
રવીન્દ્ર પારેખ
એક તરફ દેશ ઠેર ઠેર દેખાડાનું ગૌરવ લઈ રહ્યો છે ને બીજી તરફ તેને અંદરથી ખોખલો કરવાની કોશિશો ચાલે છે એ તરફ સૌનું ધ્યાન ઓછું જ જાય છે. નાનામાં નાનો માણસ પણ બીજું કૈં ન ફાવે તો ધર્મનો દેખાડો કરીને રાજી છે, તો ગુજરાત કે ભારત રેકોર્ડ પર રેકોર્ડ કરીને વિશ્વમાં પોતાનું નામ કરવામાં વ્યસ્ત અને મસ્ત છે. સુરતના દોઢેક લાખ લોકોએ યોગમાં ભાગ લઈ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું. વાત આટલેથી અટકતી નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંયુક્ત રાષ્ટ્રોમાં યોગસત્રની આગેવાની કરી, જેમાં 135 દેશના પ્રતિનિધિઓએ ભાગ લઈ વર્લ્ડ રેકોર્ડ કર્યો. એ સારી જ વાત છે કે વૈશ્વિક રેકોર્ડથી દેશ વિદેશમાં માન સન્માન વધે છે, પણ બહાર ફરતી રહેતી આંખો ક્યારેક પોતાની તરફ અંદર પણ ફેરવવા જેવી છે, જેથી વાસ્તવિક પરિસ્થિતિ અંગે પણ વિચારવાનું બને. દેખાડો દરેક વખતે સારી બાબત નથી. એ ક્યારેક તો બતાવવામાં જ ઇતિશ્રી માની લે છે, પણ એ આંતરિક બગાડો ઢાંકવાની તરકીબ પણ હોઈ શકે છે એ ભૂલવા જેવું નથી.
દેશના વિકાસ સામે કોઈ શંકા નથી, પણ સરહદી સુરક્ષાને મામલે વધુ ચિંતિત થવાની જરૂર સતત લાગ્યા કરે છે. ચીનની સરહદો પરની હિલચાલ શંકાથી પર નથી. ત્યાં થતી લશ્કરી જમાવટ અને ઊભી થતી વસાહતો ઊંઘ ઉડાડનારી છે ને દેશ તરફથી જે ‘સબ સલામત !’ની ઘંટી ઉપરછલ્લી રીતે વાગ્યા કરે છે તેમાં ભરોસો પડતો નથી. ખરેખર તો ચીન સંદર્ભે આટલી નિરાંત ન પરવડવી જોઈએ. બીજી તરફ પાકિસ્તાનની અવળચંડાઇ જગ જાહેર છે. તેણે હોળીની ઉજવણી પર રોક લગાવી ત્યાંની તો ઠીક, પણ અહીંની પ્રજાને ઉશ્કેરવાની ભૂમિકા પૂરી પાડી છે. આમ પણ આતંકી પ્રવૃત્તિઓ પર જીવી રહેલું પાકિસ્તાન પોતાની પણ ઘોર ખોદી રહ્યું છે તે તેને સમજાતું લાગતું નથી. વિશ્વભરમાં આતંકી પ્રવૃત્તિઓ કરીને શાંતિ નથી મળતી તો ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ વિસ્તારવાનું પાકિસ્તાન કદી ચૂકતું નથી. હવે તો અફઘાનિસ્તાનને પણ ભારતમાં આતંકી હુમલાઓ કરવાના અભરખાઓ જાગ્યા છે અને કાશ્મીરના ત્રણ આતંકીઓ સહિત સુરતની માસ્ટર માઇન્ડ મનાતી એક મહિલાની પોરબંદરથી થયેલી ધરપકડે જે ચોંકાવનારા ખુલાસાઓ બહાર આણ્યા છે તેણે ગુજરાતી સુરક્ષા તંત્રોની કામગીરી માટે અહોભાવ તો જનમાવ્યો છે, પણ તે સાથે જ આતંકી પ્રવૃત્તિઓના પગ ચાદરની બહાર ફેલાઈ રહ્યા છે એની ચિંતા પણ ઉપજાવી છે. બાકી હતું તે અફઘાનિસ્તાનની નજર સુરત પર પડી છે ને અહીંની સુમેરા મલેકની જે આતંકી છેડછાડની યોજનાઓ હતી તેણે સુરત સહિત ગુજરાતની ચિંતા વધારી છે, એટલું ઓછું હોય તેમ સુરત પોલીસ દ્વારા સુરતમાંથી ત્રણેક હજાર રૂપિયામાં ભારતીય નાગરિકતા મેળવી આપવાના ષડ્યંત્રનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસને એને માટે અભિનંદન આપવાં ઘટે, પણ સુરતનું નામ આ ષડયંત્રમાં સંડોવાયું છે તે ઘણાં જોખમો તરફ અંગુલિનિર્દેશ કરે તો નવાઈ નહીં !
