Opinion Magazine
Number of visits: 9448346
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—148

દીપક મહેતા|Opinion - Opinion|4 June 2022

સર્વ કાવ્યોનું મહાકાવ્ય તે લગ્ન અને એમાંથી જાગી કવિતા

લગ્નગીતોનું પહેલું સંપાદન કર્યું કવિ નર્મદે

“કવિતા લગ્નમાંથી ન જાગે તો પછી બીજે ક્યાંથી જાગે? સર્વ કાવ્યોનું મહાકાવ્ય તે લગ્ન. એમાંથી કવિતા જાગી. પણ એ તો સરિતા જેવી જાગી. કોઈ એકાદ બગીચાના નાના નળ જેવી એ નહોતી. એકાદ કોઈ ભણેલ ગણેલ કે પ્રેમની પોપટિયા વાણી ગોખેલ યુગલને સંતોષવા અથવા દેખાડો કરવા માટેની એ ‘રસ’ શબ્દના અતિરેકે ઊભરાતી કવિતા નહોતી; એ તો નાનાં મોટાં ને ઊંચાં નીચાં તમામ ખેતરોમાં રેલી જનારી સર્વસ્પર્શી કાવ્ય-સરિતા રૂપે જ રેલી હતી. એ કવિતાએ તો રાયથી લઈ રંક સુધી તમામ વર-કન્યાને એક જ સરખી રીતે લાગુ પડી મનધાર્યા મનોભાવ જગાવે તેવાં શબ્દચિત્રો આલેખ્યાં.” આ શબ્દો છે ગુજરાતના લોકસાહિત્યના અનન્ય સંગ્રાહક, સંપાદક, વિવેચક, અને પ્રગટકર્તા ઝવેરચંદ મેઘાણીના. ૧૯૨૮ના એપ્રિલમાં પ્રગટ થયેલા ‘ચુંદડી : ગુર્જર લગ્નગીતો’ નામના પુસ્તકના વિસ્તૃત પ્રવેશકમાં એ લખાયેલા. લગ્નગીતોના સંગ્રહો તો આપણી ભાષામાં ઘણા પ્રગટ થયા છે, પણ આ ‘ચુંદડી’ની તોલે આવે એવા બહુ ઓછા.

ગુજરાતી લગ્નગીતોનો સંગ્રહ કરી તેને પુસ્તક રૂપે પ્રગટ કરવાની પહેલ કરી હતી અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદે. તેનું ૧૮૭૦માં પ્રગટ થયેલું ‘નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતો’ આ પ્રકારનું આપણી ભાષાનું પહેલું પુસ્તક. તેમાં નર્મદે વિસ્તૃત પ્રસ્તાવના લખી છે જેમાં આ ગીતો વિષે લખવા ઉપરાંત જે વિધિ વખતે એ ગવાય છે તે વિધિઓની પણ સમજૂતી આપી છે. જો કે નર્મદને ઘણાં ખરાં લગ્નગીતોના ‘રાગ’ રુદન જેવા લાગ્યા હતા! છતાં તે કહે છે : “ગીતનો રાગ, ગીતની ભાષા, ગીતમાં રહેલા અર્થ, ગીતમાં રહેલી કવિતા, ગીતમાંની રીતભાત, ઇત્યાદિ જોતાં સુરતની નાગર સ્ત્રીઓની ઊંચી કુલીનતા ને તેઓની નાગરી સુઘડતા એ બેથી ઊભરાતો જે રસાનંદ, તે આ પુસ્તકમાં ચાંદરણારૂપ દીપી રહ્યો છે.”

લોકસાહિત્યના સંપાદન-સંશોધનમાં મૌખિક પરંપરાનું, અને તેમાં ય સ્ત્રીઓની મૌખિક પરંપરાનું મહત્ત્વ જાણનાર અને સમજનાર નર્મદ કદાચ પહેલો હતો. તેનો મૂળ વિચાર તો ગુજરાતની તમામ જ્ઞાતિઓ અને બધા પ્રદેશોમાં ગવાતાં લગ્નગીતો એકઠાં કરી તુલનાત્મક અભ્યાસ સાથે છપાવવાનો હતો. પણ તે માટે જરૂરી સમય અને પૈસાના અભાવને કારણે તેણે સુરતની નાગર જ્ઞાતિની સ્ત્રીઓમાં ગવાતાં ગીતો એકઠાં કરી સંતોષ માનવો પડ્યો.

