હવે થોડા દા’ડા અને આપણા વીરનાયક એમની બીજી રાષ્ટ્રીય પારીનું પહેલું વરસ પૂરું કરશે. સામાન્ય સંજોગોમાં આઠદસ દિવસ અગાઉ તામઝામ ડિમડિમથી માહોલ ગાજી ઊઠ્યો હોત. હજુ પણ એમ બની શકે, સિવાય કે કોરોનાવશ મલાજો જાળવવાનો વિવેક સૂઝ્યો હોય. બલકે, બને કે, કોરોનાસુર નાથ્યાના અવાજો સાથે એન્ટ્રીનો આઇડિયો હોય.
2012નાં ગુજરાત વિધાનસભાનાં ચૂંટણી પરિણામો પછી એ રાષ્ટ્રીય ફલક પર નજર નોંધી રહ્યા હતા એ વખતે એમના મહિમામંડનમાં એક મજેનું ને મજબૂત પ્રચારપીંછું એ મતલબનું હતું કે આપણી આ અનેરી એકવીસમી સદીનું એ સદ્ભાગ્ય છે કે ગુજરાતથી રાષ્ટ્રીય સ્તરે ઓગણીસમી સદીમાં જેમ દયાનંદ, વીસમી સદીમાં જેમ મહાત્મા ગાંધી, તેમ હવે નરેન્દ્ર મોદી પુગવામાં છે. (આ ગુજરાતી ત્રયીમાં સરદાર બાજુએ રહી જતા હતા, પણ બચાડા સરદારને, એમના ખાસંખાસ ચાહકોને, તેમ નેહરુ પર નિરંતર શરસંધાનના મેગાઉદ્યોગને માઠું ન લાગે એ વાસ્તે, એમની મોટી દઈત અધ્ધરબમ્મ પ્રતિમા મારફતે ભૂલસુધારની સગવડ બેલાશક હતી જ.)
આમ તો, 2009માં પક્ષે જ્યારે અડવાણીનું નામ વિધિવત્ આગળ કર્યું હતું ત્યારે પણ અમારી પાસે કેવળ અડવાણી જ નહીં, પણ નમો સરખી અન્ય અનન્ય પ્રતિભા સુદ્ધાં છે એવો ઉદ્ઘોષ થવા જ લાગ્યો હતો. ભર ચૂંટણીપ્રચારે જાહેર ચર્ચામાં આ મરોડ આપવામાં અરુણ શૌરી કદાચ મોખરે હતા, જેમ પાછળથી પેટ ભરીને પસ્તાવામાં પણ હશે. ખાસ તો, નમોના વડાપ્રધાનપદની પહેલી પારીમાં એન.ડી.ટી.વી. પર ધોંસ આવી ત્યારે શૌરીએ મોદીના કટોકટીમાનસ વિશે લગારે દિલચોરી વગર પ્રગટપણે પ્રતિક્રિયા આપી હતી એ સાંભરે છે. શૌરીનો કિસ્સો દેખીતો વિલક્ષણ એ રીતે છે કે ઇંદિરા-સંજયના આકરા ટીકાકારમાંથી એ રાજીવ ગાંધીના ઉમંગી સમર્થનમાં અને એવા જ તીવ્ર વિરોધમાં, તેમ વિશ્વનાથ પ્રતાપસિંહની સાથે અને સામે જોવા મળ્યા છે. કદાચ સદાશયી, પણ નકરા બૌદ્ધિકની એ એક મર્યાદા હશે કે જ્યાંક્યાંય ક્યારેક નિર્ણાયક હોઈ શકતું નેતૃત્વ જોવા મળે ત્યાં સંકળાવામાં એ કર્તવ્યબોધ પામે છે. ઇંદિરા ગાંધીના આરંભકાળે, બાંગલાદેશના અરસામાં સંજોગો આવી મળ્યા હોત તો 1975 પછીના એમના ઉગ્ર ટીકાકાર શૌરીએ કદાચ એમની સાથે ય ઉત્કટ સંધાન અનુભવ્યું હોત.
અડવાણીનું સ્મરણ આ ક્ષણે, સવિશેષ તો, એટલા સારુ લાજિમ છે કે મોદીની પહેલી પારીના બીજા વરસમાં જ અડવાણીએ 26મી જૂનના કટોકટીદિવસે બેબાક પ્રતિક્રિયા આપી હતી કે અમે (મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા સરકારે) ઘટતા બંધારણીય સુધારા થકી પૂરતી કાળજી લીધી છે. તેમ છતાં કટોકટી ફરી નહીં જ આવે, એવું હું કહી શકતો નથી.
ગમે તેમ પણ, આ ક્ષણે તો રાષ્ટ્રીય સ્તરે છાઈ ગયેલું નેતૃત્વ મોદીનું અને મોદીનું જ છે. એમનો સક્ષમ વિકલ્પ ઊભરી શકે એવું વ્યક્તિત્વ નાખી નજરે જણાતું નથી. નરેન્દ્ર મોદી પરત્વે નિર્વિકલ્પ ધોરણે નિ:સંદેહ વરેલા વૃત્તવિવચકો એમની બીજી પારીના પહેલા વરસની કામગીરીને કઈ રીતે જોશે? સામાન્યપણે આપણે એવું જરૂર ધારી શકીએ કે તીન તલાક અને ત્રણસો સિત્તેરમી સબબ જે છાકો અને સોપો પાડી દીધાં એ આ સૌને સારુ અપીલકારી હશે. (બંનેમાં મુસ્લિમ એન્ગલની સોઈ પણ સોજ્જી છે.) રામમંદિર ટ્રસ્ટની રચના પણ લાંબી મથામણ પછીની કળશઘટના તરીકે જોઈ શકાય. એકદમ નજીકની ચાલુ બીનાની જિકર કરીએ તો, કોરોના કટોકટીમાં લૉક ડાઉન-4ના તબક્કા લગી નિર્ણાયક નેતૃત્વ પૂરું પાડનાર તરીકે એમને ચોક્કસ જ આગળ કરાશે. (આવે પ્રસંગે ‘ધણીની જાતદેખરેખ હેઠળ’ આગોતરી સ્ક્રિપ્ટતૈયારી, પર્યાપ્ત પ્રાસસુવિધા અને વર્ણસગાઈયુક્ત શબ્દાવલિપૂર્વક હોય એ, અલબત્ત, રાબેતો છે.)
આ દિવસોમાં તેમણે જે-તે તબક્કે થાળી, તાળી, દીવા જેવાં ઘરઆંગણાનાં સામૂહિક આયોજનો પ્રસંગે પ્રસંગે પ્રેર્યાં તે આપણે જાણીએ છીએ. આ પ્રકારનાં એલાન અને આવાહન બાબતે આ લખનારનો પ્રાથમિક અને પ્રારંભિક પ્રતિભાવ એકંદર આવકારનો (હાલની ફેશન મુજબ કહેતાં ‘સકારાત્મક’) રહ્યો છે. વાત એમ છે કે તમે એક સમુદાયને દોરી રહ્યા છો. સમૂહને દોરવાની આ પ્રક્રિયામાં નેતૃત્વ કને એક મનોવૈજ્ઞાનિક કૌશલ, દક્ષતા અને સજ્જતા જોઈએ. થાળી, તાળી, દીવા જેવાં આયોજન સમૂહમાનસને આગલા કદમ માટે તૈયાર કરવાની દૃષ્ટિએ અગત્યનાં છે. મારી પેઠે ઘણાને એની સાથે સંકળાવામાં એક વયંભાવનો સહજ ઉમંગ પણ વરતાયો હશે.
પણ આપણા આ નિર્ણાયક નેતૃત્વની મુશ્કેલી એ છે કે એમનો શૈલીઉછેર મૂળભૂતપણે ‘મૌસમ હૈ ઈવેન્ટાના’ તરેહનો છે. આફતને અવસરમાં પલટો, એ એમનું પ્રિય સૂત્ર છે. પણ ઈવેન્ટાના મિજાજમાં બને છે એવું કે એક વાર અવસર ઊભો કીધો, પછી આફતને આસાનીથી રામભરોસે પણ મેલી શકાય. અથવા તો દીવા કર્યા એટલે, રણછોડ કવિએ કહ્યું છે તેમ, પરબારું ભોમંડળમાં અજવાળું થઈ ગયું … ને કામ તમામ! રોડ મૅપનું હોવું, એ મુજબ કદમ બ કદમ, ઇંચ બ ઇંચ આગેબઢ જોઈએ, દમ બ દમ પારસ્પર્ય જોઈએ — એ બધું માર્યું ફરે. આનો, હવે તો, ક્લાસિક થઈ ગયેલો (એટલો જ કરુણ, કરપીણ, કમનસીબ) દાખલો લૉક ડાઉનની પહેલી જાહેરાત સાથે ગણતરીના જ કલાકોનો જે નકો નકો સમય અપાયેલો, એથી મચેલી અફરાતફરી, અનવસ્થા, હાલાકી અને તબાહીનો છે.
આવું કેમ થયું, આવું કેમ થતું હોય છે, એનો જવાબ શોધવા ઝાઝે દૂર જવાની જરૂરત કદાચ ન હોવી જોઈએ. નિર્ણાયક નેતૃત્વ મનોવૈજ્ઞાનિક અપીલનો આશ્રય લે એ ઠીક જ છે. પણ એમ કરતે કરતે એને ખુદનું બંધાણ થઈ જાય છે … સ્વયંસંમોહન ! એને લાગે છે, મેં કીધું, તે થઈ ગયું જાણે. સંજય ગાંધીના કિસ્સામાં દેશજનતાએ જોયું તેમ, પોતાના મનમાં પોતાને વિશે ઉત્તરોત્તર ઊંચો ને ઊંચો ખયાલ ભરાતો જાય. તે પછી આવડત-અણઆવડતને અતિક્રમીને સ્વયંસંમોહનગત એરક્રૅશ પણ થઈ શકે; કેમ કે એમની ‘દિવ્ય શક્તિ’ વિશે અનુયાયીઓને ભક્તિ જ ભક્તિ હોય, પોતાને પ્રતીતિ જ પ્રતીતિ હોય, પણ મુઆ વિમાનને એની સુધબુધ નયે હોય.
આ પ્રકારના નેતૃત્વનો એક વિશેષ એ પણ છે કે એક વાર છાકો પાડી દેતી નીતિજાહેરાત બાબતે એ પોતાનામાંથી જ અનુમોદન મેળવ્યા કરે, મીઠી વલૂર માણ્યા કરે અને પરિણામથી નિરપેક્ષપણે નિજનું મોચન લહ્યા કરે … પરિસ્થિતિ પાંચમે પાતાળ, પણ બંદા આઠમે આસમાન! આવી એક ઈવેન્ટાના અફરાતફરીનો ઝક્કાસ કિસ્સો પહેલી પારીમાં નોટબંધીનો હતો. આખા ઘટનાક્રમને તમે ‘નોટબંધી નજરબંધી’ એવું નામ આપી શકો. કાળા ધન વિશે ધોળે દિવસે કશું જાણી ન શક્યા, કેવળ જુમલેસે જુમલેનો એક ઓર અંક અંકિત થયો. તેમ છતાં, એ ચોક્કસ જ એવા દિવસો હતા જ્યારે લાઇનમાં ઊભેલો દીનહીન જન સંપૂર્ણ સંમોહનવશ પોતાને દેશની સરહદે ખડેપગા સૈનિક શો કલ્પતો હતો અને કથિત ‘શ્વેતવસના અર્થનીતિ’ના યજ્ઞમાં પોતે બલિ બનતે છતે, કેમ જાણે નાનો શો પણ હવિ કે અર્ઘ્ય આપી રહ્યાનું માનતો હતો.
જો કે, ઊલટ પક્ષે, સ્થળાંતરિત શ્રમિકો ને સૌ દીનહીન હમવતનીઓને નોટબંધી નજરબંધીની પેઠે કોરોનાકાળમાં દેશભક્તિનો અફીણી આફરો ચડી શકે એમ નથી. સરહદે ખડા સૈનિકને શારીરિક પીડા વેઠતે છતે જે જોસ્સાસુખ હોઈ શકે તે ન મૂળઠેકાણે, ન મુખઠેકાણે, રેશન અગર આધાર કાર્ડ વગર નકરા નિરાધારને ક્યાંથી મળે. પગનાં તળિયાં અને એમાં વાઢિયા ને છાલાં, બેઉ એકાકાર જેવાં … રે, ભૂખીતરસી વણજાર! કથિત નિર્ણાયક નેતૃત્વને આ જીવતરની બાલાશ પણ શા સારુ હોય વારુ. ચર્ચિલે સન બયાલીસના વારામાં બંગાળને ભૂખે મરવા દીધું હતું ને. અલબત્ત, ઇંગ્લેન્ડને એણે યુદ્ધયત્નમાં આબાદ લીડ આપી હતી. પણ સરેરાશ અંગ્રેજ જણનાં યુદ્ધોત્તર સુખદુઃખ એમના સંવેદનવિશ્વમાં અગ્રક્રમે નહોતાં તે નહોતાં. પણ દેશવત્સલ અંગ્રેજ મતદારને આ મુદ્દાની બરાબરની દાઝ હતી તે વિજયોત્તર ચૂંટણીમાં દુનિયાઆખીએ જાણ્યું, જ્યારે વિજયકળશ એટલીના નેતૃત્વમાં લેબર પાર્ટીને માથે મુકાયો. 1962માં, આપણે ત્યાં જયન્તિ દલાલ જેવાએ જાહેર સવાલ કીધો હતો, નેહરુને નોંધીને, કે અમારે ચૅમ્બરલેન પાસે ચર્ચિલની આશા રાખવાની છે? ઇંગ્લેન્ડ પાસે ચૅમ્બરલેનના વિકલ્પે યથાક્રમ ચર્ચિલ અને એટલી એમ બબ્બે પ્રતિભા હતી. આપણે નેહરુ, શાસ્ત્રી, મોરારજી, મનમોહન એમ જે તે તબક્કાના જાળવણહાર હાલ એક જ વ્યક્તિમાં શોધતા હોઈએ, તો એ કિસ્સો સંમોહને નહીં અટકતાં નિર્ભેળ મૂર્છિતતાનો કહેવાશે.
હમણાં જેની જિકર કરી, વતનમાં બેવતન અને જલાવતન એ સૌ હમવતની કને, રાંકબચાડા રોજમદાર કને એવી કરોડરજ્જુ પણ હોઈ શકવાની નથી કે ‘હમ દેખેંગે …’ બાકી ખરું પૂછો તો, આવે વખતે સંભારવી જોઈતી ક્લાસિક ઉક્તિ તો લેનિનની છે. પહેલા વિશ્વયુદ્ધમાં ઝારશાહી હસ્તકના રૂસી સૈનિકો પાસે સરખા બૂટ પણ નહોતા અને એ મોરચેથી ભાગવા લાગ્યા, ત્યારે લેનિને કહ્યું હતું કે ઝારશાહીનું ભાવિ સીલ થઈ ગયું છે.
ગમે તેમ પણ, નેતૃત્વને લૉક ડાઉનમાં રોજનું કમાઈ રોજ ખાનારને કે મજૂરી વાસ્તે સ્થળાંતરજીવી સમુદાયને કેવી ને કેટલી કિંમત ચૂકવવી પડશે એનો અંદાજ તો શું, પણ સંવેદના કે રગ સુદ્ધાં નહોતી અને ઉપરથી પડતાને પાટુ, જેમને જીવલગ વેઠવું પડ્યું ને મરવાને વાંકે જીવવાનો રાબેતો જાળવવો પડ્યો એ સૌને આપણા વીરનાયકે તપસ્વી કહ્યા. એમના સંવેદનતંત્રે જે અદ્ભૂત સામાજિક દૂરતા કેળવી છે એનો આ કંઈ પહેલો પરચો નથી. આ પૂર્વે એમણે ‘માથે મેલું’માં અધ્યાત્મબોધ બોલી બતાવ્યો હતો અને હવે તપસ્યાબોધ લઈને હાજર થયા છે. મુદ્દે, ‘ભારત’ના સરેરાશ કામદારની દસાડા દફતરે કોઈ હાજરી નથી, સિવાય કે ‘ઇન્ડિયા’ના સુખભોગ વાસ્તે એમની જે ગરજ હોય તે. રાષ્ટ્ર નામની ખયાલાતમાં નવસંદર્ભમાં કૉર્પોરેટગ્રસ્ત જે બળુકો વર્ગ તે સમીકૃત હશે તો હશે. (વહવાયું કે’દી ગામનું હિસ્સું હતું વારુ?)