સુરતની SOG અને PCB પોલીસે ભારતીય નાગરિકતા દર્શાવતા નકલી આધાર પુરાવાઓ બનાવતુ મોટું નેટવર્ક પકડી પાડીને પાંચ આરોપીઓને દબોચી લીધા છે. આ આરોપીઓ પાસેથી નકલી આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, જ્ન્મતારીખના દાખલા જેવી સામગ્રીઓ મળી આવી છે. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે માહિતી આપતાં જણાવ્યું હતું કે નકલી આધારકાર્ડ બનાવી આપવાના આ આરોપીઓ ત્રણેક હજાર રૂપિયા વસૂલતા હતા. આ બધું સરળ એટલે થયું, કારણ પાંચમાંના ત્રણ આરોપીઓ પહેલાં આધારકાર્ડ બનાવી આપવાના એજન્ટ જ હતા, પણ એમને એજન્સીએ બ્લેકલિસ્ટ કર્યા, જ્યારે સકલૈન પટેલ અને નૂર વઝીર સૈયદ અધિકૃત એજન્ટો હતા, એટલે ખોટા પુરાવાનો ઉપયોગ, તેમની આઇ.ડી.નો ઉપયોગ કરીને નકલી દસ્તાવેજો બનાવવામાં કરાતો હતો. આરોપીઓએ આવા તો અસંખ્ય નકલી આધારકાર્ડ બનાવ્યા હોવાનું કબૂલ્યું છે. આ પાંચ આરોપીઓ પાસેથી નકલી 163 આધારકાર્ડ, 44 પાનકાર્ડ, 167 ચૂંટણીકાર્ડ, 43 લાઇટ બિલ, 11 ઇન્કમટેક્સ રિફિલિંગ, 5 પ્રોપર્ટી ટેક્સ બિલ, 5 સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ્સ, 4 સ્કૂલ આઈડી, 85 જન્મના દાખલા, લેપટોપ 3, કલર પ્રિન્ટર 1, લેમિનેશન મશીન 1, લેમિનેશન પેપર્સ 1,500, રબર સ્ટેમ્પ 1, કોર્જન ફિંગર મશીન 2, સી.પી.યુ. 1, મોબાઈલ ફોન 5, સ્ત્રી-પુરુષોના ફોટા 348, આઈ સ્કેનર મશીન 1 … જેવી સામગ્રીઓ સહિત સવા ત્રણેક લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે.
સુરતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને અનેક બાંગ્લાદેશીઓ સહિત અન્ય દેશના નાગરિકો પણ રહે છે. તેઓ ભારતીય તરીકે અહીં ઠસી જાય તે માટે જે દસ્તાવેજો જરૂરી હતા તે આ આરોપીઓ બનાવીને પૂરા પાડતા હતા. આવા લોકો અહીં રહીને દેશવિરોધી પ્રવૃત્તિઓ કરવાનો ઇરાદો ન રાખે એમ માનવાને કોઈ કારણ નથી અને એવા લોકોને, આ જ દેશના નાગરિકો ત્રણેક હજારમાં નકલી પુરાવાઓ પૂરા પાડીને દેશની કઇ સેવા કરે છે તે સમજાતું નથી. સુરત કોઈક રીતે આતંકી અને દેશવિરોધી પ્રવૃત્તિઓનો શિકાર થઈ રહ્યું છે તે બધી રીતે શરમજનક અને આઘાતજનક છે.
એ તો સારું છે કે પોલીસે થોડા દિવસ પર ગેરકાયદેસર રહેતાં એક બાંગ્લાદેશીને પકડી પાડ્યો ને એ અગાઉ પણ ત્રણેક મહિના પર એક મહિલા સહિત પાંચ બાંગ્લાદેશીને પકડી પાડયા હતા. તેમની વધુ પૂછપરછ કરતાં તેમની પાસેથી ભારતીય નાગરિકત્વના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ સહિતના પુરાવાઓ મળી આવ્યા હતા. આ પુરાવાઓ રૂપિયા લઈને આરોપીઓ પૂરાં પાડતાં હોવાની વાત બહાર આવી હતી. SOG પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓને પકડ્યા બાદ નકલી દસ્તાવેજો બનાવી આપનાર એજન્ટોનાં નામ ખૂલ્યાં હતાં ને વધુ તપાસ કરતાં એવી બાતમી મળી હતી કે આ પુરાવાઓ પૂણામાં આવેલ ઉમરવાડાના નવા કમેલા પાસે સંજય નગરમાં આવેલી એ.કે. મોબાઈલ નામની દુકાનમાં કેટલાક લોકો બનાવી આપતા હતા. જેની પાસે કોઈ જ પુરાવાઓ ન હોય તેને પણ કોમ્પ્યુટર અને લેપટોપની મદદથી આધારકાર્ડ સહિતના તમામ નકલી પુરાવાઓ ઉપલબ્ધ કરી અપાતા હતા.
