
રમેશ ઓઝા
ગયા સપ્તાહના મારા લેખમાં મેં બે સવાલ પૂછ્યા હતા. એક, શા માટે બંધારણસભામાં ઉપસ્થિત સોએક જેટલા હિંદુહિતને વરેલા સભ્યોએ હિંદુ ભારતની વાત ન કરી અને બે, શા માટે હિંદુ ભારત ઇચ્છનારાઓએ ત્યારે પોતાની કલ્પનાના ભારત વિશેનો મુસદ્દો માગવા છતાં ય નહોતો રજૂ કર્યો?
અહીં બહુ ઇતિહાસમાં ઉતરવાની જરૂર નથી, પણ એટલું જણાવી દઉં કે ભારતના વિભાજનનો પ્રસ્તાવ કાઁગ્રેસે અને મુસ્લિમ લીગે સ્વીકાર્યો એ પછી બંધારણસભામાંથી મુસ્લિમ લીગના ૭૩ સભ્યોએ રાજીનામાં આપ્યાં હતા. હવે તેમણે પાકિસ્તાનનું બંધારણ ઘડવાનું હતું અને ભારતની બંધારણસભામાં તેમનું કોઈ કામ નહોતું. એ વાત પણ આપ જાણતા હશો કે પાકિસ્તાને પણ તેની બંધારણસભા રચી હતી, પરંતુ આંતરિક મતભેદોને કારણે તેઓ પાકિસ્તાનનું બંધારણ ઘડી શક્યા નહોતા. એ મતભેદનો વિષય એક જ હતો : પાકિસ્તાન લોકતાંત્રિક સેક્યુલર રાષ્ટ્ર હોવું જોઈએ કે ઇસ્લામિક રાષ્ટ્ર? જો પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવામાં આવે તો માત્ર અને માત્ર અલ્લાહની પ્રભુસત્તા (સોવરેન્ટી) સ્વીકારવી પડે અને નાગરિકનો ખો નીકળી જાય. જો નાગરિકનો ખો નીકળી જાય તો પ્રજાસત્તાક રાજ્યનો ખો નીકળી જાય અને નાગરિક તેના અધિકાર ઇસ્લામની સામે ગુમાવે. અને ઇસ્લામ એટલે શું? ઇસ્લામ તો અમૂર્ત છે, તેનું અર્થઘટન કરનારાઓ મૂર્ત છે. ટૂંકમાં ધર્મના ઠેકેદારોનું પ્રજા ઉપર રાજ સ્થાપિત થાય.

મહમ્મઅલી ઝીણા
આંતરિક સાઠમારી પછી છેવટે ઇસ્લામવાદીઓનો વિજય થયો, પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર બન્યું અને એનું જે પરિણામ આવ્યું એ તમે જાણો છો. ધર્મના ઠેકેદારો, ધર્મરક્ષકો, ઇસ્લામિક રાષ્ટ્રની રક્ષા કરનાર લશ્કર અને તેનું આર્થિક રીતે પોષણ કરીને આર્થિક લાભ લેનારા આંગળિયાત કુબેરપતિઓનો ત્રિકોણ રચાયો. હવે વિડંબના જુઓ! ભારતનાં મુસલમાનો અલગ રાષ્ટ્રીયતા ધરાવે છે, હિંદુ અને મુસલમાન વચ્ચે કશું જ સમાન નથી એટલે ભારતીય મુસલમાનને તેની અલગ ભૂમિ મળવી જોઈએ એમ કહેનારા મહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગના બીજા પ્રગતિશીલ મુસલમાનોને જાણ હતી કે જો પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર બનશે તો તેનાં એ હાલ થશે જે વાસ્તવમાં થયાં. પણ કરે શું? કારણ કે ઇસ્લામવાદીઓની દલીલ મજબૂત હતી કે જો પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવું નહોતું તો ભારતથી અલગ થવાની જરૂર શું હતી? ભારતના નેતાઓએ તો જાહેરાત કરી જ દીધી હતી કે ભારત સેક્યુલર લોકતાંત્રિક રાષ્ટ્ર બનવાનું છે.
હવે મહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગના બીજા પ્રગતિશીલ નેતાઓ મુસલમાનોનું અલગતાવાદી રાજકારણ કરતા હોવા છતાં તેમને એ વાતની જાણ હતી કે રાષ્ટ્ર તો સેક્યુલર લોકતાંત્રિક જ હોવું જોઈએ જેમાં નાગરિકને તેનાં અબાધિત અધિકારો હોય અને કાયદાનું રાજ હોય. કાયદાના જવાબદાર રાજ્યમાં લઘુમતી કોમને ફાયદો થાય છે એનાં કરતાં બહુમતી કોમને વધારે ફાયદો થાય છે. જો બહુમતી પ્રજાની ઓળખ (પછી ધર્મ, ભાષા, વંશ કે બીજી કોઈ પણ) આધારિત રાષ્ટ્ર સ્થાપવામાં આવે તો લઘુમતી કોમને તો જે નુકસાન થવાનું હોય તે થાય, તેમાં બહુમતી કોમને વધારે નુકસાન થાય, કારણ કે તે બહુમતીમાં છે. લઘુમતી કોમને નુકસાન પહોંચાડવા માટે બહુમતીનું નખોદ ન વળાય. માત્ર બેવકૂફો જ આવું કરે! માટે પાકિસ્તાનની સ્થાપના પછી ઝીણા અને તેમના સાથીદારોએ જેમાં બહુમતી મુસલમાનોને ફાયદો થાય અને નુકસાન ન પહોંચે એવું જવાબદાર કાયદાનું રાજ ઈચ્છતા હતા. એને કારણે પાકિસ્તાનમાં વસતા હિંદુઓ અને સીખોને ફાયદો થતો હોય તો ભલે થાય. હું ભલે મરું પણ તને રાંડ કરું એવો વિદ્વેષ બેવકૂફી છે.
મહમ્મદ અલી ઝીણા અને તેમના સાથીઓને સફળતા મળી નહીં. સાધન જ ખોટું હતું એટલે સફળતા મળે તેમ પણ નહોતી અને આગળ કહ્યું એમ ધર્મના ઠેકેદારો, ધર્મરક્ષકો, ઇસ્લામિક રાષ્ટ્રની રક્ષા કરનાર લશ્કર અને તેનું આર્થિક રીતે પોષણ કરીને આર્થિક લાભ લેનારા આંગળિયાત કુબેરપતિઓની ધરી રચાઈ અને પાકિસ્તાન તેમાં હોમાઈ ગયું.

ભીમરાવ આમ્બેડકર
જેમ મહમ્મદ અલી ઝીણા અને તેમના પ્રગતિશીલ મુસ્લિમ નેતાઓ જાણતા હતા કે બહુમતી પ્રજાનું હિત કાયદાના રાજમાં જ છે અને હું ભલે મરું પણ તને રાંડ કરું એ ન્યાયે લઘુમતી તરફના દ્વેષથી પ્રેરાઈને બહુમતી પ્રજાને ઠેકેદાર વરુઓના વિકરાળ મુખમાં ધકેલી દેવી એ બેવકૂફી છે એમ ભારતના હિંદુ નેતાઓ પણ જાણતા હતા કે સ્વતંત્ર ભારતમાં હિંદુહિત શેમાં છે. એટલે તો ભારતની બંધારણસભામાં હિંદુહિતને વરેલા હિંદુ સભ્યો બહુમતીમાં હોવા છતાં કોઈએ કહ્યું નહોતું કે જ્યારે મુસલમાનો તેમનું ઇસ્લામિક રાષ્ટ્ર રચી રહ્યા છે ત્યારે હિંદુઓએ હિંદુ રાષ્ટ્ર રચવું જોઈએ. તેમને જાણ હતી કે બહુમતી હિંદુઓનું હિત સેક્યુલર લોકતાંત્રિક પ્રજાસત્તાક રાજ્યમાં છે જે મૂળભૂત રીતે કાયદાનું રાજ હોય. તેમાં લઘુમતીને આશ્રય મળે છે એટલે તેમને બેઘર કરવા આખું ઘર સળગાવી દેવાનું ન હોય. વાડ સાથે એરંડો પાણી પીતો હોય તો પીવા દેવો જોઈએ. એરંડાને તરસ્યો રાખવા વાડ(શેરડી)ને તરસ્યો ન રખાય. આને સાદી સમજ કહેવામાં આવે છે જે વિવેકીજનોમાં હોય છે. વિવેકી એ કહેવાય જેને ક્યાં સુધી જવું અને ક્યાં થોભવું એનું ભાન હોય છે.
પણ કોમવાદીઓ લઘુમતી કોમને બેઘર કરવા માટે સમૂળગા ઘરને સળગાવી દેવામાં માને છે. પાકિસ્તાનના ઇસ્લામિક કોમવાદીઓએ ઘર સળગાવી દીધું અને હવે આપણો વારો છે. ઝેરીલા કોમવાદીઓ પોતે જ પોતાનું ઘર સળગાવતા હોય ત્યારે ડફલી વગાડનારી બેવકૂફ પ્રજા પણ સાથ પૂરાવે છે. પાકિસ્તાની ઇસ્લામવાદી મુસલમાનોએ સાથ પૂરાવ્યો હતો. પાણી રેડવાની જગ્યાએ ડફલી વગાડતા હતા. આપણે ત્યાં પણ ડફલીના અવાજો સંભળાઈ રહ્યા છે અને એ અવાજો સાંભળીને ડર લાગે છે.

કનૈયાલાલ મુનશી
હવે અહીં એક પ્રશ્ન થવો જોઈએ. બંધારણસભામાં હિંદુહિતને વરેલા જે સભ્યો હતા તેમણે હું કહું છું એ કારણે સેક્યુલર લોકતાંત્રિક પ્રજાસત્તાક રાષ્ટ્રનો આગ્રહ રાખ્યો હતો અને કાયદાના રાજ માટે આગ્રહ રાખતા હતા તેનું શું પ્રમાણ? તમે કહો છો એટલે અમારે માની લેવાનું? ના. તેમાંના કેટલાક લોકો તેમના બંધારણસભામાંના અનુભવો વિષે લખતા ગયા છે. એમાંથી બે નામ હું તમને આપું છું જે બન્ને બંધારણનો મુસદ્દો ઘડનારી સમિતિમાં હતા. એક છે ડૉ આંબેડકર અને બીજા કનૈયાલાલ મુનશી. એક દલિત અને બીજા બ્રાહ્મણ. એ બન્નેએ તેમના અનેક લેખોમાં લખ્યું છે કે તેમણે સેક્યુલર લોકતાંત્રિક પ્રજાસત્તાક રાષ્ટ્ર માટે તેમ જ એકંદરે કાયદાના રાજ માટે શા માટે આગ્રહ રાખ્યો હતો. પ્રમાણ જોઈતું હોય તો બન્નેના ઓછામાં ઓછા દસ દસ લેખો મળી જશે. તેમની વાતનો એટલો જ કે દુ:શ્મનને બેઘર કરવા માટે ઘર બાળી ન નખાય. બહુમતી કોમનું હિત કાયદાના રાજમાં છે.
હવે બીજો સવાલ : શા માટે હિંદુ ભારત ઇચ્છનારાઓએ ત્યારે પોતાની કલ્પનાના ભારત વિશેનો મુસદ્દો માગવા છતાં ય નહોતો રજૂ કર્યો?