ઝવેરચંદ મેઘાણી લોકગીતો મેળવવા ગામડાંની સ્ત્રીઓને મળીને તેમની પાસે ગીતો ગવડાવતા અને તેનો પાઠ પોતે નોંધી લેતા. પણ નર્મદનાં સ્થળ-કાળમાં આમ કરવું શક્ય નહોતું. સુરત જેવા શહેરની સ્ત્રીઓ પણ અજાણ્યા પુરુષ પાસે ગીતો ગાય નહિ. એટલે આ પુસ્તક પર નામ નર્મદનું છાપ્યું છે, પણ ગીતો ભેગાં કરવાનું કામ તેણે પોતે કર્યું નથી. એ માટે તેણે બે પત્નીઓ ડાહીગૌરી અને સુભદ્રાગૌરી, ઉર્ફે નર્મદાગૌરીની મદદ લીધી હતી. પણ એ બે કરતાં ય વધુ મદદ કરી હતી સવિતાગૌરીએ. તેમનાં લગ્ન બાળવયમાં થયાં હતાં અને ૧૫મે વરસે તે વિધવા થયાં હતાં. સાસરિયાં અને માતા, બંનેથી તરછોડાયેલી આ સ્ત્રીને નર્મદે ૧૮૬૫માં પોતાના ઘરની બાજુના ઘરમાં રાખી હતી. સવિતાગૌરી પદો રચતાં, સાહિત્યમાં રસ ધરાવતાં, એટલે તે અને નર્મદ એકબીજાંની નજીક આવતાં ગયાં. તેમનાં કાવ્યો ‘એક સ્ત્રીજન’ના ઉપનામથી ‘વિશ્વજ્યોતિ’ અને ‘સમાલોચક’ જેવાં સામયિકોમાં છપાતાં. આ સંપાદનમાંનાં ગીતોમાંથી ઘણાં સવિતાગૌરીએ મેળવી આપ્યાં હતાં. જો કે પછીથી નર્મદ સાથેના સંબંધને કારણે વગોવાઈ ગયેલાં સવિતાગૌરીને તેમના ભાઈ અને પાલીતાણાના દેશી રાજ્યના દીવાન છોટાલાલ જાનીએ પોતાની પાસે બોલાવી લીધાં હતાં. છતાં નર્મદ અને સવિતાગૌરી વચ્ચેનો સ્નેહતંતુ કાયમ રહ્યો હતો. પાછલી ઉંમરે તેમણે દૃષ્ટિ ગુમાવી હતી. ૧૯૨૫માં તેમનું અવસાન થયું.

આમ, ગુજરાતી લગ્નગીતોના પહેલવહેલા સંગ્રહ માટેનું સ્પેડ વર્ક એક સ્ત્રીએ કર્યું હતું. છતાં પુસ્તકની પહેલી આવૃત્તિમાં સવિતાગૌરીના નામનો ઉલ્લેખ સુધ્ધાં નર્મદે કર્યો નથી. માત્ર પોતાની અંગત નકલમાં સવિતાગૌરીનો આભાર માનતી નોંધ લખી હતી! ‘ગુજરાતી પ્રેસ’ તરફથી ૧૯૧૦માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિમાં નર્મદની નોંધ છાપવામાં આવી હતી : “જે સંગ્રહ થયો છે તે જોતાં આ સંગ્રહ સંતોષકારક છે. એની ગોઠવણી કરવામાં બહુ ચતુરાઈ બતાવી છે. તે માટે સવિતાગવરીનો આભાર માનવાનો છે. એના વગર આ સંગ્રહ આવી ઉત્તમ રીતે સંગ્રહાઈ, ગોઠવાઈ શકાત નહિ.”

નર્મદનું પુસ્તક ૧૮૭૦માં પ્રગટ થયું તો કવીશ્વર દલપતરામનું ‘માંગલિક ગીતાવાલી’ ૧૮૮૩માં પ્રગટ થયું. તેમાં પણ મુખ્યત્વે લગ્નગીતોનો સમાવેશ થાય છે. ફરક એ કે અહીં દલપતરામને ગીતોના ‘કર્તા’ તરીકે ઓળખાવ્યા છે. વઢવાણના દેશી રાજ્યના ઠાકોર દાજીરાજજીના લગ્ન પ્રસંગે રાજ્યના એડમિનિસ્ટ્રેટર હરિદાસ વિહારીદાસે લગભગ એક સો લગ્ન ગીતો લખી આપવા દલપતરામને કહ્યું. દલપતરામે બીજા માંગલિક પ્રસંગોએ ગાવા માટેનાં ગીત પણ ‘રચ્યાં’ અને ૧૪૧ ગીતોનો સંગ્રહ પ્રગટ થયો. પુસ્તક છપાયું હતું મુંબઈમાં નાનાભાઈ રુસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં, અને વઢવાણના દેશી રાજ્યે પ્રગટ કર્યું હતું.

નર્મદના પુસ્તક પછી, અને દલપતરામના પુસ્તક પહેલાં લગ્નગીતોનું એક પુસ્તક મુંબઈથી પ્રગટ થયું હતું પણ તેની નોંધ ભાગ્યે જ કોઈએ લીધી છે. ૧૮૭૯માં પ્રગટ થયેલા પૂરા ૪૭૪ પાનાંના આ પુસ્તકનું લાંબુ લચક નામ હતું ‘પારસી સ્ત્રી ગરબા તથા લગનસરામાં બેઠા બેઠા ગાવાના શહવેનાના ગીતો અને ગરબાઓનો સંગરહ.’ અને આ પુસ્તકના ‘બનાવનાર’ હતા શોરાબજી હોરમજી. પુસ્તકના ટાઈટલ પેજ પર તેમની ઓળખાણ આ રીતે આપી છે : ‘ચિકન છાપનાર અથવા ગરબા ગાનાર.’ અને આ કાંઈ તેમનું પહેલું પુસ્તક નહોતું. અગાઉ તેમણે ત્રણ ભાગમાં ‘રમૂજી ગરબાઓની ચોપડી’ પ્રગટ કરેલી.

શોરાબજીનો જન્મ ક્યારે થયો તે તો જાણવા મળતું નથી, પણ ૧૮૯૪ના ફેબ્રુઆરીની સાતમી તારીખે ૭૪ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા એમ જાણવા મળે છે. એવણની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય. પહેલાં કેટલાંક વરસ સર જમશેદજી જીજીભાઈ, શેઠ જગન્નાથ શંકરશેઠ જેવા મુંબઈના આગેવાનોનાં માટીનાં પૂતળાં બનાવીને પૈસો-બે પૈસા લઈ લોકોને બતાવવાનું કામ કર્યું. રોજ ‘પાયધોણી’ પાસે પૂતળાં બનાવતા. પણ અહીં જ કેમ? મુંબાદેવીના મંદિર નજીક આવેલા આ વિસ્તારમાં અગાઉ મુંબઈના ટાપુને વરળી-મઝગાંવના ટાપુઓથી જૂદો પાડતી છીછરી ખાડી હતી. ભરતી વખતે તેમાં સારું એવું પાણી ભરાતું, પણ ઓટ વખતે કાદવ-કીચડ રહેતો, પાણી નહિ. ભરતી ન હોય ત્યારે આવા કાદવ-કીચડમાં ચાલીને લોકો એક ટાપુ પરથી બીજા ટાપુ પર આવ-જા કરતા. ત્યારે કાદવથી ખરડાયેલા પગ ધોવા માટે થોડો વખત આ ‘પાયધોણી’ ખાતે રોકાતા, થાક ઉતારતા. એ વખતે એક-બે પૈસા આપી કેટલાક લોકો પૂતળાં જોવાની મોજ માણતા.

એ જમાનામાં ખાસ કરીને પારસીઓમાં સપરમે અવસરે ચિકનની સાડી પહેરવાનો રિવાજ. એટલે શોરાબજી ચિકનની સાડી પર છાપકામ કરવાનો ધંધો કરતા. અને તેની સાથે સંકળાયેલો ધંધો તે પારસી કુટુંબોમાં લગન હોય ત્યારે ત્યાં જઈ ગરબા ગવડાવવાનો. આવાં કામો કરી કરીને શોરાબજી કેટલું કમાતા હશે તે તો ખોદાયજી જાણે. છતાં બચત કરીને, પોતાને પૈસે તેમણે આ પુસ્તકો છપાવેલાં, અને એ વેચતા પણ પોતે જ. આ પુસ્તકનાં પહેલાં ૩૦૪ પાનાં ગરબાએ રોક્યાં છે. પણ આ ગરબા એટલે આજના જેવાં ટૂંકા ઊર્મિ ગીતો નહિ. પણ મધ્યકાલીન સાહિત્યમાં જે લાંબા, ચરિત્ર કે પ્રસંગનું નિરૂપણ કરતા ગરબા જોવા મળે છે તેવા ગરબા. ચરિત્ર વર્ણનના ગરબા કાં પારસી અગ્રણીઓ વિષે, કાં અંગ્રેજ અમલદારો વિષેના છે. પારસીઓ હસે-હસાવે નહિ એવું તો કેમ બને? એટલે અહીં ‘રમૂજી ગરબા’ મોટી સંખ્યામાં છે. તો બીજી બાજુ ‘મુખ્ય ધારા’ના ઘણા ગરબાનાં પારસી રૂપાંતરો પણ અહીં જોવા મળે છે. નરસિંહ મહેતાના જીવનના હૂંડી અને કુંવરબાઈનું મામેરું જેવા પ્રસંગોને લગતા પારસી બોલીમાં લખાયેલા ગરબા પણ અહીં જોવા મળે છે. પારસી કોમનાં મન કેટલાં ખુલ્લાં હોય છે તેનું એક ઉદાહરણ આ પુસ્તક છે. અહીં અંગ્રેજો પ્રત્યેની રાજભક્તિ છે, તો હિંદુ દંતકથાઓ સાથેનો ઘરોબો પણ છે.

અને ખાસ નોંધવા જેવી વાત તો એ કે, ઘૂમતાં ઘૂમતાં ગાવા માટેના આ ગરબા નથી. પણ બેઠાં બેઠાં ગાવા માટેના છે. આવા ‘બેઠા ગરબા’ આજે પણ નાગર જ્ઞાતિની વિશિષ્ટતા ગણાય છે. પણ ૧૯મી સદીમાં આ પ્રથા પારસીઓમાં પણ પ્રચલિત હતી એ દેખીતું છે.

ગુજરાતી ગરબા વિશેનાં બીજાં કેટલાંક પુસ્તકો વિષે હવે પછી વાત.

°°°°°°°

ચલ મન મુંબઈ નગરી પુસ્તકનું આજે  પ્રકાશનપર્વ

વિવિધરંગી કાર્યક્રમ ‘મનને ગમે મુંબઈ’

સાહિત્યપ્રેમીઓને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ

‘ચલ મન મુંબઈ નગરી’ કોલમમાં પ્રગટ થયેલા લેખોમાંથી ચૂંટેલા ૭૪ લેખો અને ૩૦૦ જેટલાં ચિત્રો ધરાવતા પુસ્તકના પ્રકાશન પ્રસંગે મુંબઈ શહેર જેવો જ વિવિધરંગી કાર્યક્રમ ‘મનને ગમે મુંબઈ’ ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી અને અમદાવાદના નવજીવન સાંપ્રત તરફથી આજે સાંજે યોજવામાં આવ્યો છે. પુસ્તકનું પ્રકાશન કરશે આપણાં અગ્રણી સર્જક વર્ષા અડાલજા. વિશેષ ઉપસ્થિતિ : ગુજરાતી ‘મિડ-ડે’ના તંત્રી બાદલ પંડ્યા અને ‘નવજીવન સાંપ્રત’ના પ્રતિનિધિ અપૂર્વ આશર.

અભિનય, પઠન અને ગાન દ્વારા મુંબઈની વિવિધતા અને મહત્તાનું દર્શન કરાવશે રંગભૂમિ અને ફિલ્મનાં જાણીતાં કલાકારો ઉત્કર્ષ મઝુમદાર, નીલેશ જોશી, પ્રીતિ જરીવાળા, મીનળ પટેલ, સનત વ્યાસ, સંજય છેલ, સેજલ પોન્દા, અને સ્નેહલ મુઝુમદાર. કાર્યક્રમનું સંકલન કરશે ડો. ખેવના દેસાઈ. અમદાવાદના ‘નવજીવન સાંપ્રત’ દ્વારા પ્રગટ થયેલું આ પુસ્તક તથા આ પ્રકાશકનાં બીજાં પુસ્તકો કાર્યક્રમ વખતે ખાસ વળતર સાથે ખરીદી શકાશે. સાહિત્યપ્રેમીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ.

કાર્યક્રમનાં સ્થળ-સમય : શનિવાર, ૪ જૂન, સાંજે સાડા છ વાગ્યે. SPJIMR ઓડિટોરિયમ, ભવન્સ કેમ્પસ, અંધેરી, પશ્ચિમ, મુંબઈ.

deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 04 જૂન 2022

Loading

4 June 2022 admin
← ઝટ ભેળું કરી લ્યો, વખત ઓછો છે!
સહઅસ્તિત્વને એક ચાન્સ શા માટે આપવામાં ન આવે ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved