કેટલાય દિવસનો ભૂખ્યો
ચોંટી ગયેલ પેટ એવું કે,
પેટ અને પીઠની ચામડી
એકબીજાને સ્પર્શતી ભાસે,
શ્વાસ લેવામાં થાક લાગે
બોલવામાં હાંફ લાગે,
ચાલવામાં પગ ધ્રૂજે
આંખે અંધારા આવે,
બટકું રોટલો માટે ફાંફા મારે
સ્વમાન મૂકી ભીખ માંગે,
લોહીનાં આંસુએ રોતો
મોતને એ આવકાર આપે,
રસ્તે જોયું જ્યાં દૂધ ઢળેલું,
કૂતરાને ચાટતાં જ્યાં જોયું,
ભૂખની એ ચરમસીમાએ,
ચાર પગે પડ્યો સંગે,
ચાટ્યું દૂધ ને ભૂખ સંતોષી,
કૂતરાસમાજે સાથ આપ્યો,
ન એકેય ભસ્યાં કે કરડયાં,
કૂતરાંપણાની લાજ રાખી,
ને એને આભાર બતાવી,
ચાલ્યો ફરી ઘરના રસ્તે,
રસ્તે મોટી લાઇન જોઇ,
રાહતસામગ્રી વહેંચતા દીઠા,
જઈને જ્યાં નજીક પૂછ્યું,
મનેય મળશે રાશન થોડું?
નામ વગર ન કોઈને મળશે,
ચાલ્યો જા હટ, કહેતાં બોલ્યા,
ને એ હસીને ચાલ્યો,
માનવતાની હાંસી ઉડાવતા,
કૂતરાપણાને સલામ ઠોકી ..
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 16 મે 2020