‘ધીરુ પરીખ છે મારું નામ, અક્ષર સાથે પાડું કામ’
 અગ્રણી વિવેચક, સંપાદક અને કવિ ધીરુ પરીખની આજે પહેલી પુણ્યતિથિ છે. તેમનો છપ્પા-સંચય ‘અંગ-પચીસી’(‘કવિલોક’ પ્રકાશન,1986) મને ગમતાં પુસ્તકોમાંથી એક છે. અહીં કવિએ પચીસ વિષયો પર નર્મમર્મભર્યા છપ્પા રચ્યા છે, જે વાંચવામાં બહુ આનંદ પડે છે.
અગ્રણી વિવેચક, સંપાદક અને કવિ ધીરુ પરીખની આજે પહેલી પુણ્યતિથિ છે. તેમનો છપ્પા-સંચય ‘અંગ-પચીસી’(‘કવિલોક’ પ્રકાશન,1986) મને ગમતાં પુસ્તકોમાંથી એક છે. અહીં કવિએ પચીસ વિષયો પર નર્મમર્મભર્યા છપ્પા રચ્યા છે, જે વાંચવામાં બહુ આનંદ પડે છે.
સંગ્રહના પ્રાક્ કથનમાં રાજેન્દ્ર શાહ આ કાવ્યોને ‘આપણા સમાજની અત્યારની અવસ્થા ઉપર આંગળી ચીંધામણ સમાં’ ગણાવે છે .‘અખાની પરંપરાને જાળવીને’ કવિએ કરેલાં હાસ્યકટાક્ષનો ઉપયોગનો ઉલ્લેખ કરીને કવિના આ સર્જન અંગે રાજેન્દ્ર શાહ એક મહત્ત્વનો મુદ્દો નોંધે છે: ‘એમણે પ્રતિકાવ્ય(પૅરડિ)નો આશ્રય લીધો નથી. આ એમનું મૌલિક પ્રદાન છે.’
કવિએ અંત્યાનુપ્રાસ સાથેની ત્રણ-ત્રણ પંક્તિનું એકમ સ્વીકાર્યું છે. દરેક અંગમાં આવાં પાંચ એકમ છે. પચીસ અંગોમાંથી કેટલાંક અંગોનું, આ લખનારને સહુથી ચોટદાર જણાયેલું, પ્રાસયુક્ત ત્રિપંક્તિ એકમ અહીં ટાંક્યું છે, જે તેના વિષય અને કવિની ઝાંખી આપશે.
અક્ષર અંગ
એક હસ્તનું એવું ચેન,       કાગળ દેખી પકડે પેન,
પેન મહીંથી દદડે શાહી,     એને અક્ષર ગમતો ચાહી,
ટીપાં એમ સૌ ટોળે વળે,     પછી હસ્તને આખો ગળે
આચાર્ય અંગ
ઑફિસ મધ્ય બિરાજે જંત, સકલ આચરે એવો ખંત,
નીજનું પોત ન જુએ લગીર, પરનાં ધોવા નીકળ્યો ચીર
મુખથી વહેતો સૂક્તિ ધોધ, હૃદય મહીં ક્યાં કરવી શોધ
અધ્યાપક અંગ
ઘોષ ઠાલવી ખિસ્સું ભરે, વર્ષ પછી એમ વર્ષો સરે,
વર્ગે એમ આવે ને જાય, એક વખત કંઈ ગોથું ખાય,
થોથું પડ્યું ને ઊડે પાન, ગાઇડ મહીં ત્યાં બૂડે જ્ઞાન !
વિદ્યાર્થી અંગ
ભણવું નામે ઊઘડ્યો દેશ, વસ્તીનો તોટો ન્હૈ લેશ;
માંહોમાંહે બકતા હોડ :         ‘પુસ્તકિયા દુનિયાને છોડ’.
થોડાં વર્ગે ઝાહા બહાર, વિદ્યાર્થી કોણ ઊતર્યું પાર ?
કલાકાર અંગ
એક જીવ આ ભમતો ફરે, ચિત્ત એનું તો ક્યહીં ન ઠરે :
કલા કાજ લીધો અવતાર, હું છું એનો તારણહાર’.
પતંગિયાને ફૂલ નહિ એક, રંગ રંગ પર ઊડણ-ઠેક.
તંત્રી અંગ
થઈ બેઠો મોટો તંત્રી :        ‘હું સહુનો સાચો સંત્રી’.
ખટ્ટ ખટાખટ બોલે યંત્ર, રોલર-કૂખથી પ્રસવે મંત્ર,
ફાવે તે લખવાની છૂટ,        સોયનાકેથી કાઢે ઊંટ.
પ્રકાશક અંગ
અક્ષરની દુનિયાનો દેવ, અક્ષર પાડ્યાની ક્યાં ટેવ?
અક્ષરનાં થોથાં એ કરે, થોથાંથી તો હાટ જ ભરે,
લખનારો ત્યાં આવે જાય, મંદિરમાં જ્યમ જન ઉભરાય.
સેવક અંગ
એક જીવના એવા ઢંગ,  કાચિંડો જ્યમ બદલે રંગ,
રંગ બદલતો મન હરખાય,  ના કોઈનાથી એ પરખાય,
’સેવક સેવક’ સહુ કો કહે, મનથી ઝાઝું તન લહલહે.
ડૉક્ટર અંગ
વસંત દર્દોની લહેરાય,  હરખ વૈદ્યનો ખિસ્સે માય !
’મડદાં ચીર્યાં એ ભૂતકાળ’,   તબીબ વિચાર છે તત્કાળ:
’પ્રગતિ સાચી તો જ ગણાય,    જો જીવતાંને ચીરતો થાય.’
રાજકારણી અંગ
કંજ-કાનને ભમતો ફરે,        ભૃં ભૃં કરતો ડોઝું ભરે,
ઘડીમાં અહીં તો ઘડીમાં તહીં, મર્કટને તરુ નિજનું નહીં,
દિશા બદલતી ડુગડુગી વાય, ગુલાંટ ખાતો એ ગમ ધાય.
પ્રધાન અંગ
એક ઈસમનો અક્કડ વેશ,     ખુરશી દેખી ઢીલો ઘેંશ,
’ખુરશી મા ને ખુરશી બાપ’,    રૂંવે રૂંવે એ જપતો જાપ,
પહોંચ્યો ખુરશીની જ્યાં કને   માણસ મટીને મતીરું બને.
નગર અંગ
ઝાઝાં રસ્તા ઝાઝાં ધામ, ધામથી ઝાઝાં માણસરામ,
માણસરામની હડિયાદોટ, પગને ક્યાં પગલાંની ખોટ ?
ખોટ હોય તો કેવળ એક, પચી’ કલાકનો દિન ના છેક !
વિવેચક અંગ
એક જંતનો એવો તંત:        વાંચું તેનો આણું અંત’.
ઘૂમે કાગળિયે મેદાન,         વ્યંઢળ ને વળી કાઢી જાન !
કલમ સબોડે પાડે ત્રાડ, ખીલીથી ખોતરવો પ્હાડ !
નીજ અંગ
ધીરુ પરીખ છે મારું નામ, અક્ષર સાથે પાડું કામ,
કામ કામથી કાગળ ભરું,  જળ વિનાની સરિતા તરું,
અક્ષર નામે લખતો ઘણું, પ્રગટે જો કંઈ પોતાપણું !
અહીં ટાંકેલાં પંદર અંગો ઉપરાંતના અંગો છે : વિદ્યા, ક્રાન્તિકાર, શહીદ, માણસ, વ્યક્તિત્વ, સત્તા, વેપારી, લોકશાહી, ખુશામદ અને રૂપિયા.
બધા વિષયોના બધા છપ્પા જામે જ છે એવું નથી. ક્યારેક વિષય બરાબર ઉપસતો નથી, તો ક્યારેક ભાષાકર્મની કૃતકતા જણાય છે.
પણ આપણા એક તત્ત્વચિંતક, તેજસ્વી અને છતાં હસતા કવિના પગલે ચાલીને, હાસ્ય-કટાક્ષ સાધવો, અને તે ય પદ્યમાં – એ મોટો પડકાર છે. ધીરુભાઈએ તે ઝીલ્યો છે.
તેમના છપ્પા પ્રાસ સાથે, હસતા-હસતા આપણને આપણી આસપાસના પાત્રો સાથે, સાંપ્રત સાથે જોડે છે.
ગુજરાતી સાહિત્યપરિષદના પરિસરમાં આવેલ ‘ગ્રંથવિહાર’ પુસ્તકભંડારના ઉદ્દઘાટનદિને 2014ની ગાંધી જયંતીએ મળેલું આઠ રૂપિયાની કિંમતનું આ નાનકડું પુસ્તક મારા પુસ્તકસંગ્રહની અમૂલ્ય જણસ છે.
09 મે 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર
 


 તેઓ પ્રસ્તાવનામાં કહે છે : ‘આ પુસ્તકનું ધ્યેય સ્તનપાન – બ્રેસ્ટફીડીંગના ઇતિહાસ, સંસ્કૃતિ, શરીરવિજ્ઞાન અને રાજકારણને રસપ્રદ રીતે મૂકવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે માનવજાતના અસ્તિત્વમાં ધાવણની મહત્તાને સ્ત્રીઓ ખુદ સમજતી થાય. સ્તનપાન એ ગુલામી કે બંધન નહીં, પણ સ્ત્રીત્વ અને માતૃત્વ બંનેનું અગત્યનું અંગ છે.’
તેઓ પ્રસ્તાવનામાં કહે છે : ‘આ પુસ્તકનું ધ્યેય સ્તનપાન – બ્રેસ્ટફીડીંગના ઇતિહાસ, સંસ્કૃતિ, શરીરવિજ્ઞાન અને રાજકારણને રસપ્રદ રીતે મૂકવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે માનવજાતના અસ્તિત્વમાં ધાવણની મહત્તાને સ્ત્રીઓ ખુદ સમજતી થાય. સ્તનપાન એ ગુલામી કે બંધન નહીં, પણ સ્ત્રીત્વ અને માતૃત્વ બંનેનું અગત્યનું અંગ છે.’