકની શરૂઆતમાં કાકાસાહેબ કાલેલકરની બે પાનાંની પ્રસ્તાવના છે. જો કે માંદગીને કારણે કાકાસાહેબ બધાં કાવ્યો વાંચી શક્યા નહોતા. છતાં તેઓ લખે છે : “કવિ હંસરાજ ગુજરાતના જાહેર જીવનના એક અત્યંત ઉજ્જવળ યુગના પ્રતિનિધિ થઈ શક્યા છે. ગુજરાતે જે જે પરાક્રમો કર્યાં, જે જે ક્ષેત્રો ખેડ્યાં, તે બધાં સાથે કવિએ સમરસ થઈ તેનું વાતાવરણ ગુજરાતી ભાષામાં શબ્દબદ્ધ કરી આપ્યું છે. કવિની ભાષા સરળ છે, સંસ્કારી છે, અને જોમદાર છે.”

કાકાસાહેબની પ્રસ્તાવના પછી હંસરાજભાઈનું પાંચ પાનાનું નિવેદન છે, તેમાંથી એ માહિતી મળે છે કે હંસરાજભાઈ આઝાદીની લડત દરમ્યાન ૧૯૨૩, ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલમાં ગયા હતા. અને પુસ્તકમાંનાં ઘણાં કાવ્યો કારાવાસ દરમ્યાન લખાયાં હતાં. સંગ્રહમાંની રચનાઓને આઠ વિભાગમાં વહેંચી છે : છંદ વિભાગ (૧૭ રચનાઓ), યુવાન વિભાગ (૭૪), રાસ વિભાગ (૫૫), બાળ વિભાગ (૧૧), હરિજન વિભાગ (૩૨), અધ્યાત્મ વિભાગ (૫૩), ભક્તિ વિભાગ (૮૬), અને શેષ વિભાગ (૬૪). કુલ ૩૯૨ રચનાઓ.

હંસરાજભાઈનું ત્રીજું પ્રકાશન તે માત્ર ૩૦ પાનાંની એક પુસ્તિકા. છેલ્લે પાને છાપેલી માહિતી પ્રમાણે રાણપુરના સ્વાધીન મુદ્રણાલયમાં મનુભાઈ અમૃતલાલ શેઠે આ પુસ્તિકા છાપી હતી અને કવિ હંસે ભાટીઆ શેરી, અમરેલીથી પ્રગટ કરી હતી. બીજી એક વાત પણ ખાસ ધ્યાન ખેંચે છે : એ જમાનામાં હંસરાજભાઈની સૌથી વધુ ગવાતી રચના તે ‘ટોપીવાળાનાં ટોળાં ઊતર્યા.’ પણ ‘કાવ્ય ત્રિવેણી’ પુસ્તકમાં કે ૧૯૩૮માં પ્રગટ થયેલ ‘હંસ માનસ’માં આ રચના જોવા મળતી નથી. બ્રિટિશ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો તેને કારણે આમ બન્યું હોય. પણ રાણપુરમાં છપાયેલી પુસ્તિકામાં આ રચના જોવા મળે છે જે પૂરાં સાત પાનાં રોકે છે. 

૨૦૧૦માં કાલિન્દી પરીખ સંપાદિત ‘હંસ-માનસ’ સંગ્રહ અમરેલીના સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ તરફથી પ્રગટ થયો છે. તેમાં કુલ ૧૨૯ રચનાઓ સમાવી છે. પાછલા પૂંઠા પર ‘ટોપીવાળા’ કાવ્યની ફક્ત ૧૯ પંક્તિ છાપી છે. આખું કાવ્ય પુસ્તકમાં નથી. પુસ્તકની શરૂઆતમાં કિશોરભાઈ મહેતા, કાલિન્દી પરીખ, છેલભાઈ વ્યાસ, જસવંત કાનાબાર (કવિ હંસના પિત્રાઈ મોટા ભાઈ) તથા રાજેન્દ્ર દવેનાં લખાણો મૂકાયાં છે. તેમાંથી કેટલીક મહત્ત્વની માહિતી મળે છે.

હંસરાજભાઈ મુંબઈમાં જ્યાં રહેતા તે આર્યનિવાસ

કવિ હંસ અપરિણીત હતા. ૧૯૪૮ સુધી તેઓ અમરેલીની ભાટીઆ શેરીમાં આવેલા નાના મકાનમાં એક માત્ર બહેન ગોદાવરીબહેન, તેમના પતિ કાનજીભાઈ, તથા ભાણેજ અમૃતલાલ સાથે રહેતા હતા. ત્યાર બાદ સંગીતનાં ખાનગી ટ્યૂશન આપવા તેઓ મુંબઈ આવ્યા અને ૧૯૪૮થી કાલબદેવી પરના ‘આર્ય નિવાસ’ નામના ગેસ્ટ હાઉસમાં કાયમી ધોરણે રૂમ રાખી રહેવા લાગ્યા. થોડા વખત પછી ભાણેજ અમૃતલાલ અને તેમનાં પત્ની સાવિત્રીબહેનને પણ મુંબઈ બોલાવી ગાયવાડીમાં ભાડાની જગ્યામાં રાખ્યાં. એ જ અરસામાં જસવંત કાનાબાર પણ મુંબઈવાસી બન્યા હતા અને હંસરાજભાઈને સતત સાથ આપતા હતા. કવિ ઉપરાંત હંસરાજભાઈ સારા ગાયક પણ હતા તેથી મુંબઈમાં ઘણી વાર ઘર, મંદિર, વગેરેમાં ગાવા જતા. ૧૯૫૭ના માર્ચ મહિનાના એક ગુરુવારે (ચોક્કસ તારીખ મળતી નથી પણ ૧૯૫૭ના માર્ચની ૭, ૧૪, ૨૧ અને ૨૮મી તારીખે ગુરુવાર હતો એટલે આ ચારમાંની કોઈ એક તારીખે) રાતે ભૂલેશ્વરની ફૂલ ગલ્લીમાં કુંવરજીભાઈના ઘરમાં આવેલા જલારામબાપાના મંદિરમાં ભજનો ગાવા ગયા હતા. રાતના સાડા અગિયારના સુમારે પોતાનું ‘આવ્યો તમારે દ્વાર, આવ્યો તમારે દ્વાર, મંદિરિયે લ્યો લ્યો હરિ!’ એ ભજન ગાતાં ગાતાં અત્યંત ભાવવિભોર થઈ ગયા અને અણધાર્યા હૃદયરોગના હુમલાથી એ જ સ્થળે તેમનું અવસાન થયું. 

e.mail : deepakbmehta@gmail.com 
xxx xxx xxx 
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”, 13 ઓગસ્ટ 2022

Loading

13 August 2022 Vipool Kalyani
← “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૨) 
મહેન્દ્રભાઈ મેઘાણી ગુજરાતની દીવાદાંડી હતા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved