જ્યાં સુધી સમસ્યાની ખબર ન પડે, ત્યાં સુધી તેને કેવી રીતે હલ કરી શકાય? જો સમસ્યા નાની હોય તો તેની વધારે અસર થતી નથી. હા, તેની સતત અવગણના કરવાથી થોડી તકલીફ પડે, પરંતુ જો સમસ્યા મોટી હોય અને તે ઘણા બધાને અસર કરી રહી હોય, તો એવી સમસ્યાની અવગણના માટે એક મજબૂત અને વાજબી કારણ હોવું જોઈએ. તો જ તેને અવગણી શકાય.
ભારતમાં છેલ્લા 3 વર્ષમાં કારના વેચાણમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. ભારતીયોએ વર્ષ 2015-16માં લગભગ 27 લાખ કાર ખરીદી હતી, જ્યારે વર્ષ 2019-20માં વેચાયેલી કારની સંખ્યા પણ 27 લાખ છે. આનો એક અર્થ એ છે કે ભારતનો મધ્યમ વર્ગ બિલકુલ વિકાસ કરી રહ્યો નથી અથવા તે ખર્ચ પણ કરી રહ્યો નથી. સરકારનું કહેવું છે કે કારના વેચાણમાં વૃદ્ધિની કોઈ સમસ્યા નથી. કારણ કે લોકો હવે ટૅક્સીઓ વગેરેનો ઉપયોગ કરી રહ્યા છે. ગયા વર્ષે અમેરિકામાં 20 કરોડ કાર વેચાઈ હતી. માટે, સ્પષ્ટ છે કે ‘ઓલા’ અથવા ‘ઉબર’ જેવી ટૅક્સી સેવાઓએ કોઈ પણ દેશમાં કારના વેચાણમાં કોઈ ફરક પાડ્યો નથી.
દેશમાં દ્વિચક્રી વાહનોના વેચાણમાં પણ છેલ્લાં ચાર વર્ષ દરમિયાન કોઈ વધારો થયો નથી. 2016-17માં દેશમાં ૧.૭ કરોડ દ્વિચક્રી વેચાયાં હતાં અને 2019-20માં પણ તેમની સંખ્યા ૧.૭ કરોડ છે. દ્વિચક્રી વાહનોને નીચલા મધ્યમ વર્ગીય વાહનો માનવામાં આવે છે. તેમનું વેચાણ સ્થગિત થઈ ગયું તેનો અર્થ એ છે કે નીચલો મધ્યમ વર્ગ પણ દબાણમાં છે અને છેલ્લાં ચાર વર્ષમાં વિકસ્યો નથી. આપણને ખબર નથી કે આ અંગે સરકારની સ્થિતિ શું છે. કારણ કે વિકાસ થઈ રહ્યો નથી, એવું માનવા સરકાર તૈયાર નથી.
કમર્શિયલ વાહનોના (ટ્રક, બસ વગેરેના) વેચાણમાં કોઈ વધારો થયો નથી. છેલ્લાં ચાર વર્ષના આંકડા પર નજર નાખતાં જણાશે કે 2016-17માં 7 લાખ કમર્શિયલ વાહનો વેચાયાં હતાં, જ્યારે 2019-20માં પણ તેમનાં વેચાણનો આંકડો 7 લાખ જ છે. વ્યાપારી વાહનોમાં મોટી સંખ્યામાં ટ્રક હોય છે. તે એવાં વાહનો છે, જે ફૅક્ટરીમાં કાચો માલ વહન કરે છે અને માલ પૂરો પાડીને બજારમાં લઈ જાય છે. એટલે કે, છેલ્લાં ચાર વર્ષમાં બજારમાં શૂન્યવૃદ્ધિ થઈ છે.
તેવી જ સ્થિતિ સ્થાવર મિલકતમાં છે, જ્યાં ગયા વર્ષથી શૂન્ય વૃદ્ધિ થઈ છે. ભારતીયોએ રિયલ એસ્ટેટમાં 2016માં લગભગ રૂ. 2 લાખ કરોડનું રોકાણ કર્યું હતું, જ્યારે 2019માં પણ તે આંકડામાં કોઈ વધારે થયો નથી. દેશની નિકાસની વાત કરીએ તો મનમોહનસિંહનો કાર્યકાળ પૂરો થયો ત્યારે ભારત વાર્ષિક આશરે 300 અબજ ડોલરની નિકાસ કરતું હતું. 2019-20ના આંકડા જોઈએ તો તે આંકડો પણ વધ્યો નથી. આવું કેમ? તેનો જવાબ નથી. એટલું જ નહીં, જ્યારે ભારતની નિકાસ કરતાં આયાત ઓછી થઈ ત્યારે સરકારે તેની ઉજવણી કરી, તેને પોતાની સિદ્ધિ માની. હતી. છેલ્લાં છ વર્ષમાં દેશમાં રોજગારમાં કોઈ પ્રગતિ થઈ નથી, હકીકતે તેમાં ઘટાડો નોંધાયો છે. એક સરકારી અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં બેરોજગારીનો દર 6 ટકા છે, જે ઇતિહાસમાં ક્યારે ય નહોતો. કેમ ભારતીયો નોકરી ગુમાવી રહ્યા છે અથવા નોકરી છોડી રહ્યા છે.
નિશંકપણે, કોવિડે દેશની અર્થવ્યવસ્થા પર જબરદસ્ત અસર કરી છે અને તે આગામી દિવસોમાં જોવા મળશે. વડાપ્રધાન મોદીની બીજી મુદ્દત પૂરી થાય ત્યાં સુધીમાં દેશની અર્થવ્યવસ્થા ત્યાં હશે, જ્યાં આ વર્ષે જાન્યુઆરીમાં હતી. સમસ્યા એ છે કે આ વર્ષે જાન્યુઆરીમાં જે સ્થિતિ હતી તે પણ સારી ન હતી. આ લેખમાં આગળ જણાવાયેલા બધા આર્થિક આંકડા કોવિડ પહેલાંના છે.
લૉક ડાઉન પહેલાં આપણી અર્થવ્યવસ્થામાં સંકોચન અથવા સ્થિરતા આવી ચૂકી હતી અને હાલના સંકટ સાથે તેને કોઈ લેવાદેવા નથી. કોવિડની સમસ્યાનું નિવારણ આવે, તો પણ દેશનું અર્થતંત્ર પહેલાંની જેમ જ સંકટમાં જ હશે. કોવિડ પહેલાં દેશના જી.ડી.પી. ગ્રોથમાં સતત દશ ત્રૈમાસિક સમયગાળામાં ઘટાડો નોંધાયો છે. એવું કેમ, તે જાણવા મળતું નથી. તેના માટે એકથી વધુ કારણો જવાબદાર હોઈ શકે. પરંતુ તે સમસ્યા છે એવો સ્વીકાર જ ન કરીએ, તો તેનો ઉકેલ શી રીતે આવશે? કોઈ મોટી સમસ્યા આંખ આડા કાન કરતા રહેવાથી,આપમેળે કદી સમાપ્ત થતી નથી
એક સમય હતો જ્યારે ભારત દુનિયાભરમાં અર્થવ્યવસ્થાનો તેજસ્વી સિતારો હતું અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકેનો તેનો દાવો હતો. પરંતુ હવે સરકાર આ મોરચે કંઈ બોલતી નથી. સમસ્યા ગંભીર છે અને તે એકલા વડા પ્રધાનને નહીં, દેશના કરોડો લોકોને અસર કરે છે. તેને અવગણવા માટે મજબૂત અને સક્ષમ કારણની જરૂર છે, જે દેખાતું નથી.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 12-13