પોલીસે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર માહિતી મેળવી આખા નેટવર્કનો પર્દાફાશ કરીને આમદ ઉર્ફે લખન મોહમ્મદ ખાન, વસીમ બદરૂદ્દીન શેખ, સકલૈન પટેલ, મહેમૂદ યાકુબ શેખ અને નૂર વઝીદ સૈયદની ધરપકડ કરી હતી. આ આરોપીઓ લેપટોપ તથા કોમ્પ્યુટર પર ફોટોશોપ સોફ્ટવેરનો ઉપયોગ કરી નકલી દસ્તાવેજો બનાવતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે પકડાયેલાં લેપટોપ અને કોમ્પ્યુટરમાંથી અનેક પી.ડી.એફ. મળી આવી છે જેના પાસવર્ડ એફ.એસ.એલ. ટીમની મદદથી ક્રેક કરીને ચેક કરાશે તો બીજી ઘણી માહિતીઓ મળી આવવાની સંભાવનાઓ છે.
પોલીસે ઉધના વિસ્તારમાં વોચ ગોઠવીને સાહેબઅલી અરમાન શેખની પણ ધરપકડ કરતાં તેની પાસેથી પણ, ઝડપાયેલા આરોપીઓ પાસેથી બનાવેલું નકલી આધારકાર્ડ હાથ લાગ્યું હતું. 51 વર્ષીય સાહેબઅલી 2020માં બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો ને તે પછી સુરતમાં માનદરવાજા વિસ્તારમાં રહેતો હતો. 2021માં તેણે એ.કે. મોબાઇલની દુકાનમાંથી 3 હજાર ખર્ચીને નકલી આધારકાર્ડ મેળવ્યું હતું. આવાં તો બીજાં ઘણાં આધારકાર્ડ મળી આવે એમ બને, પણ જે ચાલી રહ્યું છે તે આ દેશને માટે અનેક રીતે જોખમી છે. આ રીતે ઘૂસણખોરીથી દેશમાં પ્રવેશી ગયેલાઓ આ દેશનું ખાઈને ખોદી રહ્યા છે. એમને પોષવાની આ દેશની કોઈ જ ગરજ કે ફરજ નથી, છતાં નકલી દસ્તાવેજોને આધારે તેઓ આ દેશ પર બોજ બની રહ્યા છે. એવા લોકો એમના દેશને વફાદાર નથી તો ભારતને કઇ રીતે રહે એ પ્રશ્ન જ છે. એમને નકલી દસ્તાવેજો પૂરા પાડતાં જે પકડાયાં છે તે તો આ દેશના નાગરિકો છે, અહીંનું ખાય છે, અહીં જીવે છે ને એ થોડા રૂપિયાની લાલચમાં ઘૂસણખોરોને મદદ કરે છે, પાડોશી દેશના લોકોને અહીંના નાગરિક બનાવવાની કોશિશો કરે છે. એમની વફાદારી આ દેશ માટે છે એવું કઇ રીતે માનવું? આરોપીઓ પાસેથી ત્રણ સવા ત્રણ લાખનો મુદ્દામાલ મળ્યો, એમની દુકાન છે એ પરથી એ એટલા ગરીબ નથી કે ઘૂસણખોરો માટે ભારતીયતા ભૂલીને બીજા દેશના લોકોને ભારતીય બનાવવા સુધી જવું પડે ને એવાં તો ઘણાં ષડયંત્રો બીજે પણ ચાલતાં જ હશે, પણ વિકાસની હોડમાં એ બધું જોવાની કોઈને ફુરસદ નથી. બધાંને એમ જ છે કે પડશે તેવા દેવાશે. કોઈ મોટી દુર્ઘટના પણ હવે બહુ અસર ન કરે એવી સંવેદન બધીરતાનો શિકાર છે સૌ. સરકાર વળતર આપીને અને પ્રજા મળતર જોઈને રાજી થઈ જાય છે, તેમને સ્વાર્થ સિવાય કૈં સ્પર્શતું નથી તે ચિંત્ય છે.
સૌથી દુ:ખદ બાબત એ છે કે લહેરી ને મસ્ત ને ખૂબસૂરત સુરત, દેશ પ્રત્યેની વફાદારીમાં પાછળ ધકેલાઇ રહ્યું છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 જૂન 2023