સંજોગવસાત્ પાકિસ્તાન બની તો ગયું, પણ હવે તેને ટકાવવું કઈ રીતે એ મોટી સમસ્યા હતી. ડર એ વાતનો નહોતો કે ભારત કે રશિયા એક દિવસ આક્રમણ કરીને પાકિસ્તાનને છીનવી લેશે, પણ એ વાતનો હતો કે પાકિસ્તાનને ટકી રહેવા માટેનું પાકિસ્તાન નામનું રસાયણ જ વિકસ્યું નહોતું. જે પ્રાંતોને મેળવીને પાકિસ્તાનની રચના કરવામાં આવી હતી એ મુસ્લિમ બહુમતી પ્રાંતો હતા અને ત્યાં ભારતના હિંદુ બહુમતી પ્રાંતોમાંના લઘુમતી મુસલમાનોમાં જે લઘુમતી માનસિકતા પેદા થઈ હતી કે પેદા કરવામાં આવી હતી તેનો ત્યાં સદંતર અભાવ હતો. આપણે મહાન, આપણો ધર્મ મહાન, આપણે હિંદુઓ કરતાં ઊંચા અને અલગ, આપણો ઇતિહાસ ગૌરવશાળી, આપણે શુરવીર એવી એક બાજુએ મહાનતાની દલીલોએ અને બીજી બાજુએ આપણે હિંદુઓ દ્વારા સતાવાયેલા, અન્યાયનો ભોગ બનેલા, રાંક, ગરીબડા, નોંધારા એવી છાતી પીટનારી દલીલોએ લઘુમતી માનસિકતા વિકસાવી હતી અને એ માનસિકતાએ પાકિસ્તાન નામનો મસાલો વિકસાવ્યો હતો.
પાકિસ્તાનના સ્થાપકો જ્યારે પાકિસ્તાનનો મસાલો લઈને પાકિસ્તાનની સ્થાપના કરવા કરાંચી ગયા ત્યારે તેમને ધ્યાનમાં આવ્યું કે અહીં તો પાકિસ્તાન નામનો મસાલો વિકસ્યો જ નથી. ત્યાંના પ્રાંતોમાં મુસલમાનો બહુમતીમાં હતા એટલે તેમની અંદર કોઈ પ્રકારની અસલામતી વિકસી જ નહોતી. આપણે મહાન, આપણો ધર્મ મહાન, આપણે હિંદુઓ દ્વારા સતાવાયેલા રાંકડા અને અરેરે ભવિષ્યમાં હિંદુઓ આપણું શું શું નહીં કરે એવી માનસિકતા જ તેમની અંદર પેદા નહોતી થઈ. એવી માનસિકતા તો એ પ્રાંતોના હિંદુઓમાં જોવા મળવી જોઈતી હતી, કારણ કે તેઓ લઘુમતીમાં હતા. પાકિસ્તાનના પ્રાંતોમાં મુસલમાનો બહુમતીમાં હતા એટલે લહેર કરતા હતા, નહોતી તેમને મહાનતાના ખોટા દવાઓ કરવાની જરૂર કે નહોતી તેમને ડરવાની અને રડવાની જરૂર.
ટૂંકમાં બન્યું એવું કે જ્યાં પાકિસ્તાનની રચના થઈ ત્યાંના બહુમતી મુસલમાનોનો માનસિકતાનો મસાલો જુદો હતો અને જે લોકોએ પાકિસ્તાનની માગણી કરી હતી અને તેમની માગણીને ઉચિત ઠેરવવા તેમણે જે પાકિસ્તાનનો મસાલો વિકસાવ્યો હતો એ જુદો હતો. મુસ્લિમ બહુમતી પ્રાંતના મુસલમાનોનો ઇસ્લામ સાથેનો સંબંધ સહજ અંગત અને ધાર્મિક હતો જ્યારે મુસ્લિમ લઘુમતી પ્રાંતોના મુસલમાનોનો ઇસ્લામ સાથેનો સંબંધ ખાસ પ્રકારના ઉદ્દેશ માટે ખાસ વિકસાવવામાં આવેલો કૃત્રિમ, સામાજિક અને રાજકીય હતો. આને કારણે પાકિસ્તાનની સ્થાપના થતાંની સાથે જ પ્રશ્ન ઉપસ્થિત થયો કે કોણ કોનો મસાલો અપનાવે અને કોણ કોનો મસાલો છોડે?
જેમ સાવરકર હિંદુ રાષ્ટ્રવાદનો મસાલો વિદેશથી આયાત કરીને લઈ આવ્યા અને આજે દેશની જે હાલત થઈ રહી છે, એમ મહમદઅલી ઝીણા અને બીજા મુસ્લિમ લીગી નેતાઓ મુસ્લિમ રાષ્ટ્રવાદનો પાકિસ્તાની મસાલો લઈને પાકિસ્તાન ગયા જેનું પરિણામ આપણી સામે છે. સમાંતરે અનુભવ થઈ રહ્યા છે. ડાહ્યાજનો કમસેકમ પાડોશીનો અનુભવ જોઇને પણ શેખચલ્લીનાં સપનાં જોવાનું બંધ કરે. પાકિસ્તાનના મુસલમાનોએ ઝીણા-લીગનો આયાતી મસાલો અપનાવવાનો પ્રતિકાર કર્યો જેમ ભારતમાં આજે પણ ૬૦ ટકા કરતાં વધુ હિંદુઓ સાવરકર-સંઘનો હિન્દુત્વનો મસાલો અપનાવવાનો પ્રતિકાર કરે છે. કોણ રોજ ઊઠીને ખોટો ઇતિહાસ વાંચી વાંચીને પોરસાય અથવા રડે? અને શા માટે? જરૂર શું છે? રોજ ધૂણવાનું અને ધૂણીને જીવવાનું? આ કોઈ જિંદગી છે? મુસ્લિમ બહુમતી વિસ્તારમાં કયો હિંદુ કે વિધર્મી આવીને તમને નુકસાન પહોંચાડવાનો છે? સહઅસ્તિત્વની ગરજ લઘુમતી કોમને વધુ છે કે આપણે? બાંધછોડ કરવી પડશે તો એને વધારે કરવી પડશે કે આપણે?
સરવાળે બન્યું એવું કે જે મસાલાએ પાકિસ્તાનની રચના કરી હતી એ મસાલાને જ ત્યાંની પ્રજાએ અપનાવવાની ના પાડી દીધી. તેમને મન એ આયાતી મસાલો હતો, કૃત્રિમ હતો, આગ્રહી હતો અને પોતાના અસ્સલ તળપદી મસાલાને નકારનારો હતો. પઠાણોના કબીલાઓ હતા, તેમની કબીલાઈ અસ્મિતા હતી અને તેનો એક સ્વાદ હતો. તેમનો ઇસ્લામ પણ તેનો પોતીકો હતો જે દેવબંદના ઇસ્લામ કરતાં અલગ હતો. તેમની પોતાની ભાષાઓ (ભાષાઓ, ભાષા નહીં) હતી અને ઉર્દૂ તો કોઈને આવડતી પણ નહોતી. ઉર્દૂ અવિભક્ત ભારતીય મુસલમાનોની અલાયદી ભાષા છે એની જાણ તો તેમને પાકિસ્તાનની રચના પછી થઈ. આવું જ બલુચિસ્તાનના બલોચોનું અને બીજી કબીલાઈ પ્રજાનું, સિંધના સિંધીઓનું અને પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓનું. આમાં પંજાબીઓ કાંઈક અંશે અપવાદ હતા. તેમણે પાકિસ્તાનની બીજી કોઈ પણ પ્રજાની તુલનામાં વધારે માત્રામાં પાકિસ્તાનનો મસાલો અપનાવ્યો હતો અને તેનાં કેટલાંક કારણ હતા જેનો બંગલાદેશના જન્મ સાથે સંબંધ છે અને તેની વાત આગળ આવશે. પંજાબીઓએ પણ પાકિસ્તાનનો મસાલો પૂરેપૂરો અપનાવ્યો હતો એવું નહોતું.
પંજાબીઓને છોડીને બાકીની પાકિસ્તાની પ્રજાને એમ લાગવા માંડ્યું કે પાકિસ્તાનના નામે તેમની પાસેથી કશુંક ઝૂંટવી લેવામાં આવી રહ્યું છે. તેમને પરાણે કશુંક પકડાવવામાં આવી રહ્યું છે. જ્યારે પડોશમાં હિંદુઓ, શીખો અને બીજા વિધર્મીઓ રહેતા હતા ત્યારે છીનવવા-પકડાવવાનો જે અનુભવ નહોતો થયો એ મુસલમાનો માટે અલાયદું પાકિસ્તાન બન્યા પછી થવા લાગ્યો. આ તો ઊલટું થયું! આપણા પોતાના ઘરમાં જેટલી મોકળાશ છે એના કરતાં ઘણી વધારે મોકળાશ તો સહિયારા ઘરમાં હતી! આપણા પોતાના ઘરમાં ઓછી મોકળાશ હોય એવું તો કાંઈ હોતું હશે? પણ એવું બન્યું. કોઈ ઉદારમતવાદી હિન્દુના ઘરમાં મુક્ત વાતાવરણમાં ઉછરેલી કન્યાને કોઈ દેશપ્રેમી હિન્દુત્વવાદીનાં ઘરમાં પરણાવવામાં આવે અને તેને જેવો ગુંગળામણનો અનુભવ થાય એવો અનુભવ પાકિસ્તાનની પ્રજાને થવા લાગ્યો. એકાએક તેમને અનુભવ થવા લાગ્યો કે કોઈક રોજ છાતી ઉપર ચડીને પાકિસ્તાનના ઈન્જેકશન આપે છે અને પેલી જે મજિયારાની મોજ હતી એ જતી રહી!
અહીં સ્વાભાવિકપણે પ્રશ્ન થવો જોઈએ કે શા માટે આ છોડાવવા-પકડાવવાનો ધંધો શરૂ થયો? જ્યારે સહિયારો સંસાર હતો ત્યારે જેની જરૂર નહોતી પડી એની હવે અલગ સંસાર માંડ્યો ત્યારે કેમ જરૂર પડવા લાગી? જેનો ડર બતાવવામાં આવતો હતો એ દુશ્મન તો જતા રહ્યા, હવે તો આપણે એકલા જ છીએ તો પછી ડર શેનો અને કોનો?
ડ…ર ! ડરના ઝરૂરી હૈ. ડરાના ભી ઝરૂરી હૈ. જ્યાં ડરાવીને જોડી રાખવામાં આવતા હોય ત્યાં દોજખ સિવાય બીજો કોઈ અનુભવ ન થઈ શકે, પછી એ પરિવાર હોય કે રાષ્ટ્ર. પાકિસ્તાનને થયો છે અને આપણને થશે એવા એંધાણ મળી રહ્યા છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 જાન્યુઆરી 2021