જવાબ બહુ દેખીતો છે. તેમને જાણ હતી કે બંધારણસભા તેમનાં મુસદ્દાને અને સૂચનોને ફગાવી દેશે. ફગાવી દેનારા સરદાર પટેલ, ડૉ રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુનશી, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, એમ.એસ. અણે (જેમણે ગોલવલકરનાં વિવાદાસ્પદ પુસ્તક ‘વી ધ નેશનહૂડ દીફાઈન્ડ’ની પ્રસ્તાવના લખી હતી અને સંસ્કૃત ભાષામાં તિલકચરિત્ર લખ્યું હતું) એ લોકો ફાગાવી દેશે. જો આદરણીય હિંદુઓ હિંદુ રાષ્ટ્રનો મુસદ્દો ફાગવી દે તો વજન અને વજૂદ બન્ને ઘટે એટલે લખીને કે બોલીને કાંઈ આપવા કરતાં મૂંગા રહેવું વધારે સારુ. આમ પણ એ લોકો મુક્ત વિમર્શ કરતાં કર્ણોપકર્ણ વાત પહોંચાડવામાં વધારે માને છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 04 ફેબ્રુઆરી 2024
![]()



ટ્રમ્પનું રાજકારણ બેફામ અને વિવાદી છે. અલબત્ત હજી તો ઘણો સમય છે કારણ કે ચૂંટણી છેક નવેમ્બરમાં છે. રિપબ્લિકન પાર્ટીમાં પણ તેના વિરોધીઓ તો છે જ અને તેઓ મનોમન એમ જ ચાહતા હશે કે કાનૂની ગુંચવણો પેદા થાય અને આખો મામલો બિચકે. પોતાના પ્રતિસ્પર્ધી નિક્કી હેલીને ‘બર્ડ બ્રેન’ કહી ચૂક્યા છે અને આવા વધુ બફાટ કરીને ટ્રમ્પ પોતાના લખ્ખણ તો દર્શાવી જ ચૂક્યા છે. છતાં પણ ટ્રમ્પના પ્રભાવથી ડરનારા નરમ રિપબ્લિકન રાજકારણીઓએ પોતે ટ્રમ્પ તરફી છે એ દર્શાવી દીધું છે. કોઈની પણ સાડાબારી રાખ્યા વિના, શાલિનતાને નેવે મૂકીને ટ્રમ્પે પોતે વેરનું રાજકારણ કરવાની દિશામાં આગળ વધે છે એવો ઢંઢેરો પણ પીટી નાખ્યો છે. ટ્રમ્પ પર મુકાયેલા આક્ષેપોથી આપણે અજાણ નથી અને ટ્રમ્પ જે રીતે અત્યારે વર્તાય છે એમાં લાગે છે કે તેમને ઓવલ ઑફિસમાં પહોંચીને સૌથી પહેલાં તો પોતાની પર આક્ષેપ મુકનારા તમામને દેખાડી દેવું છે, વળી સત્તા પર આવ્યા પછી પોતાના પગ તળે રેલો ન આવે એટલા માટે કાયદાની ઐસીતૈસી કરતા ટ્રમ્પને જરા ય વાર નહીં લાગે. વળી ટ્રમ્પની વિદેશી નીતિને આધાર આખા વિશ્વએ પોતાના સમીકરણો બદલવા પડશે. ટ્રમ્પે તો તાજેતરમાં એમ વચન આપેલું કે પોતે સત્તા પર આવશે તો ચાર વર્ષની યોજના લાગુ કરશે જેમાં ચીનના ઉત્પાદનોની આયાત ધીરે ધીરે સદંતર બંધ કરી દેવાશે. ચીન સાથેનું આ વ્યાપારી યુદ્ધ યુ.એસ.એ.ના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડી શકે છે, પણ ટ્રમ્પ વેરનાં વળામણાં કરવાના મૂડમાં હશે તો એ જે રાષ્ટ્રના પ્રમુખ હશે તેના અર્થતંત્રની ચિંતા કરશે ખરા? ટ્રમ્પ જો મનફાવે એ રીતે સરકાર ચલાવશે તો મહાસત્તાનું લેબલ યુ.એસ.એ. પાસેથી છીનવાઈ જવાના દિવસો ધાર્યા કરતાં જલદી આવી પહોંચશે.
અર્થશાસ્ત્રના ચિંતક અને અધ્યાપક તેમ જ ગુજરાતના અગ્રણી બૌદ્ધિક રમેશભાઈ બી. શાહનું 03 ફેબ્રુઆરીના શનિવારે તેમના અમદાવાદના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 14 નવેમ્બરે 88માં વર્ષમાં પ્રવેશ્યા હતા.