બેલાશક, લોકશાહી રાહે ચૂંટાવાનું છે એટલે તે પ્રકારનો ખટાટોપ ઘટાટોપ બધો કરવો તો રહે. વડાપ્રધાનપદની પહેલી પારીએ દુકાનને પગથિયે પ્રણમી પગલું ભરતા વેપારીની યાદ આપતા હોય એ રીતે સંસદભવનના સોપાનને નમતા (કદાચ, એની ધૂળ માથે ચડાવતા) નેતૃત્વના દર્શન કર્યા હતા. એ પૂર્વે ગુજરાતમાં હાથી ઉપર બંધારણની સવારી કાઢી હતી. સિદ્ધહૈમ વ્યાકરણની પ્રણાલિમાં એ જરૂર મહાઅવસર હતો. પણ બેત આખો બંધારણના આમુખ માંહેલા ‘વી ધ પીપલ’ને ચકાચોંધ કરવાથી વિશેષ કશું મૂલ્યાત્મક તાકતો નહોતો. સરદાર મોટુંદઈત બાવલાપણું પામ્યા. નવી દિલ્હી નવું પાર્લમેન્ટ હાઉસ, નવું પી.એમ. હાઉસ અને નવો રાજપથ પામશે. દરમ્યાન, દાખડા-દેખાડામાં રાચતું નેતૃત્વ તમામ રાષ્ટ્રભક્તિને હુલસાવશે અને બીજી પારીના બીજા વરસ પર ઇતિહાસમુદ્રા અંકિત કરતે આગળ વધશે.
રાજ્યસંસ્થાની પોતાની પ્રકૃતિ અને નેતૃત્વની સુપરિચિત ગતિમતિ, એમાં ‘તમે કોરોના સાથે જીવતાં શીખો’ એ વાત બરાબરની ઠસાવવામાં આવશે. પણ એના સંવેદનક્ષેત્રમાં તમને સામાન્ય માણસ શોધ્યો નહીં જડે. સામાન્ય માણસ, એ તો બચાડો કિસ ગિનતીમેં. લૉક ડાઉન કામધંધાલાયક હવાપાણી વાસ્તે હળવું કરવું જરૂરી છે. અર્થતંત્રની ચિંતા ભલી જાણી! પણ એની બેવડમાં શ્રમકાયદામાં સુધારાની જમણે અંગૂઠેથી (રાષ્ટ્રને ખાતર) કળિ પેઠે પેંધવા લાલાયિત છે. ડિકન્સના સાહિત્ય અને ઈંગ્લંડના પુઅર લૉઝનો કંઈક વારસો અંગ્રેજ અમલે આપણને આપ્યો અને સ્વરાજસંઘર્ષે એને સંમાર્જિત કર્યો. પ્રજાસત્તાક વર્ષોમાં આપણે ઠીક સુધારા કર્યા, હવે વૈશ્વિકીકરણના દોરમાં શ્રમિક અધિકારોમાં કાપ અને તરાપ એક ન્યૂ નોર્મલ છે અને કોરોનાકૃપાએ એને સ્વીકૃતિનો અવકાશ જ અવકાશ છે.
છેલ્લાં વર્ષોમાં દેશમાં જે રાજવટ વિકસી છે એમાં વિભાજન વેળાના રક્તપાત અને હત્યાકાંડને એક અંતરાલના વિરામ પછી નવજીવન મળેલ છે. 1984, 2002 દરેક પાસે પોતપોતાનાં વાજબીપણાનો વાક્વ્યાપાર સંવેદનશૂન્ય ધોરણે છે. નરસંહારમાં રાજ્યની જવાબદારી વિશે પૂછવામાં આવે ત્યારે ‘ભાઈ, આપણે મોટરમાં બેઠા હોઈએ (ડ્રાઇવ પણ ન કરતા હોઈએ) અને ગાડી તળે ગલૂડિયું આવી જાય તોયે દુઃખ તો થાય જ ને’ એ મતલબનો, લગભગ છૂટી પડવા જેવો જવાબ આપવામાં આવે છે. ન્યુરેમ્બર્ગ ટ્રાયલ્સ શું કે દક્ષિણ આફ્રિકાનું રિકન્સિલિયેશન કમિશન શું.
અહીં તો 30મી જાન્યુઆરીએ પહેલો કોરોના કેસ થયો તે પછી એક આખો મહિનો ટ્રમ્પોત્સવ સહિત નકામો જવા દીધો અને 13મી માર્ચના સત્તાવાર પ્રતિભાવમાં પણ ‘કોઈ કટોકટી નથી’ એવી સત્તાવાર મુદ્રા પ્રગટ કરી. (રે, ગલૂડિયું!)
વાત એમ છે કે દયાહીન નૃપ અને રસહીન ધરા શો આ ઘાટ છે. સત્તાસ્થાને સમસંવેદનનું ઘોર ટાંચું પડ્યું છે અને કપરો કાળ બસર કરવાનો છે. કાશ, બીજી પારીનું બીજું વરસ બેસતે તપ્ત ધરતી પર ફોરાં શો અનુભવ થાય.
e.mail : editor.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 મે 2020