ટર્કિશ કવિ ઓરહાન વેલી કાનકના એક કાવ્ય Güzel Havalarનો મારો અનુવાદ.
***
આ રળિયામણી ઋતુએ
સત્યાનાશ વાળ્યું છે મારું.
આવી જ મઝાની મોસમમાં
રાજીનામું ધરી દીધેલું મેં –
છોડી દીધી’તી ધાર્મિક સંસ્થાની નોકરી.
આવા જ વાતાવરણમાં તમાકુની ટેવ પડી’તી મને.
આવી જ મોસમમાં
પ્રેમ થયો મને.
આવી સલોણી ઋતુ
ભૂલાવી દે છે
ઘરે રોટી ને નમક લેતા જવાનું.
કવિતા લખવાનો
મારો રોગ
કાયમ ઊથલો મારે છે
આવી ઋતુમાં; આવી રળિયામણી ઋતુમાં
હું બરબાદ થઈ ગયો છું.
***
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()




મહાદેવકાકાને કંઈક આવા આવા વિચારોમાં ઊંઘ આવતી નહોતી. રાત્રે ત્રણ વાગ્યે બંને મિત્રોએ કશોક ખખડાટ થતો સાંભળ્યો. એ લોકો બહાર બગીચામાં આવ્યા. બહાર પોલીસ વાન ઊભી હતી. મહાદેવકાકાનો ભય સાચો ઠર્યો. ધૂંધળા ભાવિની અને બાપુજીની ચિંતામાં મહાદેવકાકા ધ્રૂજી ઊઠ્યા. એમણે દબાતે પગલે જઈને બાપુજીને જગાડ્યા. બાપુજી તો નિર્વિકાર પ્રસન્ન ચિત્તે ઊઠ્યા અને તેમણે કહ્યું : ‘આમંત્રણ આવી ગયું?” બાપુજી તૈયાર થઈ ગયા. દાદી પણ જાગી ગયાં. તૈયાર થઈને બધાં બહાર આવ્યાં. પોલીસ અધિકારીએ વૉરંટ બતાવ્યું. બાપુજી અને મહાદેવકાકાનાં નામનું વોરંટ હતું. દાદી માટે વોરંટ નહોતું.
સાંજે દાદી જાહેર સભામાં ગયાં. આ વૃદ્ધ કે જે આજીવન પતિની છાયા થઈને જ રહી, જેણે ક્યારે ય મોં ખોલ્યું જ નહોતું તેણે આજે મુંબઈની જાહેર સભાના મંચ પરથી પોતાનાં સંતાનો જેવા પ્રજાજનોને એક માતાના અંતરની તૂટીફૂટી પણ પ્રેમ નીતરતી વાણીમાં સંબોધન કરતાં કહ્યું, ‘મારા પતિ(આપણા બાપુજી)ને તો સરકાર ઉપાડી ગઈ. ક્યાં એની મને ખબર નથી. પણ આપણો માર્ગ સ્પષ્ટ છે. આપણે આઝાદી માટે કશુંક કરવું પડશે. છેવટે મોતને ભેટીશું. હવે પાછા વળવાનો તો પ્રશ્ન જ નથી. મને શ્રદ્ધા છે કે તમે સહુ બાપુજીના સંદેશાનું પાલન કરશો. મરવું જ છે તો પછી કોઈ વાતનો ડર શાનો? ભગવાન જે ગુજારશે તે સહી લઈશું પણ સમાધાન તો કરવું જ નથી.’

