વિશ્વવિખ્યાત ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગૉગનું જીવન આલેખતી, અમેરિકન ચરિત્રકાર Irving Stone – અરવિન્ગ સ્ટોને લખેલી કથા ‘લસ્ટ ફોર લાઈફ’ (1934) વિશ્વભરના વાચકોની પ્રિય કૃતિ છે. આ કૃતિને ‘સળગતાં સૂરજમુખી’ (1994) નામે ગુજરાતીમાં ઊતારવાનું કામ વિનોદ મેઘાણીએ કર્યું છે … ધર્મ અને પુરાણોને લગતાં લાખેક ચિત્રો આંખ તળેથી પસાર થઈ ગયા પછી અરવિન્ગ સ્ટોનને લાગ્યું કે ચિત્રકળા સરસ માધ્યમ હશે, પણ પોતાને માટે એમાં કશો સંદેશો નથી. વધુ ચિત્રો જોવાની તેમની હામ રહી નહોતી. એવામાં એક મિત્રના અત્યાગ્રહથી તેઓ વિન્સેન્ટનાં ચિત્રોનું પ્રદર્શન જોવા ગયા. તેમણે લખ્યું છે : ‘મેં જે અનુભવ્યું તેવું પહેલાં ક્યારે ય અનુભવ્યું નહોતું. મૂઢ બનીને હું ઊભો જ રહી ગયો. વિચારવાની કે શ્વાસ લેવાની શક્તિ પણ ઓસરી ગઈ.’ આ અનુભવ પછી તેમને આ ચિત્રકારના જીવનમાં રસ પડ્યો અને ‘લસ્ટ ફોર લાઈફ’નું સર્જન થયું. Lust for Life – ‘સળગતાં સૂરજમુખી’ પુસ્તક વિશે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ 4 ઓગસ્ટ 2019ના રોજ ફેસબૂક પર નીચેની પોસ્ટ મૂકી હતી :
‘સળગતાં સૂરજમુખી’ની મારાં ઘડતરમાં અકલ્પ્ય ભૂમિકા છે. એટલા માટે કે 39માં વર્ષે હું મારામાંથી બહાર નીકળી પોતાની જાતને તટસ્થ રીતે જોઉં છું તો હવે મને દેખાય છે કે હું ઇન્ટેન્સિટી અને પૅશનનો માણસ છું. ઇન્ટેન્સિટી અને પૅશન નામનાં આ પદાર્થ, આ તત્ત્વ, આ ઉર્જા મારા વ્યક્તિત્વ અને અસ્તિત્વનો ભાગ બની ગયાં જે મારું સૌથી મહત્ત્વનું ચાલક બળ છે અને તેના મૂળમાં આ પુસ્તક છે.
સળગતાં સૂરજમુખી એ મહાન ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોગની જીવનકથા છે. આ પુસ્તકની અને વેન ગોગનાં જીવનની મારા ઉપર સખત ઇન્ફ્લ્યુઅન્સ છે. આ પુસ્તક મને ખૂબ એટલા માટે ગમે છે કે જીવન માટેની ભૂખ, ધગશ, ધખના, વાસના અને કલા માટેની ઝંખનાનું મિલન એટલે વિન્સેન્ટ વેન ગોનું જીવન.
આ જીવનને શોધવા માટે તેટલી જ પૅશન અને ઇન્ટેન્સિટીથી સંશોધક અરવિન્ગ સ્ટોને કામ કર્યું છે, આ પુસ્તકનું સર્જન કર્યું છે. વેન ગોગનું કોઈ ચિત્ર એ કલાનો એક મહાન નમૂનો કહેવાય તેમ અરવિન્ગ સ્ટોનનું વિન્સેન્ટ વેન ગોગનાં જીવન વિષે લખાયેલું પુસ્તક ‘લસ્ટ ફોર લાઈફ’ એ પણ કલાનો એક મહાન નમૂનો છે. એમાં ય વિનોદ મેઘાણીએ આનો જે અનુવાદ કર્યો છે, જેને ઘણાં મિત્રો બહુ પ્રેમથી અને સાચે જ અનુવાદને બદલે અનુસર્જન કહે છે. આવું અદ્ભૂત અનુસર્જન, આવું બેનમૂન જીવનચરિત્ર નવલકથા રૂપે અને તે પણ વિન્સેન્ટ વેન ગોગ વિષે. અને વિન્સેન્ટ વેન ગોગનું જીવન તો તોડી નાખે તેવું. આનો સરવાળો આ પુસ્તક છે.
પુસ્તકના અંતમાં ગોગએ તેમની માને લખેલ પત્ર પણ ખૂબ ગમે છે. એમાં તે એવું લખે છે કે, ‘વ્હાલી માતા, તને મારાં કેટલાંક સેલ્ફ પોટ્રેટ મોકલી રહ્યો છું જે જોઈને તને લાગશે કે પૅરીસ, લંડન જેવા મહાન નગરોમાં વર્ષો વિતાવવાં છતાં હું સાવ ગામડિયા ખેડૂત જેવો દેખાવ છું. સાચું કહું તો વિચારે ભાવે પ્રતિભાવે હું ખેડૂત જેવો જ છું, ફેર ફકત એટલો છે કે ઉપયોગિતાની દૃષ્ટિએ ખેડૂતો મારાં કરતાં ઘણી ઉચ્ચ કક્ષાએ છે.’
જેનાં ચિત્રોની કિંમત કરોડોની છે એ ચિત્રકાર એવું કહે છે કે મારાં જીવન કરતાં એક ખેડૂતનું જીવન વધારે મહત્ત્વનું છે. તે એમની બહુ મહાન ફિલસૂફી છે, કે હું ચિત્ર દોરું છું તો ચિત્ર દોરી શકું એવી અનુકૂળતા છે, મારા પાસેની આ અનુકૂળતા આખી દુનિયા પાસે કેમ નથી? બધા લોકોને કવિતા કરવી હોય, ચિત્રો દોરવા હોય, પુસ્તકો લખવા હોય, પણ માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય પછી એને પુસ્તકો, ચિત્રો, સિનેમા જેવી કલાઓમાં રસ પડતો હોય છે. એટલે ખેડૂત ખેતરમાં તનતોડ મજૂરી કરે નહીં તો ધાન પાકે નહીં, ધાન પાકે નહીં તો તમારા અને મારા પેટમાં કાંઈ જાય નહીં અને પેટમાં જાય નહીં તો હાથ ચાલે નહીં અને હાથ ચાલે નહીં તો પીંછીનો લસરકો ક્યાંથી મારીએ?! એટલે આ બધું વિન્સેન્ટ વેન ગોગની પેલી વાતમાં અભિપ્રેત છે.
સળગતાં સૂરજમુખી વાંચવાના કારણે મને આઈડિયા ઓફ માર્ક્સિઝમની બહું મજા પડે છે કેમ કે એ પણ માર્ક્સિઝમમાં એવું કહે છે કે એક સમય એવો આવશે માનવસભ્યતામાં ઉત્પાદનનાં એવાં સ્તર પર આપણે પહોંચીશું કે જગતનાં દરેક મનુષ્યે પોતાની મરજીના ત્રણ ચાર કલાકથી વધુ કામ કરવું નહીં પડે. પોતાને ગમતું પોતાની મરજીનું પોતાની અનુકૂળતા અને આવડતનું અને એ પણ ત્રણ ચાર કલાક પછી બાકીનો સમય આપણે શું કરીશું? તો ભાઈ આપણે ચિત્રો દોરીશું, કવિતા કરીશું, બુધન થિયેટરનું નાટક કરીશું, સૌમ્ય જોશીની કવિતા સાંભળીશું અને મરીઝનું આગમન વાંચીશું અને ધરતીની આરતી વાંચીશું અને ચૅપ્લિનની ફિલ્મો જોઈશું અને પિકાસોનું પેઇન્ટિંગ જોવા જઈશું. આ કારણથી મને સળગતાં સૂરજમુખી વધારે પ્રિય છે. મારી પાસે મારો પાસપોર્ટ નથી, બહુ બધી FIR છે, જેનાં કારણે મારે દરેક કોર્ટ પાસેથી NOC લેવી પડે એમ છે. પણ જે દિવસે મને બધી NOC મળી અને મારો પાસપોર્ટ મળ્યો તો મારાં પોતાનાં રૂપિયાથી જે સૌથી પહેલી જગ્યાએ જવાનું ઈચ્છું તે નેધરલેન્ડમાં આવેલ વિન્સેન્ટ વેન ગોગનું મ્યુઝિયમ છે.’
[સૌજન્ય : જિજ્ઞેશ મેવાણી]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર